“વિશ્વપર્યાવરણ દિન” ની ઉજવણી સાચા દિલથી પર્યાવરણવાદી બની કરીએ
શિલ્પા શાહ, Director incharge & Associate professor, HKBBA college

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર


કદાચ આપણને સર્વને એ વિદિત હશે જ કે ૧૯૭૨માં 5મી જૂને સ્ટોકહોમ ખાતે સમગ્ર વિશ્વના પ્રતિનિધિઓ પર્યાવરણની જાળવણી માટે કટિબદ્ધ થવા એકઠા થયેલા અને પર્યાવરણની જાળવણી અંગેના માર્ગદર્શનનું જાહેરનામું બહાર પાડેલુ, જેના ભાગરૂપે સંયુક્તરાષ્ટ્રસંઘ દ્વારા પાંચમી જૂનના દિવસને “વિશ્વ પર્યાવરણ દિવસ” એટલે કે “world environment day” તરીકે ઉજવવામાં આવે છે. આમ તો કોઈપણ દિવસની ઉજવણી હોય, ઉત્સવ હોય કે તહેવારનો પ્રસંગ હોય, સાચી ઉજવણી વિષયની ઊંડી સમજણ સાથે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ થાય તો જ ધાર્યુ પરિણામ આપી શકે. હિન્દુસંસ્કૃતિમાં તો તહેવારો અને ઉત્સવોનું અનેરૂ મહત્વ છે જેની પાછળ રૂટિન, કંટાળાજનક કે એકધારી જીવનશૈલીમાંથી બહાર નીકળી જીવનમાં થોડા પરિવર્તન અને આનંદ સાથે ઉત્સાહ વધારવાનો હેતુ તો છે જ સાથે-સાથે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ઉન્નતિનો પણ ઉમદા ઉદ્દેશ રહેલો છે. પશ્ચિમનું બૌદ્ધિક જગત એકસમયે પૂર્વીય જગતના અનેક તહેવારો અને ઉત્સવોને જોઈ મશ્કરી કરતો કે ભારતમાં તો ૩૬૫ દિવસના વર્ષમાં 1660 તહેવારો અને ઉત્સવો મનાવાય છે, અજીબ છે આ લોકો? જ્યારે હવે એ જ પશ્ચિમી જગત ફાધર ડે, મધર ડે, વુમન ડે જેવા હજારથી વધુ સામાન્ય દિવસોની ઉજવણી કરી પૂર્વીય જગતનું અનુકરણ કરતો જોવા મળે છે. પરંતુ મારું અંગત મંતવ્ય એવું છે કે પૂર્વીય જગતના તહેવારો કે પશ્ચિમી જગતના ડે સેલિબ્રેશનને સાચી અને વૈજ્ઞાનિક રીતે સમજવામાં આવે એટલે કે વિષયના ઊંડાણમાં જઈ, તેનું હાર્દ સમજી, આચરણ કરવામાં આવે તો જ તે ઉજવણી ફળદાયક અને આવકાર્ય બની રહે. જેમ કે વિશ્વપર્યાવરણદિનની ઉજવણીનો એક ગર્ભિત હેતુ એવું છે કે લોકોના માનસપટ પર પર્યાવરણ અંગેની જાગૃતિ વધે, લોકો પર્યાવરણ સુરક્ષા અંગેના કાર્યમાં અંતઃકરણપૂર્વક ભાગીદાર બને અને આ પૃથ્વીને રહેવાલાયક અને ખુશખુશાલ બનાવવામાં યથાયોગ્ય ફાળો આપે. યુએનના એન્વાયરમેન્ટલ પ્રોગ્રામના chief scientist ડોક્ટર જિયાન લ્યુ જણાવે છે કે મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચે સંતુલન બગડી રહ્યું છે જેના કારણે અનેક કુદરતી આપત્તિઓની સંખ્યા અને તીવ્રતા દર વર્ષે વધી રહી છે. મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચેનું અસંતુલન જ અનેક બીમારીઓ, રોગો અને આપત્તિઓ પાછળનો મૂળભૂત જવાબદાર કારણ છે. સંશોધનકર્તાઓએ સ્વીકાર્યું છે કે વાયુપ્રદુષણનો કોરોનાના મૃત્યુદર સાથે સીધો સંબંધ છે. દુનિયાની અનેક પ્રતિષ્ઠિત સંસ્થાઓના રિસર્ચથી એ સ્પષ્ટ થયું છે કે જ્યાં વાયુ પ્રદુષણ વધુ છે ત્યાં કોરોના વાયરસ જીવલેણ રહ્યો