મગધ રાજ્યની વાત….- દેવલ શાસ્ત્રી.

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક ભારત મનોરંજન સમાચાર

ગતવર્ષે આ જ અરસામાં માર્ચમાં બિહાર હતો, કેટલાક અભ્યાસુ મિત્રો સાથે મગધ અને પાટલીપુત્રનો ઇતિહાસ સમજવાની કોશિષ કરી…. આપણે ઇતિહાસ નહીં સમજીએ તો કોણ આપણી ગાથા ગાશે?
મગધના રાજ્ય વિશે વાત આવે એટલે ચાણક્યના જે આવડે એ ક્વોટ, ચંદ્રગુપ્ત અને અશોક સાથે મહદઅંશે કહાની ખતમ…. આજ પછી ભારતની મહાન ગાથા આસાનીથી ખતમ ન કરતાં….
બનારસના રાજવંશી શિશુનાગે રાજગૃહ નામના નગરને કેપિટલ બનાવીને મગધ રાજ્ય શરૂ કર્યું, શિશુનાગનો વારસદાર એટલે બૌદ્ધ કથાઓનો એક નાયક એવો બિંબિસાર… બિંબિસારનો પુત્ર અજાતશત્રુએ કૌશલ રાજ્યને હરાવ્યું અને મગધ પહેલીવાર નજરમાં આવ્યું… અજાતશત્રુનો પુત્ર એટલે દર્શક…. દર્શકના કેરેક્ટર પરથી ભાસે સ્વપ્નવાસવદત્તા નાટક લખેલું. દર્શકનો પુત્ર ઉદય, આ ઉદયભાઇએ પાટલીપુત્ર મિન્સ પટણાની સ્થાપના કરેલી…. શિશુનાગવંશે લગભગ બસો વર્ષ રાજ્ય કર્યું, મગધને ઠીકઠાક સમૃદ્ધ બનાવ્યું. ભારત પર પહેલીવાર ઇરાનના દરાયસે આ વંશના શાશન સમયે હુમલો કરી પંજાબ સુધી સત્તા સ્થાપી હતી. દરાયસના પુત્ર ઝર્કસીસે ગ્રીસ સાથે યુદ્ધ કર્યું, ત્યારે તેનો સાથ આપવા ભારતના સેનાનીઓ ગયા હતાં. શિશુનાગ વંશનો છેલ્લો રાજા એટલે મહાનન્દિન….
હજી તો શરૂઆત છે, નામો ગોખતા જ રહેજો….પેલા મહાનન્દિને અન્ય સમાજમાં લગ્ન કરેલું, એનો પુત્ર એટલે મહાપદ્મનંદ…. યસ…. પેલા નંદ વંશની અહીંથી શરૂઆત થઈ… કોઈ કન્ફ્યુઝન? નંદવંશને ચાણક્યને કારણે વિલન બનાવી દેવામાં આવ્યા છે પણ નંદવંશમાં નવ રાજાઓએ લગભગ બસો વર્ષ રાજ્ય કર્યું. શું સમજ્યા? જ્ઞાતિવાદ મજબૂત ન હતો. સહુનો આદર હતો…
આ નંદોના સમયે સિકંદર ભારત જીતવા આવેલો પણ પરાક્રમી નંદોની વાત સાંભળી પોરસ પાસે અટકીને પરત વળેલો અને ઈરાનમાં મૃત્યુ પામેલો, એ ય ખાલી હાથ…નંદ રાજાઓના પરાક્રમ જાણ્યા પછી હીરો વિલનની કેટેગરી નક્કી કરવી, બાકી વોટ્સએપ યુનિવર્સિટીની જય હો…
નંદવંશને હટાવી ચાણક્યની મદદથી ચંદ્રગુપ્ત મૌર્ય મગધની સત્તા પર આવ્યો…. આશરે ત્રેવીસસો વર્ષ પહેલાં…..આ વાત વિગતે સમજવી હોય તો મુદ્રારાક્ષસ નાટકનો અભ્યાસ કરવો…. ઓકે?
ચંદ્રગુપ્ત મોર્યના સમયે મગધ રાજ્ય વિકસવા લાગ્યું, સરહદો વધવાની ગંગાકિનારા પરથી સિંધુ કિનારે પહોંચી જવા લાગી. ધીમે ધીમે અફઘાનિસ્તાન થઇને પુત્ર બિંબિસાર સુધી છેક ઇરાન સુધી પહોંચી…
વિદેશી સત્તાઓને હજારો વર્ષથી ભારતનું આકર્ષણ, સિકંદરના સેનાપતિ સેલ્યુકસને ચંદ્રગુપ્તની પ્રગતિ પસંદ ન હતી,સેલ્યુકસ સાથે યુદ્ધ, યુદ્ધમાં હારીને સેલ્યુકસે પંજાબ અફઘાનિસ્તાન જેવા વિસ્તાર ચંદ્રગુપ્તને આપ્યા અને પોતાની પુત્રી સાથે લગ્ન કરાવીને રાજકીય સંબંધ બાંધ્યા. ચંદ્રગુપ્ત સસરાને પાંચસો સાતસો હાથીઓ આપી ખુશ કર્યા, જમાઇઓ કંઈક શીખો…
