કળિયુગની આસુરી ધુળેટી મિત્રતા નહીં શત્રુતા નિભાવવાની વ્યવસ્થા હોય એવું લાગે છે. – શિલ્પા શાહ, ડીરેકટર ઇન્ચાર્જ, HKBBA કોલેજ.

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

હિન્દુસ્તાનમાં ઉજવાતા કોઈપણ તહેવારને તેના યથાર્થ અર્થમાં કે સ્વરૂપમાં સમજવામાં અને મનાવવામાં આવે તો અકલ્પનીય લાભો મનુષ્ય મેળવી શકે કેમ કે તમામ હિન્દુ તહેવારો પાછળ ખૂબ ઊંડી વૈજ્ઞાનિક સમજણ અને તર્ક કાર્યરત છે. યંત્રવત જીવનમાં તહેવારો એક નવો ઉમંગ અને ઉત્સાહનું સિંચન કરે છે. શારીરિક, માનસિક અને આત્મિક શક્તિમાં વધારો કરી મનુષ્ય જીવનને ધન્ય કરી દે છે. પરંતુ શરત એ છે કે તેને યથાર્થરૂપે સમજવામાં અને યોગ્ય રીતે ઉજવવામાં આવે. મારું દ્રઢપણે એવું માનવું છે કે જો સાચી સમજણ ન હોય કે સમજણ પ્રાપ્ત કરવાની તમન્ના પણ ન હોય તો માત્ર શેતાની આનંદ અને સ્વાર્થી મજા માટે તહેવારોની ઉજવણી કરવા કરતા કોઈપણ તહેવારની ઉજવણીથી દૂર રહેવું વધારે યોગ્ય અને સલાહભરેલું છે.
વર્ષોથી મને અંગત રીતે એવું લાગે છે કે લગભગ તમામ હિન્દુ તહેવારો જે રીતે ઉજવાય છે તે લાભદાયી બનવાના બદલે ઘાતક વધુ સાબિત થઈ રહ્યા છે જેમ કે ઉતરાયણમાં ખતરનાક ચાઇનીઝ દોરી દ્વારા અનેક સમસ્યાઓ, દિવાળીમાં અયોગ્ય ફટાકડા દ્વારા પ્રદૂષણમાં વધારો, નવરાત્રિમાં અસમજણયુક્ત અયોગ્ય ઉજવણીથી અનેક તંદુરસ્તીના પ્રશ્નો અને ધુળેટીની ઉજવણી તો જે ઘાતકી ખતરનાક અને શેતાની રીતે થાય છે તે જોઇને તો એમ જ લાગે કે વર્ષો જૂની કોઈ દુશ્મની કે શત્રુતા નિભાવવાનો જાણે ખુલ્લો દોર મળી ગયો હોય. કેમ કે ધુળેટી શા માટે? કેવી રીતે ઉજવાય તે અંગે આપણે કશું જાણતા નથી કે જાણવા માંગતા પણ નથી. માત્ર વ્યક્તિગત સ્વાર્થ અને શેતાની આનંદ માટે કહેવાતા મિત્રો, સંબંધીઓ અને પડોશીઓના નિકંદન કાઢી નાખીએ છીએ. જે પ્રકારના રાસાયણયુક્ત રંગો, ઓઇલ પેઇન્ટ જેવા ખતરનાક તત્વો ધુળેટી ઉજવવા ઉપયોગમાં લેવાય છે તે સમગ્ર વર્ષ દરમિયાન શરીર, વાળ ચામડી, આંખો અને તંદુરસ્તીની રાખેલી સારસંભાળને એક સેકન્ડમાં ખતમ કરી નાખે છે. આવા ખતરનાક રંગોથી ધૂળેટી રમ્યા પછી દિવસના અંતે શરીર, વાળ, નાક-કાન, આંખ વગેરેમાં ભરાયેલા આવા હાનિકારક રસાયણો કાઢવા માટે જે પ્રકારની મહેનત શોખીન લોકો કરે છે તે જોઇને તેમના પાગલપનનો અહેસાસ થાય છે. શરીર પર લાગેલા પાકા રંગને દૂર કરવા ટર્પેટાઈન, કેરોસીન જેવા હાનિકારક પદાર્થોનો ઉપયોગ થતો હોય છે કેમ કે ખૂબ પાકા અને ખતરનાક રંગો જલ્દી પીછો છોડતાં નથી. ઘણીવાર તો હાથમાંથી રંગ નીકળતા અઠવાડિયું નીકળી જતું હોય છે.
સામાન્ય રીતે આપણે સમગ્ર વર્ષ દરમિયાન શરીરના વિભિન્ન અંગો અને તંદુરસ્તીની સાચવણી તેમજ સૌંદર્ય પાછળ ઘણો સમય અને શક્તિ ફાળવતા હોઈએ છીએ. તેમ જ અનેક સૌંદર્યપ્રસાધનો અને આયુર્વેદિક ઉપચારો પાછળ અતિશય ખર્ચ કરતા હોઈએ છીએ. વર્ષ દરમિયાનની અથાક મહેનત બાદ માત્ર એક જ દિવસની કહેવાતી મજા માટે અયોગ્ય કાર્ય કે અતાર્કિક ઉજવણી ક્યાં સુધી યોગ્ય છે. હું વર્ષોથી લોકોને દૂરથી ધુળેટી રમતા જોઉં છું, હું બચપણથી જ ક્યારેય આજદિન સુધી ધૂળેટી રમી નથી કેમ કે આ શેતાની રમત મારા આત્માને ક્યારેય યોગ્ય લાગી જ નથી. શેતાની ધુળેટી રમતા લોકોનું નિરીક્ષણ કરીને મને એટલું તો અવશ્ય સમજાઈ ગયું છે કે આવી ધુળેટી રમનાર મિત્રો કે સ્નેહીઓ તો ન જ હોઈ શકે. ખતરનાક રંગોનો ઉપયોગ કરી જે રીતે વ્યક્તિ સામેની વ્યક્તિને રંગે છે (શરીરનો કોઈ ખૂણો હાનિકારક રંગ વગરનો ન રહી જાય એ રીતે ) શરીરનું એકેએક અંગ પ્રયત્નપૂર્વક ખતમ કરવાનો જાણે પૂર્વનિર્ધારિત ઈરાદો હોય એવું લાગે. વળી જો શરીરનો કોઈ ભાગ રંગ વગરનો રહી ગયો દેખાય તો ફરી પાછો તેને ઘસી ઘસીને રંગી નાખે છે, જે જોઈને તમને નથી લાગતું કે આવું કાર્ય તો માત્ર શત્રુઓ સાથે જ થઈ શકે એટલે હું કહું છું કે કળિયુગની ધુળેટી અતિ ખતરનાક અને શત્રુતા નિભાવવાની શેતાની આસુરી રાક્ષસી રમત છે. મને થાય સમજદાર અને વિવેકી માણસથી તો આવી રીતે તહેવાર ઉજવી જ કેવી રીતે શકાય.
વાસ્તવમાં હોળીધુળેટીના તહેવારનો ઉમદા હેતુ તો કંઇક જુદો જ છે. બ્રહ્માંડના પાંચ મહાભૂત પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશમાં અગ્નિ એક એવું વિશિષ્ટ તત્વ છે જે પદાર્થને પરિવર્તિત કરવાની ક્ષમતા ધરાવે છે. જેમ કે લાકડું અગ્નિના સંસર્ગમાં આવતા પૃથ્વી તત્વ(માટી) ધારણ કરે છે. તેમજ દૂધ, ઘી, પાણી વગેરે અગ્નિના સાનિધ્યમાં આવતા પોતાનું પ્રવાહી સ્વરૂપ બદલી વાયુ સ્વરૂપ ધારણ કરે છે. અગ્નિદેવ રૂપાંતરણ ઉપરાંત મલીન દ્રવ્યોને શુદ્ધ પણ કરે છે. ભારતીય સંસ્કૃતિમાં દિવાળી જેટલું મહત્વ હોળીનું છે કેમ કે બંનેનો સંબધ અગ્નિ સાથે છે. દિવાળીમાં દીવા અને હોળીમાં હોલિકા દહન. હોળી એ ઠંડી અને ગરમ બંને ઋતુનો સંધિકાલ છે જેણે કારણે અસંખ્ય વિષાણુઓ અને જીવ-જંતુઓ ઉત્પન્ન થાય છે જે સમગ્ર વાતાવરણને અને સ્વાસ્થ્યને