સતત સરકતા સંશયાત્મક સંસારનું અદભુત અને અનંત તત્વ એટલે “સ્વ”
શિલ્પા શાહ ડીરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર


મારી દ્રષ્ટિએ સમગ્ર બ્રહ્માંડમાં અતિ ચમત્કારિક, આશ્ચર્યજનક, વિસ્મયકારક અને સમજવામાં થોડું અઘરું તત્વ એટલે “સંસાર” અને “સ્વ”. બંનેનું સ્વરૂપ ખૂબ અદભૂત, આશ્ચર્યકારક અને ખુબ જ ચમત્કારિક. વળી જે સંસારમાં “સ્વ” રહે છે (એટલે જે સંસારમાં આપણે રહીએ છીએ) તે સંસારના મૂળભૂત સ્વરૂપને ઓળખ્યા વગર જીવનયાત્રા સરળ કેવી રીતે બની શકે. સામાન્ય સંબંધોમાં પણ વ્યક્તિને ઓળખ્યા વગર તેની સાથે રહેવું મુશ્કેલ બનતું હોય છે એ તો આપણે સૌ જાણીએ જ છીએ. જો કોઈ વ્યક્તિ સાથેનું જીવન સુખ-શાંતિમય બનાવવું હોય તો પ્રથમ તે વ્યક્તિને તેના યથાર્થ રૂપમાં ઓળખવી પડતી હોય છે, તેવી જ રીતે જે સંસારમાં આપણે રહીએ છીએ તે સંસારના વાસ્તવિક સ્વરૂપને ઓળખ્યા વગર આપણી યાત્રા સહજ કેવી રીતે બની શકે. જીવનમાં કમ-સે-કમ બે મૂળભૂત તત્વોની ઓળખ આવશ્યક છે. ૧) સંસાર અને ૨) સ્વ.
જે સંસારમાં આપણે જીવીએ છીએ તે સંસારનું સ્વરૂપ અતિ સંશયાત્મક અને પરિવર્તનશીલ છે. કદાચ એટલે જ આ દુનિયામાં સાચું શું અને ખોટું શું એ આજીવન સમજી શકાતું નથી કેમ કે સંસાર એટલે જ સંશય. સંશય એટલે દરેક સેકન્ડે પ્રશ્ન થાય કે શું સાચું અને શું ખોટું, શું યોગ્ય અને શું અયોગ્ય, હું આ કરું કે હું પેલું કરું, મારે આ રોલમાં શું કરવું જોઈએ, સન્માર્ગ કોને કહેવાય અને કુમાર્ગ કોને કહેવાય, મારે શું મેળવવાનું છે અને શું છોડવાનું છે, સુખ એટલે શું અને દુઃખ એટલે શું, અનુકૂળતા કોને કહેવાય અને પ્રતિકૂળતા કોને કહેવાય, આમ દરેક પળેપળ સંશયાત્મક જીવનમાં નિર્ણય લેવા પડતા હોય છે અને કરૂણતા તો એ છે કે આજે જે સમજાયું હોય, યોગ્ય લાગ્યું હોય તે કાલે ખોટું અને અયોગ્ય લાગતું હોય છે. જીવનના સિદ્ધાંતો અને જ્ઞાન સતત બદલાયા કરે છે. નવો સિદ્ધાંત સાચો અને જૂનો સિદ્ધાંત ખોટો લાગે છે. જેમ કે એક સમય હતો કે આપણે માનતાતા કે સૂર્ય ફરે છે અને આજે (ગેલેલિયો દ્વારા સાબિત થયા બાદ) માનીએ છીએ કે સૂર્ય સ્થિર છે પરંતુ પૃથ્વી ફરે છે. સમાજમાં પરંપરા અને સંસ્કારના નામે સમયે-સમયે માન્યતાઓમાં પરિવર્તન આવતું રહે છે, જૂનું ખોટું અને નવું સાચું લાગે છે. આમ મનુષ્યમાત્ર સંશયરૂપી સમુદ્રમાં આજીવન ગોથા ખાયા જ કરે છે.
