કવિ શ્રી દાદા બાપુની અનમોલ રચનાઓ.. – ધર્મેશ કાળા

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો
મમતા રૂવે જેમ વેળુમા વીરડો ફૂટી ગ્યો

છબતો નહીં જેનો ધરતી ઉપર, પગ ત્યાં થીજી ગ્યો,
ડુંગરા જેવો ઉંબરો એણે માંડ રે ઓળંગ્યો

બાંધતી નહીં અંબોડલો બેની, ઇ મર ને છૂટી ગ્યો,
રાહુ બની ઘુંઘટડો મારા ચાંદને ગળી ગ્યો

આંબલીપીપળી ડાળ બોલાવે હે બેના એકવાર હામું જો
અરે ધૂબકા દેતી જે ધરામાં ઈ આરો અણહર્યો

ડગલે ડગલે મારગ એને સો સો ગાઉનો થ્યો
ધારથી હેઠી ઉતરી બેની મારો સૂરજ ડુબી ગ્યો

લૂંટાઈ ગ્યો મારો લાડખજાનો ‘દાદ’ હું જોતો રયો
જાન ગઈ જાણે જાન લઈ હું તો સૂનો માંડવડો

– કવિ દાદ

શિખરો જ્યાં સર કરો ,
ત્યાં કીર્તિ સ્તંભ ખોડી શકો .
પણ ગામને પાદર એક પાળિયો ,
એમને એમ ના ખોડી શકો .
ડરાવી ધમકાવી ઈન્સાનના ,
બે હાથને જોડવી શકો .
પણ ઓલા કેસરીના પંજાને ,
તમે એમ ના જોડવી શકો
કહે દાદ આભમાંથી ખરે ,
એને છીપમાં જીલી શકો
પણ ઓલ્યું આંખમાંથી ખરે ,
એને એમ ના જીલી શકો .

કવિ શ્રી દાદ બાપુ

ભીંતડિયું કેવી તમે ભાઇગશાળી . . .

ભીંતડિયું કેવી તમે ભાઇગશાળી,
ગાર્યું કરે ગોરા હાથવાળી;
ગોપીયું ચીતરી, કાનુડો ચીતર્યો,
ચીતર્યા ગોપ ને ગોવાળી……ભીંતડિયું …

ખરબચડા જેવી તું ઊભી’તી ખોરડે,
અટૂલી ને ઓશિયાળી;
ચૂડિયુંવાળા હાથે છંદાણી તું,
સુખણી થઇ ગઇ સુંવાળી……ભીંતડિયું …

ઘૂંઘટામાંથી બા’રે મોઢાં ન કાઢતી,
ન પેનીયું કોઇએ નિહાળી;
પદમણી તારી દેયું પંપાળે,
હેમ સરીખા હાથવાળી……ભીંતડિયું …

ધોળી તે ધૂળના છાંટા ઊડ્યા જાણે,
તારલે રાત્ય અજવાળી;
ચાંદની જેમ તને ચારે દશ્યુંએ,
ઓળીપો કરીને ઉજાળી……ભીંતડિયું …

પસીનો લૂછતાં ઓઢણી પડી ગઇ,
લજવાણી લાજાળી;
ભાવ ભરેલી એ દેહમાં ભાળી તેં,
રેખાઉં હરિયાળી……ભીંતડિયું …

‘દાદ’ કરમની દીવાલ ઊઘડી,
કોણે નમાવી ડાળી;
જડે ચેતનના પ્રતિબિંબ ઝીલ્યાં ઇ,
વાત્યું છે વીગતાળી…

ભીંતડિયું કેવી તમે ભાઇગશાળી
ગાર્યું કરે ગોરા હાથવાળી.

– કવિ દાદ

*॥ આદ્યશક્તિ મહામાયારુપ ખોડલ ॥*

*( ગીત ચારણી શૈલીનુ )*

ગુણ કથું હું ગાગડડિયાની ,

મે’ર કરી જે મામડિયાની .

ત્રટ હીરણને વાસ તિહારો ,

ધરો ગાજે ત્યાં એકજધારો .

તરવર ફૂલમાં વાસ તિહારો ,

મહેકે વાયુનો મહેકારો .

ઝરણામાં ઝણકાર કરે તું ,

નીરમાં ઘેરા નાદ કરે તું .

