કૃષ્ણ : કારાવાસ થી કુરુક્ષેત્ર સુધી…- સંકલન. : નીતિન ભટ્ટ.

સમાચાર

કૃષ્ણ એટલે પરમ આનંદ નો પર્યાય, અમરત્વની અનુભૂતિ અને સંસારનો સાર.કૃષ્ણ નામ સ્મરતાં જ માનસપટ પર એકસાથે કેટલી બધી તસવીરો ઉપસી આવે ! નટખટ કાનુડો, ગોપીઓ સાથે રાસ રમતો કૃષ્ણ, રાધા અને રુક્મિણી સંગ પ્રેમલીલા રચાવતો કૃષ્ણ,વાંસળી વગાડીને સૌને મંત્રમુગ્ધ કરતો કૃષ્ણ, ગીતાનું ગાન કરતો કૃષ્ણ, રાક્ષસોનો વધ કરતો કૃષ્ણ , યુદ્ધનો શંખનાદ કરતો કૃષ્ણ..એમ કહી શકાય કે કૃષ્ણ મલ્ટી ડાયમેન્શનલ અને 4G મોબાઈલ જેવા છે, જે માંગો તે બધું જ એમની પાસેથી મળી જાય.આજના આધુનિક જમાના સાથે ફિટ બેસે તેવું બહુમુખી વ્યક્તિત્વ એકમાત્ર કૃષ્ણ પાસે છે.તેથી જ સદીઓ પછી પણ એમનો જન્મદિવસ ધામધૂમ થી ઉજવવાનું મન થાય તેવા વ્હાલા અને લાડકવાયા ભગવાન છે.તેઓ પૌરાણિક હોવા છતાંય અર્વાચીન છે, સદાબહાર અને એવરગ્રીન છે.જય વસાવડા કહે છે ‘કૃષ્ણ ૨૧મી સદીના ભગવાન છે.’

કૃષ્ણનું વ્યક્તિત્વ એક મુંઝવનારો કોયડો છે.કૃષ્ણ અદ્વિતીય છે,અસાધારણ છે,અનન્ય છે તેમ છતાંય સીધા,સાદા અને સરળ પણ છે.તેમના જીવનમાં એટલા બધા શેડ્સ છે કે તેમને પૂરેપૂરા સમજવા ખૂબ મુશ્કેલ છે.જેમ સમજવાનો પ્રયાસ કરો એમ વધુ ગુંચવાતા જાવ.એ કાનુડો બનીને માખણ ચોરી શકે તો કાળીયા નાગને વશ કરીને તેની ફીણ પર નૃત્ય પણ કરી શકે…ગોપીઓના ચીર હરી શકે અને ભરસભામાં દ્રૌપદીના ચીર પુરી પણ શકે…કુશળ પ્રેમીની બનીને રાધા,રુક્મિણી અને સત્યભામા સાથે ઇશ્ક લડાવી શકે તો કુશળ યોદ્ધાની જેમ ઠંડા દિમાગથી યુદ્ધ પણ લડી શકે…વારસામાં મળેલી મથુરા નગરી ને છોડી શકે તો પોતાના દમ પર દ્વારિકા નગરી નું નિર્માણ પણ કરી શકે…શાંતિદૂત બનીને ‘શાંતિ પ્રસ્તાવ’ મૂકી શકે અને વાતચીતના બધા રસ્તા બંધ થઈ જાય ત્યારે ભરસભામાં યુદ્ધ નું રણશિંગુ પણ ફૂંકી શકે…રણછોડ બનીને તેમને ભાગતાં પણ આવડે છે અને કુરુક્ષેત્રમાં રથનું પૈડું ઉપાડી દુશ્મનોને ભગાડતાં પણ આવડે છે…મોરલીના મધુર સુર રેલાવીને રાસલીલા રમી શકે તો ઘોડાઓ ના હણહણાટ અને લોહીની પ્યાસી થયેલી તલવારો વચ્ચે અપ્રતિમ કાવ્ય “ગીતા” પણ ગાઈ શકે…જે આંગળીથી વાંસળી વગાડી શકે છે, એ જ આંગળી પર સુદર્શનચક્ર પણ ઘુમાવી શકે છે…આટલું વૈવિધ્ય બીજા કોઇ ભગવાન પાસે મળે ખરું ?