નુકસાન પહોચાડે છે, જેને શુદ્ધ કરવા હોળી ખુબ ઉપયોગી છે. હોલિકાદહન દ્વારા જે રાખ તૈયાર થાય છે તે રાખ નહિ લાખ છે. એટલે કે અદ્વિતીય ઔષધિ છે. જેનો ઉત્તમ ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે. અનાજને સંગ્રહવા અને સડતું અટકાવવા પણ આ રાખ ઉપયોગી છે. હોળીની ભસ્મ સમગ્ર વર્ષ સંગ્રહી રાખવી જોઈએ. જે વિધાયાત્મક તરંગોને આકર્ષી વ્યક્તિની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પણ ઉપયોગી છે. વળી આ જ પવિત્ર રાખ (ધૂળ) એકબીજાને શરીરે ચોપડીને આનંદ ઉત્સવ મનાવવાની પરંપરા એટલે ધુળેટી. આમ આ ધૂળના ઉપયોગ દ્વારા મનાવાતો ઉત્સવ એટલે ધુળેટી. આ પવિત્ર રાખથી ધુળેટી રમવાથી આવનારી ગરમીથી ચામડીને બળ અને રક્ષણ મળે છે.વળી હોળીધૂળેટીના દિવસોમાં ઉપયોગમાં લેવાતી અનેક વસ્તુઓ પાછળ પણ ઊંડું વિજ્ઞાન છે. જેમ કે કેસૂડાના પાણીથી રમાતી ધુળેટી સ્વસ્થતા પ્રદાન કરે છે. કેમ કે કેસૂડાના ફૂલ કફ અને પિત્ત નાશક છે. હોળીમાં વિશેષ ખવાતાં ખાદ્ય પદાર્થ જેવા કે જુવારની ધાણી, મકાઈની ધાણી, શેકેલા ચણા-દાળિયા વગેરે કફનાશક છે. વધુમાં તે રૂક્ષ એટલે સ્નિગ્ધતા વગરના હોઈ પચવામાં હલકા અને શરીરને બળ આપનારા છે. ખજૂર કફનો નાશ કરી શરીરને ઠંડક આપી પુષ્ટ બનાવે છે.
પરંતુ આપણે તો તમામ તહેવારો શેતાની ઢબે જ ઉજવીયે છીએ. ઉજવણી કે પાર્ટીના નામે અયોગ્ય જંગફુડ ખાઈએ છીએ કારણ કે ગમે તેવું ખાઈ ગાંડા કાઢવાને જ આપણે ઉજવણી સમજીએ છીએ એ જ જીવનની કરુણતા છે. અયોગ્ય આહાર અને અયોગ્ય ઉજવણી દ્વારા જયારે તબિયત બગડે ત્યારે તહેવારને દોષ દઈએ છીએ. વાસ્તવમાં તહેવારો અયોગ્ય નથી તે ઉજવણીનો આપણો ઢંગ અયોગ્ય છે. તહેવારોનું વિજ્ઞાન તો ખૂબ લાભદાયી અને ઉત્તમ છે. જો તેને યોગ્ય રીતે સમજવામાં અને આચરવામાં આવે તો જીવન અવશ્ય ખુશખુશાલ સ્નેહસભર અને સફળ બની રહે. છેલ્લા થોડા સમયથી જનસમુદાયમાં તહેવારની ઉજવણી અંગે થોડું વિચારપરિવર્તન અનુભવાય છે, આજકાલ ઓર્ગનીક હોળી અને ધૂળેટીનો કોન્સેપ્ટ અસ્તિત્વમાં આવ્યો છે જે ખૂબ સારો અને આશાસ્પદ સંકેત છે, એનો અર્થ છે સુધારાની આશા રાખી શકાય. હજુ વિશેષ મોડું થયું નથી. જાગ્યા ત્યારથી સવાર. તાત્વિક અને વૈજ્ઞાનિક સમજણથી ઠસોઠસ ઓર્ગનીક હોળી-ધૂળેટી સર્વને મુબારક.

TejGujarati