આજે વિજ્ઞાન દિવસ, *વિજ્ઞાનનો હેતુ શું છે?* માનવજાતને સુખ અને સગવડો આપવાની… પણ એવું થયું ખરું? ઔધોગિકરણ વધતું ગયું એમ સુખદ સગવડો સાથે માણસનો સ્ટ્રેસ વધતો ગયો. શોષણ વધતું ગયું, પ્રદૂષણ વધાર્યું…. આટલી સમજ બસો વર્ષ પહેલાં ઇંગ્લેન્ડના રોબર્ટ ઓવેનની સમજમાં આવી હતી…
ઇન્ડસ્ટ્રીઝમાં સહકારિતા એટલે આપણા માટે આદર્શ ઉદાહરણ અમૂલ છે, આ વિચારનો પાયો રોબર્ટ ઓવેને નાખ્યો હતો, પણ ઓવેનભાઇ તે સમયે નિષ્ફળ ગયા હતાં…..આમ છતાં *ઇન્ટરેસ્ટિંગ છે ઓવેનની કહાની….*
સન 1771માં ગરીબ પરિવારમાં સાત ભાઈબહેનોના પરિવારમાં ઓવેનનો જન્મ, નવ વર્ષની ઉંમરે ભણવાનું પડતું મૂકીને નોકરી કરવી પડી હતી. મોટા ભાઇ વિલિયમ સાથે ઓવેલ લંડનમાં મજૂરી કરવા ગયો, જ્યાં નવ વર્ષ સુધી દરજીકામ કર્યું અને થોડી બચતો કરી. પૈસા કમાવવા સાથે થોડા સપના જોવાના શરૂ કર્યા….
આ સમયે વરાળ એન્જિનનો યુગ શરૂ થયો હતો, ટેકનોલોજી અને જીવનપદ્ધતિ બદલાવા લાગી હતી. માન્ચેસ્ટરમાં કપડાઓની ફેક્ટરી વચ્ચે ઓવેને ભાઇ અને મિત્રો પાસે ઉધાર પૈસા લઇને નાનું યુનિટ શરૂ કર્યું. ત્રણ મહીનામાં સમજાયું કે ફેક્ટરી પૈસા વગર ન ચાલે. ઓવેને પોતાનું યુનિટ બંધ કર્યું અને એકવીસ વર્ષની વયે મોટા યુનિટમાં મેનેજર તરીકે કરિયર શરૂ કરી….
ઓવેનની કામ કરવાની પદ્ધતિથી, મેનેજમેન્ટ પાવર અને મહેનતના જોરે યુનિટને બ્રિટનમાં ટોપ પર લાવી દીધું. અમેરિકાના મોંઘા કોટનને બદલે લેટિન અમેરિકાથી સસ્તું કોટન મંગાવવાનો પ્રારંભ કર્યો. તે સમયના યુવાનોમાં ઓવેન આદર્શ બનવા લાગ્યો. તેની કંપનીએ તેને પાર્ટનર બનાવી દીધો….
ઇંગ્લેન્ડમાં માન્ચેસ્ટર સાથે ન્યુ લેનોર્ક વિકાસ પામવા લાગ્યું. એ સમયે ડેવિડ ડેલ નામનો અત્યંત ધનિક વ્યક્તિ અસંખ્ય ફેક્ટરીઓ માલીક હતો, તેણે સારા પાર્ટનરની જરૂર હતી.
ઓવેન તેનો પાર્ટનર બન્યો અને તેની છોકરીના પ્રેમમાં પડ્યો. બંનેએ લગ્ન કર્યા, સસરાના દમ પર આપણો ઓવેન અત્યંત ધનિક થઈ ગયો.
ઇંગ્લેન્ડમાં તે સમયે જે ફેક્ટરીઓ કપડા બનાવતી એના મજૂરોની હાલત અત્યંત ખરાબ હતી. યુરોપમાં બધું આદર્શ ન હતું, પણ વિચારકોએ અનેક ક્રાંતિઓ કરી હતી, લોહી રેડ્યું છે.
