? *ફરી કુદરતના ખોળે*? (Non-Fiction) *લેખક: જગત કીનખાબવાલા (સ્પેરો મેન)* *ટબુબિયા અર્જેનટી – ભવ્ય અને તેજસ્વી વૃક્ષ.*

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

26/03/2021

? *ફરી કુદરતના ખોળે*?
(Non-Fiction)

*લેખક: જગત કીનખાબવાલા (સ્પેરો મેન)*
https://www.facebook.com/jagat.kinkhabwala
ઇમેઇલ: jagat.kinkhabwala @gmail.com
Mob. No. +91 98250 51214

*ટબુબિયા અર્જેનટી / Silver Trumpet Tree /Tabebuia Argentea /*

*ટબુબિયા અર્જેનટી – ભવ્ય અને તેજસ્વી વૃક્ષ*

ફલ આછાદિત વૃક્ષમાર્ગનું એવેંન્યૂ ટ્રી જો જુવો તો અચૂક રોકાઈને માણી લેવાનું મન થાય થાય અને થાયજ. ટબુબિયા અર્જેનટી વૃક્ષ ઉપર ચાંદી જેવી ચમકતી ઝાંયવાળા ફૂલ જોવા તે એક લ્હાવો છે. ફૂલ ખીલતા જાય તેમ પાંદડા ખરતા જાય અને આખું વૃક્ષ ફક્ત પીળા ચમકતા ફૂલથી ભરાઈ જાય. ગરમીના દિવસોમાં ફૂલ બેસે અને રોડની બંને બાજુ લગાવા માટે વધારે વપરાય છે એટલે એકધારી વૃક્ષોની હારમાળા કુદરતનું રૂપ ઉજાગર કરી દે છે. કેટકેટલી વિવિધતા ભરી છે આ કુદરતમાં. કમનસીબે માણસ કુદરતથી વિમુખ થઇ ગયો છે! અજબ ગજબ છે આ પ્રકૃતિની રચના. તેના વિવિધ રંગરૂપ નિશ્ચિત સમયે પોતાનું આગવું નવું રૂપ ધારણ કરે છે જેમાં વિવિધ ઋતુઓની વિવિધતા અગત્યનો ભાગ ભજવે છે. દરેક જીવનું જીવન ઋતુના ક્રમ પ્રમાણે જીવાય છે અને ઘર આંગણાને ગાતો કરે છે.

બગીચાનું ઘરેણું છે આ વૃક્ષ. ઉનાળાની શરૂઆતમાં ફૂલ બેસવા માંડે અને જેમ જેમ ફૂલ બેસતા જાય તેમ તેમ આ વૃક્ષ સોનેરી ઘંટડી જેવા ચમકતા પીળા ફૂલોથી આકર્ષક દેખાય. ફૂલના આકાર અને રંગને કારણે તેને કેટલાક લોકો ગોલ્ડન બેલ તરીકે ઓળખે છે અને સંગીત નું વાજિંત્ર ટ્રમ્પએટની જેમ ચમકતું હોય અને તેને મળતો આકાર હોઈ તેને લોકો સિલ્વર ટ્ર્મપેટ ટ્રી તરીકે પણ ઓળખે છે. તેના ફૂલ લગભગ પાંચથી આંઠ સેન્ટિમીટર જેટલા લાંબા ભૂંગળા જેવા આકારના હોય છે. તેને જુવો એટલે તેના વિષે જાણવાની તાલાવેલી થાય છે. તેના પાંદડા લગભગ છ થી આઠ ઇંચના સાંકડા અને લાંબા હોય છે અને આછા પિસ્તાઈ લીલાશ રંગ અને ચાંદી જેવી આછી ચમક વાળા હોય છે જેનો આકાર હથેળી જેવો હોય છે.

મૂળભૂત રીતે તેનું આયુષ્ય લાંબુ હોય છે પરંતુ તેના મૂળ ખુબ ઊંડે સુધી નથી જતા અને તે કારણે આંધી – તોફાનમાં વૃક્ષની ડાળીઓ તૂટી જતી હોય છે અને ક્યારેક ધરાશાયી થઇ શકે છે. ખાસ કરીને મધમાખીની વિવિધ જાત પોતાના ખોરાક માટે તેના ફૂલ મધુ રસ માટે વધારે પસંદ કરે છે અને એટલે એવું પણ કહેવાય કે મધમાખી ઉછેર કેન્દ્ર પાસે ઉગાડવામાં આવતા વૃક્ષમાં આ વૃક્ષ અચૂક સ્થાન પામે છે.

લગભગ આઠ થી દસ મીટર જેટલી આકર્ષક ઊંચાઈ ધરાવે છે અને મોટા ભાગના સમયે તેની ઊંચાઈ અને ડાળીઓ વાંકી ઉગે છે. મૂળ તો બ્રાઝીલનું આ વૃક્ષ ભારત જેવા ઉષ્ણકટિબદ્ધ / ટ્રોપિકલ પ્રદેશમાં ખુબ સારી રીતે ઉગે છે. આ વૃક્ષ જાકારનડા કુળનું છે. ઝડપથી વૃદ્ધિ પામતા આ વૃક્ષને પાણી ઓછું જોઈએ છે અને ગરમી સહન કરી શકવાની ક્ષમતા ધરાવે છે. તમે પણ વાવોને આ સુંદર વૃક્ષ!
(ફોટોગ્રાફ્સ અને વિડિઓ લેખકના)

*આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ.*
*સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો*
*Love – Learn – Conserve*

TejGujarati