વગડામાં વનરાઇ ઘટા તું ,

લાલ ગુલાબી વેલ લતા તું .

તરવરમાં કુંપળીઓ તું છો ,

ફોરમમાં ફાગણીઓ તું છો .

કેસૂડાંની કળીઓ તું છો,

પીળાં પટ આવળીઓ તું છો .

વાયુરુપે વિચરે વનમાં ,

થાનકમાં ઘરમાં થનથનમાં .

ગાજે વરસા નાદ ગગનમાં ,

આહુત જ્વાળા માંય અગનમાં .

જાંપ જપે તો હોય જગનમાં,

લગની હોય તો હોય લગનમાં .

પેઠી તું સ્વર્ગે પાતાળે ,

ભૂવન ત્રણે તું નજરે ભાળે .

સાદ કરે તું આવે સહાઈ,

ધાબળિયાળી આવે ધાઇ.

ક્રોધ ભરી તું નજરું કરતો,

કાળે ય ડગલાં પાછાં ભરતો.

આણ ફરે સુરજ ના ઊગે ,

પંથે તારે કો નવ પૂગે .

ખોડલ તારાં ત્રિશૂળ ખખડે ,

ગિરનારી મૂળમાંથી ગગડે .

દિગપાળોનાં છેડાં છૂટે ,

ટાણાં વિણ મેહૂલીયો ત્રુટે .

વીજળિયુંના થાય લવાકાં ,

જગમાં હોય બધે ઝબકારા .

કોરંભ પીઠાં થાય કડાકાં ,

ભૂમંડળમાં થાય ભડાકા .

શેષાં સર સળવળવાં લાગે ,

લાવારસ ઊકળવા લાગે .

સૂરજ ચાંદો તેજ સમેટે ,

હરિ બ્રહ્મા શિવ ઊતરે હેઠે .

મહેરામણ મરજાદા મૂકે ,

હરિયલ ઠારોઠાર હી હૂકે .

અવળી ચાલે હેય અટંકી ,

બિરદાળી હો જાવછ બંકી .

રીસ ભરેલી ઊતરે રણમાં ,

ક્રોધ ભરી ઊઠે કણકણમાં .

હૈયેથી જો હેત વછૂટે ,

તેને જગમાં કો નવ લૂટે .

મેંર કરે તો કોઇ મરે નહિ ,

ભૂંડા ડગલાં ક્યાંય ભરે નહિ .

વગર જોતું કોઇ વેર કરે નહિ ,

કજિયા કે કંકાસ કરે નહિ .

જીભે ખોડલ ખોડલ જપતાં ,

રામનામનાં થઇ જાય રટતાં .

અંતરથી જાણસ તું આઇ ,

બેઠી થાજે ઝટ તું બાઈ .

ખરે વખત જો ખપ તું ના’વે ,

આઈ બીજા કુણ વારે આવે?

બિરુદ તિહારો કેમ બખાણુ ;

જોણ ઝાઝી વાત ન જાણું`.

કાલા વાલા કરતાં કરતા ,

પળિયે તારે પાયે પડતાં .

કાળે બુદ્ધિ બે`ર કરી છે ,

ભીતરમાં કંઈ લાખ ભરી છે .

હૈયાની હોઠે નવ આવે ,

સક્તી *” દાદલ “* કીં સમજાવે ?

આઠો જામ ભજી લે અંબા ,

જગબંધન છોડે જગદંબા .

પ્રાત ઊઠી જો લાગે પાયે ,

જનમ જનમનાં પાપો જાયે .

કર જોડીલે દાતણ કરતાં ,

ભજીલે ખોડલ ડગલાં ભરતાં .

ઊઠતાં બેસતાં નામ ઉચ્ચારે ,

દુ:ખ દાળીદર સઘળાં ડારે .

ખોડલમાં કરશે ખમકારાં ,

ચિતમાં રહેશે જો ચમકારા .

બની નથી ગઇ માં તું બેરી ,

તારાં બાળકને લે ટેરી .

અમી નજર તારી જો પડશે ,

થોડી ઘડી કાળે ય થરથરશે .

ખોડલ માં તારે ખમકારે ,

શારદ પાછા લેખ સુધારે .

એક ઘડી ના ઊભે અંબા ,

ઝટ આવે વારે જગદંબા .

