રાધાકૃષ્ણ
કૃષ્ણ પહેલાં નામ આવે યાદ રાધા,
કૃષ્ણનાં જીવન તણો સંવાદ રાધા.
છો હવે એ ના વગાડે હોઠથી પણ
વાંસળીનાં સૂરનો છે હાર્દ રાધા.
ગોપ સહુ સાથે મળીને લૂંટતા જે
એ મહી ગોરસ બધાંનો સ્વાદ રાધા.
એક ગોવર્ધન ઉઠાવ્યો આંગળી પર,
આપતી એમાં ય પણ પ્રતિસાદ રાધા.
ગામ મથુરે કૂબજાની ભીડ ભાંગી,
ગોકુળે છોડી ગયાં જે આર્દ્ર રાધા.
ધર્મયુધ્ધે સારથી થઇ શંખ ફૂંકે,
ને ઝુરાપે કોરતી એ યાદ રાધા.
યુગપ્રવર્તક જે બનીને ઓળખાયા,
એમનાં એકાંતનો અવસાદ રાધા.
નામ રાધાકૃષ્ણ બોલાતું જગતમાં,
ત્યાગ ને બલિદાનની પ્રતિવાદ રાધા.
- © દેવેન ભટ્ટ (૨૫/૦૨/૨૦૨૧)