આપણે જ્ઞાનપ્રાપ્તિ માટે જે ઈન્દ્રિયોનો ઉપયોગ કરીએ છીએ તે આપણને સમયે-સમયે કંઈક જુદું જ બતાવે છે જેમ કે આંખો દેખાડે છે કે સૂર્ય ઊગે છે અને સૂર્ય આથમે છે પરંતુ થોડું વિશિષ્ટ વૈજ્ઞાનિક જ્ઞાન થતાં સમજાય છે કે આપણી આંખો સાચું જોતી નથી કેમ કે સૂર્ય તો સ્થિર છે એવું વિજ્ઞાને સાબિત કર્યું છે. સ્વાદની દૃષ્ટિએ જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરીએ તો પણ સંશય રહે છે કેમ કે જમીનના ટુકડાને (મિટ્ટીને) મોઢામાં મૂકીએ તો કોઈ સ્વાદ આવતો નથી પરંતુ તે જ માટીમાં બીજ નાખી ફળ પ્રાપ્ત કરીએ ત્યારે તેમાં વિભિન્ન સ્વાદ અનુભવાય છે. સ્વાદની દૃષ્ટિએ બીજમાં રસ ગ્રહણ કરવાની એક વિશિષ્ટ તાકાત છે જેમ આમલી ખાટી, મરચા તીખા, શેરડી મીઠી, કારેલા કડવા લાગે છે. પરંતુ વાસ્તવમાં આ તમામ રસ વસ્તુમાં નહીં જમીનમાં છે. જે આપણને માટીને ચાખવાથી અનુભવાતું નથી. સ્વાદ તમામ જમીનમાં જ છે, જે બીજ પોતાની પ્રકૃતિ અને પસંદગી અનુસાર ગ્રહણ કરે છે પરંતુ આપણે જમીનની તાકાત કે સ્વાદને આજીવન સમજી શકતા નથી અને વસ્તુમાં રહેલા વ્યક્તિગત સ્વાદ પાછળ આસક્ત બનીએ છીએ. સમગ્રને સમજી કે પામી શકતા નથી કેમ કે તે સમજવું મનુષ્ય ઇન્દ્રિયોની તાકાત બહારની વાત છે. એ જ રીતે પૃકૃતિમાં રહેલા અનેક તત્વોમાંથી આપણે આપણી પસંદગી અને રસ અનુસાર તત્વ (સત્વ, રજસ, તમસ) ગ્રહણ કરીએ છીએ વળી અન્યના આવા જ તત્વો તરફ રાગ કે દ્વેષ કરી બેસીએ છીએ પરંતુ એ સમજી શકતા નથી કે આ ત્રણે તત્વોનું મિશ્રણ એટલે જ જીવન. રંગની બાબતમાં પણ એવું જ છે. રંગ દ્વારા જ્ઞાનપ્રાપ્તિ કરતી વખતે પણ આપણે જેને વાદળી અને પીળા તરીકે ઓળખીયે છીએ એ જોતજોતામાં સંમિશ્રિત થઇ લાલ બની જાય છે. આમ આપણે જે બે રંગને ઓળખીયે છીએ એ તો કંઈ ત્રીજો જ રંગ ધારણ કરી લે છે. વળી વૈજ્ઞાનિક સંશોધન જણાવે છે કે મૂળભૂત રંગ તો સફેદ જ છે. પરંતુ આપણને આજીવન આંખોથી વિભિન્ન રંગો જ દેખાયા કરે છે, આપણે સતત અવિરત આપણી ભ્રમિત રંગોની દુનિયામાં ખોવાયેલા રહિયે છીએ અથવા કોઈ એક રંગની (વિશિષ્ઠ ઈચ્છા કે કામના) પ્રાપ્તિ માટે પાગલ બનીએ છીએ અને વ્યસ્ત રહીએ છીએ. તેની પ્રાપ્તિ શક્ય ન બનતા દુઃખી થઇ જઈએ છીએ હવે જે છે જ નહિ (એટલે કે આપણો ભ્રમ છે) તે મળે કેવી રીતે? તડકાનો રંગ સફેદ છે પરંતુ તેમાં મેઘધનુષ્યના સાતેય રંગ સમાયેલા છે, જે ઇન્દ્રિયો દ્વારા દેખાતા નથી જેથી આપણે પામી શકતા નથી. ઉપરાંત જ્યારે બ્રહ્મજ્ઞાન થાય કે વાસ્તવિકતા સમજાય ત્યારે આપણે રંગોની દુનિયાને ખોઈ બેસીએ છીએ કેમ કે બધા રંગોની સમજણ સાથે આપોઆપ તમામ રંગો એક સફેદમાં વિલીન થઇ જાય છે કારણ બધા રંગોનું મિશ્રણ તો શુભ્ર રંગ જ છે. આમ સમગ્રની સમજ, ઓળખ અને સ્વીકાર એકમાત્ર સાચી સુખ-શાંતિનો અને યથાર્થ જ્ઞાનપ્રાપ્તિનો માર્ગ છે. કોઈ એક રંગપ્રાપ્તિની ઘેલછા ક્યારેય પરિણામલક્ષી બની શકતી નથી (કેમ કે તેનું કોઈ વાસ્તવિક અસ્તિત્વ છે જ નહિ) કાં તો સમગ્રને સ્વીકારવું પડે અથવા સમગ્રને છોડી દેવું પડે, ત્રીજો (દહીં અને દૂધ બંને સાથે મેળવવાનો) કોઈ રસ્તો નથી, જેમ કે સંબંધોમાં માત્ર પતિપ્રાપ્તિની ઈચ્છા સંભવિત નથી કેમ કે પતિ જ્યારે માતામાં ભળે ત્યારે પુત્ર બની જાય છે, પુત્રમાં ભળે ત્યારે પિતા બની જાય છે, બહેનમાં ભળે ત્યારે ભાઈ બની જાય છે, આમ બે રંગ મિશ્રિત થતાની સાથે ત્રીજો રંગ અસ્તિત્વમાં આવે છે જેની આપણને ઓળખ ન હોવાને કારણે આપણે સતત આપણી કલ્પના પ્રમાણેનો વ્યક્તિગત રંગ ઈચ્છીએ છીએ અને વાસ્તવિકતા સ્વીકાર્ય બનતી નથી વળી આપણે ઇચ્છિત રંગ પણ ખોઈ બેસીએ છીએ. કેમ કે કોઈ એક રંગનું અસ્તિત્વ વાસ્તવમાં છે જ નહી. છતાં જો કોઈ એક રંગને જ પ્રાપ્ત કરવો હોય તો એક માત્ર સફેદ જે સર્વ રંગોનું મિશ્રણ છે, એ દૃષ્ટિએ સર્વને સ્વીકાર્યા વગર સંપૂર્ણની પ્રાપ્તિ અશક્ય છે. પરંતુ આપણે ક્યારેય અન્યને (એટલે પારકાંને) સ્વીકારી શકતા નથી. જેથી સુખ-દુઃખ, હર્ષ-શોક, અનુકૂળતા-પ્રતિકૂળતા અનુભવાય છે. કેમ કે આપણને જે ગમે છે એમાં અનુકૂળતા અને આપણે જેને સ્વીકારી નથી શકતા તેમાં પ્રતિકૂળતા અનુભવાય છે, જે ખૂબ સ્વાભાવિક છે.
આપણા સર્વનો એ અનુભવ છે કે ખૂબ તડકામાંથી રૂમમાં પ્રવેશતા થોડીવાર માટે કશું જ દેખાતું નથી. પરંતુ પહેલેથી ત્યાં બેઠેલા એ જ રૂમમાં કોઈ પુસ્તક સહજતાથી વાંચી શકે છે કેમકે તેને માટે ત્યાં વાંચવા જરૂરી ઉજાસ પ્રાપ્ય છે. રાત્રે આપણને દેખાતું નથી પરંતુ ઘુવડને દેખાય છે. ટૂંકમાં આપણી જોવાની શક્તિ કરતા જ્યાં અધિક પ્રકાશ હોય તે આપણને દેખાતું નથી. આમ અંધારું અને પ્રકાશ બંને ભ્રમ માત્ર છે. પરંતુ આપણે આવું દ્વન્દાત્મક જીવન આજીવન પસાર કરીએ છીએ અને જે છે નહી તેને જોઈ દુઃખી થઈએ છીએ. ટૂંકમાં આ સંસારનું રૂપ જ સંશયાત્મક છે, ક્ષણે-ક્ષણે સંશય છે. જ્યાં જીવનનું જ્ઞાન અને સિદ્ધાંત સતત બદલાતા જાય છે. વળી સંસાર શબ્દ જે સંસ્કૃત શબ્દ પરથી આવ્યો છે એનો અર્થ જ છે “જે સરકતો જાય તે સંસાર” એટલે કે હાથમાંથી રેત જેમ સરકી જાય એટલી ત્વરિત અને સહજ રીતે સંસાર આપણા હાથમાંથી તેની લાક્ષણિકતાને કારણે સરકતો જાય છે અને આપણે અવિરત સંશયાત્મક અવસ્થામાં આવું કેમ થાય છે તે સમજવામાં જ સતત ગોથા ખાયા કરીએ છીએ અને અંતે કશું જ સમજી શકતા નથી કેમ કે આપણે સંસાર કે સ્વના સાચા સ્વરૂપને જાણતાં જ નથી અથવા કહો કે આજીવન જાણવાનો પ્રયત્ન કરતાં જ નથી.
