વિકટ અને દોહ્યલું જીવન જીવતાં સમડી. 🐦 ફરી કુદરતના ખોળે🐦
(Non-Fiction)🐦લેખક: જગત કીનખાબવાલા (સ્પેરો મેન)

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

04/06/2021

🐦 ફરી કુદરતના ખોળે🐦
(Non-Fiction)

લેખક: જગત કીનખાબવાલા (સ્પેરો મેન)
https://www.facebook.com/jagat.kinkhabwala

વિકટ અને દોહ્યલું જીવન જીવતાં સમડી

જેવા મોટા અને બીજા પક્ષીઓ નિત્યક્રમ પ્રમાણે દસમાં માળે ઓફિસ ગયો. ચોખ્ખી હવા માટે બારી ખોલી અને અચાનક સામેની બાજુ બીજા ટાવરમાં નવમાં માળે એક બંધ બારી ઉપર ધ્યાન ગયું કે જ્યાં કશુંક પડ્યું હતું. પ્રયત્ન કર્યો પણ ૩૦ ફૂટ દૂર ચોખ્ખું દેખાઈ નહોતું રહ્યું. નવા બિલ્ડિંગમાં આવું શું હશે તેમ વિચારીને મોબાઈલ કેમેરાથી જોયું તો ત્યાં એક સમડી અને બે બચ્ચા હતા. ત્યાં એક પ્લાસ્ટિક, પાતળા તાર, ગાભા અને થોડી સળીઓ વગેરે પાથરી આરસીસીની પાળી ઉપર કચરો ભેગો કરી એક માળો સમડીએ બનાવ્યો હતો અને ત્યાં બેસી સમડી બચ્ચાને ખવડાવી રહી હતી, બચ્ચાને સાચવી રહી હતી. કેટલી જોખમી જગ્યા અને કેટલો જોખમી માળો બનાવ્યો છે? શું એક બે ઈંડા રગડી પડ્યા હશે અને બાકીના બચ્યા હશે, જેમાંથી બચ્ચા જન્મ્યાં? હૃદયમાં તીવ્ર ઝાટકો લાગ્યો, ભય પેદા થયો, આઘાત લાગ્યો અને મગજ કામ કરતુ બંધ થઇ જાય તેવી અનુભૂતિ થઇ. કેમ આવી જોખમી અને અકુદરતી જગ્યાએ કચરામાંથી માળો બનાવ્યો, કંઈક કેટલા નિરુત્તર પ્રશ્નો ઉદ્ભવ્યા! જે બચ્ચાં જન્મ્યાં છે તેમને આસપાસના કોન્ક્રીટ જંગલમાંથી તેનાં માબાપ કુદરતમાંથી કયો ખોરાક અને ક્યાંથી લાવીને આપી શકે તે એક બહુ મોટો પ્રશ્ન છે. હજુ આગળ ઉપર તેઓ કેવી રીતે જીવશે તેવો ભય સતાવી રહ્યો છે. તેમને ખોરાકમાં જોઈતા બીજા નાના જીવ ક્યાંથી મળશે, પીવાને પાણી ક્યાંથી મળશે, માળો બાંધવાની જગ્યા અને ડાળીઓ તેમજ તણખલાં ક્યાંથી મળશે કે પછી અહીં તેમનો વંશવેલો સમેટાઈ જશે ? શું અહીં પહેલાં સો વર્ષ જૂનો વડલો હશે અને આસપાસ બહુ બધા વૃક્ષ, પાણીનું નાનું તળાવ હશે, અહીં બહુ બધા પક્ષીની વસાહત અને નાના જનાવર રહેતાં હશે! માટે તેમના બચી ગયેલા વંશજ અહીં રહ્યા છે અને જીવવાનો પ્રયત્ન કરી રહ્યા હશે તે માનવાને અહીં તેમનું અહીં હોવું એ એક મોટું કારણ છે. તેમનું ભવિષ્ય ધૂંધળું દેખાઈ રહ્યું છે. આ વિષયને વિસ્તૃત રીતે વિચારવામાં આવે તો સમજીએ કે જે રીતે શહેરીકરણ થઈ રહ્યું છે, જે રીતે કોંક્રીટના જંગલો ઉભા થઇ રહ્યાં છે તે સંજોગોમાં વૃક્ષો કપાતા જાય છે અને આખી જીવસૃષ્ટિ છે તેમાં અફડાતફડી થઇ રહી છે. માણસજાતની માલિકીની પૃથ્વી હોય તેવી રીતે અંધાધૂંધ વિકાસ થઈ રહ્યો છે અને બાકીના બધા જીવો માટે પાયાની