મનુષ્યજીવનનો મૂળભૂત હેતુ છે શું? શિલ્પા શાહ, ડિરેકટર ઇન્ચાર્જ, HKBBA કોલેજ

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક ભારત સમાચાર

મનુષ્ય માત્રનું અંતિમ લક્ષ્ય મોક્ષ અથવા મુક્તિ છે એવું ધર્મશાસ્ત્રો જણાવે છે. વાસ્તવમાં જીવનમાં જે કંઈ પ્રાપ્ય છે તે ભોગવી મુક્ત થવાનું છે. આમ તો મુક્તિ એટલે સર્વ દુઃખોમાંથી મુક્ત થવું. આપણે સૌ સમગ્ર જીવન સુખપ્રાપ્તિ અને દુઃખમુક્તિ માટે જ તો પ્રયત્નશીલ હોઈએ છીએ. કેમ કે આત્માનો મૂળભૂત સ્વભાવ જ આનંદ છે. તેથી આપણે સતત આનંદ કે પ્રસન્નતાની અપેક્ષા રાખીએ છીએ. મનુષ્યજીવનનો વિકાસક્રમ તપાસવામાં આવે તો ઉત્ક્રાંતિવાદ અનુસાર પ્રાણીજગતમાંથી મનુષ્યની ઉત્પતિ થઈ છે તેમ કહેવાય. શાસ્ત્રો અનુસાર મનુષ્યની ઉત્પત્તિ વનસ્પતિજગતથી પ્રાણીજગત અને ત્યાંથી સંઘર્ષ કરતાં કરતાં મનુષ્યયોનિની પ્રાપ્તિ શક્ય બની. પરંતુ આ મનુષ્ય હજુ નિમ્નકક્ષાએ છે એટલે કે તેનામાં પ્રાણીજન્ય અનેક લક્ષણો જોવા મળે છે. વાસ્તવમાં દરેક મનુષ્યનો એક માત્ર ઉદ્દેશ નિમ્નકક્ષાના માનવમાંથી અતિમાનવ એટલે કે મહામાનવ (ખૂબ ઉચ્ચસ્તરવાળો મહામાનવ) બનવાનું છે. ટૂંકમાં સર્વગુણસંપન્ન સર્વશક્તિમાન પરમાત્માથી છૂટા પડેલા જીવે ફરી પાછું પરમાત્માના ગુણો અને શક્તિ પાછી મેળવી દિવ્યશક્તિમાં સમાઈ જવાનું છે. તેથી જ હિંદુધર્મમા મોક્ષ, જૈનધર્મમાં કેવળજ્ઞાન અને બૌદ્ધધર્મમાં નિર્વાણ જેવી બાબતોની છણાવટ થયેલ છે.

સ્વની શોધ કે આત્માની ખોજ એ મનુષ્ય જીવનનો એક માત્ર સાચો ઉદ્દેશ્ય છે. આપણું પ્રથમ કર્તવ્ય આપણા પોતાના તરફ એટલે કે આત્મા તરફ છે પરંતુ આપણે સંબંધો અને સંસારના કર્તવ્ય અદા કરવાની માયામાં ફસાઈ ચુક્યા છીએ અને આ ભ્રામક સંબંધો અને સંસાર આપણા માટે અનેક પીડાઓનું સર્જન કર્યે જ જાય છે. વાસ્તવમાં ઈશ્વરે આ દુનિયાનું અને આપણું સર્જન માત્ર આનંદપ્રાપ્તિના ઉમદા ઉદ્દેશ સાથે કર્યું હતું એવું શાસ્ત્રો જણાવે છે અને આપણે વાસ્તવમાં આ જીવનમાંથી અને સમગ્ર અસ્તિત્વમાંથી માત્ર અને માત્ર આનંજ જ મેળવવાનો છે. પરંતુ આપણે અનેક ઈચ્છાઓ, કર્મો અને પીડાઓના ચક્કરમાં ફસાઈ ગયા છીએ. ઈચ્છા અને કર્મોની ગાંઠ આપણે એટલી કઠણ બાંધી છે કે હવે આપણે પણ તેને છોડી શકતા નથી. વાસ્તવમાં ઈચ્છા ન હોય તો કર્મ થાય જ નહીં અને કર્મ ન હોય તો પીડા પણ ન હોય પરંતુ જીવનમાં કર્મથી છૂટવું અશક્ય છે કેમ કે કર્મ વગરના જીવનને (શરીર અને મનને) તો કાટ લાગી જાય. આપણને કોઈ કહે કે એક જગ્યાએ કંઈ જ કર્યા વગર બેસી રહો. તમારી જરૂરિયાતની બધી જ વસ્તુ અહીં તમારા સુધી પહોંચાડી દેવામાં આવશે. તમારે કોઈ પ્રકારનું હલનચલન કરવાનું નથી કે મનોરંજનના કોઈ સાધનોનો ઉપયોગ પણ કરવાનો નથી. તો એ શક્ય બનશે ખરું? આમ કર્મ કરવું અનિવાર્ય છે. કર્મ ઈચ્છાને કારણે જ થાય છે, ઇચ્છાને સંપૂર્ણપણે છોડી તો ન શકાય પરંતુ ઇચ્છા અને કર્મની ગાંઠને ઢીલી અવશ્ય કરી શકાય. એટલે કે ઇચ્છા રાખવાની, કર્મ પણ કરવાનું પરંતુ કર્મ કરવા છતાં ઇચ્છા પૂર્ણ ન થાય તો દુઃખી થવાના બદલે સમજણપૂર્વક આગળ વધવાનું એટલે કે ઈચ્છાપૂર્તિની જડતા રાખવાની નહીં. વાસ્તવમાં પીડાઓ અને દુઃખોનું સર્જન આવી જડતામાંથી જ થાય છે.
