પ્રતિભાની પ્રતિમા કંડારતા ઘડવૈયા : શિલ્પશાસ્ત્રી રતિલાલ કાંસોદરિયા* *શંખનાદ : શૈલેશ રાવલ*

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

*પ્રતિભા ની પ્રતિમા કંડારતા ઘડવૈયા : શિલ્પશાસ્ત્રી રતિલાલ કાંસોદરિયા*

*શંખનાદ : શૈલેશ રાવલ*
*9825072718*

ધુંસરી-ધરણ કરવું, દેદો કૂટવો, સ્તંભભરાણ કરવું જેવી અન્ય બે ડઝન ગામઠી પરંપરા કે જે હવે માત્ર ગ્રામ્ય ક્ષેત્રે પણ માત્ર શબ્દોમાં અટકી રહી છે, તેવી પારંપારિક વાતો જે ગામ પાદરે, ડેલીએ, ચોરે ચૌટે જીવી હોય, કાં’તો ખેત પરંપરા સંગ કે પછી નદી, વગડે, પશુ પંખી, જીવજંતુ, કીટક સંગ માણી હોય, શેરીએ મીંદડાં-કતિલા (બિલાડી કુતરા ના બચ્ચા) ના બચુડીયા ના નવટાંક દૂધ હાટુ કુલડી કોડિયાં સિંચ્યા હોય, માવતરે સામેથી ગારો ખૂંદવા, રગદોળવા રાજીપો દાખવ્યો હોય તે બાળપણની આંગળીએ કિત્તા પહેલા પીંછી આવી જાય પછી એ મુગ્ધ બાળક રતો કે અલ્લડ રતિયો ખ્યાતનામ કલાકાર રતિલાલ કાંસોદરિયા ના બને તો જ નવાઈ કહેવાય. સૌરાષ્ટ્રના જેતપુર તાલુકાનું માંડ બસ્સો ખોરડાંનું પ્રેમગઢ, પાદરે વહેતી સાપરવાડી નદી તે રતિલાલ ભરઉનાળે ધુબાકા મારે, ઓવારે બેઠા ચીકણી માટી ગુંદી અવનવા માટી રમકડા અને મૂર્તિઓ બનાવી નદી કિનારે બેસાડે, વગડે ગાડા ચીલે રેતીમાં અવનવા ચિતરામણ કરે તે ગાડા ચાલાક ખેડૂત પાછો મહામહેનતે ચીલો મેલી ચિતરણ આખું રાખી ગામમાં આવી સૌને જાણ કરે કે મનજીબાપાના રતા એ રસ્તે જોણું ચીતર્યું છે, તે ગામ આખું હળીયુંદોટે જોવા પુગે. રતિલાલ કહે છે કે અમારા વડવાઓ પેઢીઓ પહેલા ભાવનગરના કાંસોદર થી અમરેલીના સુર્યપ્રતાપગઢ (નાના અનિડા) આવ્યા હતા, જ્યાં મારા પિતાજી મનજીભાઇ પટેલ દરબાર ના લાડકા ગણાતા’તા, અસલ કાઠી બાંધો, મોટી મૂછો, ઉત્તમ શરીરસૌષ્ઠવ તે ઉભા હોળી ઠેકી જાય, ગઢવીની જેમ ઉભા શૂરાતન કવિતા લલકારી દે, સંજોગવસાત વીસબાવીસ વર્ષે પુરા કુટુંબ કબીલા સાથે આ અંતરિયાળ પ્રેમગઢ ગામે આવી વસ્યા. આછી પાતળી ખેતી સાથે મનજીભાઇ અને દિવાળીબા નો પરિવાર ફૂલ્યો ફાલ્યો. દિવાળીબા કાપડે ઉત્તમ ભરતગૂંથણ કરે, તે નાનકા દીકરા રતિલાલ ને વધારે ગમે. ગામમાં ધુંસરી ધરણ, દેદો કૂટવો કે સ્તંભભરાણ કરવું હોય તે ટાણે રતિલાલ માટીમાંથી બળદ, દેદો કે અન્ય પ્રતિમા બનાવી આપે, દિવાળીબા પ્રસંગ અનુરૂપ રંગોળી કરી મીઠા અવાજમાં પ્રસંગોચિત ગીતો ગાય અને ગવડાવે. આ બાળસ્મૃતિઓ પથ્થરે પ્રસારી, રતિયો વૈશ્વિક ઓળખ મેળવી શિલ્પકાર રતિલાલ કાંસોદરિયા બને, તે સફર ખૂબ કપરી છે.
બાળક રતિલાલને નદીકાંઠે ઢોર ચરાવતા શું ચાનક ચઢી તે એક ભેંસ પર ચિત્રણ કર્યુ તે સરકારી કામે આવેલા અમલદાર ને એટલે અસર કરી ગયું કે બાળસહજ જવાબ આપતા રતિલાલે કહ્યું કે મારી પાસે કાગળ પેન નથી તેથી માસ્તરની જેમ હું આ કાળા પાટિયે ચિત્ર દોરું છું, બસ પછી તો કલાપ્રેમી અમલદારે રતિલાલને કાગળ, પેન, પેન્સિલ, રંગ બધુ મળી રહે તે વ્યવસ્થા કરી, પ્રાથમિક શાળામાં આચાર્ય લવજીભાઈ ડોડીયા સતત પ્રેરણા આપતા રહ્યા, એસએસસી તથા ઉચ્ચ અભ્યાસ અર્થે અમરેલી નો રસ્તો લીધો, પીટીસી માં ચિત્ર વિષય શિક્ષકે વડોદરા ફાઈન આર્ટ્સ કરવા કહ્યું, તેના માર્ગદર્શન માટે મનજીભાઈના મિત્રએ ગોંડલ પાસેના અનિડા (ભાલોડી) ગામે આવેલા રાઘવ કનેરીયા સાથે મુલાકાત કરાવી. ફાઈન આર્ટસના પ્રોફેસર રતિલાલના ચિત્રોથી ખુબ પ્રભાવિત થયા, અને સાચો રસ્તો બતાવી કહ્યું કે બાર ધોરણ પાસ કરીને વડોદરે આવી જજે. બે વર્ષ દરમ્યાન સતત પત્રવ્યવહાર નો એવો તંતુ બંધાયો કે વડોદરા અભ્યાસ અર્થે પહોંચ્યા ત્યારે જાણે આખુંય કેમ્પસ તેમના સ્વાગત માટે તૈયાર હતું, જ્યોતિ ભટ્ટ, જયરામ પટેલ, ગુલામ શેખ અને ભૂપેન ખખ્ખર જેવા મહારથીઓ સાથે રાઘવ કનેરીયા ની સાત વર્ષની તાલીમે તેમની કલાનું એવું તો ઘડતર કરીને વિશેષ માવજતથી પળોટ્યા કે અસલ કલાજગતમાં પ્રવેશ કર્યો ત્યારે કશું જ અઘરું ના રહ્યું. કલાજગતમાં વડોદરા ફાઈન આર્ટસ એટલે વિશ્વકક્ષાની એવી તાલીમ કે જેના પર અંગ્રેજી ઓછાયો ના હોય, છતાં પૌરાણિક કલા સાથે નૂતન કલાનો સમન્વય હોય,અંગ્રેજોએ ભારતીય શૈલીનું કોપી-પેસ્ટ કરે તેવા કલાકારોનું સર્જન કરવા જે તાલીમ સંસ્થાનો સ્થાપ્યા તે, જે.જે.સ્કૂલ ઓફ આર્ટ, મદ્રાસ કોલેજ ઓફ આર્ટ કે કલકત્તા કોલેજ ઓફ આર્ટ કરતાં અહીંયા સયાજીરાવ પરિવારે ભારતીય કલા અને કલાકારોને ઉત્તમ તક મળે તેનું ધ્યાન રાખવાનું ભગીરથ કાર્ય સંસ્થા સ્થાપના વખતે ખુબ દૂરંદેશી સાથે ધ્યાને રાખ્યું હતું. રતિલાલ કહે છે કે, શિલ્પશાસ્ત્ર કલામાં અનુસ્નાતક પદવી માટે વિષય તરીકે સર્જનાત્મક શાખા (Creative stream) એટલા માટે પસંદ કરી કે મારે કોઈ બંધનમાં બંધાવું ના હતું, મુક્ત વિચારોને શિલ્પમાં ઢાળવાની સ્વતંત્રતા ટાણે મારી કોઈક એક બીબાઢાળ ઓળખ બને તે મને પસંદ નથી. હું સ્ટોન, મેટલ, બ્રોન્ઝ, ફાઈબર, સાયકલ ટાયર કે તુચ્છ નકામી વસ્તુઓને મારી કલ્પના સાથે જોડીને આકાર આપી શકું તેટલી સ્વતંત્રતા મારા અનેક અવકાશ ખોલી શકે છે. હા, વર્તમાન સમયમાં વ્યક્તિ વિશેષ શિલ્પો, મહાનુભાવોના શિલ્પો બનાવવાની ફેશન દુનિયાભરમાં છે, તે કલાને વ્યવસાયિક ટચ આપવા અનેક કલાકારો તૈયાર છે, છતાં ભારતીય સંસ્કૃતિમાં ક્યારેય ના જોયેલા, જાણેલા પાત્રોનું વ્યક્તિત્વ ઉભારવુંનું કાર્ય ખુબ અઘરું છે. જેમાં શિલ્પશાસ્ત્ર સાથે સાથે માનસશાસ્ત્ર નો ઉપયોગ અતિ આવશ્યક છે. આવા બે અઘરા કલાસોપાન સર કરવાની ચેલેન્જ મારા ભાગે આવી તે મારે મન શ્રેષ્ઠ કલાકૃતિઓ છે.
સાઈઠ પાર ની પાકટ ઉંમરે પહોંચેલા રતિલાલ કાંસોદરિયા કહે છે કે, ગુજરાતી અર્વાચીન સાહિત્યના શરૂઆતના બે મહા સર્જકો કવિ દલપતરામ અને અખા ભગતના બ્રોન્ઝ શિલ્પો (પૂર્ણ કદ) બનવાનું કાર્ય ખુબ પડકારયુક્ત હતું. તેમની તસવીરો કે ચિત્રો ના હોવાથી માત્ર માનસશાસ્ત્ર આધારે લોકકલ્પના અને અક્ષર વર્ણનને શિલ્પ તરીકે ઘડવા, તેમના પાત્રો ની અભિવ્યક્તિ કરવા માટે, અઢળક વાંચન, મનન, મંથન સાથે અનેક ચિત્રોનો અભ્યાસ કરવો પડયો હતો. શિલ્પ અનાવરણ વખતે હું આગળની અનેક રાતો ઉંઘી શક્યો ના હતો. બ્રોન્ઝ શિલ્પશ્રેણીમાં દિલ્હીમાં સહજાનંદ સ્વામી, જેતપુરના કાઠી દરબાર વીર ચાંપરાજ વાળા ઉપરાંત સ્ટોન, ગ્લાસ મેટલ ના શિલ્પ ઉપરાંત અન્ય મોર્ડન આર્ટ શ્રેણીના સેંકડો સર્જન દેશ વિદેશમાં ગુજરાતની કલાજગતની શાખ વધારે છે. અમદાવાદ જયારે વૈશ્વિક ફલક પર સાંસ્કૃતિક વારસાઈ ધરાવતું શહેર બન્યું છે ત્યારે, યુવાનોને તંદુરસ્ત શરીરસૌષ્ઠવ બાબતે જાગૃત કરતી અખાડા સંસ્કુતિ ઉજાગર કરે તેવું કદાવર શિલ્પ તૈયાર કર્યું છે, રિવરફ્રન્ટ પર પ્રકૃતિ અનુરૂપ અનેક મોર્ડન આર્ટ પ્રભાવિત શિલ્પો પણ તેમનો ખજાનો છે. દેશ વિદેશના અનેક સન્માનો સાથે જીવનભર સીએન ફાઈન આર્ટસ ખાતે શિલ્પ વિભાગના મુખ્ય પ્રોફેસર તરીકે કાર્યરત રહ્યા, સાથે સાથે નવતર કાર્યો અર્થે વિશાળ સ્કલ્પચર સ્ટુડિયો ઉભો કરી વિદ્યાર્થીઓને વિદેશી બજાર સાથે સાથે ભારતીય બજારમાં સફળ શિલ્પકાર બનવાના અનેક આયામો આપ્યા. અનેક વિદેશ પ્રવાસો સાથે દેશભરમાં સોલો એક્ઝિબિશન નો નવો ટ્રેન્ડ શરુ કર્યો. વડોદરા ફાઈન આર્ટસ સંસ્થાના પાછલી પેઢીના પ્રોફેસરોએ રતિલાલના કાર્યોને ખુબ બિરદાવ્યા છે, અલકાઝી ગેલેરીમાં જ્યોતિ ભટ્ટ, યુનોસ્કો સુધી જયરામ પટેલ, તો ગુલામ મહમદ શેખે તેમના દળદાર પુસ્તકમાં જગ્યા આપી નવાજ્યા છે. હવે કાંસોદરિયા ઈચ્છે છે કે, કરણ નાદર જેવા કલાપારખુ કે જેમણે જયરામભાઈ તથા જ્યોતિ ભટ્ટને પારખ્યા છે, તે કક્ષા સુધી મારા કાર્યને ઉજાગર કરવું છે. જો કે આજે ગુજરાત કલાજગતમાં ડિજિટલ ફોર્મેટ આગમન પછી શિલ્પશાસ્ત્ર ક્ષેત્રે, ચિત્રકલા કે ફાટોગ્રાફી જે લલિતકલા વિષયો છે ત્યાં દરેક ક્ષેત્રે મોટા બદલાવની જરૂર છે. શાંતિનિકેતન કે બેંગ્લોર ચિત્રકલા જેવી અનેક સંસ્થાઓ ની ભારતમાં નવા કલાકારો માટે જરૂરી છે. કલાને એક વ્યાપારી દ્રષ્ટિકોણ આપવો ખુબ જરૂરી છે. ગુજરાત રાજ્ય સંચાલિત ફાઈન આર્ટસ કોલેજનું તો આખું માળખું ધ્વંશ છે, તે ઢાંચાને નવા કલાકારો માટે જીવંત રાખવો હોય તો સ્કૂલમાં નામશેષ થયેલો ચિત્રકલા વિષય ફોટાગ્રાફી તથા શિલ્પકલા સાથે પ્રાથમિક તથા માધ્યમિક શાળામાં જીવંત કરવો પડશે, તો જ ફાઈન આર્ટસ કોલેજો ચાલશે અને ગુજરાતમાં કલાજગત પુનઃ ધબકશે. ગામડાં ની ભીંતો પર ચીતરતા એક વારસાએ, મંદિર વાવ કે મહેલોની દીવાલોને જીવંત કરતા શિલ્પોએ જ મહાભારત રામાયણ ને ગતિશીલ રાખ્યા છે, ભદ્ર સમાજે જો આજની સંસ્કૃતિને, કાલે ઇતિહાસ તરીકે જીવંત રાખવી હશે તો શિલ્પશાસ્ત્ર સાથે અન્ય લલિતકળાઓ જીવાડવી પડશે.

#શંખનાદ #શૈલેશ_રાવલ #રતિલાલ_કાંસોદરિયા #શિલ્પકાર # #Shailesh_Raval #shankhnad #ratilal_ksnsodariya 9825072718*

TejGujarati