23 માર્ચ એટલે ભગતસિંહને યાદ કરીને શહીદીને વંદન કરીએ છીએ. ભગતસિંહ 23 વર્ષ પાંચ મહિના અને 26 દિવસનું જીવન જીવીને ક્રાંતિ કરી.

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

સેમ ટુ સેમ, એક કળાને સમર્પિત મહિલા, માત્ર અઠ્ઠાવીસ વર્ષ જીવન ભોગવ્યું અને ભારતીય ચિત્રકલામાં ક્રાંતિ લાવી દીધી.
યસ, આપણે વાત કરવી છે એ ક્રાંતિકારી કલાકાર, અમૃતા શેરગિલ…. માત્ર અઠ્ઠાવીસ વર્ષના જીવનમાં રંગોની દુનિયા રંગીન કરી દીધી…
જે રીતે દેશના મોટાભાગના શહેરોમાં ભગતસિંહ ચોક અથવા માર્ગ છે, નવી દિલ્હી સહિત ઘણા શહેરોમાં અમૃતા શેરગિલ માર્ગ છે. ભગતસિંહના જીવન પર આધારિત શહીદ, અજય દેવગણની 23 માર્ચ, રંગ દે બસંતી જેવી ફિલ્મો બની એ જ રીતે અમૃતા પર જાવેદ સિદ્દીકીએ સુંદર નાટક લખ્યું, તુમ્હારી અમૃતા… ફારુખ શેખ અને શબાના આઝમી દ્વારા ટેબલ ખુરશી પર બેસીને ભજવેલા નાટકના અંશો યુ ટ્યુબ પર અવેલેબલ છે, આ નાટકની ચર્ચા અલગ વિષય થઈ શકે….
અઠ્ઠાવીસ વર્ષની જિંદગીમાં ભારતની પહેલી બોલ્ડ કલાકાર અમૃતાએ વિલેજ સીન નામનું પેઇન્ટિંગ દોર્યું હતું, જે દશેક વર્ષ અગાઉ સાત કરોડ રુપિયામાં વેચાયું હતું….
હંગેરિયન માતા એન્ટોની ગોટ્સમન અને ભારતીય ધનિક શીખ પિતા ઉમરાવ સિંહની પુત્રી…. 30 જાન્યુઆરી, 1913માં હંગેરીના બૂડાપેસ્ટમાં જન્મેલી અમૃતાએ સાવ નાની ઉંમરે કલા પર સફળતાપૂર્વક હક્ક સાબિત કરી દીધો. એવું લાગે કે સ્વામી વિવેકાનંદની જેમ વાવાઝોડાની જેમ ઝડપથી જીવવાનું શરૂ કરી દીધું હતું. એક નાની બહેન પણ હતી, ઇન્દિરા શેરગિલ….
અમૃતા નવ દશ વર્ષની હતી, ત્યારે પરિવાર હંગેરીથી સિમલા આવીને વસ્યો. અમૃતાએ નાની બહેન સાથે સંગીત કાર્યક્રમો અને નાટકોમાં ભાગ લેવા માંડ્યો. માતા ઓપેરા ગાયિકા એટલે કલા લોહીમાં હતી, તેને સમજાયું કે અમૃતા બધા કરતાં કંઈક વિશિષ્ટ છે. માતાએ પાછું યુરોપ જવાનું નક્કી કર્યું. અમૃતાના અગિયારમાં વર્ષે 1924માં ઇટાલીના ફ્લોરેન્સમાં કલાનો અભ્યાસ શરૂ કર્યો. અમૃતા પાછી ભારત આવી, ભારતમાં ચિત્રકલા શીખવા માટે અભ્યાસની ખાસ તકો નથી એવું લાગતાં સોળમા વર્ષે પેરિસમાં ઇકોલ દ બો માં એડમિશન લીધું અને તે સમયના પેરિસના જાણીતા કલાકારો પાસે શીખવાનું શરૂ કર્યું.
કલાકાર બોરિસ તેજલિસ્કિના પ્રેમમાં કરેલાં વર્કમાં યુરોપિયન સ્ટાઇલનો પ્રભાવ હતો, યંગ ગર્લ્સ નામનું પરંતુ પ્યુલર પેઇન્ટિંગ બનાવ્યું.
ઝડપી પ્રગતિ કરતાં કરતાં એકવીસમા વર્ષે 1934માં તો પ્રતિષ્ઠિત રીતે પેરિસના ગ્રાન્ડ સાલોમાં સૌથી નાની વયની તથા પહેલી એશિયન એસોસિએટ બની…. બસ… યુરોપની યાત્રા સમાપ્ત…
1934મા માદરે વતન એવા ભારતમાં અમૃતા આવી, ભારતીય સમાજ, સમસ્યાઓ અને સંસ્કૃતિ અનુરૂપ ચિત્રકલા શરૂ કરી દીધી… સમય ક્યાં હતો… સિમલા નિવાસ દરમિયાન બ્રિટિશ લેખક મેલ્કમ માર્ગરિઝના પ્રેમમાં પડી…
ભારતીય સંસ્કૃતિ દોરવા ભારતને સમજવું પડે. અમૃતાબેન તો ગાંધી બાપુની જેમ ભારત રખડવા નીકળી પડ્યા. અજન્ટાની ગુફાઓના ચિત્રો જોયા, માણ્યા અને સમજ્યા. મુઘલથી માંડી બાકી ભારતીય શૈલીના ચિત્રોનો અભ્યાસ કર્યો.
અજન્ટાના ભીંત ચિત્રોને પેરિસમાં શીખેલી શૈલી સાથે દોરવાના શરૂ કર્યા. અમૃતાએ અજન્ટાની ચિત્રકળા પરથી એક નવતર શૈલી બનાવી…
ભારતભ્રમણમાં 1937થી દક્ષિણ ભારતનો પ્રવાસ શરૂ કર્યો. યુરોપ, ઉત્તર ભારતનો નિવાસ, મધ્ય ભારતની ચિત્રશૈલીનો અભ્યાસ સાથે દક્ષિણમાં ભારતની સંસ્કૃતિનો અભ્યાસ શરૂ કર્યો.
દક્ષિણ ભારતમાં ચિત્રોની ત્રણ નવી સિરીઝ બનાવી જે ભારત માટે નવી હતી. દક્ષિણ ભારતમાં બ્રહ્મચારી, સાઉથ ઇન્ડિયન વિલેજર્સ ગોઇંગ ટુ માર્કેટ અને બ્રાઇડસ્ ટોઇલેટ ચિત્રો સર્જ્યા. આ ચિત્રોમાં ભારત દેખાતું હતું…
1938માં દૂરના સંબંધી વિક્ટર ઇગ્નાન સાથે લગ્ન કર્યું. લગ્ન પછી ગોરખપુર પાસે સરાયામાં બાપદાદાના ઘરમાં વસવાટ કર્યો. મુઘલ લઘુ ચિત્રશૈલી, યુરોપ અને અજન્ટાની શૈલીનો સમન્વય કરીને નવા ચિત્રો સર્જ્યા. સરાયામાં ઇન ધ લેડીઝ એન્ક્લોઝર અને સિએસ્ટા દોર્યા અને ભારતની સૌથી મોંઘી કલાકાર બની.
અમૃતા ગાંધીજીના જીવનથી પ્રભાવિત હતી, 1940માં જવાહરલાલ નેહરુ સાથે ગોરખપુરમાં મુલાકાત થઈ અને નેહરુની સુંદરતાની ચાહક બની… ઓલ્વેઝ લકી નેહરુજી… બીજું શું?
બ્રિટીશ ઇન્ડિયાના લાહોરમાં સોલો એક્ઝિબિશન માટે વસવાટ બદલ્યો, કોઈ બિમારી અથવા કેટલાકના મતે પ્રેગનન્સીમાં 1941માં અઠ્ઠાવીસ વર્ષે ખેલ ખતમ…. અંદાજે સો કરતાં વધુ ક્લાસિક પેઇન્ટિંગ કર્યા.
એવું માનવામાં આવે છે કે તે જમાનામાં અમૃતા શેરગિલને અનેક પુરુષો અને સ્ત્રીઓ સાથે સંબંધો હતાં… પુરાવા તરીકે, કહેવાય છે કે અમૃતાનું ટુ વીમેન પેઇન્ટિંગમાં તે અને તેની પ્રેમિકા પર આધારિત હતું….
તેના અધૂરા ચિત્રોમાં ડાર્ક રંગ આજે પણ અમૃતાની વેદના કહેતા હશે કે તેની બહાદુરી?
અમૃતાની વાત લખવાનું એટલા માટે યાદ આવ્યું કે કોરોનાના ખતરનાક સંક્રમણ વચ્ચે જિંદગીના રંગો પૂરવામાં અને સ્વપ્ના ચિતરવામાં મોડું ના થઇ જાય….
અમર થવા લાંબી જિંદગી જરૂરી નથી, લાઇફની ડિઝાઇન ખબર હોવી જોઈએ…. સાઠ સિત્તેર વર્ષે પણ લોકો બોલતા હોય છે કે જિંદગી શીખવતી હોય છે, સહમત… પણ જિંદગી કેટલું શીખવશે? ક્યારેક તો અમૃતા બનવાનું જ નહીં? બસ મરતાં સુધી શીખતાં જ રહેવાનું? દુનિયાને શીખવાડવા માટે આપણું સર્જન થયું છે એ આત્મવિશ્વાસ ક્યારે કેળવવાનો?…
કામ કરવાનો કંટાળો આવે તો અમૃતા શેરગિલને યાદ કરવી…

લેખન અને સંપાદન
Deval Shastri?

TejGujarati