વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા જળ સંરક્ષણ અને ભારતીય સંસ્કૃતિ સંરક્ષણ અભિયાનનો પ્રારંભ

સમાચાર

 

 

 

અમદાવાદ, 2 માર્ચ, 2021 – શ્રી વલ્લભકુળભૂષણ વૈષ્ણવાચાર્ય પૂ.પા. 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના મંગલ સાંનિધ્યમાં આજે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન (વીવાયઓ) દ્વારા આજે જળ સંરક્ષણ જાગૃતિ અભિયાન અને ભારતીય સંસ્કૃતિ સંરક્ષણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

 

સમાજિક કલ્યાણ અને પરોપકારવૃત્તિ સાથે હંમેશા નવીન પહેલ કરતાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશને પાણીની તંગીની સમસ્યાના કાયમી ઉકેલ પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાવવા અને પાણી બચાવવાની સામૂહિક જવાબદારી વિશે જાણકારી ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે જળ સંરક્ષણ જાગૃતિ અભિયાન અંતર્ગત ગુજરાતના 35,000 ઘરોમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરવાનું આયોજન કર્યું છે. તેનાથી વરસાદી પાણીનો અસરકારક સંગ્રહ કરવામાં મદદ મળી રહેશે તથા ખૂબજ ઊંડા જઇ રહેલાં પાણીના સ્તરમાં પણ સુધારો કરવામાં સહયોગ મળી રહેશે. મહત્વપૂર્ણ છે કે પાણી સંગ્રહના નક્કર આયોજનના અભાવ તથા જમીનમાંથી મોટા પાયે પાણી ખેંચવાને પરિણામે જમીનમાં પાણીના સ્તર ચિંતાજનક રીતે નીચે જઇ રહ્યાં છે, જે આપણી આવનારી પેઢી માટે અને માનવજાતના અસ્તિત્વ સામે ખતરો પેદા કરી શકે છે.

 

વધુમાં ભારતીય સંસ્કૃતિ ઉપર પાશ્ચાત્ય સંસ્કૃતિના સતત વધી રહેલાં પ્રભાવ અને તેની નકારાત્મક અસરો અંગે વિશેષ કરીને યુવા પેઢીને જાગૃત કરવા માટે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશને ભારતીય સંસ્કૃતિ સંરક્ષણ અભિયાનનો પણ પ્રારંભ કર્યો છે. વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિઓ પૈકીની એક અને એક આગવી ઓળખ ધરાવતી ભારતીય સંસ્કૃતિ પ્રત્યે યુવાનોમાં જાણકારી ફેલાવવા તથા સંસ્કૃતિના સંરક્ષણ હેતુસર આ પહેલ કરવામાં આવી છે, જેના સકારાત્મક લાભો જોવા મળવાની આશા છે. ઉલ્લેખનીય છે કે જન્મદિવસ નિમિત્તે જ્યોત બુઝાવીને નહીં, પરંતુ દિપ પ્રગટાવીને ઉજવણી કરવા જેવી બાબતોની મહત્વતાના પ્રસારથી આ લક્ષ્ય હાંસલ કરી શકાશે.

 

આ કાર્યક્રમમાં વીવાયઓના અમદાવાદ ખાતેના પ્રમુખ પથિક પટવારી અને મહામંત્રી દિપેશ શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. વૈષ્ણવ સંપ્રદાયની સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય નેટવર્ક ધરાવતી આ સંસ્થા વિશ્વના 12 દેશોમાં ભારતીય સંસ્કૃતિની સુવાસને પ્રસરાવવા તેમજ ધર્મ સેવા સાથે રાષ્ટ્ર સેવા અને જનસેવાને સમર્પિત છે.

 

TejGujarati