“જયકિશનનથી જગ્ગુદાદાની સંઘર્ષ કથા” – સમીર ભાલચંદ્ર છાયા.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

“જયકિશનનથી જગ્ગુદાદાની સંઘર્ષ કથા”

…મુંબઇના વાલકેશ્વરમાં તીન બત્તી એરિયાની એક સીધીસાદી ચાલના એક રૂમમાં એક છોકરો માતા-પિતા અને ભાઇ સાથે રહેતો. સાત રૂમની એ ચાલમાં કુલ ત્રીસ-બત્રીસ લોકો રહેતા. બધા વચ્ચે ત્રણ જ બાથરૂમ. રીતસર લાઇન લાગે. છોકરાના પિતાજી પત્રકાર અને જ્યોતિષી હતા. તેઓ બી. કે. કરંજિયાના પ્રખ્યાત ટેબ્લોઇડ ‘બ્લિટ્ઝ’માં નિયમિત રૂપે લખતા. પણ વિધાતાને બીજું કંઈ મંજૂર હતું, એક જમાનામાં ખાધેપીધે સુખી ઘરના પિતાજીને સપરિવાર શેરબજારમાં પાયમાલ થઈને બંગલામાંથી ચાલમાં રહેવા જવું પડ્યું હતું. દસ વર્ષની ઉંમરે જ છોકરાએ પોતાના ભાઈને નજર સામે બીજાને બચાવતા દરિયામાં ડૂબી મરતા જોયો. નાનપણની ઘટનાઓને લીધે છોકરાના માનસ પર બહુ ઊંડી અસર પડી હતી, તે છોકરો હંમેશાં ભયભીત રહેતો. ફટાકડાના અવાજથી પણ ડરી જતો. ૧૪-૧૫ વર્ષની ઉંમરે તે થોડો ઘડાવા લાગ્યો. તેને સમજાવા માંડ્યું કે ચાલ સીસ્ટમની દુનિયામાં રહેવું હોય તો થોડું લડવું શીખવું પડે, કઠોર બનવું પડે. પરિણામે તે કડક બનતો ગયો, લડતો રહ્યો, મોટો થતો રહ્યો. ઈચ્છા હોવા છતાં ૧૧મા ધોરણ પછી આગળ કોલેજ ન કરી શક્યો, કેમ કે પૈસા નહોતા. બે વર્ષ એમ જ આવારાગર્દી કરી. પછી એર ઈન્ડિયામાં અરજી કરી, ત્યાંથી નકારાત્મક પ્રતિભાવ આવ્યો. શેફ બનવાનું ઇચ્છ્યું, તો ત્યાંથી પણ નિષ્ફળતા સાંપડી. કંટાળીને પિતાજીએ ત્રણ મહિનાનો ક્રેશ કોર્સ કરાવી એક ટ્રાવેલ એજન્સીમાં ટ્રાવેલ એજન્ટ તરીકે લગાડી દીધો. એક વાર બસ સ્ટોપ પર કોઇએ પૂછ્યું, “ભાઇ, શું કરે છે?” તેણે કહ્યું, “ટ્રાવેલ એજન્સીમાં કામ કરૂં છું.” એમણે કહ્યું કે “હું પણ તારી બાજુમાં જ એક મોડલિંગ એજન્સીમાં કામ કરૂં છું. તારા કદ-કાઠી સારા છે, મોડલ કેમ નથી બની જતો?” છોકરાએ પૂછ્યું, “મોડલ? એ શું વળી?” એમણે કહ્યું, “તારા ફોટા પાડશે અને તને પૈસા પણ આપશે.” છોકરાને નવાઈ લાગી! આ વળી નવું! ફોટા પાડે અને સામેથી પૈસા પણ મળે! પછી તે એમની ઓફિસ ગયો. એમના બોસ તેણે જોઇને તરત જ બોલ્યા: “તમને પહેલી જાહેરખબર આપી રહ્યા છીએ.” આમ એ છોકરાને ‘એલ્ડિયોબ્રાઉન’ નામના સૂટની જાહેરાત મળી ગઇ તે છોકરાને જે હવે ફૂટડો જુવાનિયો બની ગયો હતો… આ રીતે તેની કમાણી શરૂ થઇ. થોડું થોડું કમાઇને ઘરમાં આપી દેતો. એક દિવસ દેવ આનંદ સાહેબે તેને બોલાવ્યો, ખલનાયકના આસિસ્ટન્ટના પાત્ર માટે. તેણે તે રોલ સહર્ષ સ્વીકારી લીધો. એ દરમિયાન સુભાષ ઘઇ એક ફિલ્મ બનાવી રહ્યા હતા. તે વખતે આ યુવાનને ઉષા ખન્નાજીના ભાઇ અશોક ખન્ના હિન્દી શીખવતા, તેમને આ યુવાનને સુભાષ ઘાઈને મળવાનું કહ્યું. સુભાષજીએ પૂછ્યું: “હીરો કા રોલ હૈ, કરોગે?” પછી ચહેરા પર દાઢી વધારેલી હોય એવો ફોટો બતાવીને કહ્યું: “તારો આવો ફોટો જોઇએ.” યુવાને