.આજે ઓફિસેથી આવતા મારે મોડું થઇ ગયું . મા કેટલાય સવાલો પૂછી નાખશે ….. એ બીકે બે વાર હું પગથિયું ચુકી ગઈ .ફ્લેટના દરવાજે બેલ મારતાં મારો હાથ થોડો ધ્રુજી પણ ગયો …ત્યાં તો અંદરથી અવાજ આવ્યો …આવું બેટા ,
……માના આ સંબોધન થી મને થોડી શાંતિ થઇ .
માની સામે જોયા વગર જ મારા રૂમમાં ઘુસી ગઈ .ત્યાં ચાલ જમી લઈએ ….માનો અવાજ આવતા બોલી … હા આવું !
ઝટપટ કપડાં બદલી અને હાથ ધોઈ કિચનમાં આવી ગઈ .ચુપચાપ જમી રહી હતી …..મનમાં થતું હમણાં સવાલોની ઝડી ચાલુ થશે .
પણ …..માએ પૂછ્યું , આજે દિવસ કેવો રહ્યો ? બપોરે જમી હતી કે નહીં ?
અનાયાસે મારાથી બોલાઈ જવાયું ….હા જમી હતી ને ! મેં પણ પૂછી લીધું ….તે દવા લીધી કે નહીં ?…તારા પગનો દુખાવો કેમનો છે ??
હું જાણતી હતી માને બહુ બધા હેલ્થને લગતા ઇસ્યુ હતા .બાપુજી ના રિટાયરમેન્ટ પછી એની શારીરિક તકલીફો ખુબ વધી ગયેલી .
પણ , આજે એના વર્તનમાં મને અજીબ પરિવર્તન અનુભવાયું .
થોડાક દિવસોમાં જ
એ અચાનક બદલાઈ ગઈ. પરિસ્થિતિ તો એની એજ હતી પણ “મા”અલગ હતી.
પિતાનું વારંવાર માને નાની વાતમાં ટોકવાનું ……….સગાસંબંધીઓનું ટાણે -કટાણે આગમન …..
પડોશીઓની ગમેત્યારે વણમાગી સલાહ આપવાની ટેવ …અમારું મા સાથેનું કોઈકવાર ખરાબ વર્તન …..
આ બધું “મા”ટેકલ કરતા અચાનક શીખી ગઈ ….એ પણ હસતાં મોં એ ……
અમે બધાં ચિંતાતુર થઈને ઘરમાં ભેગા થયા.
અમને શંકા હતી કે એ કોઈક ડોકટર પાસે ગઈ હતી જેણે એને કઈંક દવા લખી આપી હતી જેથી આ થતું હશે અને કદાચ તે આ દવાનો ઓવરડોઝ લેતી હશે …
અમે નક્કી કર્યું કે આપણે આ મામલામાં હસ્તક્ષેપ કરવો જોઇએ અને જો એને આવી કોઈ દવાનું વ્યસન થઈ ગયું હોય તો એમાંથી એને મુક્ત કરાવવી જોઈએ.
પરંતુ જ્યારે અમે “મા” પાસે એકત્રિત થયા ત્યારે તેણે ખુલાસો કર્યો કે:
*મને એ વસ્તુ સમજાતાં ઘણો સમય ગયો કે દરેક વ્યક્તિ પોતાનાં જીવન માટે પોતે જ જવાબદાર હોય છે.*
મને એ શોધી કાઢવામાં વર્ષો ગયાં કે મારી બધાં પ્રત્યે ની ચિંતા, મારો ગુસ્સો મારી જતુ કરવાની ભાવનાથી ઉત્પન્ન થતો ,મારી ઘટતી હિંમત, મારું ડિપ્રેશન, ઊંઘ ન આવવું અને મારાં પર સવાર રહેતા તનાવે મારાં પ્રશ્નોને ઉકેલ્યા તો નહીં પણ વધુ ગૂંચવી નાખ્યાં .
*મને સમજાયું કે હું બીજાઓ જે કરે એ પરત્વે જવાબદાર નથી પણ હું એ પરત્વે જે પ્રતિક્રિયાઓ વ્યક્ત કરું એ માટે પૂર્ણ જવાબદાર છું.*
આ કારણોથી, હું એવાં તારણ ઉપર આવી કે મારા પરત્વેનું મારૂં કર્તવ્ય શાંત રહીને અને દરેકને પોતાની સમસ્યાઓ પોતાની રીતે જાતે ઉકેલવા દેવાનું છે.
મેં યોગ, ધ્યાન, માનવ વિકાસ, માનસિકઆરોગ્યને લગતા કેટલાક પુસ્તકો વાંચ્યા ….અને એ બધાનો મધ્યવર્તી સૂર મને એક જ લાગ્યો ,
તે એ છે કે હું માત્ર મારી જાત પરત્વે જ હસ્તક્ષેપ કરી શકું.ને મારી જાત પ્રત્યે સજાગ રહું.
તમારી પાસે તમારાં પોતાનાં જીવનના પ્રશ્નો ઉકેલવા બધી જ સામગ્રી છે.
હું તમને માત્ર મારી સલાહ જ આપી શકું અને એ પણ જો તમે માંગો તો અને એને અનુસરવું કે નહીં તે તમારા ઉપર આધારિત છે.
એટલે હવેથી હું તમારી સમસ્યાઓને અપનાવી લેવાની, તમારી ગીલ્ટી અનુભૂતિનો કોથળો ઉપાડવાની, તમારી ભૂલોની વકીલાત કરવાની, તમારાં દુઃખોની ઢાલ બનવાની અને તમારી ફરજો યાદ દેવડાવ્યાં કરવાની જે મારી પ્રકૃતિ છે, તેનો ત્યાગ કરું છું.
તમારા પ્રશ્નો ઉકેલનાર કે સ્પેર વ્હીલ તરીકે વર્તનાર હવે હું નથી.
હવેથી હું જાહેર કરું છું કે તમે બધાં જ સ્વતંત્ર અને પોતાની જાતમાં પરિપૂર્ણ પીઢ વ્યક્તિઓ છો .
ઘરમાં બધા અવાક થઈ ગયા !
અને તે દિવસથી કુટુંબ વધુ સારી રીતે સ્વયંસંચાલિત થવા લાગ્યું કારણ કે ઘરનાં બધાં જ સભ્યો એ વસ્તુ બરાબર સમજવા લાગ્યાં હતાં કે હવે એમના કાર્યો માટે તે પોતેજ જવાબદાર રહેશે.
“મા ” નો નવો અવતાર જોઈ ….મને સર્વશ્રેષ્ઠ માતાની કૂખ પ્રાપ્ત થઇ છે એવી અદ્દભુત અનુભૂતિ થઇ ….!!આટલા સરળ શબ્દોમાં જીવનની શીખ ….મને પ્રથમવાર પ્રાપ્ત થઇ ….??
જીવનના કેટલાક કઠિન તબક્કાઓમાં હિંમતપૂર્વક માર્ગ શોધી આગળ વધતી ….સમાજની કહેવાતી સ્ત્રી -પુરુષની સમાનતાને પડકારતી ……હસતાં – હસતાં તેની આસપાસના કુટુંબીજનો માટે બધું કરી છૂટવાની કોશિશ કરતી ………તમામ સ્ત્રીઓને આજે “વુમન્સ ડે ” ની દિલથી શુભકામનાઓ …??
-બીના પટેલ