પોતાના અનુભવ પરથી શીખે તે સામાન્ય અને અન્યના અનુભવ પરથી શીખે તે અસામાન્ય વ્યક્તિત્વ. – શિલ્પા શાહ, ડિરેકટર ઇન્ચાર્જ, HKBBA કોલેજ.

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

દર રવિવારે પ્રકાશિત થતાં મારા લેખો અન્વયે તારીખ ત્રીજી ડિસેમ્બર 2020ના રોજ પ્રકાશિત થયેલ મારો આટીકલ “શું સાચે જ આપણી પાસે સમય નથી?” ના પ્રત્યુત્તરમાં અનેક મિત્રો અને સગા-સંબંધીઓ એ સુંદર ફીડબેક આપ્યો અને કહ્યું વાત ખૂબ સાચી છે. સમયની કમી છે જ નહીં, યથાર્થ સોચની કમી છે, જેના કારણે સમયની તંગી અનુભવાય છે. તમે શીરાની જેમ ગળે ઉતરી જાય તેવું લખ્યું છે. તમારી સમજાવવાની રીત ખૂબ સુંદર છે. આવા અનેક ફીડબેક વચ્ચે એક house wife મિત્રએ કહ્યું કોરોના પહેલાં ઘરમાં નોકરો હોવા છતાં સમય નહોતો મળતો અને કોરોનાકાળમાં સમય-જ-સમય અનુભવાયો, સમયની ખૂબ અનુકૂળતા સર્વ ઘરકામ કરવા સાથે અનુભવી. હવે તો મારે પણ તમે કહો છો એમ સત્કર્મનો નિયમ લેવો જ છે. મને સાંભળીને આનંદ થયો કે ચાલો કોઇ એક વ્યક્તિના જીવનમાં થોડું ઘણું પરિવર્તન જો મારા આર્ટીકલ દ્વારા આવી શકે તો લખવાની મહેનત અને હેતુ સફળ થયો કહેવાય. આગળ તેણીએ કહ્યું “હું તો મારા પોતાના ઉદાહરણ પરથી જ ઘણું શીખું છું” એટલે કે મારા પોતાના અનુભવ પરથી ઘણું શીખું છું. જીવન ઘણું શીખવે છે. એ વાત પરથી મને આ આર્ટીકલ લખવાની સ્ફૂરણા થઈ.
સામાન્ય રીતે સમાજમાં ત્રણ પ્રકારના માણસો જોવા મળે છે,
૧) કે જે પોતાના અનુભવ પરથી શીખે છે.
૨) કે જેવો અન્યના અનુભવ પરથી શીખે છે.
૩) જે કોઈના અનુભવ (પોતાના કે પારકાં) પરથી કંઈ જ શીખી શકતા નથી અને સંપૂર્ણ મૂઢની જેમ જીવન જીવે છે.
મારી દ્રષ્ટિએ ત્રીજી કેટેગરીની વ્યક્તિ તો માણસ જ ન કહેવાય એટલે કે ત્રીજી કેટેગરીની વ્યક્તિને મનુષ્ય તરીકે ધ્યાન પર લેવા મને અયોગ્ય અને ગેરવ્યાજબી લાગે છે. મારી આજની ચર્ચા પ્રથમ બે કેટેગરીના લોકો વિશે છે. દુનિયામાં મોટા ભાગે પ્રથમ કેટેગરીના લોકો વિશેષ જોવા મળે છે (આમ તો ત્રીજી કેટેગરીના લોકોની વિપુલતા છે પરંતુ આપણે તેને ધ્યાન પર લેવા માગતા નથી કેમ કે તે તો સમયની બરબાદીથી વિશેષ કશું જ નથી એ દ્રષ્ટિએ પ્રથમ બે કેટેગરી અનુસાર પ્રથમ કેટેગરીના લોકો વધુ નજરે પડે છે) જેને હું સામાન્ય વ્યક્તિ તરીકે ઓળખું છું. કેમ કે તેઓને શીખવા માટે જન્મોજન્મ કે અનેક જીવનની આવશ્યકતા રહે છે ત્યારે તેઓ કંઈક શીખી શકે છે કારણ કે જીવનની ગતિ સામાન્ય રીતે ખૂબ મંદ હોય છે અને જો શીખવા માટે પોતાના અનુભવો અને ઠોકરોની જ આવશ્યકતા હોય તો અનહદ, અમર્યાદિત અનુભવો અને ઠોકરોની આવશ્યકતા રહે. વળી દરેક અનુભવ કે ઠોકરને સમજવા, સહન કરવા અને તેમાંથી ઉભા થવા તેમ જ બોધપાઠ લેવામાં સમય તો વ્યતીત થવાનો જ અને આમને આમ શક્ય છે જીવન સમાપ્ત થઈ જાય. શક્ય છે ઘણું શીખવાનું રહી પણ જાય.
