અત્યારની પરિસ્થિતિમાં સૌથી વધારે માછલાં સરકાર અને સિસ્ટમ પર ધોવાઈ રહ્યાં છે.પણ અત્યારની દુર્દશા માટે સૌથી વધુ જવાબદાર હોય તો કોરોના વાઈરસ પોતે છે. –
ડો. રઈશ મણિયાર.

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

“અત્યારની પરિસ્થિતિની પ્રજાલોજી”

અત્યારની પરિસ્થિતિમાં સૌથી વધારે માછલાં સરકાર અને સિસ્ટમ પર ધોવાઈ રહ્યાં છે.

પણ અત્યારની દુર્દશા માટે સૌથી વધુ જવાબદાર હોય તો કોરોના વાઈરસ પોતે છે.
– રઈશ મણિયાર
?????
https://m.facebook.com/story.php?story_fbid=10159092539294801&id=579714800&sfnsn=wiwspwa
પ્રથમ વેવ વખતે આપણે સમયસર જાગ્યા, લાંબુ લોકડાઉન ખમી લીધું એટલે આપણી વસ્તી અને ગીચતાના પ્રમાણમાં ખૂબ ઓછો ભોગ આપીને નીકળી ગયા.

સેકંડ વેવે દુર્ભાગ્યે ખૂબ મોટો આવ્યો. એ હરદ્વાર કે બંગાળથી શરૂ થયો એમ કહી શકાય એમ નથી. ભલે ત્યાં ભીડ થઈ એ અનુચિત હતું. અને એ ભીડ ફેલાવો કરવામાં જવાબદાર બની શકે એમ હતું, ટાળી શકાયું હોત. પણ શાંતિથી તપાસી તો ખબર પડે છે આ વેવ એ પહેલા, કોઈ જુદી રીતે ફેલાયો છે. માર્ચ મહિનામાં કોઈને ચોક્ક્સ ખબર નહોતી કે એપ્રિલ આવો આવશે. અત્યારે ડહાપણ ડહોળવું સહેલું છે.

કોરોનાના પહેલા વેવમાં ટ્રમ્પે કોરોનાને ચાઈનીઝ વાઈરસ કહી ચાઈનાને માથે ટોપલો નાખવાની હલકી કોશીશ કરી. આપણે જમાતીઓને દબડાવ્યા. એ જેટલું બાલિશ પ્રોજેક્શન હતું, એવું જ પ્રોજેક્શન અત્યારે સિસ્ટમ સામે આપણે કરી રહ્યા છે.

સિસ્ટમની ખામીઓ હતી, છે (અને કદાચ હજુ થોડી ખામીઓ રહેશે જ) એની સામે એ જુઓ કે આટલા વિશાળ દેશના 137 કરોડ માણસો માટે એક વરસ સુધી રેપિડ એંટિજનની વિનામૂલ્યે વ્યવસ્થા થઈ. રસીકરણનો કાર્યક્ર્મ પ્રજાના અપૂરતા ઉત્સાહ છતાં સારી રીતે ચાલ્યો. (બધા વડીલોએ રસી ન મુકાવી તે ન જ મુકાવી. કેટલાક શિક્ષકો અને પોલિસોએ પણ ન મુકાવી.) ખૂબ રકમ, કેંદ્ર સરકાર તથા બધી જ રાજ્ય સરકારો તરફથી ખર્ચાઈ. ક્યારેક ખોટી જગ્યાએ પણ પૈસા વપરાયા. પણ એકંદરે એક વરસ સુધી બધું નિયંત્રણમાં રહ્યું. અર્થતંત્ર પણ ચાલતું રહ્યું. સરકાર એક હદથી વધુ આર્થિક મદદ ન કરી શકી એ સંજોગોમાં ગરીબ લોકોની ધીરજ ને ટકી રહેવાની શક્તિને પણ સલામ કરવી પડે. માર્ચની શરૂઆતમાં લાગતું હતું કે આપત્તિ ટળી.

