ભગવાન રામની કથા વિશે એવી ઘણી વાતો છે, જેનો ઉલ્લેખ સામાન્ય રીતે આપણે જાણતા હોતા નથી.- દેવલ શાસ્ત્રી.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

આજે ભગવાન રામનો જન્મદિવસ…
ભગવાન રામની કથા વિશે એવી ઘણી વાતો છે, જેનો ઉલ્લેખ સામાન્ય રીતે આપણે જાણતા હોતા નથી.
ભગવાન રામના પૂર્વજ ઇક્ષ્વાકુનો ઋગ્વેદમાં એકવાર ઉલ્લેખ છે, જે અત્યંત પ્રતાપી રાજા હતાં. એ જ રીતે દશરથ વિશે પણ એક જ વાર ઉલ્લેખ છે. ભગવાન રામનો વિશિષ્ટ પરિચય આપણને રામાયણ તથા મહાભારત દ્વારા જ થયો છે.
રામ શબ્દ તૈતરિય આરણ્યકમાં છે, જેનો અર્થ થાય છે સારો પુત્ર.
ભગવાન રામના ઉલ્લેખ માટે મહાભારત પણ સમજી લઇએ. મહાભારતમાં ત્રણ ચાર જગ્યાએ રામાયણ વર્ણવવામાં આવી છે, જે મૂળ રામાયણ કરતાં થોડી અલગ પણ છે. ભીમ અને હનુમાનજીની વાતોમાં નાનકડી રામાયણ કથા છે, અભિમન્યુના મૃત્યુ પછી યુધિષ્ઠિરને સાંત્વના આપવા ગુરુ દ્રોણ રામકથા કહે છે. ભગવાન કૃષ્ણ એકવાર રામકથા કહે છે. દ્રૌપદીનું હરણ થાય છે ત્યારે માર્કન્ડેય મુનિ યુધિષ્ઠિરને કથા કહે છે. આ કથાઓ મૂળ રામાયણ કરતાં થોડી અલગ છે.
આમ તો રામકથા વિશ્વભરના સાહિત્યમાં છે. ભગવાન રામની કથા અનેક ભાષાઓમાં લખવામાં આવી છે.
ભગવાન રામની કથાઓનો સૌથી સુંદર અભ્યાસ ફાધર કામિલ બુલ્કેએ કરીને ભારતમાં રિસર્ચ પેપર રજૂ કર્યા હતાં. રામકથા પર આધારિત તેમનું પુસ્તક પ્રત્યેક સનાતનીએ વસાવવું જોઈએ. ભગવાન રામ પર આનાથી શ્રેષ્ઠ સંશોધન બીજે ક્યાંય નથી.
મૂળ પૌરાણિક રામકથા પરથી વાલ્મીકિ રામાયણ લખવામાં આવી અને દરેક વિસ્તાર, ભાષાઓ તથા સાહિત્યમર્મીઓએ પોતાના વિસ્તાર, રિતરિવાજો, સમયના પરિવર્તન પ્રમાણે રામકથાઓમા નવા નવા પ્રયોગો કરતાં ગયાં જે છેક વીસમી સદી સુધી ચાલતા ગયા, કદાચ ભવિષ્યમાં નવા સ્વરૂપ પણ જોવા મળે. અસંખ્ય રામકથાઓ લખાઈ હોવાથી અલગ અલગ કથાકનોના રેફરન્સથી પણ નવી રામકથાઓ લખાતી જાય છે. આમ છતાં તમામ રામકથાનો હેતુ માનવજાતને આદર્શ શીખવવાનો છે.
ફાધર કામિલના મતે પંદરમી સદીથી રામકથાઓ યુરોપ જવા લાગી અને રામકથાને વૈશ્વિક સ્વરૂપ મળવા લાગ્યું. સન 1609માં જે. ફેનિચિયોએ લિબ્રો ડા સૈટા પુસ્તકમાં વાલ્મીકિ રામાયણ આધારિત કથા લખી હતી. સત્તરમી સદીમાં એ રોજેરિયુસ નામના પાદરીએ ધ ઓપન દોરે નામના પુસ્તકમાં રામાયણની વાતો લખી હતી. સન 1672માં પી. બલડેયુસે ડચ ભાષામાં રામકથા લખી હતી.