જરૂરરયાત ખોરવાઈ જઈ રહી છે. આશરે એકસો દસ વર્ષથી ઔદ્યોગિક ક્રાંતિ શરૂ થઇ ત્યારથી ધીરે ધીરે ભૌતિકવાદ મોટા પાયે વધતો ગયો છે, માનવીની વસ્તી વધતી જઈ રહી છે અને તેના કારણે કોન્ક્રીટના જંગલોમાં લોકોની જીવનશૈલી અને ભાગાદોડી ભરી જિંદગીમાં બધું ઝડપથી બદલાઈ રહ્યું છે. કૉન્ક્રીટના મોટાપાયે જંગલો ઉભાં થઈ રહ્યાં છે અને રોજેરોજ નવા બની રહેલા મકાનોમાં તેમજ કોઈપણ જાતના ડિઝાઇન/ વિકાસ/ ડેવલપમેન્ટમાં બાકીની જીવસૃષ્ટિ માટે કોઈ વ્યવસ્થા હોતી નથી અને જે કોઈ થોડા ઘણાં વૃક્ષો અને શહેરી પક્ષીઓ બચયા છે તે પણ કપાતા જાય છે અને તેઓનું જીવવું અશક્ય બનતું જઈ રહ્યું છે. દરેક મકાનની ડિઝાઇન ફક્ત પોતાને શું ગમશે અને પોતાને શું જોઈએ છે તે ધ્યાનમાં રાખીને બનેલી હોય છે. તેમાં બીજા કોઈ જીવ માટે કયારેય કોઈ વ્યવસ્થા હોતી નથી, જે હતી તેને નષ્ટ કરી રહ્યા છીએ અને ચારેકોર આડેધડ બધા કૉન્ક્રીટ જંગલ ઊભાં થઈ રહ્યાં છે તેમજ વધી રહ્યા છે જેને માણસ વિકાસ કહે છે. પક્ષીનો માળો એ તેના જીવન ચક્રને ચલાવવા માટેનું એક બહુ અગત્યનો ભાગ છે અને છે. જ્યારથી મેં "ચકલી બચાવો" / "સેવ ધ સ્પેરો" વિષય ઉપર કામ શરૂ કર્યું ત્યારથી મારો અનુભવ રહ્યો છે કે પક્ષીનો માળો બાંધવાની જગ્યા એ આજે એક બહુ મોટી વિકટ સમસ્યા છે અને દિવસે દિવસે તે સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. જ્યારે ચકલી બચાવો ઝુંબેશ ચાલુ કરી ત્યારે તે વખતે ફક્ત ચકલીને માળો બનાવતાં નથી આવડતું અને તેના માટે આધુનિક આર્કિટેક્ચરમાં કોઇ વ્યવસ્થા નથી માટે આપણે ચકલીના માળા બનાવ્યા. પરંતુ અનુભવે આટલા વર્ષે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ફક્ત ચકલીને માટે નહિ પરંતુ દરેક પક્ષી માટે માળાનો પ્રશ્ન દિવસે દિવસે વધારે ને વધારે વિકટ બનતો જઈ રહ્યો છે. ચકલી માટે મૂકેલા માળામાં અનુભવ રહેલો છે કે તે માળા ઉત્તરોત્તર બ્રાહ્મણી કાબર, કોમન કાબર,બુલબુલ, દૈયડ, દેવ ચકલી જેવા ઘણાં બધા પક્ષીઓ ચકલીનો માળો પોતાને ઈંડા મુકવા લઇ રહ્યા છે. માળો બનાવવા માટે યોગ્ય જગ્યા કે તેના માટેનું ઘાસફૂસ, ડાળીઓ વગેરે ન મળતાં તેઓ ચકલીનો માળો લઇ તેમાં પોતાનો માળો બનાવી દે છે. અહીં એક વિકટ સમસ્યા ઉભી થાય છે. ચકલી માટે બનાવેલા માળાનું અંદર અવર જવર માટેનો દરવાજો/ એન્ટ્રન્સ એ કાબર માટે ઘણું નાનું હોય છે. તે ચકલી અને તેની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બનાવેલો છે. તેમાં કાબર જેવું મોટું પક્ષી કે મેગપાઈ રોબિન જેવાં પક્ષી જ્યારે એમાં મારો પોતાનો માળો અંદર ઘાસફૂસ ભરી અને બનાવી લે ત્યારે તેને નિયમિત અંદર જવા આવવા માટે, તેમજ ઈંડાંને સેવવા માટે અને ત્યાર બાદ બચ્ચાંને નિયમીત રીતે ખોરાક આપવા માટે, બચ્ચાને હૂંફ આપવા માટે તેમજ બચ્ચાની સલામતી માટે તેઓએ અંદર બહાર જવું આવવું જરુરી છે અને તેઓની અવરજવર સતત ચાલુ હોય છે. આ સતત ચાલુ રહેતી અવરજવરમાં જો તેઓ વારેવારે તેઓ શરીરને સંકોચીને નાના કાણાંમાંથી/ દરવાજામાંથી જવા આવવાનો પ્રયત્ન કરે તો તેના શરીરને કે પાંખોને નુકસાન પણ થઈ શકે છે, જે તેમના માટે જોખમી પરિસ્થિતિ ઉભી થાય છે. સહુથી પહેલી વખતે જ્યારે બીજા પક્ષીને ચકલીનો માળો લીધેલો જોયો ત્યારે અચરજ થયું અને આનંદ પણ થયો કે ચાલો માળો કોઇ બીજા પક્ષીને પણ ઉપયોગમાં આવ્યો પરંતુ તેના વિષે વ્યાપક રીતે વિચાર કરો તો ખ્યાલ આવે છે કે ના આ તો એક આગળ ઉપર ઉભી થઇ રહેલી બહુ અઘરી અને કપરી પરિસ્થિતિ છે. અનુભવે જોતા એવું લાગે કે ઘણા બધા પક્ષીઓ ચકલીના માળાને પોતાનો માળો બનાવી રહ્યા છે પરંતુ તે વાત થઈ નાનાં પક્ષીઓની. કેટલાંક પક્ષીઓને કે જેને ચકલીનો માળો મળી શક્યો નથી તેમનો વિચાર કરો કે તેઓ ઈંડાં ત્યાં મૂકતા હશે અને તેઓના ઈંડા કેટલા સફળ થઈ શકતા હશે! ગરમીની શરૂઆત થાય અને ચોમાસું બેસે ત્યાં સુધીમાં પક્ષીઓને ઈંડા મૂકવાની ઋતુ હોય છે એટલે કે સંપૂર્ણ રીતે ખુબ જ આકરી ગરમી હોય તેવા સમયે તેઓ ઈંડા મૂકે છે. આવી ધગધગતી ગરમીમાં તેઓએ કોઇપણ જગ્યાએ જો ઈંડા મૂકી દેવા પડે તો તે ઈંડા સફળ થવાનું કેટલું અઘરું બની જાય છે. ભૌતિક વિકાસની સાથે માનવી એવું માનવા મંડ્યો છે કે આ પૃથ્વીના માલીક માનવી છે અને બીજા બધા જીવથી પર છે, બીજા જીવ નું અસ્તિત્વ ન હોય તો કોઈ ફરક નહિ પડે અને પોતાની મોજ માટે ફરવા જઈ પશુ પક્ષી જોઈ આવવાના. આવા સંજોગોમાં બહુ બધા પક્ષીપક્ષી અત્યાર સુધીમાં નામશેષ થઈ ગયાં છે અને હવે બાકી બચી ગયેલા પણ ઝડપથી નામશેષ થઈ રહ્યાં છે. ક્લાઇમેટ ચેઇન્જના જે નવા પ્રશ્નો માનવજાતે ઊભા કર્યા છે તે કારણે વિવિધ પ્રકારના બાકીના જીવ માટે પણ ઘણા બધા પ્રશ્નો સ્વાભાવિક રીતે થઈ પણ રહ્યા છે અને તેમાં માનવીએ કરેલા વિકાસનો બહુ મોટો ફાળો છે. કુદરતે દરેક જીવને ચોક્કસ કારણસર અહીં મોકલેલા છે અને તેમના અસ્તિત્વ વિના આખી જીવશ્રુષ્ટીની શૃંખલા તૂટી ગઈ છે અને હવે બહુ ભયાવહ પરિણામ માનવજાત ભોગવી રહી છે, સ્વકેન્દ્રીત અને સ્વાર્થ માણસ જાતનો ભોગ લેશે પણ તે પહેલા માણસજાતના કારણે બીજા જીવ નામશેષ થઇ રહ્યા છે.

(વિડિઓ: લેખક જગત કીનખાબવાલા)
આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ.
સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો
Love – Learn – Conserve

✍🏼

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •