સમ્યગ્ જ્ઞાન
સંયમ કબહી મિલે સસનેહી પ્યારા…
સ્વભાવમાં સ્વરૂપમાં સ્થિરતા એ નિશ્ચય ચારિત્ર છે. આવા ચારિત્રને સાધ્યચારિત્ર કહ્યું છે. અને તેને પ્રાપ્ત કરાવનાર તે સાધન ચારિત્ર છે. એટલે કે વ્યવહાર ચારિત્ર છે.
આ વ્યવહાર ચારિત્રના બે ભેદ છે.
- સર્વ વિરતિ
- દેશ વિરતિ
સાધુ ભગવંત પાળે તે સર્વ વિરતિ
શ્રમણોપાસક શ્રાવકો પાળે તે દેશ વિરતિ.
આપણે ત્યાં પુણીયા શ્રાવકનું સામાયિક જાણીતું છે. પુણીયો શ્રાવક સામાયિકમાં બેસે ને જ્યારે સજઝાય સંદિસાહુ અને સજઝાય કરૂં બોલે તે પછી તેનું ચિત્ત સિદ્ધ ભગવંતના ધ્યાનમાં લીન બની જાય. શરીરથી સંસારમાં , મનથી મુક્તિમાં. પ્રભુ મહાવીરે શ્રીમુખે આ પુણીયા શ્રાવકની પ્રશંસા કરી.
મગધ સમ્રાટ શ્રેણિકનાં નરક નિવારવાના પ્રશ્નના ઉત્તરમાં પ્રભુજીએ આડકતરી રીતે કેવી મહત્વની વાત કરી.
અહિંસા , સુપાત્રદાન અને સામાયિક આ ત્રણ નરક નિવારવાના કારણો છે. સાધનો છે.
શ્રાવકે ઓછામાં ઓછાં જે બે વ્રતો લેવાનાં કહ્યા છે , તેમાં એક પરિગ્રહ પરિમણ વ્રત અને બીજું આ સામાયિક વ્રત. સામાયિક વ્રતનાં પાલનથી તેનો પ્રાણાંતે પણ ભંગ ન થાય તેમ કરવાથી વ્રતની રક્ષા થાય છે. ચારિત્ર ધર્મની દ્રઢતાનું એક દ્રષ્ટાંત ઔપપાતિક સૂત્ર આગમમાં આવે છે. અંબડ પરિવ્રાજકના સાતસો ચેલાની વાત છે.
શ્રી કેશી ગણધર મહારાજે જેવો ઉપકાર રાજા પ્રદેશી ઉપર કર્યો છે. તેવો જ ઉપકાર આ અંબડ પરિવ્રાજક ઉપર કર્યો છે. અંબડ કેશી મહારાજનાં પરિચયમાં આવ્યા. ધર્મોપદેશ સાંભળી સમ્યકત્વનો સ્વીકાર કર્યો. બાર વ્રત લીધા. પુણ્ય હતું તેથી તેમના સાતસો અનુયાયી થયા. તે પણ બારવ્રત ધારી હતા. અણુવ્રતો , ગુણવ્રતો અને શિક્ષાવ્રતોનું પાલન અણિશુદ્ધ કરતા.
એ સાતસો ચેલા એકગામથી બીજે ગામ વિચરતા હતા. એક વખતની વાત છે. ઉનાળાના દિવસો હતા. જેઠ મહિનો , બપોરનો સમય. ગંગા નદીના કાંઠે કંપિલપુર નગરથી પુરિમતાલ નગર જઈ રહ્યા હતા. સાથે પાણી રાખ્યું હતું. થોડે ગયા પછી રસ્તો ભૂલી ગયા. બધા સાથે જ રહ્યા. પાણી સાથે રાખેલું વપરાઈ ગયું. એક તો ઉનાળો , બપોરનો સમય , માથે સૂરજ તપે , થાક લાગેલો , તરસ બહુ લાગેલી. સામે ગંગા બે કાંઠે વહે , નિર્મળ જળ દેખાય. પણ અદત્તાદાન વિરમણ વ્રત છે. જળ છે. પણ કોઈ આવે અને આપે તો જ લેવાય. જાતે ન લેવાય. બપોરનો સમય , ચકલું ન ફરે તો માણસ ક્યાંથી મળે.
આ સાતસો શિષ્યોનો અફર નિર્ધાર હતો. પ્રાણના ભોગે પણ વ્રત પાળવું છે. કોઈ જ ન મળ્યાં અને તરસ જીવલેણ લાગી એટલે બધાં એ સાથે ગંગા નદીના વિશાળ તટ પર ધગધગતી રેતીમાં ठाणेणं माणेणं झाणेणं अप्पाणं वोसिरामि
કરી લીધું.
પ્રભુ મહાવીરને પ્રણામ કર્યા. ગુરુ અંબડને સંભાર્યા. આત્મ સાક્ષીએ મહાવ્રત સ્વીકાર્યા અને શુભભાવથી સમાધિપૂર્વક કાળધર્મ પામી પાંચમા દેવલોકમાં બ્રહ્મલોકમાં દેવ થયાં.
ચારિત્ર ધર્મની દ્રઢતાનું આ કેવું જલવંત ઉદાહરણ છે. પ્રભુના શાસનમાં ચારિત્ર ધર્મ તપો ધર્મથી સંકલિત હોય છે.