● સ્વરના વિજ્ઞાનની જાણકારીથી કાર્યસિદ્ધિની અગમચેતી મળે છે.

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન સમાચાર

તમે સવારે ઉઠો છો ત્યારે કયો પગ પહેલા મુકવો અને કેટલીવાર મુકવો તેની જાણકારી તમારો કયો સ્વર ચાલે છે તેના આધારે નક્કી કરી શકાય છે
યોગ શબ્દ યજ્ ધાતુ પરથી ઉદ્યૃત કરવામાં આવેલો છે. યજ્ એટલે જોડાણ. પોતાનું પોતાની સાથે જોડાણ. એટલે કે શીવ અને શક્તિનું મિલન. મન અને આત્માનું બેનમૂન જોડાણ. અને આ આનંદના અફાટ સાગરની અનુભૂતિ માટે પ્રાણાયામ અને આસનનો નિયમિત અભ્યાસ કરવાથી સિદ્ધિ અને સમાધિની પ્રાપ્તિ થાય છે. સોઈમાં દોરો પરોવેલો હોય અને તે અરબી સમુદ્રમાં પડે તોપણ આપણે તે સોઈને પાછી લાવી શકીએ છીએ તેમ આપણા પ્રાણ ઉપર આપણું જો નિયંત્રણ હોય તો આપણા મન અને ઈન્દ્રિયને આપણા કાબુમાં લાવી શકીએ છીએ. આપણા શરીરમાં સ્વર કયો ચાલે છે તે જાણવાથી પણ અમાપ-સમાપ ફાયદાઓ થાય છે. જે લોકો સ્વર વિજ્ઞાન જાણે છે તેઓ મુશ્કેલીમાં ફસાતા નથી.

કયો સ્વર ચાલે છે તે જોવાની સરળ રીત
જે નસકોરૂ વધારે સહેલાઈથી શ્ર્વાસ લેતું હોય તે નાડી તે સમયે ચાલતી હોય તેમ કહેવાય છે. ડાબું નસકોરૂ તે ચંદ્રનાડી છે અને જમણું નસકોરૂ તે સૂર્ય નાડી છે. ચંદ્રનાડીને પિંગળા અને અને સૂર્ય નાડીને ઈડા કહેવામાં આવે છે. એટલે તમારા નસકોરા પાસે એક નસકોરૂ દબાવીને બીજા નસકોરા પર તમારી આંગળી રાખવાથી ખ્યાલ આવશે કે કઈ નાડી ચાલે છે. જમણા નસકોરા દ્વારા શ્ર્વાસ જો સહેલાઈથી ચાલતો હોય તો તે સૂર્યનાડી ચાલે છે તેમ કહેવાય. અને ડાબા નસકોરાથી શ્ર્વાસોચ્છશ્ર્વાસની ક્રિયા સહેલાઈથી ચાલતી હોય તો ચંદ્ર નાડી ચાલે છે તેમ કહેવાય. અરિસા પાસે ઊભા રહીને શ્ર્વાસ લેવાથી પણ ખ્યાલ આવશે કે જે નાડી ચાલતી હશે તે બાજુ અરિસામાં વરાળ જેવી છાંય પડી જશે. બંને નસકોરામાંથી શ્ર્વાસ ચાલતો હોય તેને સુષુમ્ણા નાડી કહેવામાં આવે છે.

નાડી બદલાવાનો સમય
પ્રત્યેક નાડી લગભગ અઢી ઘડી એટલે કે 60 મિનિટ સુધી ચાલતી હોય છે. એક નાડીમાંથી બીજી નાડીમાં જતા 36 ગુરૂઅક્ષર બોલાય એટલે કે લગભગ બે થી ત્રણ મિનિટનો સમય લાગતો હોય છે. અને આ જે સંક્રમણ થાય છે તે સુષુમ્ણા નાડી દ્વારા થાય છે. જેને અધ્યાત્મની નાડી કહેવામાં આવે છે. સરસ્વતી માતાનો વાસ પણ આ સુષુમ્ણા નાડીમાં થયેલો છે તેમ કહેવાય છે. આ નાડી ચાલતી હોય ત્યારે કોઈ કાર્યનો આરંભ ન કરવો અને માત્ર ધર્મક્રિયાઓ કરવી, પ્રભુનું નામ લેવું.