તે સમયે મોટાભાગના મજૂરોમાં પાંચ દશ વર્ષના બાળકોની મોટી સંખ્યા હતી. ગરીબીને કારણે બાળકોમાં વ્યસનો અને રોગો સામાન્ય હતાં.
ઓવેને બાળપણથી બાળકો તથા મજૂરોની ખરાબ સ્થિતિ જોઈ હતી, હવે તેની પાસે પૈસો હતો. ઓવેને મજૂરોની વિશ્વમાં પ્રથમવાર કોલોનીઓ બનાવી, દશ વર્ષથી નાના બાળકોને મજૂરી પર બંધ કર્યા. શાળાઓ ચાલુ કરી તથા મહીલા મજૂરોને આરોગ્ય સહિત અનેક સગવડો શરૂ કરી. આ નવતર પ્રયોગ શરૂ કરતાં ઓવેનના દુશ્મનો વધવા લાગ્યા. સરકારો અને બાકી મિલમાલીકો ઓવેનના દુશ્મન બન્યા. ઓવેન પોતાના નફામાંથી મજૂરોને ભાગ આપવાનો શરૂ કર્યો…. આ વાત તે સમયે ક્રાંતિકારી હતી. વિજ્ઞાનનો ઉપયોગ કરી નવા મશીનો વસાવ્યા. આ બધા પગલાનું પરિણામ એ આવ્યું કે ઓવેન ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટનો વૈશ્વિક બ્રાન્ડ બની ગયો અને તેની ફેક્ટરીઓ ધૂમ નફો કરવા લાગી….
ઇંગ્લેન્ડમાં તે સમયે મજૂરોને પગાર મળતા ન હતાં પણ ટોકન આપવામાં આવતું, જેમાંથી મજૂરો એ જ ફેક્ટરીની દુકાનોમાંથી જરૂરિયાતનો સામાન ખરીદતાં, જે હલકી ક્વોલિટીનો આવતો… ઓવેને આ પ્રથા બંધ કરી. સારા માલસામાન સાથે જથ્થાબંધ માલ રાખે તેવી નવી દુકાનો શરૂ કરાવી, જ્યાંથી કો ઓપરેટિવ શબ્દ સમાજમાં આવ્યો અને ઇઁગ્લેન્ડથી આખા વિશ્વમાં સહકારિતા ક્ષેત્ર વિકાસ પામવા લાગ્યું.
ઓવેન મજૂરોના જીવન ધોરણ સુધારવા જે ફેરફાર કરતો ગયો એ તે સમયની સરકારોએ કાયદાકીય મંજૂર કરવું પડતું અને બીજાઓએ તેવા ફેરફાર કરવા પડતાં. ધીમે ધીમે ઓવેનને આ શોખ મોંઘા પડવા લાગ્યા. તેના ભાગીદારો છૂટા પડવા લાગ્યા.
ઓવેને નવી કંપની બનાવી અને કોર્પોરેટ ઇતિહાસમાં પહેલીવાર મજૂરોનો ભાગ રાખ્યો. મજૂર સુધારણા કાર્યક્રમ તેને બરબાદ કરશે એવું બધા માનતા પણ ઓવેનની કંપનીએ રેકોર્ડ પ્રોફિટ કર્યો. નવા દુશ્મનોએ ધાર્મિક નેતાઓને ઉશ્કેર્યા અને ચર્ચ ઓવેનની વિરુદ્ધ થયું. ધાર્મિક નેતાઓના બેફામ વિરોધને કારણે ઓવેનને ધર્મ પરથી ભરોસો ઉઠી ગયો અને વધારે કો ઓપરેટિવ પ્રવૃત્તિ કરવા લાગ્યો.
