“World milk day” ની ઉત્તમ ઉજવણી માત્ર પશુધન માવજત દ્વારા જ થઈ શકે
શિલ્પા શાહ, ડીરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક ભારત મનોરંજન સમાચાર


આજના “world milk day” ના વિશેષ દિવસે અનેક વર્તમાનપત્રો, સોશિયલ મીડિયા કે વેબપોર્ટલ પર તમને દૂધની મહત્તા, ડેરી ઉદ્યોગની અનિવાર્યતા, શ્વેતક્રાંતિ તેમજ વિશ્વના ડેરીઉદ્યોગમાં ભારતનું સ્થાન, આયાત-નિકાસના ડેટા, ડેરીઉદ્યોગની માનવજીવનમાં અગત્યતા, ડેરીબિઝનેસ સાથે જોડાયેલા અનેક લોકોની રોજગારી અને તેમનું જીવનધોરણ વગેરે બાબતો પર જાણવા, વાંચવા કે સાંભળવા મળશે પરંતુ આજના મારા આર્ટીકલમાં હું આમાંની કોઈ જ બાબતને દર્શાવવા માગતી નથી કારણ કે એ બધી માહિતી માત્ર આર્થિક અને સામાજિક ડેટાની જાણકારી આપે છે પરંતુ એના દ્વારા કોઈ પ્રકારનું આત્મનિરીક્ષણ, આત્મસમીક્ષા, આત્મબોધ કે હર્દયપરિવર્તન થઈ શકતું નથી. વળી શું સારું શું ખરાબ કે શું યોગ્ય અને અયોગ્ય અથવા તો આવા વિશિષ્ટ દિને એક મનુષ્ય તરીકે આપણે શું કરવું જોઈએ આપણી શું નૈતિક ફરજ છે તે અંગેની કોઇ બાબત તરફ અંગુલીનિર્દેશ ન થાય તો ડે ઉજવણી અર્થહીન બને એવું મારું માનવું છે.
શ્વેતક્રાંતિ, ડેરીબિઝનેસ, દેશની ઉન્નતિ કે ડેરી બિઝનેસ દ્વારા લોકોના જીવનધોરણ કે તેમની પ્રગતિ કે સામાજિક-આર્થિક ઉન્નતિ તે તમામ ત્યારે જ શક્ય અને પ્રગતિકારક બને જ્યારે તેના મૂળસમાન પશુધન તરફની આપણી સંવેદનશીલતા વધે. તેમની યથાર્થ માવજત કરવામાં આવે, જરૂરી પ્રેમ અને સ્નેહ તેમના તરફ રાખવામાં આવે. માત્ર આર્થિક સ્વાર્થને કારણે પશુઓનું શોષણ કરી પોતાની સ્વાર્થી ઉન્નતિનો ધ્યેય સિદ્ધ કરવામાં ન આવે. પશુધન માવજત, પશુસ્વાસ્થ્ય વિકાસ કે પ્રગતિ સિવાય ડેરી બિઝનેસ સાથે જોડાયેલ કોઇ પણ કુટુંબ, સમાજ, દેશ કે દુનિયાની પ્રગતિ શક્ય નથી એ તો એક સમજદાર વ્યક્તિ તરીકે સમજવું જ રહ્યું
મનુષ્યજીવનમાં દૂધની અગત્યતા અને ડેરી બિઝનેસની વિશ્વમાં જરૂરિયાતને સમજવા અને તે અંગેની જાગૃતતા કેળવવા યુએનના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા 2001માં સૌપ્રથમ વિશ્વ મિલ્ક ડે ઊજવવાની જાહેરાત કરવામાં આવી હતી. દર વર્ષે ૧લી જૂનના દિવસે આ દિવસ મનાવવામાં આવે છે. “world milk day”ની વાત થાય તો સ્વાભાવિક જ ડેરી બીઝનેસની વાત કરવી પડે કારણ કે બંને એકબીજા સાથે જોડાયેલી બાબત છે અને તેનું આર્થિક તેમ જ સામાજિક મહત્વ બિઝનેસડેટા પરથી જાણી શકાય પરંતુ તે મારો આર્ટીકલ લખવાનો હેતુ નથી જેથી તે હું વાંચકોના રસ પર છોડું છું.