પંચાણ હોય કે હો પગપાળી ,

ધોડીજે ઝટ ધાબળિયાળી .

ખપ્પર ત્રિશૂળ ખખડાવી ખોડલ ,

અળગો કરી મઢની ઓજલ .

કાઇ હવે વિલંબ ના કરતી ,

ખમા ખમા મુખે ઉચરંતી .

જણ્યાં અપરાધો ભૂલી જાજે ,

અવગુણ જોતી ના તું આજે .

થાનક માંથી બેઠી થાજે ,

અમણા દુ:ખ તું ભાંગે આજે.

*કવિશ્રી :~ દાદ બાપુ ( દાદુ દાન ગઢવીર )*

*( ટેરવા માંથી )*

(દીકરી માટેની રચના)

કવિ શ્રી દાદબાપુની ઉત્તમ રચના..મારા ફળિયાના વડલા કેરી ડાળ હીંચકો હીરલે ભર્યો…

▶️મારા ફળિયાના વડલા કેરી ડાળ હીંચકો હીરલે ભર્યો;
પંખીડા આવી આવીને ઊડી જાય ,એને ટહુકો તારો સાંભર્યો….

?️દીકરી તને વઢવાના ઘણા કોડ , પણ એકેય તે ગુન્હો ના કર્યો;
તારા દુઃખમાં હું થાવ ભાગીદારી પણ તે નિઃશાસો ના એકેય ભર્યો…મારા ફળિયાના…

?️દીકરી તુ તો હસમુખીને હેતાળ , વ્હાલપનો જાણે વીરડો;
તારા ગીતડે મધમધે આખુ ગામ ,ચોરોને પાણી શેરડો …મારા ફળિયાના…

?️દીકરી તારો બાપુ બાપુ કેરો સાદ ,ગૂંજામાં ભરીને રાખીયો;
જ્યારે આવે છે તારી બહુ યાદ,ત્યારે છાનો છાનો ચાખીયો..મારા ફળિયા…

?️દીકરી તે ભાઈના મીઠડા લીધેલા આઠે પહોર , ઈ ટચકાંએ ઓરડો ભર્યો ;
ટચકાં ઉપાડે છે તારો વીર ,એનાથી એકેય ના ઉપડ્યો..મારા ફળિયા…

?️દીકરી તે ગજા ઉપરવટ કીધા કામ , તારા ડીલનો ના તે ધડો કર્યો;
તે તો માંડ રે ઊઘાડી જ્યાં આંખ , ત્યાંતો વરઘોડો તારો આવી ઊભો રહ્યો…મારા ફળિયા….

?️દીકરી તારી એટલી બધી છે ગરવાઈ , કે ગરવો ત્યાં ટૂંકો પડ્યો;
તને સો-સો સલામુ મારા ફૂલ , તારી પાસે ‘દાદ’ નાનો પડ્યો..મારા ફળિયાના …

કવિ શ્રી દાદા બાપુ

મોગલ આવે નવરાત રમવા
કેવા કેવા વેશે માં
કેવા કેવા વેશે
મોગલ આવે નવરાત રમવા
કેવા કેવા વેશે માં
કેવા કેવા વેશે

ઝણણણ ઝણણણ ઝાંઝર ઝણકે
ખણણણ ખણણણ કાંબી માં
ખણણણ ખણણણ કાંબી
હાથે હેમનાં કડાં ઝળુંબે
લટું મોકળી લાંબી માં
લટું મોકળી લાંબી

ઝણણણ ઝણણણ ઝાંઝર ઝણકે
ખણણણ ખણણણ કાંબી માં
ખણણણ ખણણણ કાંબી
હાથે હેમનાં કડાં ઝળુંબે
લટું મોકળી લાંબી માં
લટું મોકળી લાંબી

તું સબને દેખે માતાજી
તું સૌને દેખે માતાજી
તુજને કોઈ ન દેખે
મોગલ આવે નવરાત રમવા
કેવા કેવા વેશે માં
કેવા કેવા વેશે
મોગલ આવે નવરાત રમવા
કેવા કેવા વેશે માં
કેવા કેવા વેશે

ડગલે પગલે કંકુ ઝરતા
મારગ રાતો રાતો માં
મારગ રાતો રાતો
આ ચાંદનીનો ચંદરવો માથે
લીલી કોર લીહરાતો માં
લીલી કોર લીહરાતો

