*સિવિલ હોસ્પિટલનો સુખદ કિસ્સો: પ્રતિષ્ઠિત બિલ્ડરે ખાનગી હોસ્પિટલોને નકારી સિવિલમાં કોરોનાની નિઃશુલ્ક સારવાર લીધી, સાજા થયા બાદ સિવિલને રૂ. અઢી લાખનું દાન આપ્યું. – સંજીવ રાજપુત.

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

અમદાવાદ: સામાન્ય રીતે પૈસૈટકે સુખી અને સમૃદ્ધ લોકો જ્યારે પણ માંદગીનો કિસ્સો સર્જાય ત્યારે સરકારીના બદલે ખાનગી હોસ્પિટલોનો રાહ અપનાવતા જોવા મળે છે. આના પાછળ તેમનો હેતુ સારી સારવાર, સ્ટાફની સરળ પ્રાપ્યતા અને સ્વચ્છ માહોલનો હોય છે. પરંતુ સારી સારવાર, ઇઝિલી અવેલેબલ મેડિકલ સ્ટાફ અને સ્વચ્છ માહોલના મુદ્દે હવે સિવિલ હોસ્પિટલ પણ ભલભલી ખાનગી હોસ્પિટલોને ટક્કર મારે તેવી થઈ છે. આ ઘટનાની વધુ એક સાબિતી તાજેતરમાં જ અમદાવાદની જગમશહૂર સિવિલ હોસ્પિટલમાં મળી હતી.

જયેશ પટેલ નામના પંચાવન વર્ષીય ખ્યાતનામ બિલ્ડર પૈસેટકે સુખી અને સમૃદ્ધ હોવા છતાં તેમણે ખાનગી હોસ્પિટલોને અવગણીને સિવિલ હોસ્પિટલની જવાબદારી ભરેલી સારવાર ઉપર જ ભરોસો રાખ્યો હતો અને આ ભરોસો તેમને ફળ્યો પણ છે. હવે જયેશભાઈ કોવિડમાંથી મુક્ત થઈને સ્વસ્થ જીવન જીવી રહ્યાં છે.

છેલ્લાં 2-3 મહિનાથી જયેશભાઈ કોવિડ સહિત ઉપચારના તમામ ક્ષેત્રોમાં સિવિલ હોસ્પિટલની પ્રશંસનીય કામગીરી વિશે મીડિયા, સોશિયલ મીડિયા, અખબારોના માધ્યમથી માહિતી મેળવી રહ્યાં હતાં. તેઓ સિવિલની કામગીરી વિશેના સમાચારોથી ખુબ પ્રભાવિત થયા હતાં.

બાદમાં જ્યારે જયેશભાઈ પોતે કોરોનાના કહેરમાં સપડાયા ત્યારે તેમણે ખાનગી હોસ્પિટલોનો વિકલ્પ ઉપલબ્ધ હોવા છતાં તેમણે સિવિલ હોસ્પિટલમાં જ દાખલ થઇને કોરોનાની સારવાર મેળવવાનો નિર્ણય કર્યો હતો. હવે તેઓ સાજા થઈને ડિસ્ચાર્જ પણ થઈ ગયા છે.

ખાનગી હોસ્પિટલોને પણ ટક્કર મારે એવી નિઃશુલ્ક અને ઉત્તમ કોરોના સારવાર, ડોક્ટર્સની ટીમ વચ્ચેના સંકલન, અને સ્ટાફની સારસંભાળથી પ્રભાવિત થયેલા જયેશભાઈએ પણ ઋણસ્વીકાર કરીને રૂ. અઢી લાખનું દાન પણ કર્યું હતું.

જયેશભાઈનું કહેવું છે કે “હું છેલ્લાં 30 વર્ષથી મેડિક્લેઇમ ભરુ છું, પણ મારે ક્યારેય ક્લેઇમ મૂકવાનો થાય એવું હોસ્પિટલાઇઝેશન થયું નહોતું. આ વખતે ક્લેઇમ મૂકાય એવું હોસ્પિટલાઇઝેશન તો થયું, પણ આ વખતે મને ખાનગી હોસ્પિટલો કરતા સિવિલ હોસ્પિટલ પર વધુ ભરોસો હતો. સિવિલ હોસ્પિટલમાં મારી સારવાર પણ નિઃશુલ્ક થઈ છે, તેથી મેં સિવિલના ઋણસ્વીકારરૂપે આ દાન આપવાનો નિર્ણય લીધો છે.”

જયેશભાઈ સહિતના સંખ્યાબંધ દર્દીઓ સિવિલ હોસ્પિટલથી પ્રભાવિત થઇ રહ્યાં છે એના અમુક ખાસ કારણો પણ છે. સિવિલ હોસ્પિટલ એટલે સરકારની માનવ માત્ર પ્રત્યેની સેવાનું પ્રતીક. સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલો વચ્ચે સૌથી મોટો તફાવત જવાબદારી સાથે સંબંધિત છે. સિવિલ હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફ હંમેશા જવાબદારીપૂર્વક સચોટ સારવાર ઉપર જ લક્ષ્ય કેન્દ્રિત કરે છે. સિવિલ હોસ્પિટલમાં નફો રળવાનો કોઇ હેતુ હોતો નથી, તેથી પહેલેથી જ દર્દીને વહેલામાં વહેલી તક દર્દમુક્ત કરવાનો જ લક્ષ્યાંક હોય છે.

આ ઉપરાંત છેલ્લાં ઘણાં સમયથી ગુજરાતની સંવેદનશીલ સરકારે અમદાવાદ સહિત રાજ્યની સિવિલ હોસ્પિટલોમાં અતિ આધુનિક સુવિધાઓ, સવલતો, ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટાફ, ઉપકરણો વગેરે જેવા તમામ ક્ષેત્રોમાં વિના વિલંબે સપોર્ટ આપીને અમદાવાદ સહિતની તમામ સિવિલ હોસ્પિટલોને ઉત્તમથી સર્વોત્તમ બનાવવામાં કોઇ જ કચાશ રહેવા દીધી નથી. આથી હવે એક પણ ક્ષેત્રમાં સિવિલ હોસ્પિટલો ખાનગી હોસ્પિટલોથી ઊણી ઉતરે એવી નથી.

ગુજરાતની સંવેદનશીલ સરકારના નિર્ણાયક મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઈ પટેલના નેતૃત્વમાં સિવિલ હોસ્પિટલોએ તબીબી વિજ્ઞાનના દરેક ક્ષેત્રમાં લોકોને જે ઉત્તમ અને આધુનિક સેવા પૂરી પાડી છે તેનાથી સિવિલ હોસ્પિટલો પ્રત્યેના લોકોના અભિપ્રાયમાં ધરમૂળથી સુધારો થયો છે.

ઉલ્લેખનીય છે કે જયેશભાઈ પટેલ જેવી ભદ્ર સમાજની વ્યક્તિએ જે રીતે ખાનગી હોસ્પિટલોની સારવારના બદલે સિવિલ હોસ્પિટલની સારવાર લેવાનું પસંદ કર્યું છે તે દર્શાવે છે કે ગુજરાતની વર્તમાન સંવેદનશીલ અને નિર્ણાયક સરકારે રાજ્યની સિવિલ હોસ્પિટલોની કામગીરીને ઉત્તમ થી સર્વોત્તમ બનાવવાનો જે માનવસેવાનો યજ્ઞ આદર્યો છે તેના મીઠા ફળ હવે મળતા થયા છે.

TejGujarati