એક જમાનો હતો કે જયારે વ્યક્તિની કિમત તેની પાસે રહેલ પૈસા કે ધન-દૌલતથી નહિ પરંતુ સંસ્કાર અને તેની ઉદાત્ત ભાવનાઓથી થતી હતી. નૈતિકતાસભર વેપારધંધા જેવા કે પશુપાલન, ખેતી, શિક્ષણ વગેરેનું સમાજમાં ઉચ્ચ સ્થાન હતું. આપણા ધર્મગ્રંથોમાં પણ ખેતી-પશુપાલન જેવા વેપારધંધાને ખૂબ ઉચ્ચ દરજ્જો પ્રાપ્ત છે કેમકે તેનાથી સમગ્ર સમાજનું કલ્યાણ થાય છે. પરંતુ હવે ખેતરો તૂટવા માંડ્યા છે, ખેતીને અભણ અને નબળા વર્ગનો વેપાર-ધંધો માનવામાં આવે છે. ભણી-ગણી દરેકને ગામડું છોડવું છે અને ખેતરથી દૂર જવું છે. એ પણ સમજણ રહી નથી કે અનાજ વગરનો વિકાસ વ્યક્તિના અસ્તિત્વ સામે કેવો મોટો ખતરો બની શકે? દરેકને માત્ર પૈસો જ દેખાય છે અને કોઈપણ અનૈતિક રસ્તે તે ભેગો કરવામાં મહાનતા લાગે છે. પશુપાલન જેવા પવિત્ર રોજગારને પશુપાલકો માત્ર આર્થિક દ્રષ્ટિએ જોવા માંડ્યા છે, પશુઓને ટંકશાળ સમજી બેઠા છે, તેનું ધ્યાન રાખવું, તેને પ્રેમ કરવો, સેવા કરવી, યોગ્ય ઘાસચારો આપવો વગેરે જેવી બાબતો તરફ ધ્યાન આપ્યા વગર માત્ર અમાનવીય રીતે દૂધ નીચોવી લેવામાં જ રસ ધરાવે છે અને દુ:ખની વાત તો એ છે કે આવું કર્યા બાદ તેઓને ખરાબ કર્યાનો અહેસાસ પણ નથી સતાવતો.
ગાંધીજીના મતે દૂધ એ પુખ્તવયના મનુષ્ય માટે નથી, માત્રને માત્ર નાના બાળકો માટેનો પોષકઆહાર છે. ગાંધીજીના વિચારને જો યોગ્ય સમજણ વગર અનુસરવામાં આવે તો બે પ્રકારની અસર જોવા મળે એક હકારાત્મક અને બીજી નકારાત્મક. હકારાત્મક એ દૃષ્ટિએ કે જ્યારે માત્ર બાળકો પૂરતા દૂધનો ઉપયોગ થાય તો દૂધની માંગ ઘટે જેના કારણે પશુપાલકો વધુ દૂધ મેળવવાના હેતુસર પ્રાણીઓનું જે રીતે અમાનવીય શોષણ કરે છે તે અટકી જાય અને બીજી નેગેટિવ અસર એવી પણ થાય કે માંગ ઘટી જવાથી પશુપાલકોની આવક પર વિપરીત અસર પડી શકે જે કદાચ તેમની આર્થિક પ્રગતિ અને જીવનધોરણ પર માઠી અસર કરે. આમ ગાંધીજીની દૂધનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની સલાહ જો ઊંડી સમજણ વગર સ્વીકારવામાં આવે તો હકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારના પરિણામ આપી શકે.
આધુનિક વિજ્ઞાન અનુસાર દૂધ એક પૂર્ણ આહાર છે. તેનામાં રહેલા અનેક પૌષ્ટિક તત્ત્વો મનુષ્ય જીવનના વિકાસ, અસ્તિત્વ અને સ્વાસ્થ્ય માટે ઉપકારક છે. માનવબાળ જેટલું તેની માતાનું દૂધ પીવે છે તેનાથી અનેકગણું વધારે જીવનપર્યંત ગાય-ભેંસ-બકરી વગેરે પશુઓનું દૂધ પીવે છે એ દૃષ્ટિએ ઋણ ચુકવવાના ભાવ સાથે આ તમામ પશુઓની માવજત થવી જોઈએ. તેમના પ્રતિ માતાતુલ્ય ભાવ હોવો જોઈએ તો જ “world milk day” ની ઉજવણી સાર્થક થઇ કહેવાય. માતાના દૂધનું કર્ઝ ચુકવવા આપણે આજીવન પ્રયત્નશીલ રહીએ છીએ તે જ રીતે જે પશુઓનું દૂધ જીવનપર્યંત આપણને પોષે છે એમનું ઋણ (તેમની યથાર્થ સેવા અને માવજત દ્વારા) ઉતારવાની ભાવના પણ કેળવવી મને તો અનિવાર્ય લાગે છે.
2021નો world milk day theme છે – “sastainibility in dairy sector along with nutrition, empowering the environment and socio-economy’ ને બદલે “love towards animal health and deep sensible care” એવો હોવો જોઈએ એવું મારું અંગત મંતવ્ય છે કેમ કે મનુષ્યજીવન, પ્રકૃતિ કે પર્યાવરણ, પોષણ કે આર્થિક-સામાજીક પ્રગતિ ત્યારે શક્ય બને જ્યારે દૂધ આપનાર પશુઓનું સ્વાસ્થ્ય સુધરે, તેમની કાળજી લેવાય, તેમને પ્રેમ અને સ્નેહ સાથે પોષવામાં આવે કેમ કે આપણી સમગ્રલક્ષી પ્રગતિ તેમના પર જ આધારિત છે. જેથી આપણો અંગત સ્વાર્થ (આવકપ્રાપ્તિ કે દેશ દુનિયાની આર્થિક પ્રગતિ ભલે હોય) પૂર્તિ કરવા માટે પણ પરમાર્થ તરફ ધ્યાન આપવું આવશ્યક છે એ દ્રષ્ટિએ કદાચ શાસ્ત્રોની વાત સાચી છે કે પરમાર્થના હેતુ વગર પોતાનો ઉદ્ધાર કે પ્રગતિ કદી શક્ય બનતી નથી. જે વ્યક્તિ પોતાની ઉન્નતિ કે પ્રગતિ ઈચ્છે છે તેમણે પણ પરમાર્થના ભાવથી કામ કરવું અનિવાર્ય છે.
ઈશ્વરે આપણને મનુષ્યયોની ખુબ ઉત્તમ ઈરાદા સાથે આપી છે, તેણે પોતાનું કલ્યાણ તો કરવાનું જ છે પરંતુ સાથે સાથે શક્ય એટલું વધુ સમગ્ર સમાજનું પણ કલ્યાણ કરી હસ્તે મોઢે ઈશ્વર સન્મુખ થવાનું છે જેથી ઈશ્વરને પણ આનંદ થાય કે મારું બાળક ખુબ લાયક નીકળ્યું. આપણે જયારે સર્વના કલ્યાણમાં નિષ્કામ કર્મ કરવા પ્રેરાઈએ છીએ ત્યારે એક અદ્રશ્ય શક્તિ (દિવ્યશક્તિ–પરમાત્મા) આપણી મદદે અવશ્ય આવે છે અને અશક્યમાં અશક્ય કાર્ય સરળતાથી પાર પડે છે. જરૂર છે માત્ર તેની ઉપરની શ્રદ્ધાની અને કઈક ખરાબ કામ આપણે હાથે થાય નહિ તેની તકેદારી રાખવાની અને જો થાય તો પરમાત્મા દંડ કરશે એવા ડરની. તો આપણ દ્વારા પ્રકૃતિ, પર્યાવરણ અને સમગ્રના સ્વાસ્થ્યનું કોઈ પ્રકારનું અહિત ન થાય તેનું ધ્યાન રાખવાની આજના વિશેષ દિને ચાલો પ્રતિજ્ઞા કરીએ. અને દૂધ જેવા વિશિષ્ટ ગુણો જેવા કે નિર્દોષ, કલ્યાણકારી અને પૌષ્ટિક આપણે પણ પ્રાપ્ત કરીએ.
“World milk day” ના દિવસે ગાય અને તેના દૂધ તેમ જ અન્ય ડેરી ઉત્પાદનોની વાત ન કરીએ તો કંઈક અવશ્ય અધૂરું લાગે. ગાયનું દૂધ વધુ ગુણકારી, પચવામાં હલકુ અને સ્ફૂર્તિ પ્રદાન કરનારું છે. પરંતુ જર્સી ગાયના દૂધ અંગે ઘણા સંશોધનો નકારાત્મક પરિણામો દર્શાવે છે એટલે આપણી દેશી ગાયનું દૂધ કે ગીરની ગાયનું દૂધ ઉત્તમ માનવામાં આવે છે. આવો જોઈએ ગાયની કઈ કઈ વસ્તુઓ વૈજ્ઞાનિક રીતે ઉપયોગી છે. ગાયનું ઘી – શરીર તેમજ વાતાવરણની શુદ્ધિ માટે ઉત્તમ છે. ગાયનું ગોબર એ ઉત્તમ ખાતર છે. ઈટલીના સંશોધન અનુસાર છાણની વાસ માત્રથી તાવ અને મેલેરિયાના જંતુઓ દૂર થાય છે. રશિયાના અભ્યાસ અનુસાર ઘરમાં ગાયના છાણના લીપણથી UV કિરણોથી બચી શકાય છે. છાણને સૂકવીને બાળવાથી ઉત્પન્ન થતો વાયુ ઔષધિ તત્વોથી ભરપૂર છે. ગોબર સ્નાનથી અનેક રોગોથી બચી શકાય છે. ગૌમુત્ર કિટાણુનાશક છે તેનું માલીશ કરવાથી નિરોગી બનાય છે. ગૌ સેવા દ્વારા ભારતમાં સુખ-સમૃદ્ધિ હતી, આજે નથી કારણ કે ગૌહત્યા વધી ગઈ છે. જેની સામે ડેનમાર્ક જેવા દેશો ગૌસેવા અને ગૌસંવર્ધનથી ખૂબ સુખી છે. ગૌહત્યાને હિન્દુધર્મમાં ખૂબ મોટું પાપ માનવામાં આવે છે. જેની પાછળ ઊંડું વિજ્ઞાન રહેલું છે. કતલના સમયે ગાયના ભાંભરવાના અવાજથી ઇન્ફ્રાસોનિક કિરણો પૃથ્વી પર દબાણ ઉત્પન્ન કરે છે તે વધુ પ્રબળ હોય તો ધરતીકંપની શક્યતા વધી જાય છે તેવું ફિઝીક્સના પ્રોફેસર બજાજનું સંશોધન જણાવે છે. જેથી ગૌહત્યાને ધર્મમાં ઘોર પાપ ગણવામાં આવ્યું છે જેથી આવા કાર્યથી લોકો દૂર રહે અને આવનાર તકલીફથી બચી શકે. ગાયની મા તરીકે પૂજા થાય છે. કારણ કે તેની બધી જ વસ્તુઓ ઔષધરૂપ છે. એક અભ્યાસ પ્રમાણે તેને યોગ્ય ચારો આપવામાં ન આવે કે ખોરાક વિષયુક્ત હોય તો પણ અમુક સમય સુધી તે વિષ ગળામાં ભરી રાખે છે. વિષતત્વો તેના દૂધમાં કે અન્ય જગ્યાએ જોવા મળતા નથી. જેથી તેને “મા” કહેવાય છે કેમ કે મા સર્વ દુઃખ ઉપાડીને પણ બાળકોને ઉત્તમ જ આપે છે. હવે વિચારો યોગ્ય ચારો ન આપવા છતાં જો ગાય ઉત્તમ દૂધ આપતી હોય તો એને ઉત્ત્તમ આહાર આપવામાં આવે તો તેની દરેક વસ્તુઓ કેટલી આરોગ્યવર્ધક હોય? તો આવો આજના “world milk day” નિમિત્તે દૂધના મહત્વ સાથે દૂધ આપનાર પશુઓનું પણ મહત્વ સમજીએ અને તેમની યોગ્ય માવજત કરીએ તો જ આજની ઉજવણી સાર્થક બને.

TejGujarati