આહારશિસ્ત અને એકાંતપ્રિયતા – સુખ અને સ્વાસ્થ્યની master key
શિલ્પા શાહ, ડિરેકટર ઇન્ચાર્જ, HKBBA કોલેજ.

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

મનુષ્ય માત્ર જીવનપર્યંત સતત અવિરત સુખની દોડમાં વ્યસ્ત રહે છે અને સ્વાસ્થ્યપ્રાપ્તિની ઈચ્છા રાખે છે. આપણને જો સંપૂર્ણ સ્વાસ્થ્ય અને વાસ્તવિક આનંદની માસ્ટર-કી હાથ લાગી જાય તો આ દોડનો અંત આવી જાય. તંદુરસ્તી અને ખુશી પાછળ જવાબદાર પરિબળોની આપણને જાણકારી નથી અથવા કદાચ ખોટી, અયોગ્ય અને અધૂરી જાણકારી છે, જેના કારણે આપણે જે કરવાનું છે તે કરવાને બદલે વ્યર્થ દિશામાં કાર્યરત છીએ જેથી પસ્તાવા કે અફસોસ સિવાય કંઈ જ હાથમાં આવતું નથી. જે વ્યક્તિ જીવનમાં સુખ અને સ્વાસ્થ્ય ઈચ્છે છે તેણે બે અતિ અગત્યની બાબત તરફ ધ્યાન આપવું અનિવાર્ય છે ૧) આહારશિસ્ત અને ૨) એકાંતપ્રિયતા એટલે “સ્વ” સાથે રહેવાની ઈચ્છા કે પસંદગી. જીવનમાં આ બે બાબતોને કેળવવામાં આવે, સમજવામાં આવે, આચરણમાં મૂકવામાં આવે તો જીવન સ્વાસ્થ્ય અને સુખથી ભરાઈ જાય. પરંતુ આહારશિસ્ત તો નથી જ પણ આપણે તો નોર્મલ ઇવનિંગ વોક કે મોર્નિંગવોક જેવી ક્રિયામાં પણ કંપની ઇચ્છીએ છીએ, જિમમાં કસરત કરવા જવું હોય કે યોગ્ય-ધ્યાનની શિબિર અટેન્ડ કરવી હોય આપણને દરેક જગ્યાએ કંપનીની આવશ્યકતા રહે છે. આમ તો કસરત કરવી, ચાલવું, પ્રકૃતિ નિરીક્ષણ કરવું કે યોગ-ધ્યાનની સાધના એ તો “સ્વ” સાથે રહેવાની વ્યવસ્થા છે. જેમાં ખરેખર કંપનીની આવશ્યકતા ન જ હોવી જોઈએ પરંતુ આપણને એકાંત માટે પણ કંપની જોઈએ છીએ કેવી વિચિત્ર વાત છે? વળી મને તો એ સમજાતું નથી કે “સ્વ” સાથે સમય પસાર કરવા (એકાંતપસંદગી) માટેના પ્રયત્નોમાં કોઈની સહાય કે ધક્કાની જરૂર પડે? અન્યના સાથની અપેક્ષા એ બીજું કાંઈ નહીં પરંતુ એક પ્રકારના લક્ષ્યપ્રાપ્તિ તરફના પ્રયત્નમાં ધક્કાની જ વાત છે. જે મને તો કોઈ રીતે યોગ્ય લાગતી નથી.