કૃષ્ણ કાળા છે છતાંય બહુ રૂપાળા છે.મોરલીવાળા માધવ સૌ ને મનમોહક અને માયાળુ લાગે છે.એટલે જ લાડમાં તેમને ‘સુંદીરવર શામળિયો’ કહેવામાં આવે છે.એ ‘સ્ટાઇલ આઇકોન’ છે.તે રસ્તા પર પડેલું મોરપીંછ મુગટમાં ખોસીને હજારો રાજાઓમાં પોતાની આગવી ઓળખ બનાવી શકે છે..ગોવર્ધન પર્વત ટચલી આંગળીએ ઉપાડે છે પરંતુ મોરલી બે હાથોમાં પકડે છે.મોરલી હાથમાં લઈને બે પગની આંટી લગાવીને ઉભેલા કૃષ્ણ નયનરમ્ય લાગે છે.એક સુંદર પંક્તિ છે : ‘માથે મોરપિચ્છ ધરે, અધરે સ્મિત ધરે, સકલ વિશ્વમાં ફરે, ચરે, તરે અને તારે એ કૃષ્ણ’ કૃષ્ણએ રાધાને પ્રિયતમા તરીકે રુક્મિણીને પત્ની તરીકે અને દ્રૌપદીને સખીભાવે ચાહી છે.તેમ છતાંય તેઓની વચ્ચે ગઝબનું સંતુલન જાળવ્યું છે.રાધા-કૃષ્ણ ની પ્રેમકથા તો અમર છે.જેટલા ગીતો રાધા-કૃષ્ણ પર રચાયા છે એટલા બીજા કોઈ પ્રેમી યુગલ પર લખાયા નહિ હોય.લોકગીતો,લોક સાહિત્ય અને ગરબાઓમાંથી કૃષ્ણને કાઢી નાંખો તો કશું ના બચે.બે યુવાહૈયાઓ લવ મેરેજ કરવા માંગતા હોય તો આજના યુગમાં પણ પરિવારજનો આ લગ્નને ઝટ સ્વીકારી શકતા નથી.ત્યારે એ યુગમાં શ્રીકૃષ્ણએ સગીબહેન સુભદ્રાનું અપહરણ કરીને તેની સાથે લગ્ન કરવા અર્જુનને સલાહ આપી હતી અને મદદ પણ કરી હતી.

કૃષ્ણ દુનિયાના એકમાત્ર એવા ભગવાન છે જેમનું બાળ સ્વરૂપ પણ પૂજાય છે.કૃષ્ણ એ જીવનને ભરપૂર માણ્યું છે.તેઓ શિસ્તબદ્ધ બાળક નથી પરંતુ નટખટ અને મસ્તીખોર બાળક છે…તેમણે માખણ ચોરીને ખાધું છે…કદંબની ડાળી પર ઝૂલા ખાધા છે…ગાયો અને ગોવાળો ની સાથે મસ્તી કરી છે…પનિહારીઓની મટુંકીઓ કાંકરી મારીને ફોડી છે..તેમનું બાળપણ બાળ સહજ તોફાનોથી ભરપૂર છે, તો યુવાની રોમાન્સનું રજવાડું છે. દુનિયાના બીજા કોઈ ભગવાન નાચતાં કે ગાતાં હોય તેવુ વિચારી પણ શકાય ? જયારે સંગીત અને નૃત્ય વિનાના કૃષ્ણની તો કલ્પના પણ ના થઇ શકે. ‘તારા વિના શ્યામ મને એકલડું લાગે, રાસે રમવાને વહેલો આવજે’ એમ કહીને તેમને બોલાવી શકાય..કૃષ્ણની જિંદગીમાં મૈત્રીની સુગંધ છે અને સખાભાવની ઊર્મિ છે.કૃષ્ણને આપણા ભગવાન નહિ મિત્ર બનવામાં રસ છે.ફિલ્મ ‘ઓહ માય ગોડ’ માં એક સુંદર ડાયલોગ છે : ‘કૃષ્ણને રીઝવવા માટે પ્રાર્થના,આરતી,વ્રત,ઉપવાસ કશાની જરૂર નથી.બસ નરસિંહ અને મીરાની જેમ મિત્રભાવે પોકારો તો એ હાજર થઈ જાય છે.એતો પ્રેમના ભૂખ્યા છે, પ્રસાદ કે પૈસાના નહિ.’ રાજમહેલના છપ્પન ભોગ કરતાં વિદુરની ભાજી એમને વધારે પ્રિય છે.

કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ કહેવાયા છે કારણ કે એ બહુ આયામી છે: પ્રેમી ,સંગીતકાર ,યોદ્ધા, સખા,મિત્ર , રાજદૂત ,રાજકારણી ,લીડર…આમ છતાંય એમના ખભા પર હાથ મૂકીને બે ઘડી મોકળા મને વાત કરવાનું મન થાય તેટલા સરળ ઇન્સાન પણ છે.રામને મર્યાદા નડે, કૃષ્ણ મર્યાદાથી પર છે. એટલે જ એ જીવંત લાગે છે,પોતીકા લાગે છે.શ્રીકૃષ્ણ એક સારા મોટીવેટર પણ છે.એ સ્મિત રેલાવતાં રેલાવતાં જીવન અને મૃત્યુની ભારેખમ વાતો સમજાવી શકે છે.હારી અને થાકી ગયેલા અર્જુનને રણમેદાનમાં ભગવદ્દગીતા સંભળાવીને તેના દિલમાં લડવાની ચેતના અને જુસ્સો જગાવી શકે છે.એમ કહી શકાય કે કૃષ્ણ ગ્રેટ રોલ મોડેલ છે, યુથ આઇકોન છે અને સાચા અર્થમાં ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ છે.એમનું જીવન એક સુંદર પ્રેરક પુસ્તક છે.સંસારની તમામ સમસ્યાઓનું સમાધાન એમાંથી મળી જાય.ધ્યેય પ્રાપ્તી, દૂરંદેશી, નેતૃત્વ,કાર્યકુશળતા, આયોજન અને અમલીકરણ જેવા તમામ પ્રકારના સદગુણો કૃષ્ણ પાસેથી શીખવા મળે.

શ્રીકૃષ્ણએ ભગવદગીતામાં ‘કર્મયોગ’નો મહિમા સમજાવ્યો છે.તેમણે કહ્યું છે ‘યોગ: કર્મસુ કૌશલમ્’ એટલે કે દરેક કાર્ય ને એકાગ્રતાથી ,ચોકસાઈ પૂર્વક અને વ્યવસ્થિત રીતે કરવું એટલે જ યોગ. દરેક કાર્યમાં જ્યારે ધર્મ અને મર્મ ભળે છે ત્યારે એ કર્મ લીલા થઈ જાય છે.વળી તેનાથી આગળ વધીને બીજા એક શ્લોકમાં કહે છે : ‘કર્મળ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન’ અર્થાત જીવ રેડીને પોતાનું કર્મ કરવું તેમાં કંઈપણ કચાશ રાખવી નહિ. પછી બાકી બધું પરમાત્મા પર છોડી દેવું. કર્તવ્ય પ્રત્યે કટિબધ્ધ રહીને પણ ફળની ચિંતા રાખવી નહીં.’ આખી ગીતા વાંચવાનો સમય ના હોયતો ખાલી આટલી વાત પચાવી શકીએ તોય જીવનની મોટાભાગની સમસ્યાઓ દૂર થઈ જાય.કર્મ અને ધર્મનું આવું મિશ્રણ બીજું કોણ કરી શકે ? કૃષ્ણ ‘યુદ્ધત્વ’ની સાથે સાથે ‘બુદ્ધત્વ’નો પણ પરિચય કરાવી શકે છે.જ્યારે છેલ્લે અર્જુને કહ્યું કે, ‘કરિષ્યે વચનમ્ તવ’ મતલબ કે તમે જે કહેશો તે કરીશ.ત્યારે ભગવાન અદભુત વાત કરે છે : ‘યથેચ્છસિ તથા કુરુ’ મતલબ કે ‘હું કહું છું એટલે નહિ પરંતુ તને જે યોગ્ય લાગે તે કર.સાચું શું છે, સારું શું છે, વાજબી શું છે એ વિચારીને તને જે યોગ્ય લાગે તે કર.’ કૃષ્ણ સિવાય બીજા કયા ગુરુ કે ઈશ્વર આવું કહી શકે ?

કૃષ્ણ ધર્મની વાત કરે છે પરંતુ ધર્મના નામે કાયરતાને તેઓ પોષતા નથી.એ વાંસળી અને સુદર્શન ચક્ર બંને રાખી જાણે છે.કઈ વસ્તુ ક્યારે વપરાય તેનો તેમને ખ્યાલ છે.એક તરફ વાંસળી વગાડીને સૌ ના દિલ જીતી લે છે તો બીજી તરફ શિશુપાલ જેવો સગો માસીનો દીકરો હદ કરતાં આગળ વધી જાય ત્યારે સુદર્શન ચક્ર પણ ચલાવી જાણે છે.કૃષ્ણ શાંતિ ના ચાહક છે પરંતુ સમાધાન ના બધા રસ્તા બંધ થઈ જાય ત્યારે જરાપણ ખચકાયા વિના એમ પણ કહી શકે છે: ‘વિધિનાં એ જ મહાનિર્માણ, પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ ‘ તેઓ એકદમ વાસ્તવવાદી છે.શ્રીકૃષ્ણ કહે છે : ‘જે દુષ્ટ છે એ દુષ્ટ છે. દુષ્ટ ક્યારેય સગો નથી હોતો, સગો હોય તો પણ એ દુષ્ટ જ છે. દુષ્ટને ખતમ કરવામાં પાપ નથી.’ સત્યની લડાઈ જીતવા માટે ક્યારેક અસત્યનો સહારો લેવો પડે તો પણ તેઓ ખચકાતા નથી.યુદ્ધના નિયમોની વિરુદ્ધ જઈને પણ નિશસ્ત્ર કર્ણ પર બાણ ચલાવવાનો આદેશ આપી શકે છે તો વળી દ્રોણાચાર્ય નો વધ કરાવવા માટે ‘અશ્વથામા હણાયો’ એવી માયા જાળ રચી શકે છે અને સૂર્યના પ્રકાશને પળવાર માટે ઢાંકી દઈ જયદ્રથ ને ભ્રમમાં નાંખીને તેનો વધ કરાવી શકે છે.ભીષ્મની સામે શીખંડીને લાવીને તેમના હાથમાંથી શસ્ત્રો હેઠા મુકાવી શકે છે.એ જરૂર પડે ત્યારે કુનેહ અને કપટ નો આશરો લઈને પણ સત્યનો વિજય થાય તેને મહત્વ આપે છે.
કાનુડા થી દ્રારીકાધીશ સુધીની સફરમાં પડાવે પડાવે પડકારો અને પરીક્ષાઓનો તેમણે સામનો કર્યો છે.એક સામાન્ય માણસને હોય તેનાથી અનેકગણાં દુ:ખ તેમણે ભોગવ્યાં છે. કેટલું વિચિત્ર કહેવાય કે જન્મ થયા પહેલાજ તેમને મારી નાખવાનો તખ્તો ગોઠવાઈ ચુક્યો હતો.જન્મતાંવેંત જ માતા-પિતા થી દૂર થવું પડ્યું.ઘોડિયામાં રમતાં રમતાં પૂતના જેવી રાક્ષસી નો સામનો કરવો પડ્યો.સગા મામા કંસનો વધ કરવો પડ્યો.યુવાવયે જ ગોકુળની ગલીઓમાં રાધા જેવી પ્રિય સખી છોડીને મથુરા આવવું પડ્યું.વળી મથુરા ની ધરતી છોડીને રણછોડ બનવાનું કલંક માથે લેવું પડ્યું.યમુનાના મીઠા જળ છોડીને દ્રારકના ખારા જળ પીધા છે.જીવનભર કદી ફરીથી ગોકુળ-મથુરામાં જઈ શક્યા નથી કે બાળપણ ના મિત્રોને મળી શકયા નથી.જેને ચાહ્યા છે તેમની સાથે વધારે સમય વિતાવી શક્યા નથી.જીવનમાં અનૅક લડાઈઓ લડ્યા અને પરંતુ કદી રાજા બની શક્યા નથી.અશ્વથામાં એ પાંડવોના પુત્રોની હત્યા કરી ત્યારે તેમને બચાવવામાં અસમર્થ રહેલા કૃષ્ણને દ્રોપદી ના કડવાં વેણ સાંભળવા પડ્યા છે અને દુર્યોધનના મૃત્યુથી વ્યથિત ગાંધારીના શ્રાપનું ભોગ બનવું પડ્યું છે.યાદવ કુળના વંશજોને અંદરો અંદર ઝઘડતા રોકી શકયા નથી. અને નિરાશ થઈને પીપળાના ઝાડ નીચે બેઠા ત્યારે એક સામાન્ય પારધીનાં બાણથી વિધાઈને જીવનલીલા સંકેલી લીધી…