ઓ ડૈયરની હોલેન્ડમાં, ડે ફેરિયાની સ્પેનિસમાં , રલાસિયો ડેસ એરયરની ફ્રેન્ચ ભાષામાં રામકથાઓ પ્રકાશિત થઈ હતી. સોળથી અઢારમી સદી સુધીમાં યુરોપની વિવિધ ભાષાઓમાં જે બી ટાર્નિવિયે, એમ સોનેરા, ડે પોલિયો, બોલે લે ગ્રોઝ, ચીગેનબાલા, વીનજેનજા મરિયા, લેટ્રસ એડિફિયન્ટ, દિઓગા ગોન્સાલ્વેસ જેવા સાહિત્ય પ્રેમીઓએ રામકથાઓ લખી હતી. નોર્થ ઇસ્ટના દેશોમાં તો રામકથાઓ પ્રચલિત પણ હતી અને તેમની સ્થાનિક સંસ્કૃતિ મુજબ કથાકનોમાં પરિવર્તન પણ લાવ્યા હતાં.
ફારસી ભાષામાં તથા ઉર્દૂમાં પણ રામકથા ઉપલબ્ધ છે. ઉર્દુ તો આધુનિક ભાષા હોવાથી છેલ્લા દોઢસો વર્ષમાં લખાયેલી રામકથા ઉપલબ્ધ છે પણ ફારસીમાં જૂની રામકથા મળે છે. અકબરના આદેશ અનુસાર અલ બદાયૂનીએ વાલ્મીકિ રામાયણનો ફારસી અનુવાદ કર્યો હતો. તુલસીદાસ નો સમય એટલે કે જહાઁગીરના સમયમાં ફારસી રામાયણ રામાયણ મસિહી પ્રચલિત થઈ હતી. આ રામાયણ ઉત્તર પ્રદેશના કિરાના ગામના મુલ્લા મસીહે લખી હતી, બાય ધ વે મુલ્લા મસીહે લગભગ પાંચ હજાર છંદમાં હિન્દુ ગ્રંથનું મુસ્લિમ શાસક માટે ફારસી અનુવાદ કર્યો પણ તે ખ્રિસ્તી હતો….
શાહજહાંના સમયે રામાયણ ફૈજી લખવામાં આવી હતી. અને હા, ઉર્દુમાં મુનશી જગન્નાથ ખુશ્તરની રામાયણ ખુશ્તર સૌથી લોકપ્રિય છે.
ભારતના પ્રત્યેક પ્રાંતમાં રામકથાઓ લખવામાં આવી છે, દરેક પ્રાન્તે એકબીજાના રેફરન્સ પણ વાપર્યા છે. તમિલ કંબર રામાયણ અતિ પ્રચલિત છે, તો તેલુગુમાં દ્વિપદ રામાયણ, કન્નડમા તોરબે રામાયણ, આસામની માધવકંદલી રામાયણ, કાશ્મીરમાં રામાવતારચરિત, ઉડીયા રામાયણ, એકનાથજીનું મરાઠી રામાયણ, હિન્દીમાં તુલસીનુ રામચરિત માનસ, શીખોનું ગોવિંદ રામાયણ સહિત અનેક રામકથાઓ સાહિત્યમાં ઉચ્ચ સ્થાન ધરાવે છે. ભારતની હજારો વર્ષની સંસ્કૃતિ, વિવિધતા, મૂલ્યો તથા જીવનપદ્ધતિનો અભ્યાસ કરવો હોય રામકથાઓમા થતા ફેરફારોનો અભ્યાસ કરવો જોઈએ.
અને હા, આપણી ભાષા ગુજરાતી રામકથાઓથી બાકાત રહે? આપણી રામકથાઓની શૈલીમાં કૃષ્ણ કથાઓનો પ્રભાવ રહ્યો છે. અસાઇતના રામલીલાના પદો, પંદરમી સદીમાં ભાલણે રામવિવાહ તથા રામબાલચરિત તથા કર્મણની સીતાહરણ, ભીમની રામલીલા, લાવણ્યસમયની રાવણ મંદોદરી સંવાદ, પ્રેમાનંદનું રણયજ્ઞ હૈય કે હરિદાસનું સીતા વિરહ…અને આધુનિક ગુજરાતીમાં ગિરધરદાસનું રામાયણ સૌથી વધુ લોકપ્રિય છે. ગુજરાતી રામકથાઓમાં સીતાત્યાગ તથા લવકુશની રામની સેના સાથેના યુદ્ધનું સુંદર વર્ણન છે.
ચલો પાછા આપણી વાત, પ્રશ્ન એ થાય કે ભગવાન રામના પૂર્વજ કોણ હતાં? તો એ પણ જાણીએ….
મનુ મહારાજને નવ પુત્રો અને એક પુત્રી, મનુના સૌથી મોટા પુત્ર એટલે ઇક્ષ્વાકુ…. ઇક્ષ્વાકુ એટલે અયોધ્યામાં સૂર્યવંશના પ્રથમ રાજવી…કાલીદાસના રઘુવંશમાં આખો રાજવંશ લખેલ છે. હવે જરા ધ્યાન રાખજો…..