બિંબિસાર પુત્ર અશોક પોતાના અઠ્ઠાણું નવ્વાણું ભાઇઓની હત્યા કરીને ક્રૂરતાપૂર્વક સત્તા પર આવ્યો. જગજાહેર કલિંગની લડાઈ અને અશોક બદલાયો…. સત્તા ના નિયમો બદલી નાખ્યા, માત્ર પ્રજાના વિકાસ પર તથા શાંતિ અને સમૃદ્ધિ માટે બૌદ્ધ ધર્મને વિશ્વ સમક્ષ મૂક્યો.
અશોક પાસે શું શીખ્યા…. પોતાના દાદાના સત્તા મેળવવા કરેલા ચાણક્યના નિયમો દૂર કરી પ્રજા માટે વારસદારોનો ભોગ આપ્યો. અનેક રાજાઓએ મગધનું આધિપત્ય છોડ્યું પણ કોઇને પરેશાન ન કર્યા. ચીન, શ્રીલંકા, મલેશિયા કે છેક જાપાન સુધી બૌદ્ધ ધર્મ વગર તલવારે ફેલાવી દીધો….
અશોક પછી? બાવીસસો વર્ષ પહેલાં મૌર્ય વંશના પચાસ વર્ષના શાસનમાં સાત આઠ રાજાઓ આવ્યા. ધીમે ધીમે મૌર્ય શાશકો સત્તા પરથી કાબુ ગુમાવવા લાગ્યા હતાં. છેલ્લો મૌર્ય રાજવી બૃહદ્રથની હત્યા કરીને તેનો સેનાપતિ પુષ્પમિત્ર ગાદી પર આવીને શૃંગ વંશની સ્થાપના કરી… લગભગ જે પેટર્નથી ચંદ્રગુપ્ત સત્તા પર આવ્યો એ જ પેટર્નથી બૌદ્ધ વિરોધી પુષ્પમિત્ર રાજા બન્યો. ફરી મગધને પાવરફુલ કર્યું…આ પુષ્પમિત્રના જીવન પરથી માલવિકાગ્નિમિત્ર નાટક લખાયું હતું… જેની સત્તા એની વાહવાહી….
શૃંગ વંશમાં દશ રાજાઓ થયા, ફરી એ જ કહાની… દશમા શૃંગ દેવભૂમિને કણ્વવંશના મંત્રી વસુદેવે ખતમ કરી પોતાની સત્તા બનાવી… કણ્વવંશના ચાર રાજાઓ આવ્યા, પણ જામ્યા નહીં…. મગધની સત્તાનો લગભગ બે હજાર વર્ષ પહેલાં અંત થયો…. મગધ ખતમ થયું…
એમ થોડું ખતમ થવા દેવાય?… ચાલો આપણે ભેગા મળીને પાછું બેઠું કરીએ….
ત્રણસો વર્ષ પછી શ્રીગુપ્ત અને ઘટોત્કચ નાનકડા ગરીબડા મગધ પર રાજ્ય કરતાં, ઘટોત્કચનો પુત્ર, યસ અગેઇન ચંદ્રગુપ્ત સત્તા પર આવ્યો અને ગુપ્તવંશની સ્થાપના કરી. ચંદ્રગુપ્ત લિચ્છવી કન્યા જાજરમાન એવી કુમારદેવી સાથે લગ્ન કર્યાં.
કુમારદેવીનો પતિ ચંદ્રગુપ્ત અને પુત્ર સમુદ્રગુપ્ત…. બંને પરાક્રમી…. ફરી મગધની સરહદો દૂર સુધી વિકસી… સમુદ્રગુપ્તને ત્યાં અશોક ન હતો પણ ચંદ્રગુપ્ત બીજો ગાદી પર આવ્યો… એ પણ પરાક્રમી…. ગુપ્ત સામ્રાજ્યમાં વૈદિક ધર્મ સાથે સ્થાપત્યો અને કલાનો શાનદાર વિકાસ થયો. આ ગુપ્તવંશમાં કુમારગુપ્ત આવ્યો, જેની યશગાથા લોકગીતોમાં લખાતી હતી. કુમારગુપ્ત પછી ચોથી સદીમાં સ્કંદગુપ્ત ગાદી પર આવ્યો. યુદ્ધોમાં ખુવાર થઈ ધીમે ધીમે ગુપ્તવંશની પડતી થવા લાગી હતી…સ્કંદગુપ્ત પછી નરસિંહ ગુપ્ત પછી બુદ્ધ ગુપ્ત સત્તા પર આવ્યા પણ જામ્યા નહીં…. આમ છતાં બસો વર્ષના ગુપ્ત સમયને ભારતનો સુવર્ણયુગ કહી શકાય….
મગધે ભારતની ઓળખ સમગ્ર વિશ્વને સાહિત્ય, સ્થાપત્ય અને સમૃદ્ધિ સાથે કરાવી…વિવિધ કોઇન્સ આપ્યા. શીલાલેખથી મંદિરો સુધી ઓળખ આપી. અસંખ્ય પરાક્રમી રાજાઓ આપ્યા. ભારતના ગૌરવશાળી મગધ રાજ્યને વિશ્વ હેરિટેજ દિવસ પર નમન…

લેખન અને સંપાદન
Deval Shastri?

TejGujarati