જીવનના તમામ સંશય દૂર કરવા માટે બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ આવશ્યક છે. બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ એટલે સ્વનું સાચું જ્ઞાન. આત્મબોધ એ જ સત્ય જ્ઞાન છે. આત્મા એટલે સ્વ અને જ્ઞાન એટલે બોધ. આમ સ્વની સાચી ઓળખ એ જ બ્રહ્મજ્ઞાન. જેના માટે આધ્યાત્મશાસ્ત્ર એક જ માર્ગ છે. એને આત્મસાત કર્યા વગર સંસાર અને સ્વ અંગેના કોઇ સંશય દૂર થવા શક્ય નથી. આવા અનેક સંશયો એ જ માયા એટલે જ શાસ્ત્રો કહે છે કે સંસાર એક ભ્રમ છે, સંસાર માયા છે જ્યાં જે જેવું દેખાય છે તેવું છે જ નહીં. પરંતુ આપણને શાસ્ત્રોનું આ વિધાન એક ઉખાણા જેવું લાગે છે અને આજીવન આપણે એને એક કોયડા તરીકે ધ્યાન પર લઇ તેનો ઉકેલ મેળવવાનો વ્યર્થ પ્રયન્ત કરીએ છીએ અથવા સમજણ બાહર હોવાથી તેને ઇગ્નોર કરીયે છીએ અને બંને પરિસ્થિતિમાં અમૂલ્ય જીવન બગાડીએ છીએ. વાસ્તવમાં તેને ઉકેલવાનો છે જ નહીં, એને તો સમજવાનો છે. જો સમજાય તો ખબર પડે કે ગૂંચવાયેલું કશું છે જ નહીં, માત્ર ગૂંચવાયેલું દેખાય છે. બ્રહ્મજ્ઞાન થતાની સાથે તે તેના યથાર્થ સ્વરૂપમાં દ્રશ્યમાન થાય છે અને તમામ ગૂંચ એની મેળે આપોઆપ ઉકેલાઈ જાય છે. એના માટે જરૂર છે માત્ર તેને ઓળખવાની એટલે કે “હું કોણ છું” તે જાણવાની અને આ પ્રશ્નના જવાબમાંથી સામાન્ય રીતે શૂન્યની નિષ્પતિ થાય છે (કેમ કે હું જેવું કશું સંસારમાં છે જ નહિ એ તો માત્ર ભ્રમ છે) અને તમામ સંશય અને ગુંચ આપોઆપ ખતમ થઇ જાય છે કેમ કે શૂન્યમાં કોઈ ગુંચ કદાપી હોઈ શકે નહિ.