આમ તો તંદુરસ્તીનો અર્થ છે તન, મન અને આત્માનું પુષ્ટ હોવું. તંદુરસ્તી માત્ર શરીર સાથે સંકળાયેલી નથી તે મન અને આત્મા સુધીની ઉંડાઇ ધરાવે છે. વળી તન, મન અને આત્મા એ ત્રણે પરિબળમાં સૌથી શક્તિશાળી તત્વ આત્મા છે. જેની તંદુરસ્તી દ્વારા તંદુરસ્ત મનની પ્રાપ્તિ શક્ય બને છે અને તંદુરસ્ત, શક્તિશાળી અને હકારાત્મક મન દ્વારા સંપૂર્ણ શારરિક તંદુરસ્તી શક્ય બને છે. જે વ્યક્તિ સંપૂર્ણ સ્વાસ્થ્ય ઈચ્છે છે તેણે આત્મા તરફ ધ્યાન આપવું આવશ્યક છે એટલે કે “સ્વ”ને સમજવું, “સ્વ”સાથે સમય પસાર કરવો, “સ્વ” ને માણવો, સ્વને પસંદ કરવો આવશ્યક છે. સ્વને સમજવો કે પસંદ કરવાનો અર્થ છે એકાંત કે એકલતાની પસંદગી. જ્યારે આપણે તો આજીવન અન્યને મેળવવા જ દોડ્યા કરીએ છીએ. એકલતા કે એકાંતથી વાસ્તવમાં લોકો ગભરાય છે પરંતુ એકાંત તો સંપૂર્ણ સ્વાસ્થ્ય અને પૂર્ણ ખુશીનો રામબાણ ઈલાજ છે. એકાંત એટલે નામ પ્રમાણે જ “એકમાં સર્વનો અંત”. આમ પણ એ સર્વવિદિત છે કે આપણે સૌ એકલા આવ્યા છીએ અને એકલા જ જવાના છીએ. આવતી વખતે આપણી સાથે કોઈ નહોતું અને જતી વખતે પણ કોઈ સાથે નહિ હોય એ પૂર્વનિર્ધારિત છે. એનો અર્થ એ થયો કે એકલતા કે એકાંત એ સનાતન પ્રાકૃતિક નિયમ છે અને પ્રકૃતિના નિયમ વિરુદ્ધ કોઈ ખુશ કે તંદુરસ્ત રહી શકે નહીં. વાસ્તવમાં જીવનનું સૂક્ષ્મ અવલોકન કરવામાં આવે તો સમજાશે કે જીવનમાં જેટલી સમસ્યા અને દુઃખો સર્જાય છે તે સ્વથી દૂર જવાનું પરિણામ છે અથવા કહો કે અન્યની નજીક જવાનું પરિણામ છે. સંબંધોના નામે તમે જેની નજીક જાવ (પછી ભલે તે મિત્ર હોય, પાડોશી હોય, સગાસબંધી હોય કે સહકર્મી હોય) એ ક્યાંકને ક્યાંક તમારી ખુશી, આનંદ, સુખ માટે અવરોધક બને છે. એનો અર્થ એ થયો કે સ્વથી દૂર થવાને કારણે હંમેશા જીવનમાં તકલીફો અને સમસ્યાઓ વધે છે. એક સંશોધન અનુસાર આપણા વિશે નકારાત્મક લાગણી ધરાવતી વ્યક્તિની નજીક જવાથી આપણા શરીરમાં ૧૫૦૦ WBC. નાશ પામે છે. જે આપણી રોગપ્રતિકારક શક્તિ અને સ્વાસ્થ્ય નક્કી કરતુ મહત્વનું પરિબળ છે. ઘણીવાર કોઈ વ્યક્તિની નજીક રહેવાથી આપણને જે અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે તે વાસ્તવમાં શરીરમાં થતી આવી રાસાયણિક પ્રક્રિયાનું પરિણામ હોય છે. જ્યારે “સ્વ” સાથે રહેવાથી આવું જોખમ નહિવત બને છે કેમ કે વ્યક્તિ પોતાની જાત માટે હંમેશા ખૂબ પોઝિટિવ અને પ્રેમાળ હોય છે. દરેક સૌથી વધુ પ્રેમ પોતાની જાતને જ કરતો હોય છે. “સ્વ” કદી આપણને કોઇ પ્રકારનું નુકસાન પહોંચાડી શકે નહિ.