રઘુવંશને પણ સમજી લઇએ. રઘુવંશમાં ભગવાન રામના પૂર્વજો અને વંશજોની કથા કાલીદાસે લખી છે, રઘુનો પુત્ર અજ અત્યંત બહાદુર હતો, તેની પત્ની ઇન્દુમતિ અત્યંત સ્વરૂપવાન અને કોમળ હતી. તેની નાજુકતા અથવા નજાકત પર કાલિદાસે લખ્યું છે કે, ઇન્દુમતી પોતાના બગીચામાં ફરતી હતી અને આકાશમાં વિહરતા નારદની વિણામાંથી એક ફૂલ પડ્યું. આ ફૂલ ઇન્દુમતીને વાગ્યું અને તેનું મૃત્યુ થયું. કોમળતા આનાથી વધારે ન હોઇ શકે….રાજા અજે ખૂબ વિલાપ કર્યો, જળસમાધિ લઈ લીધી…. વિરહની ચરમસીમા આ જ હોઇ શકે…આ વર્ણન મહાકવિ કાલિદાસ જ કરી શકે.
અંતિમ રાજા અગ્નિવર્ણ જે સગર્ભા પત્નીને મૂકીને મૃત્યુ પામ્યો અને કાલિદાસે સસ્પેન્સ મુકી દીધું કે પત્નીના ગર્ભમાં પુત્ર છે કે પુત્રી… કથા ખતમ…. હા, આ કાવ્ય કાલિદાસે લખવું પડે તેમ હતું. શિવપાર્વતીની પ્રણય લીલા વિશે કાલિદાસે વર્ણન કરતાં કોઢ થશે તેવો શ્રાપ મળ્યો અને તે પાપના નિવારણ માટે રઘુવંશ લખવામાં આવ્યું હોવાની માન્યતા છે.
આપણી મૂળ કથા, ઇક્ષ્વાકુનો એક પુત્ર નીમી, નીમીનો પુત્ર મીથીએ મિથિલા રાજ્ય વસાવ્યું.
મનુની પુત્રી એટલે ઇલા, તેનો પુત્ર પુરુરવા… પુરુરવાના વંશમાં નહુષ નામનો રાજા થયો અને તેનો પુત્ર એટલે વિખ્યાત યયાતિ… યયાતિએ પાંચ પુત્રોને રાજ્ય વહેંચી આપ્યું. આ પાંચે પુત્રોના વંશ એટલે યદુ, તુર્વસુ, દ્રુહુ, અનુ અને પુરુ….યદુના વારસદારોના બે ફાંટા પડ્યા…. યાદવો અને હૈહવો…પુરુરવાના વારસદારો ચંદ્રવંશી કહેવાયા…
હવે સમજ્યા સૂર્યવંશી અને ચંદ્રવંશી કૂળો? પેલા દ્રુહુ વંશવાળા અફઘાનિસ્તાન ગયાં, ત્યાં તેમના વંશમાં એક રાજા થયો, જેનું નામ ગાંધાર….
યદુવંશના રાજાઓએ અયોધ્યા જીત્યું, અયોધ્યાનો વારસદાર સાગર (કે સગર) રાજાએ પાછું અયોધ્યા જીત્યું અને કિર્તી પ્રાપ્ત કરી. સાગર પછી દુષ્યંત ગાદી પર આવ્યો.
દુષ્યંતનો પુત્ર એટલે શકુન્તલા ફેમ ભરત… જેના પરથી આ પરાક્રમી ધરતીનું નામ ભારત થયું. ભરતના વંશમાં હસ્તી નામનો રાજા થયો તેણે હસ્તીનાપુર બનાવ્યું.
અયોધ્યાના ભગીરથે ગંગા ઉતારી, તો એ જ વંશમાં દિલીપ, રઘુ, અજ, દશરથ, ભગવાન રામ જેવા વ્યક્તિત્વોએ સૂર્યવંશનું નામ રોશન કર્યું. કોઈ કન્ફ્યુઝન?
ભગવાન રામ વિશે એટલું જ કહેવાય કે રામ અને તેમના આદર્શ એ ભારતના આત્મા છે…..
એક માન્યતા મુજબ જય શ્રીરામનો નારો રામાયણ સિરીયલ પછી પ્રચલિત થયો હતો. સિરિયલ પહેલાં રામ-રામ, જય સિયારામ કે રામચંદ્ર ભગવાનની જયના નારા હતાં. જયશ્રી રામ એ ટેકનોલોજી અને મિડીયાના પ્રભાવ કહી શકાય. આમ છતાં થોડો અભ્યાસ કરીને કન્ફર્મ કરજો, ચાલો આજનું લેશન સમજજો…

લેખન અને સંપાદન
Deval Shastri?

TejGujarati