કૃષ્ણએ અઢળક વેદના સહી છે, ઘણું ગુમાવ્યું છે અને છતાં ક્યારેય હાર્યા કે ડર્યા નથી.સંજોગો સામે ઝઝૂમતા રહ્યા નિતનવા સંઘર્ષો છતાં કોઈ દિવસ ફરિયાદ નથી કરી.’વિષાદયોગ’ ચુપચાપ ભોગવતા રહ્યા છે.મન નો વિષાદ વાંસળીના સુરમાં છુપાવીને તેમણે વદન પર મુસ્કાન જાળવી રાખી છે..એટલે જ કહેવાય છે કે દુ:ખથી પર થવું હોય કૃષ્ણની ભક્તિ કરજો અને સુખથી પર થવું હોય તો કૃષ્ણને પ્રેમ કરજો.કૃષ્ણ એક વ્યક્તિ નથી વિચાર છે.કૃષ્ણ નું જીવન એક ઉત્સવ છે.બધા ધર્મો અને ધર્મગુરુઓ મૃત્યુ પછી શું એની વાત કરે છે ,સન્યાસી થઈને મોક્ષ કેવી રીતે પામવો તે સમજાવે છે જ્યારે કૃષ્ણ સંસારમાં રહીને સન્યાસી જેવું સ્થિતિપ્રજ્ઞ જીવન કેવી રીતે જીવાય તે શીખવે છે.એ તમારા વતી યુદ્ધ લડી લે તેવા ભગવાન નથી પરંતુ જો તમે ગાંડીવ ઉઠાવો તો તમારા સારથી બનીને માર્ગદર્શક બની જાય.એટલે જ કહેવાનું મન થાય શ્રીકૃષ્ણઃ શરણં મમ’ શ્રીકૃષ્ણ મને તમારા શરણમાં લઇ લો.

યદા યદા હી ધર્મસ્ય ગ્લાનિઃ ભવતિ ભારત ।
અભ્યુત્થાનમ અધર્મસ્ય તદા આત્માનં સૃજામિ અહમ ।।
પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ ।
ધર્મસંસ્થાપનાર્થાય સમ્ભવામિ યુગે યગે ।।

(જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મનો ફેલાવો થાય છે. ત્યારે હું સ્વયં જ્ન્મ ધારણ કરું છું સજ્જનોની રક્ષા, દુષ્ટોના વિનાશ અને ધર્મની પુનઃસ્થાપના માટે હું દરેક યુગમાં અવતરિત થતો રહું છું)

(પ્રુણ)

TejGujarati