છતાં તમને જો એકલતા માફક ન જ આવતી હોય તો પ્રકૃતિના વિશિષ્ટ તત્વો જેવા કે ફળ-ફૂલથી લચેલા વૃક્ષો, કિલકિલાટ કરતા પક્ષીઓ, તારાઓથી ભરેલું આકાશ, સૂર્ય-ચંદ્રની વિશિષ્ટ કળાઓ, નદી, પર્વતો, સમુદ્ર વગેરેનું સાનિધ્ય પસંદ કરી શકાય. કેમ કે પ્રકૃતિના આ તમામ તત્વો સંપૂર્ણ પોઝિટિવિટીથી ભરેલા હોય છે. જે આપણામાં પણ પોઝિટિવિટીનો સંચાર કરે છે. કુદરતની ગોદમાં આવા નૈસર્ગિક તત્વો વચ્ચે રહેવાથી આંતરમન વિકસિત થાય છે. આલ્ફા અવસ્થા પ્રાપ્ત થાય છે જે આંતરિક ખુશી અને મનની એક વિશિષ્ટ વ્યવસ્થા છે. ધ્યાન અને યોગ દ્વારા આવી આલ્ફા અવસ્થા જ પ્રાપ્ત કરવાનો હેતુ હોય છે. કોરોનાકાળમાં કદાચ પરમાત્મા આપણને એ જ શીખવી રહ્યો હોય એવું મને લાગે છે. કેમ કે કોરોનાકાળ એકાંતપસંદગીનો કાળ છે. જેમાં “સ્વ” સાથે રહેવાની જ સલાહ આપવામાં આવે છે. પરંતુ આપણને સૌથી વધુ પ્રતિકૂળતા અને તકલીફ “સ્વ” સાથે રહેવામાં થાય છે. કોરોનાના દર્દીઓ સતત ઘરે જવાની, સંબંધીઓને મળવાની, લોકો વચ્ચે પાછા જવાની ઈચ્છા વ્યક્ત કરતા નજરે પડે છે અને ઘણા કિસ્સામાં આવી ઈચ્છાઓ વચ્ચે જ મૃત્યુ પામે છે. જે કોઈ રીતે ઇચ્છવા યોગ્ય નથી. વાસ્તવમાં શરૂઆતથી જ જો બાળકને સ્વની શક્તિ અને સ્વની મહત્તા સમજાવવામાં આવે તો વ્યક્તિ કપરામાં કપરી પરિસ્થિતિમાં પણ માત્ર સ્વ દ્વારા અને સ્વની સાથે રહીને સમસ્યાનું સમાધાન મેળવી શકે. પરંતુ “સ્વ”ના સામર્થ્ય કે મહત્તાને આપણે સમજ્યા જ નથી એટલે તો આપણા સુખ કે આનંદનો આધાર અન્ય પર રહે છે. આપણા કોઈ આપણને પ્રેમ કરે, આપણને સમજે, આપણી ઈચ્છા પ્રમાણે વર્તે વગેરે અપેક્ષાઓ સાથે આપણે સમગ્ર જીવન નિરાશા અને હતાશામાં પસાર કરીએ છીએ અને એ જ પરિસ્થિતિમાં આ દુનિયામાંથી વિદાય લઈએ છીએ. છતાં સમજી શકતા નથી કે સાચી ખુશી તો “સ્વ” સાથે જ છે. વળી શરીરનો (સ્વનો) પોતાની એક હીલિંગ પાવર છે, જેની સાથે દુનિયાની કોઈ ચિકિત્સા પદ્ધતિ બરાબરી કરી શકે તેમ નથી. આમ નેચરલ હિલીંગ થેરાપી પણ સ્વની જ મહત્તા દર્શાવે છે એટલે જ તો સ્વ કે આત્માને પરમાત્માનો અંશ કહે છે.
ટૂંકમાં સ્વ સાથે રહેવું એટલે એકાંતની પસંદગી કે એકાંતપ્રિયતા. એકલતા અને એકાંત એકસરખા લાગતા શબ્દો વાસ્તવમાં ખૂબ ભિન્ન છે. એકલતામાં છટપટાહટ છે જ્યારે એકાંતમાં આરામ છે, એકલતામાં ગભરાહટ છે જ્યારે એકાંતમાં શાંતિ છે. આપણી દોડ જ્યાં સુધી બહારની તરફ છે ત્યાંસુધી એકલતા અનુભવાય છે. એકલતા સજા લાગી શકે પરંતુ એકાંત વાસ્તવમાં પરમાત્માની ઉત્તમ ભેટ કે વરદાન છે જે વ્યક્તિને સ્વ સાથે રહેવાની તક પૂરી પાડે છે. જે વ્યક્તિ સ્વને સમજે છે, સ્વને ઈચ્છે છે, સ્વને પસંદ કરે છે એના માટે જીવનમાં આનંદ જ આનંદ છે. કેમ કે જીવનની યાત્રા એ વાસ્તવમાં એકલતાથી એકાંત તરફ વળવાની વ્યવસ્થા છે. જે યાત્રામાં માર્ગ પણ આપણે છીએ, મુસાફર પણ આપણે અને મંઝિલ પણ આપણે જ છીએ. જો આ સનાતન સત્ય સમજાઈ જાય તો સ્વ સાથે જે આનંદ પ્રાપ્ત થાય તે અવર્ણનીય છે. જે આનંદ લેખકને લખવામાં, ગાયકને ગાવામાં, નૃત્યકારને નૃત્યમાં, વાચકને વાંચવામાં અને રમતવીરને રમતમાં આવે છે તે વાસ્તવમાં સ્વની જ પસંદગીના જ ઉદાહરણ છે અને જ્યાં અનુભવનો વિષય છે જ્યાં શબ્દો સાથ છોડી દે છે.
“સ્વ” સાથે ખુશ એ જ રહી શકે જે તન અને મનથી સાત્વિક હોય અને સાત્વિકતાની યાત્રા શરૂ થાય છે આહારશિસ્તથી. આહારશિસ્તમાં મુખ્યત્વે પાંચ બાબતોનો સમાવેશ કરી શકાય.