ઈશ્વરે આપેલા જીવનને ઊંડી સમજણ સાથે ભોગવી આપણો પરમ ઉદેશ્ય ભૂલવાનો નથી. કદાચ કોઈને વિચાર આવે કે સંસારમાં ઈશ્વરે આપણને આનંદપ્રાપ્તિ માટે જ મોકલ્યા છે અને અંતે પાછું તો જ્યાંથી છૂટા પડ્યા ત્યાં એટલે કે પરમાત્માના ધામમાં જ જવાનું છે તો આટલી બધી પીડાઓ અને કરુણાસભર સંસારનું સર્જન જ શા માટે? અને તેને છોડીને જવાનું જ છે તો અહીંયા આવવાનું પ્રયોજન શું છે? મને અહી એક ઉદાહરણ આપવાની ઇચ્છા થાય છે કે આપણે જ્યારે વેકેશનમાં કોઈ પ્રવાસે જવાનું નક્કી કરીએ ત્યારે આપણને ખબર જ હોય છે કે ખર્ચો થશે, અનેક તકલીફો ઉઠાવી પડશે, દસ-પંદર દિવસ ઘરથી દૂર રહેવું પડશે અને અંતે પાછું તો ઘરે જ આવવાનું છે કેમ કે જ્યાં સુધી ઘરે પાછા સહીસલામત પહોંચી જતા નથી ત્યાં સુધી આપણી યાત્રા પૂર્ણ ગણાતી નથી. વળી પાછા ઘરે જ આવવાનું હતું જે આપણે પહેલેથી જ જાણતા હતા. પ્રશ્ન તો ત્યારે ઉદભવે કે પ્રવાસમાં આપણને ખુબ મજા આવી જાય ને ઘરે પાછા આવવાની ઈચ્છા ન થાય અને આપણે ફરતા જ રહીએ પણ ફરતા જ રહેવાની વચ્ચે વચ્ચે દુઃખો, સમસ્યાઓ, તકલીફો તો આવવાની જ, જે આપણે જાણીએ છીએ પરંતુ આ બધી જ સમસ્યા આપણી આસક્તિ અને મોહને આભારી છે. જો પ્રવાસ કે સુંદરતાની આસક્તિ જન્મી જ ન હોત તો કદાચ પીડાઓ પણ ન હોત. વળી પ્રવાસ દરમિયાન જો આપણે એ જ ભૂલી જઈએ કે આપણું કોઈ ઘર પણ છે જ્યાં પાછું જવાનું છે તો સતત રઝળપાટ સિવાય આપણા હાથમાં આવે પણ શું?. પરંતુ જો ઉદેશ્યને ધ્યાન પર રાખીએ (કે પાછા ઘરે તો જવાનું જ છે) અને સુંદરતા કે અન્ય કોઈ બાબતોની આસક્તિ રાખ્યા વગર માત્ર પ્રવાસ દરમિયાન જે કંઈ ભોગવવા મળ્યું, જે કોઈ આનંદપ્રાપ્તિ થઈ, જે કંઈ સંબંધો બંધાયા, એ સર્વ આપેલા સમય દરમિયાન ભોગવી જો પાછા ઘરે પહોંચી જઈએ તો રઝળપાટ કરવાની કે ઉદ્દેશ ભૂલી જવાના અજ્ઞાનની પીડા કે સમસ્યાઓથી બચી શકાય. માત્ર આનંદદાયક પ્રવાસના સંસ્મરણો દ્વારા સમગ્ર જીવનને પ્રસન્નતાથી ભરી શકાય.