છે. અમેરિકા, ચીન, ઇટાલી જેવા દેશોમાં સૌથી વધુ પ્રદૂષિત હવાએ કોરોના મૃત્યુદરમાં વધારો કર્યો છે. ભારતમાં પણ મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ, અમદાવાદ, પુણે જેવા વધુ વાયુપ્રદુષણ ધરાવતા રાજ્યોમાં કોરોનાના કેસ વધુ નોંધાયા છે. ટૂંકમાં પ્રદૂષણમાં ઘટાડો થાય અને પર્યાવરણ શુદ્ધ અને સ્વાસ્થવર્ધક બને તેવા કોઈ કાર્યો વિશ્વપર્યાવરણ દિન નિમિત્તે. આપણા સૌ દ્વારા જો થઈ શકે તો મને લાગે છે આવા દિવસની ઉજવણી યથાર્થ થઈ કહેવાય. પર્યાવરણ દિનની વૈજ્ઞાનિક ઉજવણી કરતાં પહેલા એ જાણવું પડે કે પર્યાવરણ કોને કહેવાય? પર્યાવરણની સમતુલા એટલે શું? અસમતુલાના લક્ષણો કયા છે? એટલે કે અસમતુલાને ઓળખવી પડે અને ત્યારબાદ એ અસમતુલા દૂર કરવા આપણે શું કરી શકીએ તે અંગે વિચારવું જોઈએ. પર્યાવરણ એટલે પરિ+આવરણ, “પરિ” એટલે આસપાસનું અને “આવરણ” એટલે આચ્છાદન. આમ આપણી આજુબાજુનું વાતાવરણ એટલે પર્યાવરણ, જે સમગ્ર જીવસૃષ્ટિ એટલે મનુષ્યજગત, પ્રાણીજગત(પશુ-પક્ષી) અને વનસ્પતિજગતનું સંયોજન છે. પર્યાવરણ સમગ્ર જીવસૃષ્ટિના અસ્તિત્વનું એક અગત્યનું ઘટક કે પરિબળ છે. એ જો સમતુલામાં હોય તો સમગ્ર જીવસૃષ્ટિ “પ્રોબ્લેમ ફ્રી લાઈફ” જીવી શકે. વળી પર્યાવરણ કે જીવસૃષ્ટિના તમામ તત્વો એકબીજા સાથે સંકળાયેલા છે જેથી એકને ખલેલ પહોંચાડી બીજું તત્વ કદી સ્વસ્થ રહી શકે નહીં, એ દૃષ્ટિએ મનુષ્યજગતની સુખ-શાંતિ માટે પ્રાણીજગત અને વનસ્પતિજગત તેમજ તમામની જીવાદોરી સમાન જળતત્વની પર્યાપ્તતા આવશ્યક છે. જીવસૃષ્ટિ કે પર્યાવરણના કોઈપણ તત્વોમાં વધારો કે ઘટાડો થાય ત્યારે સમસ્યા સર્જાય. જેમ કે જમીનનો 10 ટકા ભાગ બરફ છવાયેલો છે, જે વાતાવરણીય ગરમી વધતા ઓગળવા માંડે તો સમુદ્રની સપાટી વધે એટલે કે પૃથ્વી પર પાણી વધે અને રહેવાલાયક જમીન ઘટે, એ જ રીતે જો વૃક્ષોની સંખ્યા ઘટે એટલે કે વનસ્પતિજગતમાં અસમતુલા સર્જાય તો જમીનનું ધોવાણ વધે, તાપમાન વધે, વરસાદ ઘટે, ઓક્સિજન ઘટે અને કાર્બન ડાયોક્સાઇડમાં વધારો થાય. જે ફરી પર્યાવરણના તાપમાનમાં અનેકગણો વધારો કરી મૂકે અને આ રીતે એક vicious સાઈકલ અવિરત ચાલ્યા કરે. હાલની અતિશય પ્રદૂષણની પરિસ્થિતિમાં અનેક વનસ્પતિઓ, જળસૃષ્ટિ, પ્રાણી-પક્ષીઓ નષ્ટ થવા માંડ્યા છે. જે સર્વનું અસ્તિત્વ મનુષ્યસૃષ્ટિના અસ્તિત્વ માટે આવશ્યક છે. પરંતુ કમનસીબે આપણે આપણા સ્વાર્થથી આગળ કશું જોઈ જ શકતા નથી. જેમ હમણાં જ વાયરલ થયેલા સમાચાર અનુસાર પોતાના નિજાનંદ માટે કે પછી ઈશ્વરજાણે બીજા કયા કારણસર કોઈએ ગર્ભવતી હાથણીને અનાનસમાં ફટાકડા ભરી ખવડાવી દીધું, આ સ્તરનું અજ્ઞાન કે વિકૃતિ વચ્ચે પર્યાવરણીય સમતુલા જેવી ગંભીર બાબતની ચર્ચા પણ ક્યારેક “ભેંસ આગળ ભાગવત” જેવી લાગે છે. ખેર પર્યાવરણનો અર્થ સમજ્યા પછી તેની સમતુલા કોને કહેવાય અથવા અસમતુલા હાલમાં કેવા પ્રકારની જોવા મળે છે, તેની લાક્ષણિકતા તપાસીએ.