ટૂંકમાં આવો સતત સરકતો અને સંશયાત્મક સંસાર એ બ્રહ્મસત્ય નથી પરંતુ “સ્વ” એ બ્રહ્મસત્ય છે. જે એકમાત્ર અદભુત અને અનંત તત્વ છે. જેને પામી લેવાથી સંસારના તમામ સંશયો ખતમ થાય છે. તો આવો આવા અદભુત અને અનંત તત્વને ઓળખવાનો અને મેળવવાનો પ્રયત્ન કરીએ કેમકે એ વગર કોઈ તકલીફોનો અંત નથી. કદાચ કોઈને થાય કે સ્વની ઓળખ કરવી કેવી રીતે અથવા સ્વને પામવો કેવી રીતે? તો ખૂબ સરળ રીત છે, જેમ કોઈ વ્યક્તિને ઓળખવા કે પામવા તેની સાથે સંબંધ બાંધવો પડે અને સંબંધ બાંધવા તેની નજીક જવું પડે એ જ રીતે સ્વને પામવા અને ઓળખવા તેની સાથે સંબંધ બાંધવો પડે, તેની નજીક જવું પડે. આપણે આજીવન એ કરી શકતા નથી. વળી આપણા સૌનો એ અનુભવ છે કે કોઈ એક વિશિષ્ટ વસ્તુ કે વ્યક્તિની નજીક જવા સ્વાભાવિક રીતે અન્યથી થોડું દૂર જવું પડતું હોય છે જેમ એક સ્ત્રી પતિને પામવા પિયરના અનેક સંબંધોથી દૂર થાય છે, તે રીતે ઈશ્વરને પામવા સંસારથી દૂર થવું પડે. પરંતુ એ આપણાથી થઈ શકતું નથી અને એટલે જ કદાચ સ્વને પામી શકાતો નથી. આ તો પિયર છોડ્યા વગર પતિ પામવા જેવી વાત છે જે સામાન્ય સંજોગોમાં શક્ય નથી. (કોઈ કદાચ વિચારે કે ઘરજમાઈની વ્યવસ્થા છે જ ને, પરંતુ તમારી પસંદગીની વ્યક્તિ ઘરજમાઈ બનવા તૈયાર ન હોય તો શું થાય?) આમ જુવો તો સમગ્ર બ્રહ્માંડ અને મનુષ્યશરીર રચના કે બનાવટની દ્રષ્ટિએ સમાન છે કેમ કે બંને પંચમહાભૂતમાંથી બનેલા છે. એ દ્રષ્ટિએ સ્વને ઓળખવો સહેલો છે પરંતુ સમગ્ર બ્રહ્માંડને ઓળખવું અશક્ય છે. કારણ કે તે આપણી ઇન્દ્રિયોની શક્તિ બહારની વાત છે. પરંતુ પંચમહાભૂતોની ઓળખની દૃષ્ટિએ બ્રહ્માંડની ઓળખ સ્વની ઓળખ સાથે આપોઆપ થઇ શકે છે. એકવાર મૂળભૂત તત્વની ઓળખ થઇ જતા સ્વને પામવો સરળ બને છે જરૂર છે માત્ર સંસારને મનમાંથી કાઢવાની, જેના માટે કઠિન તપશ્ચર્યા અને અભ્યાસની આવશ્યકતા છે. જે આપણે નથી કરતા એવું નથી પરંતુ વ્યર્થ દિશાનો કરીએ છીએ એટલે કે આપણો તમામ પ્રયન્ત સંસારપ્રાપ્તિનો હોય છે સ્વપ્રાપ્તિનો નહિ. જે સંસારનું મૂળભુત સ્વરૂપ જ સરકતું અને સંશયાત્મક છે તેને પામી પણ કેવી રીતે શકાય? અને જે ખરેખર પામવા યોગ્ય છે, અતિ સ્થિર અને અવિરત છે તે “સ્વ” ને પામવા અંગે તો આપણે કદી વિચાર્યું જ નથી. જે સ્થિર અને સત્ય હોવાથી અવશ્ય પામી શકાય એવું તત્વ છે. જ્યારે અસ્થિર, સરકતું અને સંશયાત્મક તત્વ (સંસાર) જે કદી પામી શકાય એમ છે જ નહીં તેને પામવાનો પ્રયત્ન સફળ કેવી રીતે થઈ શકે? મને લાગે છે આ સનાતન સત્યને સમજવાનો સમય હવે પાકી ગયો છે. એ દિશામાં લોકો અગ્રેસર થાય એવી મારી દિલી ખ્વાઈશ છે, કદાચ એ જ પરમાત્માની ઈચ્છા છે એટલે જ કદાચ આવો આર્ટીકલ લખી શકાયો હશે એવું મારું માનવું છે.

TejGujarati