અમદાવાદના માણેકચોકમાં વર્ષોથી વાસણો અને ધાતુપાત્રોની કલાઈ કરતા બાબુભાઈ આલેખન. – રમેશ તન્ના.

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

અમદાવાદના માણેકચોકમાં બાબુભાઈ વર્ષોથી કલાઈ કરવાનું કામ કરે છે. કલાઈનો એક જમાનો હતો. લોકો પોતાનાં રોજબરોજનાં વાસણો-પાત્રોને કલાઈ કરતા. કલાઈ કરેલું પાત્ર એકદમ ચકચકિત થઈ જતું.

સિલ્વરનો ઢોળ ચડે એટલે વાસણ ચમકવા માંડે. આજે તો કલાઈનો જમાનો ગયો. નવી ટેકનોલોજીને કારણે વાસણો પણ નવાં આવ્યાં. પહેલાં તો કલાઈ કરનારા કારીગરોની સંખ્યા પણ ઘણી મોટી હતી. ગામેગામ, નગરેનગર અને શહેરોમાં કલાઈ કરનારા ફરતા. તહેવારના પ્રસંગે તો તેમની માગ વધતી.

કલાઈ કરેલું વાસણ નવું લાગતું. કલાઈવાળા ખૂબ વ્યાજબી ભાવે કલાઈ કરી આપતા.મનસુખ સલ્લાએ લોકભારતીમાં કલાઈ કરવા આવતા અલીભાઈનું સુંદર પાત્રાલેખન કર્યું છે.

બાબુભાઈ કહે છે કે અમે વર્ષોથી આ કામ જ કરીએ છીએ. પહેલાં તો કલાઈ કરનારા કારીગરોની સંખ્યા ઘણી મોટી હતી. સમય જતાં નવા નવા પ્રકારનાં વાસણો આવતાં ગયાં તેમ તેમ કલાઈ કરનારા કારીગરો ઘટતા ગયા.

જોકે બાબુભાઈનાં ત્યાં તો નિયમિત રીતે લોકો આજે પણ વાસણોને કલાઈ કરાવવા આવે છે. રોજની કમાણી કેટલી થાય છે એવું પૂછીએ છીએ તો કહે છે કે ઘર ચાલે છે. એટલું કમાતા નથી કે જેને ખાસ કહી શકાય.

ધંધો બંધ કરવાનો કે બદલવાનો વિચાર નથી આવ્યો ? એવું પૂછતાં તેઓ કહે છે કે હા, એવો વિચાર આવેલો.. એમ તો બે-ચાર સારા ઓપ્શન (વિકલ્પો) પણ હતા, પરંતુ પછી એવો વિચાર થયો કે જો બધા જ કલાઈ કરવાનું ચોડી દેશે તો ગ્રાહકોનું શું થશે ? કલાઈ કરવાની કળાનું શું થશે ? એટલે અમે આ કામ ચાલુ રાખ્યું..

ખરેખર કલાઈની કારગીરી તથા ગ્રાહકો માટેની બાબુભાઈની પ્રતિબદ્ધતા અને નિસબત સલામ કરવાનું મન થાય તેવી છે.

ઘણાને થશે કે આ કલાઈ એટલે શું ? ટીન અથવા કલાઈ એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Sn (લેટીન નામ સ્ટેનમ પરથી) છે અને અણુ ક્રમાંક ૫૦ છે. ટીન જર્મેનિયમ અને સીસા સાથે રાસાયણિક સામ્યતા ધરાવે છે. તે ચળકતી, પ્રસરણશીલ મૃદુ ધાતુ છે અને સરળતાથી હવામાં ઓક્સિકરણ પામતી નથી.

તેનો ઢોળ અન્ય ધાતુઓ પર ચડાવી તેનું કાટથી સંરક્ષણ કરી શકાય છે. તેનો મુખ્ય ઉપયોગ છે લોખંડને કાટથી બચાવવા માટે થાય છે. અને હા તે ઓછા પ્રમાણમાં ઝેરી હોવાને કારણે આનો ઉપયોગ ખોરાકની પેકિંગ માટે થાય છે, જેના પરથી તે ડબ્બાઓનું નામ ટીન કેન પડ્યું છે, જે પ્રાયઃ લોખંડના બનેલા હોય છે.

અમારા ગામમાં કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિને બનાવતી હોય, છેતરતી હોય, ખોટું બોલીને તેને ભરમાવતી હોય તો તેવું કહેવાતું કે જા ભાઈ જા, કલાઈ ના કરીશ. આમ કલાઈની એક ચમકતી અને દમકતી દુનિયા હતી.

માણેકચોકમાં વર્ષોથી કલાઈનું કામ કરતા બાબુભાઈની કેટલીક તસવીરો લીધી અને એક વીડિયો પણ ઉતાર્યો.

કલાઈની દુનિયા અજાયબ છે. નવી પેઢીનાં બાળકોને કલાઈની પ્રક્રિયા- અસલમાં બતાવવી જોઈએ. અમદાવાદમાં રહેતાં માતા-પિતાએ બાળકોને માણેકચોકમાં લઈ જવાં જાઈએ. કલાઈ ઉપરાંતની પણ હેરતભરેલી દુનિયા જાઈને બાળકો ચોક્કસ રાજી થશે.

(પોઝિટિવ મીડિયા માટે આલેખનઃ રમેશ તન્ના, 9824034475)

TejGujarati