એક મત પ્રમાણે સૂર્યના ઉદય સમયે ચંદ્રનાડી ચાલતી હોય અને સૂર્યના અસ્ત સમયે સૂર્ય નાડી ચાલે તો શુભ જાણવી. તેજ પ્રમાણે સૂર્યના ઉદય સમયે સૂર્ય નાડી વહેતી હોય અને અસ્તના સમયે ચંદ્ર નાડી વહેતી હોય તો શુભ જાણવું.
પ્રાત: કાળે અથવા બહાર જતી વખતે નાડી તપાસીને જવું
સવારના ઉઠતી વખતે કે ઘરની બહાર નીકળતી વખતે નિરીક્ષણ કરવું જોઈએ કે કઈ નાડી ચાલે છે. ડાબુ નસકોરૂ એટલે કે ચંદ્રનાડી ચાલતી હોય ત્યારે ડાબો પગ ચાર વખત પહેલા મૂકીને પછી પ્રયાણ કરવું જોઈએ. અને જમણું નસકોરૂ ચાલતું હોય તો જમણો પગ પથારીમાંથી પહેલો બાર મૂકીને જમણા પગેથી જ પાંચ વખત જમણો પગ પહેલા મૂકીને પ્રયાણ કરવું જોઈએ. પણ ઉઠતી વખતે જો સુષુમ્ણા નાડી ચાલતી હોય તો પથારીમાં ફરીવાર સૂઈ જ રહેવું જોઈએ. અને બેમાંથી એક જ નાડી જ્યારે ચાલે ત્યારે ઉપરોક્ત નિયમાનુસારે જે નાડી ચાલતી હોય તે પ્રમાણેનો પગ બહાર મૂકવો જોઈએ.

જમણી નાડી ચાલતી હોય ત્યારે પાંચ પગલા અને
ડાબી નાડી ચાલતી હોય ત્યારે ચાર પગલા
પરાક્રમના કે શૌર્યભર્યા કાર્યો કરવાના હોય ત્યારે જમણી નાડી ચાલતી હોય ત્યારે જમણો પગ ઉંબરાની બહાર મૂકીને પ્રથમ પાંચ પગલા જમણા પગેથી જ ભરવા. તે જ પ્રમાણે ધીરતાના, ગંભીરતાના કે ધર્માદિક અનુષ્ઠાનો કરવાના હોય ત્યારે ડાબી નાડી ચાલતી હોય ત્યારે ડાબો પગ બહાર મૂકીને પ્રથમ ચાર પગલા ડાબા પગના જ મૂકીને જો કાર્ય કરવામાં આવે તો તે કાર્ય સફળ થવાની શક્યતાઓ વધી જાય છે. શ્રાદ્ધવિધિપ્રકરણકાર જૈનાચાર્ય શ્રી રત્નશેખરસૂરીશ્ર્વરજી મહારાજાએ આ બાબતમાં સુંદર પ્રકાશ પાથર્યો છે.

ચંદ્ર નાડી વહે ત્યારે કરવા યોગ્ય કાર્યો
“પૂજા, દ્રવ્યોપાર્જન, વિવાહ, કિલ્લાદિનું અથવા નદીનું ઉલ્લંઘન, જવું, આવવું, જીવિત, ઘર, ક્ષેત્ર ઈત્યાદિકનો સંગ્રહ, ખરીદવું, વેચવું, વૃષ્ટિ, રાજાદિકની સેવા, ખેતી, વિષ, જય, વિદ્યા, પટ્ટાભિષેક ઈત્યાદિ શુભ કાર્યમાં ચંદ્રનાડી વહેતી હોય તો શુભ છે. તેમજ કોઈ કાર્યનો પ્રશ્ર્ન અથવા કાર્યનો આરંભ કરવાને સમયે ડાબી નાસિકા વાયુથી પૂર્ણ હોય, તથા તેની અંદર વાયુનું જવું આવવું, સારી પેઠે ચાલતું હોય તો તે નિશ્ર્ચે કાર્યસિદ્ધિ થાય.”

સૂર્ય નાડી વહે ત્યારે કરવા યોગ્ય કાર્યો
બંધનમાં પડેલા, રોગી, પોતાના અધિકારથી ભ્રષ્ટ થએલા એવા પુરુષોના પ્રશ્ર્ન, સંગ્રામ, શત્રુનો મેળાપ, સહસા આવેલો ભય, સ્નાન, પાન, ભોજન, ગઈ વસ્તુની શોધ ખોળ, પુત્રને અર્થે સ્ત્રીનો સંયોગ, વિવાદ તથા કોઈ પણ ક્રૂર કર્મ એટલી વસ્તુમાં સૂર્યનાડી સારી છે.”
કોઈ ઠેકાણે એમ કહેલ છે કે, “વિદ્યાનો આરંભ, દીક્ષા, શાસ્ત્રનો અભ્યાસ, વિવાદ, રાજાનું દર્શન, ગીત ઈત્યાદિ, મંત્ર યંત્રાદિકનું સાધન, એટલા કાર્યમાં સૂર્યનાડી શુભ છે. કાર્યસિદ્ધિની ઈચ્છા કરનારા પુરુષોએ સ્વજન, પોતાનો સ્વામી, ગુરુ તથા બીજા પોતાના હિતચિંતક એ સર્વ લોકોને પોતાની જે નાસિકા વહેતી હોય, તે નાસિકાના ભાગમાં રાખવા. ”

ઉઠતી વખતે પણ શુક્લ પક્ષના પ્રથમ ત્રણ દિવસ એટલે કે એકમ, બીજ અને ત્રીજે જો ચંદ્રનાડી ચાલતી હોય તો તે દિવસ શુભ જવાની ઉજળી શક્યતા છે. ત્યાર પછી ચોથ, પાંચમ અને છઠ વખતે સૂર્ય નાડી ચાલતી હોય તો તે શુભ ગણાય છે. આ પ્રમાણે ત્રણ ત્રણ દિવસે વારાફરતી ચંદ્ર-સૂર્ય નાડી ચાલે તે શુભ ગણાય છે. કૃષ્ણ પક્ષમાં પ્રથમ ત્રણ દિવસ એટલે કે વદ, એકમ, બીજ, ત્રીજ સૂર્ય નાડી ચાલતી હોય તો તે શુભ ગણાય છે. ત્યારબાદ વદ ચોથ, પાંચમ, છઠ ચંદ્ર નાડી ચાલતી હોય તે શુભ ગણાય છે. શુક્લ પક્ષમાં પ્રથમ ત્રણ દિવસ અને છેલ્લા ત્રણ દિવસ ચંદ્રનાડી અને કૃષ્ણ પક્ષમાં પ્રથમ ત્રણ દિવસ અને છેલ્લા ત્રણ દિવસ સૂર્યનાડી ઉત્તમ ગણાય છે.

શીવ-પાર્વતી પુરાણમાં સ્વરોદય વિજ્ઞાન
નાડીમાં શીવ-પાર્વતી પુરાણમાં શંકર અને પાર્વતીનો સુંદર મજાનો સંવાદ આ વિજ્ઞાનની અનેક શાખાઓ ઉપર અદ્ભુત પ્રકાશ પાડે છે. તે જ પ્રમાણે જૈનાચાર્ય આ.ભ. શ્રી રત્નશેખરસૂરીશ્ર્વરજી મહારાજા લિખિત સ્વરોદય ગ્રંથમાં પણ અદ્ભુત જ્ઞાનનો ખજાનો ખોલવામાં આવ્યો છે. નાડીમાં કયું તત્ત્વ ચાલે છે તે જાણવા માટે પણ અરીસા પર નાકેથી ફૂંક મારવાથી કયો આકાર થાય છે તેના આધારે પૃથ્વી તત્ત્વ, અગ્નિ તત્ત્વ, વાયુ તત્ત્વ, જલ તત્ત્વ કે આકાશ તત્ત્વ ચાલે છે તે નિશ્ર્ચિત કરી શકાય છે. પ્રશ્ર્નકારની કઈ નાડી ચાલે છે અને કઈ દિશામાં તે બેઠેલા છે અને જવાબ દેનારાની કઈ નાડી ચાલે છે તેના આધારે પ્રશ્ર્નકુંડળીઓ માંડીને જ્યોતિષિઓ ભાવિના પણ એંધાણ કહી આપે છે.

ગૃહપ્રવેશ અને ગૃહત્યાગ વખતે નાડીનો સંકેત
ઘરથી બહાર નીકળતી વખતે ચંદ્રનાડી હોય અને ઘરે પ્રવેશ કરે ત્યારે સૂર્યનાડી હોય તો તે શુભ જાણવું. સૂર્યનાડી ચાલતી હોય ત્યારે પશ્ર્ચિમ અને દક્ષિણ દિશામાં યાત્રા નહીં કરવી જોઈએ. ચંદ્રનાડી ચાલતી હોય ત્યારે પૂર્વ તથા ઉત્તર દિશામાં યાત્રા નહીં કરવી જોઈએ. આ પ્રમાણે યાત્રા કરવાથી ચોર અને શત્રુનો ભય આવી શકે છે.

નાડીમાં કયું તત્ત્વ ચાલે છે તે જાણવાની પદ્ધતિ
શ્ર્વાસમાં જો પૃથ્વી તત્ત્વ ચાલતું હોય તો શ્ર્વાસ મધ્યમાં ચાલતો હોય છે. જલ તત્ત્વ હોય તો શ્ર્વાસ નીચેની તરફ જતો હોય છે, અગ્નિ તત્ત્વ હોય તો શ્ર્વાસ ઉપરની તરફ જતો હોય છે અને વાયુ તત્ત્વ ચાલતું હોય તો શ્ર્વાસ ત્રાંસો જતો હોય છે. અને આકાશ તત્ત્વ ચાલતું હોય તો બંને છીદ્રોમાંથી પ્રવાહિત થતો હોય છે.

અરિસામાં નાકેથી શ્ર્વાસ બહાર ફેકવાથી કઈ બાજુ વરાળ જાય છે તે દ્વારા કયું તત્ત્વ ચાલે છે તે જાણી શકાય છે. પ્રાત:કાળે પૃથ્વી તત્ત્વ અને જળ તત્ત્વ ચાલતું હોય ત્યારે નિદ્રાનો ત્યાગ કરવો શુભ કાર્ય છે. પણ અગ્નિ, વાયુ અને આકાશ તત્ત્વ ચાલતું હોય તો તે દુ:ખદાયક છે. સૌમ્યકાર્યની વિશે પૃથ્વી અને જળતત્ત્વથી ફળની ઉત્પત્તિ થાય છે અને ક્રુર અને અસ્થિર એવા કાર્ય વિશે અગ્નિ, વાયુ અને આકાશ એ તત્ત્વથી સારૂ ફળ થાય છે. આયુષ્ય, જય, લાભ, ધાન્યની ઉત્પત્તિ, વૃષ્ટિ, પુત્ર, સંગ્રામ, પ્રશ્ર્ન, જવું અને આવવું એટલા કાર્યમાં પૃથ્વી તત્ત્વ અને જળ તત્ત્વ શુભ જાણવા પણ અગ્નિ તત્ત્વ અને વાયુ તત્ત્વ શુભ નથી. પૃથ્વી તત્ત્વ હોય તો કાર્યસિદ્ધિ ધીરે ધીરે અને જળતત્ત્વ હોય તો કાર્યસિદ્ધિ તુરંત જાણવી.

વાર, સંક્રાંતિ અને ચંદ્રરાશીમાં રહેલ નાડીનું ફળ
કેટલાકના મતે એમ જણાવાયું છે કે રવિ, મંગળ, ગુરૂ અને શનિ આ ચાર વારે પ્રાત:કાળમાં સૂર્યનાડી અને સોમ, બુધ અને શુક્ર તે ત્રણ દિવસે પ્રાત:કાળમાં ચંદ્રનાડી સારી છે

TejGujarati