*તેતરની લડાઈ ઉપર જુગાર રમાય*

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત મનોરંજન લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

12/02/2021

? ફરી કુદરતના ખોળે?
(Non-Fiction)

લેખક: જગત કીનખાબવાલા (સ્પેરો મેન)

તેતર / Grey Francolin / Francolinus pondicerianus
કદ: નર ૩૦ સેન્ટિમીટર/ ૧૨ ઇંચ – માદા ૧૦થી ૧૧ઇંચ.

તેતરની લડાઈ ઉપર જુગાર રમાય
તેતર ઓછું ઉડી શકતું અને ચાલતું અને દોડતું પક્ષી વધારે છે. દિવસે ખાસ કરીને જમીન ઉપર ફરતું હોય અને રાતવાસો શિકાર ન બની જાય માટે વૃક્ષ ઉપર કરે. ઝાડી ઝાંખરાવાળા સપાટ વિસ્તાર તેમને વધારે માફક આવે છે. કા – તી – તર, કા – તી – તર જેવા અવાજ કાઢે અને તે કારણે તેનું ગુજરાતી અને હિન્દી નામ તેતર પડી ગયું. માદા તેતર તી તી બોલે છે અને ક્યારેક કિલાં કિલાં કિલાં બોલે. નર અને માદા બંને યુગલ સ્વરમાં વિશિષ્ટ રીતે કાતિલા કાતિલા ગાય તે બહુ કર્ણપ્રિય હોય છે. તેઓ વહેલી સવારે વધારે ગાતા સંભળાય છે. કોઈપણ પક્ષી જયારે બોલે ત્યારે તે હંમેશા પોતાના સાથીદારોને સંદેશો આપવા માટે બોલતા હોય છે નહીંકે મનુષ્યને ખુશ કરવા માટે. પરંતુ આ અવાજ તેનો દુશ્મન બને છે અને ખાસ કરીને માનવી તેના માંસને ખાવા માટે તેનો શિકાર કરી દે છે. ઉડાન ભરવામાં તેઓ નબળા છે અને તે તેની નબળાઈનો ભોગ બની શિકારીની બિછાવેલી જાળમાં ફસાઈ જાય છે અને લોકો તેનું માંસ/ મીટનો ખાવા માટે ભોગ લઇ લે છે. આ ઉપરાંત અવાજથી તે ક્યાં છે તે ખબર પડી જાય માટે માનવી તેને પકડી પાંજરે પુરે છે અને ત્યાર બાદ તેને લાડવાડિયા બનાવે છે. સામાન્ય રીતે નર તેતર જાતિગત થોડા ઉગ્ર સ્વભાવનું હોય છે જે કારણે તેને લડવા માટે સક્ષમ બનાવી લડાવાય છે. સામસામે બે તેતરને લડાવી કયું તેતર જીતશે તે વાત ઉપર તેમની જીત ઉપર જુગાર રમાય. ક્રૂરતાપૂર્વક બે તેતરની લડાઈ જોઈ કેટલાંક મનુષ્ય આનંદ લેતા હોય છે, જે એક કરુણાંતિકા છે.

કેટલાંક લોકો, ખાસ કરીને ઉત્તર ભારતમાં તેને શોખથી પાળે છે અને તેને પ્રેમભાવથી કુટુંબનું સભ્ય હોય તેમ રાખે પણ ચોક્કસ તેને કુતરા અને બિલાડીથી સાચવવા પડે અને તેમને વધારે ખોરાક મળતો હોઈ તેમનાં સામાન્ય વજન ૨૫૦ગ્રામ થી ૩૫૦ ગ્રામના હોય તેના બદલે ૬૦૦ગ્રામ સુધી ભારેખમ હોય છે. બાકી ફરી કુદરતના ખોળે તેતરને આનંદ કરતાં માણવાનો એક લ્હાવો હોય છે અને તે જુઓ તો એવું લાગે કે સાંજ થાયને ઘરના છોકરા રમીને સાંજે પાછા આવે એટલે મમ્મી બૂમ પાડે …… હાથ, પગ ધોઈને આવજો. બસ એવુજ કંઈક તેતરનાં ટાબરિયાઓનું પણ હોય…. ઘરવાસે જતાં અચૂક નાહવાનું, બસ આપણે પાણીથી નહાઈએ અને તેતર ધૂળ – માટીમાં નહાય…! એવા અલ્લડ થઇ ફરે…

