આચાર્ય રજનીશ પોતાના શિષ્યોને હમેશા બાઇ પાસે જઇને જ્ઞાન લેવાની સલાહ આપતા. આ બાઇ એટલે શ્રી ભૂરીબાઇ. – દેવલ શાસ્ત્રી.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન સમાચાર

આચાર્ય રજનીશ પોતાના શિષ્યોને હમેશા બાઇ પાસે જઇને જ્ઞાન લેવાની સલાહ આપતા. રજનીશ સ્વયં જ્ઞાની, આમ છતાં તે બાઇને બે વાર મળવા માટે ગયાં હતાં અને લગભગ નિરક્ષર કહી શકાય તેમજ ગામઠી શૈલીમાં જીવતા બાઇ પાસેથી જ્ઞાન મેળવતા હતાં. નાથદ્વારા એટલે ભગવાન શ્રીનાથજીનું ધામ, આ જ સ્થળે આચાર્ય રજનીશ સહિત અનેક લોકોને જ્ઞાનનો પ્રકાશ આપતા બાઇનું કર્મસ્થળ. બાઇ એટલે શ્રી ભૂરીબાઇ ‘અલખ’…મહદઅંશે મૌન જ રહેવાનું અને બને એટલા ટૂંકાક્ષરી જવાબ આપે. આપણે ભૂરીબાઇ સાથે આધ્યાત્મિક યાત્રા કરવી છે.

યોગાનુયોગ વડોદરાના જાણીતા નિષ્ણાત ડો ભેસાણિયા સાહેબ ઘણીવાર મારી સાથે ભૂરીબાઇની વાતો કરતાં, તેમના એક મિત્ર દ્વારા મને ભૂરીબાઇનું પુસ્તક મળ્યું, ઘણા સમયથી ભૂરીબાઇ વિષે લખવું હતું. ભૂરીબાઇના જીર્ણ થયેલા નાથદ્વારા ના ઘરનું રિનોવેશન પછી ઘરનું નામ પણ અલખ આપવામાં આવ્યું. હવે જ્યારે નાથદ્વારા જાવ ત્યારે ભૂરીબાઇના અલખ આશ્રમની મુલાકાત લેજો.

ભગવાન રામના આદર્શ સાથે ભૂરીબાઇ જીવ્યા, ગુરુ બનવાનું કે વગર કારણે જ્ઞાન આપવાથી અત્યંત દૂર રહેતાં, અત્યંત સ્નેહાળ હોવા છતાં લોકો તેમના પ્રભાવથી ડરતાં. રમણ મહર્ષિ ના વિચારોથી પ્રભાવિત બાઇને ખાસ ભજનો સંભળાવવા માટે પધારો મારો દેશ ને વિશ્વભરમાં લોકપ્રિય કરનારા અલ્લાહ રખી બાઇ (આ પણ એક ઇન્ટરેસ્ટિંગ વ્યક્તિ છે, ભવિષ્યમાં એમની પણ વાતો કરીશું) ખાસ નાથદ્વારા આવતાં.

બાઇને કોઇએ પૂછ્યું કે સંસાર ક્યારે પેદા થયો? બાઇ : જે દિવસે તું પેદા થયો…

બાઇએ એક પુસ્તક લખ્યું છે, જેમાં સફેદ કવર પર ” રામ” લખીને અંદર ચાર છ પાના કાળા રંગે રંગી દીધાં… પુસ્તક પણ મૌન….રામ સિવાય બધો અંધકાર છે…

ભૂરીબાઇ અલખ :

જન્મ : 1892 સરદારગઢ રાજસ્થાન

નિધન : 1979 નાથદ્વારા

ભૂરીબાઇ મૌન રહેવું પસંદ, કોઈ બહુ બોલે એ પસંદ નહીં. આખા ઘરમાં તેમણે ‘ચૂપ’ શબ્દ લખાવ્યો હતાં.