ડગલે પગલે કંકુ ઝરતા
મારગ રાતો રાતો માં
મારગ રાતો રાતો
આ ચાંદનીનો ચંદરવો માથે
લીલી કોર લીહરાતો માં
લીલી કોર લીહરાતો

નવલાખુ ભેળી માં તાલી
નવલાખુ ભેળી માં તાલી
લેશે ને કાંઈ દેશે
મોગલ આવે નવરાત રમવા
કેવા કેવા વેશે માં
કેવા કેવા વેશે
મોગલ આવે નવરાત રમવા
કેવા કેવા વેશે માં
કેવા કેવા વેશે.

કવિ શ્રી દાદ બાપુ

✍?રચના : કવિ દાદ

લોય પીધુ નથી, લોય દીધું છે બાપુની ડેલીયે,
ઘણુંય નોંધ્યા જેવું કીધું છે બાપુની ડેલીયે,

અરે… કોઈના ભાગ્યમાં ક્યાં વિઘોય હતી,
તમારું સાત – બારમાં નામ કીધું છે બાપુની ડેલીયે,

લોય પીધુ નથી……..

આમ ખોવાય એમ પોતે ખોય,
પોતાનું ઉદાહરણ દીધું છે બાપુની ડેલીયે,

લોય પીધુ નથી……..

તમે તો રાત – દિન ઘોર્યા રેતા,
તમારું રાત – દિન રખોપું કીધું છે બાપુની ડેલીયે,

લોય પીધુ નથી……..

*દાદ* કહે ડેલીને આમ ન વગવો,
ઘણું કીધા જેવું કીધું છે બાપુની ડેલીયે,

લોય પીધુ નથી……..

કવિ શ્રી દાદ બાપુ

ધડ ધીંગાણે જેના માથા મસાણે,એનો પાળીયો થઈને પૂજાવું રે,
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું.

ટોચોમા ટાંકણું લઈને ઘડવૈયા, મારે પ્રભુ થઇ નથી પુજાવું,
ધડ ધીંગાણે જેના માથા મસાણે, એનો પાળીયો થઈને પૂજાવું રે.
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું.

હોમ હવન કે જગન જાપથી, મારે નથી પધરાવું.
બેટડે બાપના મોઢા ન ભાળ્યા, એવા કુમળે હાથે ખોડાવું રે.
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું.

પીળા પીતાંબર અને જરકશી જામા, મારે વાઘામાં નથી વીંટળાવું,
કાઢ્યા’તા રંગ જેણે ઝાઝા ધીંગાણે, એવા સિંદુરિયા થઈને ચોપડાવું રે.
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું.

ગોમતીજી કે જમનાજીમાં મારે, નીર ગંગાથી નથી નાવું,
નમતી સાંજે કોઈ નમણી વિજોગણના, ઉના ઉના આંસુડે નાવું રે.
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું.

બંધ મંદિરીયામાં બેસવું નથી મારે વન વગડામાં રે જાવું,
શુરા ને શહીદોના સંગમાં રે મારે ખાંભી થઈને હરખાવું રે.
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું.

કપટી જગતના રે કુડા રે રાગથી ફોગટ નથી રે પુજાવું,
મડદાં બોલે એવા સિંધૂડા રાગમાં શુરોપુરો થઈને હરખાવું રે.
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું.

મોહ ઉપજાવે એવી મૂર્તિમાં રે મારે ચીતરે નથી ચીતરાવું,
રંગ કસુંબીના ઘુંટ્યા હૃદયમાં હવે દાદુળ શું સમજાવું ?
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું.

– કવિ શ્રી દાદ બાપુ

(છંદ ચારણી)
ડુંગરથી દડતી, ઘાટ ઊતરતી, પડતી પડતી આખડતી

આવે ઊછળતી, જરા ન ડરતી, હરતી ફરતી મદઝરતી

કિલકારા કરતી, ડગલાં ભરતી, જાય ગરજતી જોરાળી

હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી
આંકડિયાવાળી, વેલ્ય ઘટાળી, વેલડિયાળી વૃખવાળી

અવળા આંટાળી, જામી જાળી, ભેખડિયાળી ભેવાળી

તેને દઈ તાળી, જાતાં ભાળી, લાખણિયાળી લટકાળી

હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી
જોગંદ જટાળા, ભૂરી લટાળા, ચાલ છટાળા, ચરચાળા