૧) સમગ્ર જીવસૃષ્ટિના અસ્તિત્વ તેમ જ વૃદ્ધિ માટે અતિ આવશ્યક પરિબળ એટલે પાણી કે જેના શક્તિદાયક તત્વો સરળતાથી શરીરના અંગોને સક્રિય રહેવામાં મદદરૂપ છે. જેના વગર જીવસૃષ્ટિનું અસ્તિત્વ જ શક્ય નથી. તેવું જળતત્વ દિવસે-ને-દિવસે ઓછું અને દૂષિત થઈ રહ્યું છે. ભૂગર્ભજળનું સ્તર નીચે ઉતરી રહ્યું છે. ૨) આપણને ખાવા માટે અને અસ્તિત્વ ટકાવવા માટે ભોજન જોઈએ, પરંતુ દુનિયામાં માટીના ખાતરનું પડ ઝડપથી સંકોચાતું જાય છે.
૩) આપણને શ્વાસ લેવા સ્વચ્છ હવા જોઈએ, જે મળવી મુશ્કેલ બની રહી છે. ઊલટું વાયુપ્રદુષણ એટલા જોખમી સ્તરે પહોંચ્યુ છે કે અનેક રોગો અને આપત્તિઓનો સામનો સમગ્ર જીવસૃષ્ટિ કરી રહી છે.
૪) વૃક્ષોની સંખ્યા ચિંતાજનક રીતે વિકાસના નામે ઘટી રહી છે. જેથી ઓક્સિજનનું પ્રમાણ ઘટી રહ્યું છે અને કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ જોખમી બની રહ્યું છે.
૫) વૃક્ષોના અભાવમાં જમીનનું ધોવાણ વધી રહ્યું છે, વરસાદ અનિયમિત બની રહ્યો છે.
આ તમામ પર્યાવરણીય અસમતુલા દર્શાવે છે. જેની સમતુલા માટે દરેક દ્વારા સંયુક્તપણે પ્રયત્નો હાથ ધરવા જોઈએ. મને અંગતપણે એવું લાગે છે કે કોઈપણ અપેક્ષા અન્ય લોકો પાસે રાખતા પહેલા વ્યક્તિગત રીતે જેટલું થઈ શકે તેટલું કરી છૂટવું જોઈએ, જેમ કે
૧) પાણીનો બગાડ સદંતર રોકવો જોઈએ. પાણીની જરૂરિયાત ઘટાડવી જોઈએ. શુદ્ધતા માટે જરૂરી હોય તેનાથી વધુ પાણી વાપરવાને પાપ સમજવું જોઈએ.
૨) આજની દુનિયાની જીવનશૈલી જોતા દુનિયાને પોતાની એક વર્ષની જરૂરિયાત પૂરી કરવા ૧.૭૫ ધરતી ની જરૂર છે, તેવું પર્યાવરણશાસ્ત્રી સીમા જાવેદ જણાવે છે. અમેરિકા જેવી જીવનશૈલી જો બધાની થઈ જાય તો જમીનની જરૂરીયાત 1.75 માંથી પાંચ થઈ જાય, પરંતુ જો તે ભારત જેવી બને તો ૦.૭ ધરતીમાં બધાનું કામ ચાલી શકે. ટૂંકમાં જરૂરિયાતો ઘટાડી, સાદુ જીવન જીવવું, બચાવ કરવો, પ્રકૃતિના તત્વોનો બગાડ અટકાવો, જેવી ભારતીય ધાર્મિક પરંપરાઓ પર્યાવરણીય સમતુલા જાળવવામાં ઘણી ઉપયોગી છે.
૩) દર વર્ષે ધરતી પર જળ અને વનસ્પતિનું જે પુનઃનિર્માણ થાય છે તેનાથી માણસ અનેકગણું વધારે વાપરી નાખે છે. એટલે કે સંશોધન અનુસાર એક જાન્યુઆરીથી લઈ ૩૧ ડિસેમ્બર સુધી જે સંપત્તિ ચાલવી જોઈએ તે ૨૯ જુલાઈએે ખતમ થઇ જાય છે. આમ બાર મહિનાની જરૂરિયાત આપણે છ મહિનામાં વાપરી નાખીએ છીએ, જે ખૂબ જોખમી છે.