ઇંગ્લેન્ડમાં 1815માં મોટી મંદી આવી, તેણે જોયુ કે આસપાસ લોકોને તેના નુકશાનમાં જ રસ છે. તેણે કહ્યું કે મારું યુદ્ધ પૂરું થાય છે, ગ્રાહકોનો સુવર્ણયુગ ક્યારેય આવશે નહીં.
ઓવેનનું નામ અમેરિકામાં ચર્ચાતું, તેને અમેરિકામાં વસવા માટે આમંત્રણ મળ્યું. અમેરિકામાં આદર્શ કો ઓપરેટિવ સિદ્ધાંત પર નાના શહેરો બનાવવાની શરૂઆત કરી. અમેરિકામાં ન્યુ હારમાની શહેર બનાવ્યું, જ્યાં રોજગાર પણ લોકો જ પેદા કરે અને શહેરનો વિકાસ પણ લોકોની જ જવાબદારી હોય. શહેરમાં તમામ સુવિધાઓ ઓવેન તરફથી મળતી, અમેરિકામાં સોળ નવા શહેરો અથવા વસાહતો બનાવી. ઘણા લોકોને આ પ્રવૃત્તિમાં બધું મફતિયા મળવા લાગ્યું અને ધીમે ધીમે કો ઓપરેટિવનો ગેરલાભ લેવાની પ્રવૃત્તિ શરૂ થઈ.
ઓવેનના અમેરિકન પાર્ટનરો અલગ થઈ ગયા અને વહીવટી કાબુ મેળવવા લાગ્યા. કો ઓપરેટિવનો હેતુ સર ન થયો, પણ પાયો ચોક્કસ નંખાયો. તેણે આ પ્રયોગ મેક્સિકોમાં કર્યો પણ ગરીબ પ્રજા સમજી જ ન શકી….
ઓવેનને નિરાશા મળી અને પાછો ઇંગ્લેન્ડ આવી ગયો. ત્યાં સુધી ઇંગ્લેન્ડમાં તેના પ્રયોગોને સફળતા મળવા લાગી હતી અને ઇઁગ્લેન્ડમાં કો ઓપરેટિવનો પાયો નંખાયો, જે દુનિયામાં ફેલાવવા લાગ્યો. ઇંગ્લેન્ડમાં ફેક્ટરીઓમાં મજૂરોના વિકાસની માંગણીઓ પર ત્રણ વાર રાષ્ટ્રીય હડતાલો પડી ચુકી હતી, હવે મજૂરો વિકાસ અને સગવડો માંગતા થયા હતાં.
મૂળ વાત, કેટલાક હોંશિયાર લોકોએ ઓવેનની સફળતાનો અભ્યાસ કર્યો. જ્યાં જાણવા મળ્યું કે ઓવેને મજૂરોને સગવડો આપીને પુષ્કળ કામ કરાવ્યું હતું. જે પ્રોફિટ કમાવવા પાંચ લાખ મજૂરોની જરૂર પડે એ આધુનિકરણ અને સગવડો આપીને બે પાંચ હજાર મજૂરોમાંથી પ્રોફિટ કર્યો હતો. નાની સંખ્યાના મજૂરોને સગવડો આપીને વિશાળ ઉત્પાદન કર્યા હતાં. ઓવેન ઘણી વાર કહેતો કે, મારી આસપાસના લોકોને મારા તરફથી મળતી સગવડોમાં અને પૈસામાં રસ હતો, મેં ગુલામોની ફોજ બનાવી હતી….
ઓવેન પહેલાં જે પૈસો લાખો લોકો વચ્ચે વહેંચાતો તે હજારો લોકોમાં ખર્ચાતો… પરિણામે બેરોજગારી વધી હતી…. એની વે, દુનિયા વિજ્ઞાન યુગના પ્રારંભમાં નવો શબ્દ શીખી : કો ઓપરેટિવ…. સહકારિતા….