ડણકે ડાઢાળા, સિંહણ બાળા, દસ હાથાળા, દઈ તાળા

મોટા માથાળા, ગ્રજવે ગાળા, હિરણિયાળા હુંકારી

હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી
ગાગડિયાવાળી, માઁ મમતાળી, ખોડલ માડી ખપરાળી

બેઠી ત્યાં બાળી, કાયમ કાળી, જતન કરાળી, જોરાળી

થાનક લઈ થાળી, નિવેદવાળી, માનવ આવે સરધાળી

હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી
ડેડાં ડળવળતાં, ઝૂંડ ઝંબૂળતાં, મઘરા ફરતા મોં ફાડી

જળકૂકડા ચરતાં, બતક વિહરતાં, દાદુર ડહતા દિનદાડી

માછલીયું ટોળાં, કરે કિલોળા, બગલાં બોળા બહુ ભારી

હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી
આંબા આંબલીયું, ઉમ ઉંબરીયું, ખેર ખીજડીયું, બોરડીયું

કેસુડાં ફળિયું, વા ખાખરિયું, હેમની કળીયું, આવળિયું

પૃથ્વી ઊતરીયું સ્વર્ગીય પરીયું, વેલ્યું વળિયું જળ ઢાળી

હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી
રાણ્યું કોળંબા લઈ અવળંબા, જુવે જળંબા જળબંબા

કરી કેશ કલંબા, બિખરી લંબા, જે જગદંબા બન અંબા

*દાદ*લ દિલરંગી, છંદ ત્રિભંગી બની ઉમંગી બિરદાળી

હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી
વર્ષામાં ઘેલી, જોમ ભરેલી, નદી નવેલી નવઢાસી

સહુ નદીયું પહેલી, જાતી વહેલી, સાગરઘેલી ચપલાસી

ઠેબે દઈ ઠેલી, હા, હડસેલી, મારગ મેલી ખરતાળી

હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી
ફળફૂલ ખીલંતા, કોષ કીલંતા, પૂંછ ફીરંતા પચરંગી

થૈ થૈ થનગનતાં, મયૂરા કરતાં, નિત નટખટતાં નવરંગી

ઢેલડીયું ઢુંગા, ચણતી રૂંગા; એવા મૂંગા દૃશ્યવાળી

હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી
ખળખળતાં ઝરણાં, લીલાં તરણાં, ચરતાં હરણાં, ઠેક ભરે

કંઈ શ્વેત સુવર્ણા, નીલં વરણાં કંકુ ચરણાં ફૂલ કરે

મધુકર ગુંજારં, ભાત અઢારં, બની બહારં બૃદવાળી

હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી

– કવિ શ્રી દાદ બાપુ

*ભારતની ભુમિનો મહિમા..*

શબ્દ એક શોધુ , ત્યા સંહિતા નીકળે .

ખોદુ જ્યા કુવો , ત્યા સરીતા નીકળે .

ગજબની તાસીર છે આ ભૂમિની,

કે’ મહાભારત વાવો , અને ગીતા નીકળે .

જનક મહારાજા જેવા આવીને હજીયે હળ હાંકે,

તો આ જમીન માથી સીતા નીકળે .

ભગવાન શ્રીકૂષ્ણના ટહેરવા આવીને ફંફોળે,

તો વાંસળીના ટુકડા સજીતા નીકળે .

હજીયે ધબકે છે લક્ષમણની ક્યાક રેખા ,

કે રાવણો પણ ત્યાથી બીતા – બીતા નીકળે .

અને ગૂરુ દત્ત જેવાની જો ફૂંક જાય લાગી ,

તો ગીરના ધુણાં હજુ પણ ધખ્ખીતા નીકળે,

છે ભોજ અને કવિ કાલી દાસના આ ખંડેરો,

કે સહેજે ખોતરો , ત્યાથી આખી કવિતા નીકળે .

હજીયે અજાણ્યા નગરમા ક્યાક નીકળો ,

તો ઘણા *” દાદ “* ઓળખીતા નિકળે…….

*કવિ :~ દાદ બાપુ (દાદુ દાન ગઢવી )*

TejGujarati