ભારતીય નૃત્યશૈલી શ્રેષ્ઠ છે એવું વાંચવું બધાને ગમે, પણ આપણા ક્લાસિકલ ડાન્સ વિશે કશું ખબર છે એવું પૂછો એટલે ફ્યૂઝ બંધ….બધા નૃત્યો દક્ષિણ ભારતથી આવતા હોય એવું લાગે…

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક ભારત મનોરંજન સમાચાર

ભારતીય નૃત્યશૈલી શ્રેષ્ઠ છે એવું વાંચવું બધાને ગમે, પણ આપણા ક્લાસિકલ ડાન્સ વિશે કશું ખબર છે એવું પૂછો એટલે ફ્યૂઝ બંધ….બધા નૃત્યો દક્ષિણ ભારતથી આવતા હોય એવું લાગે…
જો કે બધું ખબર હોવું જરૂરી નથી, પણ જોયા જાણ્યા વગર મોટાભાગની બાબતોની જેમ ફેંકાફેક કરી શકાય.
ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ વિશે થોડું સમજવાની કોશિષમાં એટલું તો કહી શકાય કે આત્મા સુધી પ્રવેશવાનો માર્ગ છે, અધ્યાત્મ તરફ લઇ જાય છે. દરેકને ક્લાસિકલ ડાન્સ આવડવો જરૂરી નથી, પણ તેની સામાન્ય સમજ દેવદેવીઓની સ્તુતિ સાથે આનંદ અને ભાવની અનુભૂતિ જરૂર કરાવે છે.

ક્લાસિકલ ડાન્સ શબ્દ આવે એટલે ભરતનાટયમથી જ વાત શરૂ થાય. મૂળ તમિલનાડુની હિન્દુ ભક્તિમય ભરતનાટયમ નૃત્યશૈલીના મૂળિયાં ભરતમુનિના નાટ્યશાસ્ત્ર સાથે જોડાયેલા છે. ભરતનાટયમ છેક 1930 સુધી માત્ર મંદિરમાં જ નર્તકીઓ દ્વારા પ્રસ્તુત થતું. સંગતમાં વીણા, ગાયક અને મૃદંગના તાલ પર થાય, વાદકો અને ગાયક એકતરફ બેસે. આ બધાનું નેતૃત્વ નર્તકીના ગુરુ કરે. મૃદંગના તાલે પગને ઘુમતા રાખી નૃત્યના જોશમાં રાખી હાથ, ગળા અને ખભાના ઉપયોગ સાથે અગિયાર જેટલી હસ્તમુદ્રા સાથે એક જ ડ્રેસમાં સળંગ બે કલાકનો પ્રયોગ કરતાં હોય….
કથક એ ઉત્તર ભારતીય શૈલીનું નૃત્ય સત્તરમી સદીથી વિકાસ પામેલું નૃત્ય છે. ક્લાસિકલ ડાન્સ શૈલીમાં છલાંગ અને ચક્કર ફરતા જુઓ એટલે સમજવું કે કથકનો પ્રયોગ છે. ચક્કર સાથે સુંદર શબ્દોની રચના કે જે તોડા તરીકે ઓળખાય છે. રાધા અને કૃષ્ણ કથા પર થતા આ નૃત્યશૈલીમાં સ્ત્રી અને પુરુષ ભાગ લઈ શકે છે. કથકમાં બે ઘરાના, જયપુર અને લખનૌ ઘરાના… જયપુરમાં પગનો સુંદર ઉપયોગ અને લખનૌ ઘરાનામાં હાવભાવ…જે ગતિએ નૃત્ય પ્રારંભ થયું હોય એના કરતાં ચાર ગણી ઝડપે પૂરું થાય. આ ડાન્સ કરવા સાથે માણવા માટે પણ એનર્જી જોઈએ…. વારંવાર તાળીઓ પાડીને કલાકારોને બિરદાવવા….
કથકલી તો રાજાઓના અને ભાષાના વિવાદમાં પેદા થયું હોવાનું માનવામાં આવે છે. સત્તરમી સદીમાં કેરલના કોટારક્કરાના રાજાને પડોશી રાજ્ય સાથે સંસ્કૃત નૃત્ય બાબતે વિવાદ થતાં સ્થાનિક ભાષામાં કથકલીનો ઉદય થયો. રામાયણ, મહાભારત, શિવપુરાણ, ભાગવત જેવા પવિત્ર ગ્રંથના કથાકનો દ્વારા બુરાઈ પર સારાંશ વિજયને દર્શાવવામાં આવે છે. પ્રારંભમાં ચેંડા નામના ઢોલ દ્વારા તિવ્ર અવાજ પેદા કરીને યુદ્ધ મેદાનનો માહોલ તૈયાર કરવામાં આવે છે. આ નૃત્યમાં પુરુષ અને સ્ત્રીની ભૂમિકા પુરુષ જ ભજવતા હોય છે પણ સમય સાથે ફેરફાર થયા છે. લડાઇની કથાઓમાં યુદ્ધના વિકરાળ સ્વરૂપ રજૂ કરીને આખી રાત નૃત્ય પ્રસ્તુતિ કરવામાં આવે છે. ગાયક સનાતન કથાઓ આખી રાત્રિ સુધી પ્રસ્તુત કરતાં રહે અને કલાકારો એ પ્રમાણે ભાવ રજૂ કરતાં હોય છે.
કથ્થકલી માટે મેક અપ કરતાં ત્રણ ચાર કલાક સામાન્ય છે, જેમાં કલાકારે સૂઇ રહેવું પડે છે. મેકઅપ ઉપરાંત સાત આઠ કીલોનુ કોશ્ચ્યુમનું વજન થતું હોય છે. અનિષ્ટ તત્વ માટે લાલ કે કાળો રંગ વપરાય હોય છે…
કથકલીમાં હનુમાનજીનો અદભુત મેકઅપ કરવામાં આવે છે. ફેસનો ઉપરનો ભાગ કાળા રંગે તથા નીચે લાલ રંગ હોય. નાક પર લીલો રંગ, હોઠ કાળા, આંખો આસપાસ કાળો રંગ તેમજ કપાળ પર બે લાલ ટપકા સાથે વિશિષ્ટ મુઘટ પહેરાવી વિકરાળ સ્વરૂપ દર્શાવવામાં આવે છે.
રાવણ જેવા વિદ્વાન પણ અભિમાની માટે ખાસ મેકઅપ થાય છે. ઉપર વળતી મૂછ પર સફેદ કિનારી, બે દાંત બહાર હોય અને ચમકદાર રંગોના મુકુટ હોય…
ધાર્મિક ફિલ્મોમાં કથકલીના મેકઅપની ઘણી અસરો જોવા મળે છે, ઇવન નેવુંના દાયકા સુધી વિલનોના વિશિષ્ટ દેખાવ પણ આવી ક્લાસિકલ શૈલીને આભારી હશે….લોકમાનસ પર કથકલીના ચહેરા, મેકઅપ, મુખૌટાની ઘણી અસરો છે.
ઓરિસ્સા રાજ્યની ઓળખ એટલે ઓડીસી નૃત્ય. આમ તો ભરતનાટયમને મળતું આ નૃત્ય મહદઅંશે મહિલાઓ રજૂ કરતાં હોય છે. ઓડિસી નૃત્યમાં વિવિધ મુદ્રાઓ ના ભાવ અત્યંત જીવંત હોય છે. આ કારણે ભારતીય ટેમ્પલ આર્કિટેકમાં ઓડીસી હાવભાવ અને ભંગિકાઓનો સ્થાપત્યોમાં ઉપયોગ થાય છે.
છેલ્લે, કુચિપુડિ બાકી રખાય? આંધ્રપ્રદેશના કુચિપુડિ ગામમાં સત્તરમી સદીમાં આ નૃત્યશૈલીની શરૂઆત સિધ્યેન્દ્ર યોગીની નૃત્ય નાટિકા ભામા કલાપમથી થઈ હતી. ગામના બ્રાહ્મણ છોકરાઓને આ નૃત્ય શીખવવામાં આવ્યું હતું. મૂળ નાટિકા ભગવાન કૃષ્ણના ઈર્ષાળુ પત્ની સત્યભામાની કથા પર આધારિત હતું. 1785માં ગોલકોંડાના નવાબને પસંદ પડતાં ગામને બ્રાહ્મણોને દાન કરી દીધું હતું. કુચિપુડિ નૃત્યમાં નર્તક જ ગાયન અને સંવાદ રજૂ કરતાં હોય છે, તમામ પાત્રો પુરુષો જ ભજવતા હોય છે, પણ હવે કુચિપુડિ નૃત્યમાં સ્ત્રીઓ ઉત્સાહભેર ભાગ લે છે. કુચિપુડિ નૃત્ય દરમિયાન દર્શકોને ચેલેન્જ આપવાની પ્રથા ખરી કે તમે કલાકાર કરતાં સારું પર્ફોમન્સ આપી શકો છો…
આમ તો આ વાતો સાવ પ્રાથમિક કહી શકાય, એક એક નૃત્યનો અભ્યાસ કરવા આઠ દશ વર્ષ થાય અને એ પછી પણ સતત અભ્યાસ જરૂરી… જિંદગી સમર્પિત થઈ જાય છે આ નૃત્યમાં… પણ કદાચ નૃત્ય પાછળ પાગલ થવું એ પણ કૃષ્ણને પામવાની રીત હશે… ભારતીય નૃત્યો એ શરીરને આનંદ આપવા સાથે આત્માની અનુભૂતિ કરાવે છે. ક્યારેક સમય મળે તો યુ ટ્યુબ પર આ નૃત્યશૈલી માણવાની ઓર મજા રહેશે…

લેખન અને સંકલન
Deval Shastri?

તસ્વીર સૌજન્ય : મારા ગુરુ અને મિત્ર એવા ક્લાસિકલ ડાન્સર ડો શરદભાઈ પંડ્યાના છે. આખું જીવન નૃત્ય માટે સમર્પિત કરેલા શરદભાઈ તથા તેમના પત્ની તેમજ પુત્રીને વંદન સાથે…??

TejGujarati