ની ઓસ્ટિયોઆર્થરાઈટીસ એટલે ઘૂંટણના સાંધાનો ઘસારો…ડૉ શ્વેતલ દિલિપકુમાર ભાવસાર.

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

ઊંમર વધવા સાથે થતો ઘૂંટણના સાંધાનો ઘસારો એક કુદરતી પ્રક્રિયા છે…આમાં ઘૂંટણનાં સર્જનો પણ બાકાત નથી રહેવાના… ગરીબ હોય કે તવંગર , ઓછો-વધતો ઘસારો થવાનો જ છે…

આપણાં ખરબચડા મજબૂત હાડકાઓની સાંધો બનાવતી સપાટી બરડ નથી હોતી , એ માખણ જેવી લીસી , સ્થિતિસ્થાપક અને ચીકણી હોય છે એને કાસ્થિ ( કાર્ટિલેજ ) કહે છે …

સાધામાં કુદરતી ચિકાશ ભીનાશ ( સાયનોવિયલ ફ્લુઈડ ) હોવાથી એ સરળતાથી સાંધાને વળવાની પ્રક્રિયા ( મૂવમેન્ટ ) થવા દે છે…

બે કાસ્થિ વચ્ચે ચાલતી દોડતી વખતે આવતા આંચકા ખમવા ગાદી ( મેનિસ્કસ ) હોય છે… બધા હાડકા એકબીજા સાથે મજબૂત માંસપેશીઓથી ( લિગામેન્ટ ) જોડાયેલા હોય છે…

નાનું બાળક મોટું થાય એટલે અઢાર વીસ વર્ષ સુધી નવા કોષો ઝડપથી બનતા રહે… એક ઊંમર પછી નવા કોષો ઓછા બને અને એમની તંદુરસ્તી બાળપણ કે યુવાની જેવી ન હોય…

કોઈ પણ પ્રકારના હલનચલન વખતે આ કોષો ઘસાય છે… રોજબરોજનો આ ઘસારો વધુ થાય અને એની સામે નવા કોષોની પૂર્તિ ન થાય અથવા ઓછી થાય તો ઘસારાની પ્રક્રિયા ઝડપી બને છે…

ટૂંકમાં નવા કોષોની ઓછી આવક અને સામે વધુ ખર્ચ એટલે જ સાંધાનો ઘસારો…

ઊંમર વધતા ઘસારાની અસર વધતી જાય છે… જેનું વજન વધારે હોય , બેઠાડું જીવન હોય , હાડકાં પોચાં હોય , પોષક આહાર ન લેતા હોય , નીચે બેસીને પગ વાળીને ઉભડક કે પલાંઠી વાળીને બહુ કામ કરવું પડતું હોય , ભારતીય ઢબનું શૌચાલય વાપરતા હોય આ બધાને ઘસારાથી થતો દુઃખાવો વધારે તકલીફ આપે છે…

ડૉક્ટર પાસે જાવ ત્યારે અલગ અલગ શબ્દોમાં તબક્કાવાર આવું સાંભળવા મળે…
૧ – ગાદી અને કાસ્થિ ફાટી જવા
૨ – ગાદીઓ ઘસાઈ જવી
૩ – સાંધામાં પાણી ભરાઈ જવું
૪ – સાંધા પર સોજો આવવો
૫ – સંધિવાની / સાંધાનો વા

જે કહો એ , નરસિંહ મહેતાએ કહ્યું છે તેમ નામરૂપ જૂજવાં…
આ કેસમાં અંતે તો એને ઓસ્ટિયોઆર્થરાઈટીસ જ કહેવાય…

અમુક કેસમાં યુવાન વયે પણ સાંધામાં અસ્થિભંગ ( ફ્રેક્ચર ) થયા પછી સપાટી ખરબચડી થઈ જાય છે એના કારણે પણ પોસ્ટ ટ્રોમેટિક આર્થરાઇટીસ થાય છે…

ગભરાવાની જરૂર એટલા માટે નથી કે આ કોઈ જીવલેણ રોગ નથી…

ઓસ્ટિયોઆર્થરાઈટીસના ચાર તબક્કા ( સ્ટેજ ) હોય છે જેને સાદા એક્સરે માં જ જોઈ શકાય છે. મોટા ભાગે ઘસારાનું નિદાન કરવા ઘૂંટણના એમ.આર.આઈ. અને સી.ટી.સ્કેન ની જરૂર પડતી નથી….

દરેક સ્ટેજની સારવાર પણ અલગ હોય છે… યુવાન વયથી જ ઘસારો ન થાય એ માટે તેમજ એકવાર ઘસારાની શરુઆત થાય પછી ઘસારાના આ રોગને અચાનક આગળ વધતો અટકાવવા માટે દરેકે મક્કમ બની સજાગ રહેવું જોઈએ… ઓપરેશનની સલાહ જ્યારે પરિસ્થિતિ વિષમ બની જાય ત્યારે જ આપવામાં આવે છે… યોગ્ય રીતે ઊભા ઊભા પાડેલા એક્સરે માં ખબર પડે છે કે ખરેખર ઘૂંટણ ઘસાયા છે કે નહિં… ઘણી વખત એક્સરે ખોટી રીતે પાડ્યા હોય તો પણ ઘસારો હોય એના કરતાં વધુ દેખાતો હોય છે… એવી શંકા જાય તો ફરી એક્સરે પડાવી શંકા નિવારણ કરી શકાય…

અમુક હદ સુધી ઘસાયેલો કુદરતી સાંધો કૃત્રિમ સાંધા કરતા વધુ સારો… જરૂર વગર સ્ટેટસ , ફેશન કે દેખાડા કરવા ઘૂંટણ બદલાવવાની જરૂર હોતી નથી…

સાંધાના ઓપરેશનો મહદ્અંશે સફળ રહે છે… જૂજ કેસમાં નવા સાંધા અને હાડકામાં રસી ( ઈન્ફેક્શન ) , પગની નસોમાં લોહી ગંઠાઈ જવું ( ડીપ વેઈન થ્રોમ્બોસિસ ) , હાડકાની અંદર રહેલી ચરબીના કણો ફેફસામાં ફેલાઈ જવા ( ફેટ એમ્બોલિઝમ ) , હૃદય અને ફેફસા બંધ થઈ જવા ( પલ્મનરી એમ્બોલિઝમ અને માયોકાર્ડિયલ સપ્રેશન અને કાર્એડિયેક રેસ્ટ ) જેવા ગંભીર અને જીવલેણ જોખમો ( મેજર કોમ્પ્લિકેશન ) હોય છે… ઓપરેશન બને તો આઈ.સી.યુ. સહિતની હોસ્પિટલમાં જ કરાવવું જેથી દિવસરાત કોઈને કોઈ ડૉક્ટર હાજર જ હોય અને આવું કશું થાય તો દર્દીને બીજે કશે ખસેડ્યા વગર તરત જ યોગ્ય સમયે ઈમરજન્સી સારવાર મળી રહે…

ડૉ શ્વેતલ દિલિપકુમાર ભાવસાર
સિનિયર જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને ઓર્થોપેડિક સર્જન
એમ.બી.બી.એસ. , એમ.એસ. ઓર્થોપેડિક્સ એન.એચ.એલ. મેડિકલ કૉલેજ , ઈન્ટરનેશનલ પોસ્ટડૉક્ટરલ ફેલો યુનિવર્સિટી ઑફ ટોરન્ટો કેનેડા

સરનામુ : ક્લિનિક ૯ , પહેલો માળ , બી ૧૧૦ , ડૉક્ટર હાઉસ , પરિમલ અંડરબ્રીજ , એપોલો કેન્સર હોસ્પિટલની બાજુમાં , સી.જી, રોડ અમદાવાદ
મોબાઈલ નંબર માત્ર ઈમરજન્સી માટે જ :
+૯૧૯૦૯ ૯૦૯૧૯૦૭ , +919099091907

TejGujarati