૪)વાયુ પ્રદુષણ અટકાવવા સાઇકલનો ઉપયોગ વધારી શકાય અથવા બને એટલો ટુ વ્હીલર કે ફોર વ્હીલરનો ઉપયોગ ઘટાડવાનો પ્રમાણિક પ્રયત્ન કરવો જોઈએ.
૫) વળી મોટી સંખ્યામાં લોકો શાકાહાર તરફ વળે તો પણ પ્રાણીજગતની સમતુલા હાંસલ કરી શકાય. આપણી જમવાની પદ્ધતિ વધુ મોડર્ન બનતી જાય છે, કદાચ તેના કારણે પ્રાણી અને મનુષ્યનો સંબંધ ઝડપથી બગડી રહ્યો છે, જે રોકવું અનિવાર્ય છે.
૬) પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ બને એટલો ઝડપી સદંતર બંધ કરવો અનિવાર્ય છે. પ્લાસ્ટિકનો કચરો સમુદ્રની એસીડીટી વધારી રહ્યો છે, જેનાથી પ્રાકૃતિક સંતુલન બગડી રહ્યું છે, જે સમગ્ર જીવસૃષ્ટિ માટે ઘાતક સાબિત થઈ શકે છે.
૭) આ ઉપરાંત વન્યપ્રાણીઓ અને પ્રાણીજન્ય ઉત્પાદનોની ગેરકાયદેસર તસ્કરી દુનિયાભરમાં વધી રહી છે જેને તાત્કાલિક રોકવી આવશ્યક છે.
૮) અને સૌથી મહત્વનું આપણી આજુ-બાજુ જ્યાં ખુલ્લી જમીન દેખાય ત્યાં વૃક્ષારોપણ કરવું જોઇએ અને તેની યોગ્ય કાળજી લેવી જોઈએ. કેમ કે વૃક્ષ દર વર્ષે ૨૦ કિલો ધૂળ શોષી લે છે. એક વૃક્ષ આશરે ૭૦૦ કિલો ઓક્સિજનનું ઉત્સર્જન કરે છે. એક વૃક્ષ દરવર્ષે ૨૦ ટન કાર્બન ડાયોકસાઈડ શોષી લે છે. આપણે જાણીએ છીએ કે ગરમીમાં વૃક્ષ નીચે ચાર ડિગ્રી તાપમાન ઓછું અનુભવાય છે. એક વૃક્ષ ૮૦ કિલો પારો, લિથિયમ, લેડ વગેરે ઝેરી ધાતુઓના મિશ્રણને શોષવાની જબરજસ્ત ક્ષમતા ધરાવે છે. જેના દ્વારા પ્રદૂષણમાં ઘટાડો ઝડપી લાવી શકાય છે. દરવર્ષે એક લાખ ચોરસ મીટર દૂષિત હવા વૃક્ષ ફિલ્ટર કરે છે. ઘરની આજુબાજુ વૃક્ષ અકોસ્ટિક વોલનું કાર્ય કરે છે એટલે ઘોંઘાટ અને ધ્વનિ શોષી લે છે. આ રીતે વૃક્ષ હવા, પાણી અને અવાજનું પ્રદૂષણ રોકવામાં ખુબ ઉપયોગી છે.વિન્કોસીન યુનિવર્સિટીનું સંશોધન જણાવે છે કે ઘરની આજુબાજુ વૃક્ષ તનાવ કે ડિપ્રેશન ઘટાડે છે. કેનેડાના સાઈન્ટિફિક જર્નલ રિપોર્ટ્સ અનુસાર ઘરની પાસે દસ વૃક્ષ હોય તો મનુષ્યજીવન સાતવર્ષ વધે છે. ઇલિનોય યુનિવર્સિટીના રિસર્ચ મુજબ ઘરની આજુબાજુ વૃક્ષ હોવાથી ઊંઘ સારી આવે છે કેમકે વૃક્ષ નિદ્રા લાવવામાં ખૂબ ઉપયોગી છે.
મને લાગે છે આજથી જ ઉપર જણાવેલ ઉપાયો તાત્કાલિક ધોરણે અમલમાં મૂકીને આપણે વ્યક્તિગત ધોરણે વિશ્વપર્યાવરણદિનની વૈજ્ઞાનિક ઉજવણી કરી શકીએ. જે દ્વારા સાચા અર્થમાં સમગ્ર જીવસૃષ્ટિના જીવનમાં સ્વાસ્થ્ય અને ઉત્સાહનું સિંચન કરી ઈશ્વરના ઉત્તમ કાર્યમાં સહભાગી બની શકીએ. સર્વને વિશ્વપર્યાવરણદિનની હાર્દિક શુભકામના.

TejGujarati