ગડબડ સડબડ છોડ ને રાજા, દિલ થી દિલને જોડ ને રાજા! કાઢ્યા કરે છે માપ દુનિયા ના, ખુદને પણ કદી તોલ ને રાજા!- મેહુલ ભટ્ટ*

Bride કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

*સોમવાર, સ્વ રચિત ના ક્રમમાં એક લાંબી રચના નો પ્રયોગ – ગમે તો કહો ગમી – મેહુલ ભટ્ટ*
******* ********** ******* ****
ગડબડ સડબડ છોડ ને રાજા,
દિલ થી દિલને જોડ ને રાજા!

કાઢ્યા કરે છે માપ દુનિયા ના,
ખુદને પણ કદી તોલ ને રાજા!

સાચું જો લાગતું હોય દિલને,
હિંમત કરીને બોલને રાજા!

મુંજાઈશ મનમાં ક્યાં સુધી ,
દિલના ભેદ તું ખોલને રાજા!

લખવી છે ગઝલ તો ક્યાં ના છે,
આંસુમાં કલમ બોળ ને રાજા!

મોજા ગણ્યા કરે છે કિનારે રહીને,
કદીક ખુદને પણ ઝબોળ ને રાજા!

દેખાદેખી માં શીદ અટવાયા કરે,
માપસરની તાણ સોડ ને રાજા!

લોકો તો સાવ ભોળિયા છે દોસ્ત,
હુંશિયારીથી તોડ મરોડ ને રાજા!

કોઈ સ્વાર્થ રાખ્યા વગર અમથો,
ક્યાંક લાગણીઓ ઢોળ ને રાજા!

જિંદગીના અનુભવ ટૂંકમાં કહી દે,
કે બતાવી દે પીઠના સોળ ને રાજા!

પંચાત પારકી શીદને ફૂટે અમથી?
પારકી ઉપાધિ ના વ્હોરને રાજા!

દુઃખ કોઈનું લઈ તો ના લેવાશે,
પણ બોલ બે મીઠા બોલને રાજા!

ફોડવું જ હોય તો વાંધો નથી,
ઠીકરું ભટ્ટજી માથે ફોડને રાજા!

*મેહુલ ભટ્ટ(૧૧.૩.૨૧)*

TejGujarati