નર તેતર લગભગ બાર ઇંચ લાંબા હોય છે જ્યારે માદા તેતર લગભગ દસ થી અગિયાર ઇંચ લાંબા અને નર કરતાં થોડાક નાજુક બાંધાની હોય છે. નર તેતરનું વજન ૨૫૦ થી ૩૫૦ ગ્રામ વજન હોય છે જ્યારે માદાનું વજન ૨૦૦ થી ૩૦૦ ગ્રામ હોય છે. રંગે રૂપે જુદા જુદા કથ્થઈ ઘેરા અને આછા રંગનો સુંદર ઉપયોગ કુદરતે કરેલો છે. ગળાના ભાગમાં આછો કથ્થઈ સાદો પટ્ટો હોય છે અને ગળે એક કાળો કાંઠલો હોય છે જ્યારે શરીર ઉપર કથ્થઈથી લાલાશ રંગની વાળની રૂઆંટી હોય છે જે તેની શોભામાં વધારો કરે છે. ઉત્તર ભારતમાં તેઓના ગળામાં ઘેરા કથ્થઈ રંગનો પટ્ટો હોય છે જે થોડો કઠોર દેખાય છે. માથું પ્રમાણસર ન દેખાય અને નાનું લાગે જયારે તૅમની ચાલ ખુબજ ચિત્તઆકર્ષક મોહક હોય છે. શરીરનો ઉપરનો પીંછાવાળો ભાગ લંબચોરસ જેવી આકૃતિઓથી રચાયેલો હોય છે જ્યારે તેની નીચેનો શરીરનો ભાગ ચિત્રકારની પીંછી ફરેલી હોય તેવી સામ્યતા ધરાવતા રંગોમાં એક બાજુથી બીજી બાજુ જતી લીટીઓ હોય છે. કુદરતની આ રચનાઓનો સમન્વય ખુબજ સુંદર દેખાય છે.

ઓછા ઊંચા એવા ઘાસવાળો વિસ્તાર તેમને વધારે માફક આવે છે અને દરિયાથી ૫૦૦ મીટરની ઊંચાઈ સુધીના હુંફાળા પ્રદેશમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. સામાન્ય રીતે પાંચ – ૬ ના ઝુંડમાં વસતા હોય છે. ભારત વર્ષના મોટા ભાગના પ્રદેશમાં તે જોવા મળે છે પરંતુ ઘાસવાળા વિસ્તાર ઓછા થતાં જતા હોઈ તેઓની સંખ્યા ઘટી રહી છે. અનાજના દાણા, જીવજંતુ, વંદા, ભમરા વગેરે નાના જીવ ખાય અને ઉધઈ તેમનો પ્રિયા ખોરાક છે જ્યારે સાપ જેવા મોટા જીવનો પણ ક્યારેક શિકાર કરી લે છે. ઘાસમાં નજરે ન ચઢે તેવી જગ્યાએ તેમજ કાંટાળી વાડમાં એપ્રિલ થી સપ્ટેમ્બર માસમાં ૬ થી ૮ ઈંડા મૂકે છે. ક્યારેક દીવાલની નજરે ન ચઢે તેવી બખોલમાં કે પથ્થરના ઢગલાની વચ્ચેની જગ્યામાં ઈંડા મૂકે છે. તેમનું સરેરાશ આયુષ્ય ૮ વર્ષ હોય છે.
(ફોટો સહયોગ: શ્રી સેજલ શાહ ડેનિયલ અને શ્રી જીતેન શાહ).

આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ. સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો
Love – Learn – Conserve

TejGujarati