સાચું પૂછો તો પરમાત્માએ પણ આ સુંદર સૃષ્ટિનું સર્જન માત્ર તેના બાળકો તેને ભોગવી શકે, માણી શકે કે આનંદ પ્રાપ્ત કરી શકે તે માટે જ કર્યું છે. પરંતુ આપણે આપણા અજ્ઞાન એટલે કે ઉદ્દેશ્ય ભૂલી જવાને કારણે તેમ જ વધુ પડતી આસક્તિ અને જે આનંદ મળ્યો એને ચોંટી રહેવાની વૃત્તિને કારણે હેરાન થઈએ છીએ. કેમ કે પ્રકૃતિનો નિયમ જ પરિવર્તન છે. એટલે આજે જે આપણી પાસે છે તે કાલે છૂટવાનું જ છે. ઈચ્છાઓની પકડ વધુ મજબૂત કરવાને કારણે આપણે સૌ અતિશય પીડામાં રહીએ છીએ. જો ઈચ્છા અને કર્મોની ગાંઠને ઢીલી કરી, ઉદ્દેશના પૂર્ણજ્ઞાન સાથે જીવન પસાર કરીએ તો જીવન ઉત્સવમય બની જાય.
આ વાંચ્યા પછી કોઈ એમ ન સમજે કે પ્રવાસ કરવો, ફરવું કે સુખ ભોગવવું અયોગ્ય છે. કારણ કે પ્રભુ શ્રીકૃષ્ણે શ્રીમદ ભગવદ ગીતામાં કહ્યું છે કે તને આ સૃષ્ટિમાં સુખ ભોગવવા જ મોકલ્યો છે પરંતુ એ સુખને વળગી રહેવાનું નથી. ગમતાને વળગી રહેવાની વૃત્તિ જ પીડાનું મૂળ કારણ છે. એવું કહેવાય છે કે મૃત્યુ વખતે હજાર વીંછીના ડંખ જેટલી પીડા થાય છે તેમાં પણ કારણ મોહ અને આસક્તિ જ છે. આત્માને શરીર છોડવું છે પરંતુ શરીર સંબંધો અને સંસારની માયાને છોડી શકતું નથી. આમ આત્મા અને શરીર વચ્ચે સંઘર્ષ થાય છે અને મૃત્યુ પીડાદાયક બની જાય છે. એના બદલે ઇશ્વરે સોંપેલું જીવન પ્રેમથી ભોગવી કોઈ આસક્તિ વગર છોડી દેવામાં જ સમગ્રનું કલ્યાણ છે. એટલે તો ભગવદગીતામાં કહ્યું છે કે ત્યાગીને ભોગવ અથવા ભોગવીને ત્યાગ. જીવન અને મૃત્યુ બંને સુધારવાનો આ એક જ રસ્તો છે. આપણે સૌ જાણીએ છીએ કે શ્વાસ લીધા પછી શ્વાસ છોડવો પણ પડે નહીં તો જીવન અશક્ય બની જાય. બલિદાન અથવા ત્યાગ એ પ્રકૃતિનો મૂળભૂત નિયમ છે, ભોગવ્યા પહેલા કે ભોગવ્યા બાદ છોડવું અનિવાર્ય છે નહીં તો જીવનચક્ર અશક્ય બની જાય. જો આપણે સ્વેચ્છાએ છોડીશું નહીં તો પ્રકૃતિ છીનવી લેશે, કારણ કે પ્રકૃતિના કાયદામાં વિક્ષેપ પાડનારાને પ્રકૃતિ પસંદ કરતી નથી કે ચલાવી લેતી નથી. આ સનાતન સત્ય તો સમજવું જ રહ્યું. આમ મનુષ્યજીવનનો મૂળભૂત હેતુ મેળવેલ સર્વ કંઈ યથાર્થ રીતે ભોગવી સ્વેચ્છાએ તેમાંથી મુક્ત થઇ સ્વધામ જવું તેમ જ આત્માની ખોજના અજ્ઞાનને દૂર કરવું તે છે. નહિ તો અકારણ પીડા અને ભટકતા રહેવા સિવાય કશું જ હાથમાં આવવું શક્ય નથી..

TejGujarati