૧) શું ખાવું? ૨) કેટલું ખાવું? 3) ક્યારે ખાવું? ૪) કેવી રીતે ખાવું? અને ૫) શું ન ખાવું?
આ પાંચેય પ્રશ્નોના જવાબ જેની પાસે છે તેના માટે સંપૂર્ણ સ્વાસ્થ્ય શક્ય છે જેમ કે શું ખાવું એનો જવાબ છે પૌષ્ટિક આહાર એટલે કે જેમાં મુખ્યત્વે પાંચ તત્વો (કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામિન, મિનરલ્સ અને ચરબી) હોય તેવી વસ્તુ ખાવી ઉત્તમ છે. કેટલું ખાવું એનો જવાબ છે ભૂખ કરતા ઓછું ખાવું કેમ કે “excess in everything is poision” પ્રમાણ અને પરિમિતતા જીવનમાં અતિ આવશ્યક છે. જે સમયે (ઉંમર પ્રમાણે) શરીર જેટલું પચાવી શકે (પુરુષાર્થ અનુસાર) તેટલું જ ખાવું જોઈએ. આયુર્વેદની દ્રષ્ટિએ કુલ ભૂખના ચાર ભાગ કરવા જોઈએ, 50% ખોરાકથી 25% પાણીથી (દાળ, છાશ, જ્યુસ વગેરે) અને ૨૫ ટકા હવા (ઓક્સિજન) થી ભરવા જોઈએ. આ પ્રમાણ પાચનક્રિયા સરળ બનાવે છે. ટૂંકમાં ભૂખ કરતા ઓછું ખાવું જોઈએ, થોડી જગ્યા હવા માટે પણ રાખવી જોઈએ. ઘણા લોકો માત્ર આનંદ માટે કે કંટાળો દૂર કરવા, સિનેમા જોતા જોતા ચિપ્સ જેવી નકામી વસ્તુ આરોગતા હોય છે જે ખતરનાક છે. વળી ભૂખ ન હોય તો આહારને તિલાંજલિ આપવી જોઈએ. ભૂખ વગર ખાવું અતિ જોખમી છે. શરીર ટકાવવા થોડું તો ખાવું જ પડે, આટલું તો ખાવું જ જોઈએ, વસ્તુ ફેકવી ના પડે એટલે ખાઈ જવી વગેરે સ્વાસ્થ્ય માટે અતિ જોખમી છે જે શરીરમાં toxin ની માત્રા વધારે છે, જે જીવનની ખુશી છીનવી લે છે. વળી ઉપવાસ અતિ આવશ્યક છે એ તો સમજવું જ રહ્યું. સંશોધનો જણાવે છે કે ઉપવાસ ageing slow કરે છે. કેમ કે ઉપવાસ દરમિયાન શરીરનો કચરો અને વિષદ્રવ્યો શરીર બહાર ફેંકે છે. અમેરિકન ઇન્સ્ટિટયૂટ ઓફ એજિંગ એ સાબિત કર્યું છે કે ઉપવાસ એક જાતની કસરત છે જે શરીરના મેટાબોલિઝમને ધીમું પાડે છે, શક્તિની બચત કરે છે. જે રોગોને દૂર કરવા ખૂબ ઉપયોગી છે. ઉપવાસ રોગપ્રતિકારક શક્તિ વધારે છે. (પરંતુ ઉપવાસ પણ પ્રમાણસર હોવા જોઈએ, વધુમાં વધુ 15 દિવસે એક ઉપવાસ. કદાચ એટલે જ હિન્દુધર્મમાં એકાદશીની વ્યવસ્થા છે) ટૂંકમાં એ પણ સમજવાની જરૂર છે કે માત્ર ખાવાથી શક્તિ વધતી નથી ભૂખ્યા રહેવાથી પણ શક્તિમા અનેકગણો વધારો થાય છે. ત્યારબાદ ક્યારે ખાવું તો અન્ન દ્વારા મન અને મન દ્વારા સમગ્ર જીવનનું સંચાલન થાય છે. જેથી ઉત્તમ અને આરોગ્યપૂર્ણ જીવન જીવવા માટે ક્યારે ખાવું તે સમજવું આવશ્યક છે. સૂર્યાસ્ત પછી કદી ન ખાવું કેમ કે પાચનશક્તિનો સીધો સંબંધ સૂર્યશક્તિ સાથે છે. ચોવીસ કલાકના કુલ આહારનો મોટો ભાગ (80%) બપોરે ત્રણ વાગ્યા પહેલા લેવો હિતાવહ છે. ત્યારબાદ આવે છે કેવી રીતે ખાવું તો તેનો જવાબ છે ઉતાવળ, અશાંતિ કે દોડતા-ભાગતા કદી ન ખવાય. ખૂબ શાંતિથી પાંચ ઈન્દ્રિયોની મદદથી ખાવું ઉત્તમ છે. (એટલે કે હાથથી સ્પર્શવું (મતલબ છૂરીકાંટાથી કદી ન ખાવું કારણ કે હાથના પંજામાં અકલ્પનીય શક્તિ છે) નાકથી સુંઘવું આંખથી જોવું વગેરે) ઉપરાંત એક કોળીયાને બત્રીસ વાર ચાવવો. આયુર્વેદની દ્રષ્ટિએ એમ કરવાથી તેમાં લાળ ભળે છે જે પચવામાં મદદ કરે છે. કૃતજ્ઞભાવથી ઈશ્વરનું સ્મરણ કરતા-કરતા ખાવું. ટીવી કોમ્પ્યુટર મોબાઈલ વગેરે બંધ કરી ખાવું કેમ કે આવા સાધનો મગજને સક્રિય કરે છે અને મગજ ખૂબ બોજ અને ત્રાસ અનુભવે છે જેથી લોહીનો પુરવઠો પેટને બદલે મગજ તરફ જાય છે અને પાચન અંગેના અનેક પ્રશ્નો ઉદભવે છે. જે અનેક રોગોને આમંત્રણ આપે છે. ઉત્તમ અને પવિત્ર વિચાર સાથે ખાવાનું બનાવવું, રસોઈમાં શુદ્ધતા જાળવવી, રસોઈ માટે ચોક્કસ પ્રકારના વાસણ વાપરવા જેમ કે માટીના વાસણો સૌથી ઉત્તમ છે જેમાં ૯૮ ટકા પોષક તત્ત્વો જળવાઈ રહે છે અને છેલ્લે શું ન ખાવું? તો તેનો જવાબ છે તમારી પ્રકૃતિને માફક ન આવે (એટલે કે પિત્ત, વાત અને કફ પ્રકૃતિ અનુસાર) તેવું કદી ન ખાવું કેમ કે એલર્જીના ઘણા પ્રશ્નો ત્યાંથી જ ઉદભવે છે. વળી જંકફૂડ (જંક એટલે કચરો) કદી ન ખાવું. વિકૃત આહાર સાથે કદી ન લેવો જેમ કે દૂધ સાથે ખાટા ફળો, ડુંગળી દહીં-મૂળો જોખમી છે. એ જ રીતે માંસાહારનો ત્યાગ કરવો કેમ કે મનુષ્યની શરીરરચના જોતા વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સમજાશે કે માંસાહાર કરવો મનુષ્ય માટે યોગ્ય નથી. (આ પાંચ પ્રશ્નો અને બીજું ઘણું વધારે આરોગ્ય વિષે જાણવા માંગતા મિત્રોએ મારું પુસ્તક “આરોગ્ય અને આયુષ્ય” જે amazon પર પ્રાપ્ય છે અને બજારમાં પણ મળે છે તે અવશ્ય વાંચવું કેમ કે આર્ટીકલમાં વિગતે લખવું શક્ય નથી)
ટૂંકમાં આહારશિસ્ત દ્વારા જીવનમાં સમ્યક સમજણ ઉદભવે છે, મન હકારાત્મક અને શક્તિશાળી બને છે, જે દ્વારા સ્વ સાથે રહેવાની ઇચ્છા અને પસંદગી વધે છે. એકાંત તરફ પ્રયાણ થાય છે, જે યાત્રા ખૂબ સુખરૂપ અને આનંદદાયક નીવડે છે. કેમ કે એકાંત એટલે એકમાં સર્વનો અંત. આમ એક તરફ એટલે સ્વ તરફ જતા અન્ય સર્વ પીડાનો અંત આવે છે. જે વાસ્તવમાં સ્વ સિવાયના તત્વો દ્વારા સર્જાઇ હોય છે. આમ આહારશિસ્ત અને એકાંતપ્રિયતા દ્વારા સંપૂર્ણ સ્વાસ્થ્ય અને પૂર્ણ સુખ-શાંતિ, ખુશીની ગેરંટી છે. મારી દ્રષ્ટિએ ઊંડી સમજણ સાથે ખાવું અને એકાંતમાં રહેવું દરેક સમસ્યાનો રામબાણ ઈલાજ છે. આહારશિસ્ત અને એકાંતપ્રિયતા સ્વાસ્થ્યપ્રાપ્તિ અને પૂર્ણ સુખ માટે અનિવાર્ય છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •