અફઘાનિસ્તાનમાં શાંતિ માટે દરેકના હિતો જળવાય તે ખૂબ જરૂરી: વિદેશ મંત્રી ડો. એસ . જયશંકર

સમાચાર

 

તજાકિસ્તાનમાં હાર્ટ ઓફ એશિયા કોન્ફરન્સમાં સામેલ થવા વિદેશ મંત્રી બે દિવસના પ્રવાસે

ઇરાન, અફઘાનિસ્તાન, તજાકિસ્તાન અને ઉઝબેકિસ્તાનના નેતાઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠકો યોજાઇ

 

 

 

દુશાંબે 31 માર્ચ- વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર અત્યારે 30 થી 31 માર્ચ સુધી તજાકિસ્તાનના બે દિવસના પ્રવાસે પહોંચ્યા હતા.

 

તજાકિસ્તાનના રાજધાનીમાં હાર્ટ ઓફ એશિયા- ઇસ્તમ્બુલ પ્રોસેસની નવમી મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સનું આયોજન કરવામા આવ્યું છે જેમાં અફઘાનિસ્તાન ચર્ચાનું કેન્દ્ર છે. અફઘાનિસ્તાન અને તજાકિસ્તાનના વિદેશ મંત્રીઓ દ્વારા તે અંગે ભારતને એક સંયુક્ત આમંત્રણ પાઠવવામા આવ્યું હતું. કોન્ફરન્સ સિવાય વિદેશ મંત્રીએ અન્ય સામેલ થયેલા દેશો અફઘાનિસ્તાન, ઉઝબેકિસ્તાન અને તજાકિસ્તાનના નેતાઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠકો પણ યોજી હતી.

 

અફઘાન શાંતિ પ્રક્રિયામાં ભારતની એક આગવી સક્રિય ભૂમિકા રહી છે અને વર્ષોથી એ બાબત પર ભાર મૂક્યો છે કે અફઘાનિસ્તાનમાં હિંસાનો ખાતમો કરવા અને શાંતિ સ્થાપિત કરવા માટે જરૂરી છે કે અફઘાનિસ્તાન દ્વારા તે અંગે નક્કર પહેલ કરવામા આવે અને બાકીના દેશો એ પ્રક્રિયાને સમર્થન કરે.

 

આ કોન્ફરન્સમાં સંબોધન કરતા ડો. જયશંકરે કહ્યું “અફઘાનિસ્તાનમાં કાયમી શાંતિ માટે બે શાંતિની જરૂરિયાત છે. એક અફઘાનિસ્તાનની અંદર અને બીજી તેની આસપાસ. તેના માટે દેશની અંદર અને આસપાસના હિતોનો સુમેળ થાય તે ખૂબ જરૂરી છે. ”

 

 

 

અફઘાનિસ્તાનના પાડોશી દેશ પાકિસ્તાન, ઇરાન, તજાકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને તુર્કમેનિસ્તાનને માનવ અધિકારનું સન્માન કરવા અને લાંબા ગાળાની શાંતિની સ્થાપના કરવાની પ્રક્રિયામાં આગળ વધવાની અપીલ કરતા વિદેશ મંત્રીએ કહ્યું, “શાંતિ પ્રક્રિયાને સફળ બનાવવા માટે જરૂરી છે કે તેમાં સામેલ પાર્ટી પુરી શ્રદ્ધા અને સમર્પણ સાથે રાજકીય સમાધાન માટે કાર્યરત થાય.”

 

 

તે સિવાય વિદેશ મંત્રીએ ભારત દ્વારા અફઘાનિસ્તાનમાં કરવામા આવેલા કાર્યોની પણ ચર્ચા કરી હતી. બન્ને દેશ વચ્ચે મજબૂત સંબંધો વિકસિત કરીને ભારતે અફઘાનિસ્તાનમાં પાર્ટનરશીપ દ્વારા 3 બિલિયન ડોલરના કાર્યો કરવાની ખાતરી આપી છે. તેના દ્વારા અત્યારે અફઘાનિસ્તાનના 34 પ્રાંતમાં 550 અલગ અલગ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. ઇરાનમાં ચાબહાર પોર્ટ પર વિકાસના કાર્યો અને અફઘાનિસ્તાનમાં પરિવહન સુધરે તે હેતુથી દેલારામ-ઝરંજ હાઇવેના કામકાજને અફઘાનિસ્તનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ બિરદાવ્યા હતા.

 

ધ હાર્ટ ઓફ એશિયા- ઇસ્તમ્બુલ પ્રોસેસ તે સુરક્ષા અને સહકાર અંગેની એક સ્થાનિક પહેલ છે જે અફઘાનિસ્તાનમાં શાંતિ અને સ્થિરતા માટે કાર્યરત છે. 2 નવેમ્બર 2011ના તુર્કીમાં તેની શરૂઆત કરવામા આવી હતી.

TejGujarati