કમનસીબે કોરોનાએ ઊથલો માર્યો. આ વખતે બિમારી ખૂબ ઝડપથી ફેલાઈ. વિશ્વના કોઈ પણ દેશમાં તબીબી સેવાઓ, કોઈ પણ સમયે 2 ટકા વ્યક્તિઓ બિમાર રહેશે એવી ગણતરીથી ઊભી કરવામાં આવે છે. નોર્મલ સંજોગોમાં સુરતના ધારો કે 3000 ડોકટરો હોય રોજ એક-સવા લાખ દરદીઓ તપાસી શકે. એમાંથી વધુમાં વધુ 8 થી 10 હજારને દાખલ કરવાની વ્યવસ્થા ( એ માટે નર્સીંગ સ્ટાફ અને પથારી) હોય. એમાંથી માત્ર એક હજારને ઓક્સીજન આપવાની વ્યવસ્થા કરી શકાય અને સામાન્ય સંજોગોમાં શહેરમાં કદાચ 200થી વધુ વેંટીલેટર ન હોય. આ સામાન્ય સંજોગોમાં પૂરતું કહેવાય. (અંદાજિત આંકડા છે) પણ કોઈ બીમારી એવી ફાટી નીકળે કે જરૂરિયાત પાંચ કે દસ ગણી થઈ જાય તો ભલભલી સિસ્ટમ કોલેપ્સ થઈ જાય. આવું યુરોપ અને યુ એસ એમાં પહેલા જ વેવમાં થયું હતું. પણ એ લોકો યોગ્ય પગલાં લઈ ઊભા થઈ ગયા. આપણે ત્યાં બીજા વેવમાં થયું. આપણી વસ્તી વધુ, માંડ ઈકોનોમી પાટે ચડી હતી, એવામાં લોકડાઉન અરાજકતા સર્જી શકે. આ બધા નિર્ણય લેવાય એની ટીકા કરવી સહેલી છે, પણ આ નિર્ણયો લેવા મુશ્કેલ છે.
‘સિસ્ટમ કે સરકારની કોઈ ભૂલ નથી’, એવી ક્લીન ચીટ અપાય એમ નથી. દેખીતી અવ્યવસ્થા છે. પણ એમાં સૌથી વધુ જવાબદાર આ આપત્તિ પોતે છે. કેમ કે એ સરળતાથી નાથી ન શકાય એવા મોટા સ્કેલની છે આટલું કહ્યા પછી આપણે જોઈએ છીએ કે ઝડપથી ઓક્સીજનના પ્લાન્ટ શરૂ થયા. ટેંકરોની હેરફેર શરૂ થઈ. (આવામાં લૂંટનારા અને સ્વાર્થી લોકો તો સક્રિય થાય જ) સેવાભાવી લોકો સુવિધાઓ ઊભી કરવા આગળ આવ્યા. કદાચ દસ પંદર દિવસમાં સ્થિતિ બહેતર થશે.
થોડી ધીરજ રાખીએ. આપત્તિ જેમ આવી એમ જશે. માનસિક ભય કે પેનિકને કારણે સિસ્ટમ પર લોડ ન નાખીએ. તમામ કલેક્ટર-કમિશનર સહુ તેજસ્વી આઈએએસ અધિકારીઓ છે એમને પરિસ્થિતિનું આકલન કરી નિર્ણયો લેવા દઈએ. પક્ષાપક્ષીથી પર થઈ વિચારીએ.
આ સમયમાં સત્તાધારી પક્ષની બેફામ ટીકા કરવી સહેલી છે. સોશિયલ મિડિયા જોઈએ તો અમુક લોકોને તો એમ કરવાની મજા પડી ગઈ હોય એમ લાગે. ટીકામાં તથ્ય હોય તો પણ ટીકા મુદ્દાસર અને માપસરની હોવી જોઈએ. ટીકાઓ દ્વારા અરાજકતા જન્માવવી, સત્તા પક્ષના સમર્થકો માટે “ભગતડાં ક્યાં ગયા?” જેવા અશોભનીય ઉદગારો કરવા એ શોભાસ્પદ નથી. કોઈ અંધ નથી, સહુ જોઈ રહ્યા છે, મૂલવી રહ્યા છે. બોલકાંઓ બોલી રહ્યા છે, બાકીના ચૂપ રહીને જુએ છે. સહુ જોઈ રહ્યા છે. ત્યારે “ક્યાં ગયા?” એ પ્રશ્ન અસ્થાને છે. સરકારે પણ પોતાની સક્રિયતા અને વિશ્વસનીયતા પુરવાર કરવાની જ છે. સરકાર આ પરિસ્થિતિમાં ય મજા લેનારા ટ્રોલરોની ચિંતા તો ન જ કરે, પણ આમજનતાનો વિશ્વાસ ઊઠી ન જાય એનું ચોક્ક્સ ધ્યાન રાખશે. સરકારની ફરજ છે કે હાથ ઊંચા કરી દેવાને બદલે સુચારુ વ્યવસ્થા જલદી સ્થાપે. સ્વજનો ગુમાવી રહેલી પ્રજાની ધીરજની વધુ કસોટી ન થાય. અહંકારમાં રાચતા અમુક રાજકારણીઓ આમાંય ભ્રષ્ટાચાર કે લાગવગને ઉત્તેજન આપતાં હોય તો એમને કાબૂમાં લે. સક્ષમ આઈએએસ અધિકારીઓને કઠપૂતળી બનાવી રાખવાને બદલે એમને સત્તા સોંપે, અને સૌથી છેવાડાના માણસના પ્રાણની રક્ષા માટે પણ પૂરતો પ્રાણવાયુ ભારતની લોકશાહીમાં છે એમ સાબિત કરે.
ફરી એકવાર, અત્યારની દુર્દશા માટે સૌથી વધુ જવાબદાર હોય તો કોરોના વાઈરસ પોતે છે. અને સદભાગ્યે આપણે બહુ યજમાની ન કરીએ તો એનું આયુષ્ય બહુ નથી હોતું. અંધારભર્યા બોગદાંના છેડે પ્રકાશ છે જ, વધુ આહૂતિ આપ્યા વગર આમાંથી નીકળી જઈએ. એ જ અભ્યર્થના..
– રઇસ મણિયાર
?????

“અત્યારની પરિસ્થિતિની પ્રજાલોજી”

TejGujarati