ભૂરીબાઇને પૂછવામાં આવ્યું કે, પરમાત્માનો સાક્ષાત્કાર ક્યારે થાય? એમણે કહ્યું હતું કે આ પ્રશ્ન જે ઘડીએ મનમાંથી નીકળી જશે ત્યારે. બાઇને શરીર ત્યાગ પછી શું હોય એ પ્રશ્ન પર માનતાં કે જન્મ જન્મ જન્માંતર જેવું કશું નથી… ભૂરીબાઇના પ્રત્યેક જવાબ બેસ્ટ વનલાઇનર રહેતાં, શક્ય એટલા ઓછા શબ્દો બોલવા. રજનીશ કહેતાં કે બાઇનો ધર્મમાં અભ્યાસ ઓછો છે, પણ ઇશ્વરની જ્ઞાન બાબતે વિશિષ્ટ કૃપા છે.

ભૂરીબાઇને સવાલો પૂછવામાં આવતા અને તેનો જવાબ પુસ્તક સ્વરૂપે છે. થોડી આ પ્રશ્નોત્તરીનો અભ્યાસ કરીએ.

પ્રશ્ન : વિચારો બહુ આવે છે, એનો પ્રવાહ અટકતો નથી.

જવાબ : ચૈતન્ય આવશે ત્યારે એ પણ નહીં અટકે.

પ્રશ્ન : તપસ્યા એટલે શું?

જવાબ : સહન કરવું

પ્રશ્ન : વૃત્તિ અટકતી નથી…

જવાબ: રોકવી પણ નહીં, અટકી એ દિવસે તમે પૃથ્વી પર નથી.

પ્રશ્ન : મનને કેવી રીતે રોકવું?

જવાબ : મન ફન હોતું નથી, દુનિયા જોવી, આપોઆપ પ્રશ્નો થાય અને જવાબ મળવા માંડે એટલે માર્ગ મળશે. સિનેમામાં એક જ દ્રશ્ય હોય તો જોવું ન ગમે.

પ્રશ્ન : આત્મા શું છે?

જવાબ : યુવાનીમાં ઇશ્વર સ્મરણ કરો, ઘડપણની રાહ ન જુઓ. બાકી એની જવાબદારી સાક્ષાત્કારની છે.

પ્રશ્ન : બાઇ, જ્ઞાન કહો

જવાબ : પહેલાં તારું અજ્ઞાન બોલવા માંડ…

પ્રશ્ન : જીવ શું છે?

જવાબ : કર્મ કરે એ જીવ અને તમારા ઘરમાં બેસીને જુએ એ ઇશ્વર.

પ્રશ્ન : ઉપદેશ આપો

જવાબ : દુનિયા જ ઉપદેશ છે, જ્યાં હાથીથી કીડી પાસે જ્ઞાન છે.

પ્રશ્ન : ભોજનને વૃત્તિ સાથે સંબંધ ખરો?

જવાબ : તમે જાગતા હોય તો કૂતરું તમારા ઘરમાં ઘૂસી શકે?

પ્રશ્ન : તમે કહો છો સાધુ સંતોના દર્શનથી પાપોનો નાશ થાય

જવાબ : એના માટે એ સાધુ હોવો જરૂરી છે….

પ્રશ્ન : મારો દરેક સમય પવિત્ર અને નિર્મળ કેમ નથી?

જવાબ : તમે મનનો ઠેકો લીધો છે?

પ્રશ્ન : હસ્તરેખા કેવી રીતે ભવિષ્ય કહે છે?

જવાબ : માતાના પેટમાં મુઠ્ઠી વાળી અને રેખાઓ પડી. આ રેખાઓમાં ભૂત ભવિષ્ય કશું નથી. ભગવાન મય થાવ

પ્રશ્ન : હું પણું કેવી રીતે કાઢું?

જવાબ : આજ હું પણું છે.

પ્રશ્ન : સંશય શું છે?

જવાબ : આખો દિવસ હાયવોય કરવી.

પ્રશ્ન : બધા સમજતા કેમ નથી?

જવાબ : બધા બધું જ સમજે છે, પણ સમજતા ડરે છે.

પ્રશ્ન : કલ્પના કેવી રીતે છૂટે?

જવાબ : મને જોઇએ છે એ વાત છોડશો તો કોઈ કલ્પના વિચાર પરેશાન નહીં કરે….

Deval Shastri?

TejGujarati