કહ્યું; “મળી જશે.” મહિનો ટ્રેનિંગ લીધી. મોટર-સાઇકલ પર જમ્પ લેતાં શીખ્યો. ખરેખર માર્યા વગર સામેના માણસને કેવી રીતે મારવું એ શીખ્યો, ફાઇટ વગેરે શીખ્યો. ફિલ્મમાં જોઇએ એવું જરૂરી હિન્દી ફરીથી શીખ્યો. આને પાછો ઉપસ્થિત થયો સુભાષ ઘઇ સામે… કાન ખુલ્લા રાખ્યા અને મોં બંધ, જે હંમેશાં બધાએ કરવું જોઇએ. સાંભળવાની તાકાત હોવી જોઇએ. એ પણ કેળવી અને મા ની વાતની ગાંઠ તેણે મનમાં બરાબર બાંધી રાખી હતી કે મોટેરાઓનો આદર કરવો જોઇએ. તેણે સૌને સન્માન આપ્યું. કોઇ ખરાબ બોલે-સંભળાવે ત્યારે તે કોઇને સામે કંઇ ખરાબ સંભળાવતો નહીં. પોતાના કામ સાથે જ મતલબ રાખ્યો. આજીવન શિસ્ત રાખી બસ, ચાલીમાંથી ઊઠીને બોલીવુડના શિખર સુધી પહોંચી ગયો. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ, જયકિશન શ્રોફ ઉર્ફે જગ્ગુ દાદા ઉર્ફે જેકી શ્રોફની…. (જેનો આજે જન્મદિવસ છે)
…સુભાષ ઘઇની ‘હીરો’ વખતે જાણીતા ફિલ્મ સમીક્ષક ખાલિદ મોહમ્મદ જેવા લોકોએ તો જેકીના છોતરાં જ કાઢી નાખેલા અને કહેલું કે જેકીને કામ કરતા જ નથી આવડતું, છોકરી જેવો છે, દેવ આનંદની નકલ કરે છે. જેકી મનોમન વિચારતો, બાળક જન્મે છે ત્યારે એને કશું જ આવડતું નથી હોતું. ધીમે ધીમે શીખે છે. તમે તો આવતાંની સાથે જ મારા પર તૂટી પડ્યા. પછી થયું, હશે. આ લોકો સિનેમાના પંડિત-જાણકાર લોકો છે, પણ ‘હીરો’ પિક્ચર તો ચાલી ગયું, એ પણ ૭૫ અઠવાડિયાં સુધી! જેકી પણ જાણી ગયો કે સમીક્ષકો માથે માછલાં ધુએ ત્યારે માની લેવું કે પિક્ચર સારું જ હશે! આને એક્ટિંગ નથી આવડતી એવું કહેનારા જેકી ની એક અન્ય ફિલ્મ ‘કાશ’ જોઇને કહેવા લાગ્યા હતા કે “વાહ, ક્યા એક્ટિંગ હૈ!” ત્યાં તો ફિલ્મ ‘પરિન્દા’ આવી અને એણે તો જેકીને એવોર્ડ જ અપાવી દીધો, ‘બેસ્ટ એક્ટર’નો… પછી તો દોઢસો જેટલી ફિલ્મો કરી.
જેકીની પૂરી જિંદગી સંઘર્ષમય રહી છે. તેમની મા બહુ માયાળુ હતી. ઘર સામેથી કોઇ ભૂખ્યું ન જઇ શકતું. પૈસા ભલે ન હોય પણ એનો ચૂલો હંમેશાં ગરમ રહેતો. સાડીઓ વેચીને, ક્યારેક વાસણ વેચીને ચૂલો હંમેશાં ચાલુ રાખતી. ઘરે જે આવતું એને ભરપેટ જમાડીને જ તેની મા પાછો મોકલતી. એ હંમેશાં જેકીને કહેતી કે “બેટા, જેટલું આપીશું એટલું પાછું આવશે, ફિકર ન કરતો.” બધા સાથે પ્રેમ-મહોબ્બતથી કેવી રીતે રહેવું, નાનાને સંભાળવા, ગરીબોની સેવા કરવી અને હાથ ખુલ્લો રાખીને હંમેશાં આપતા રહેવું. એ માએ જેકીને નાનપણથી શીખવ્યું હતું. જે માણસે પોતાની માની આંખોથી દુનિયા જોઇ હોય, જે માણસમાં પોતાની માનું હૃદય હોય, એ ખોટો હોઇ જ ન શકે. એ કોઇનું ખોટું કરી જ ન શકે. જેકીને પિતાજીનો ચહેરો અને માનું હદય મળ્યા છે. આપણે ઇચ્છીએ કે આખી દુનિયાનાં બાળકો આ વાત શીખે કે દિલ તો માનું જ રાખો….
… છેલ્લે એટલું જ કહેવાનું,
“આપવું જ હોય કોઈને તો હસી શકે એવો સમય આપજો… પરંતુ વહાલમા વીંટાળીને કોઈને વેદના ના આપતા !!”

TejGujarati