જ્યારે અન્યના અનુભવ કે જીવન પરથી શીખનાર જીવનના અંતિમ ઉદ્દેશને ઝડપથી પ્રાપ્ત કરી શકે છે. કેમ કે પોતાની સાથે બધું જ થવું અસંભવ છે પરંતુ તમારી આજુબાજુ રહેતા અનેક લોકોનું જો નિરીક્ષણ કરવામાં આવે તો એક જ જીવનમાં એક સાથે અનેક અનુભવો મેળવી શકાય અને એ પણ પીડા વગર કેમ કે અન્યને વાગતી ઠોકરની આપણને કદી પીડા થતી નથી. પરંતુ આપણી પોતાની ઠોકરને સહન કરવી થોડી મુશ્કેલ બનતી હોય છે. આમ લોકોના જીવનને જોઈ, અન્યના અનુભવોના નિરીક્ષણ દ્વારા અથવા પ્રકૃતિના યથાર્થ અવલોકન દ્વારા જીવનમાં ઉત્તમ પદાર્થપાઠ સરળતાથી પીડા વગર અને ઝડપી ગતિએ મેળવી શકાય છે. એટલે કે એક જ જીવનમાં લાખો-કરોડો અનુભવો (મિત્રો-સગા-સંબંધીઓ- કુટુંબીજનો-પાડોશી- સહકર્મી વગેરે દરેકના અનુભવ દ્વારા) એક સાથે મેળવી શકાય છે. જે વ્યક્તિને વિશેષ અને અસામાન્ય બનાવે છે. આમ અન્યના અનુભવ પરથી શીખે તે મારી નજરમાં ખૂબ ઉત્તમ, વિશેષ, ખાસ અને અસામાન્ય વ્યક્તિત્વ છે.
આપણે બધાએ વાસ્તવમાં અસામાન્ય બનવાની જ પ્રેરણા લેવાની છે અને પ્રેક્ટિસ કરવાની છે. દાખલા તરીકે આપણે કોઈક અજાણ્યા સ્થળે જવું હોય અને પોતાની પાસે તે અંગે કોઈ જ્ઞાન ન હોય તો પૂર્વનિર્ધારિત નકશા દ્વારા ખૂબ સરળતાથી નિર્ધારિત સ્થાને પહોંચી શકાય. જે વાસ્તવમાં અન્યના અનુભવનો પોતાની પ્રાપ્તિ કે સફળતા માટે ઉપયોગ કર્યો કહેવાય. એના બદલે જો આપણે આપણા જ અનુભવ પરથી શીખવાના આગ્રહી હોઈએ તો ડેસ્ટિનેશન પર પહોંચવામાં વધુ સમય લાગી શકે, માર્ગમાં ભટકી જવાનું જોખમ પણ રહે, નવો માર્ગ ચાતરતા કે બનાવતા અનેક વિઘ્નો સહન કરવા પડતા હોવાથી સમયની દ્રષ્ટિએ પણ વિલંબ થઈ શકે વળી ન કરે નારાયણ ભટકી જવાય તો આજીવન ભટક્યા કરવાનું પ્રારબ્ધ પણ સહન કરવું પડે. આ બધી જ બાબત જીવનમાં પણ લાગૂ પડે છે. દરેક વખતે પોતાના અનુભવ પરથી શીખનારને જીવનમાં વાગતી ઠોકર અનુસાર જીવનબોધ મેળવવામાં વિલંબ થઇ શકે યોગ્ય સમજણના અભાવે ભટકી જવાનો ભય પણ રહે અને સંપૂર્ણ નવો માર્ગ બનાવવાનો હોવાથી વધુ પડતો પરિશ્રમ પણ કરવો પડે. જે કદાચ વ્યક્તિને થકવી નાખે એવું પણ બને અને કંટાળી તે માર્ગ છોડી દે તેવું થવા પણ સંભવ છે. અથવા દરરોજ નવા-નવા પથ શંકા સાથે શોધ્યા કરે અને કદી ડેસ્ટિનેશન પર ન પહોંચે એવી શક્યતા પણ ખરી. એટલા માટે દરેક યુગમાં ભગવાન અવતાર કે તીર્થંકરોએ એક સરળ અને ઉત્તમ માર્ગ ચાતર્યો છે. માત્ર પૂર્ણ શ્રદ્ધા સાથે તેના પર ચાલવામાં આવે તો સમયની બચત થઈ શકે કેમ કે માર્ગ તૈયાર છે જેથી સ્પીડ પણ શક્ય અને સરળ બને, ભટકી જવાનું જોખમ ઘટી જાય અને ઓછા સમયમાં ઠોકરો વગર ઉદ્દેશ્ય પ્રાપ્તિ કે ડેસ્ટિનેશન પ્રાપ્તિ સરળ બની શકે. માત્ર થોડી શ્રદ્ધા અને તાર્કિક સમજ (કે જેનાથી અંધશ્રદ્ધા ન આવે ભટકી જવાનું જોખમ ઘટી જાય) સાથે અન્ય દ્વારા નિર્ધારિત માર્ગ પર મસ્તીથી ચાલવાનું જ રહે. જે કદાચ મુસાફરીની જેમ એન્જોય પણ કરી શકાય. એ જ રીતે પ્રકૃતિ નિરીક્ષણ અને અસ્તિત્વની ઓળખ દ્વારા પણ (જે પણ વાસ્તવમાં અન્યના અનુભવ પર ચાલવાની જ વાત છે) ઘણું બધું શીખી શકાય. જેના માટે સ્વઅનુભવ જીવનરૂપી ઠોકરની આવશ્યકતા નથી. મનુષ્ય માત્ર સંપૂર્ણ જાગૃતિ સાથે નિરીક્ષણ કરે તો તેને દેખાશે કે જેની પાસે બટર હોય છે તેની પાસે છૂરીચાકુ રહેતા હોય છે. માત્ર આવું યથાર્થ નિરીક્ષણ તમને બટરરૂપી પ્રશંસા અને છૂરીકાંટારૂપી પીડામાંથી બચાવી શકે છે. એના માટે જાત અનુભવ દ્વારા દર્દો વહોરવાની જરૂર નથી. ટૂંકમાં દરેક વખતે “ઝેરના પારખા” કરવામાં મને તો કોઈ બુદ્ધિમત્તા લાગતી નથી. “ઝેર પીવે તે મરે” એ વાતને સ્વીકારી લેવામાં (તેનું ટેસ્ટિંગ કરવા કરતા) વધુ કલ્યાણ છે. ટૂંકમાં અન્યના અનુભવ પરથી શીખનાર મારી નજરમાં શ્રેષ્ઠ અને અસામાન્ય છે. જ્યારે પોતાના અનુભવ પરથી શીખનાર સામાન્ય કોટિનો માણસ છે. જેના માટે શિખરે પહોંચવું થોડું મુશ્કેલ, વિઘ્નોયુક્ત અને પીડાદાયક બની શકે.
મેં આજે સવારે જ પ્રકૃતિ નિરીક્ષણ કરતા અનુભવ્યું કે ગાર્ડનની કયારીમાં સંપૂર્ણ માવજત સાથે ઉછરેલો તુલસીનો છોડ પાણી, ખાતર, સૂર્યપ્રકાશની સંપૂર્ણ હાજરીમાં એટલો નહોતો વિકસ્યો જેટલો બે બંગલાની વચ્ચે પથ્થરોની વચ્ચેની ખાલી જગ્યામાં બી પડવાથી થયેલો બિલકુલ માવજત વગરનો છોડ સંપૂર્ણ રીતે વિકસેલો. એ જોઈને હું શીખી કે જીવનમાં વિકસવા માટે માત્ર આંતરિક ઇચ્છા અને પ્રબળ ઉત્સાહની આવશ્યકતા છે. બાકી મહેલોની સાહિબ વચ્ચે (એટલે કે સંપૂર્ણ અનુકૂળતા વચ્ચે) પણ વિકાસ કે કલ્યાણ શક્ય ન બને તેવું બની શકે. એટલા માટે ગુરુ દત્તાત્રેયે ૨૪ ગુરુ કરેલા અને એ દ્વારા અમૂલ્ય શીખ આપેલી કે આપણી આજુબાજુ રહેલ પ્રકૃતિના તમામ તત્વો અને અસ્તિત્વના દરેક અંશ પાસેથી જે કંઈ શીખી શકાય તે આ લોક અને પરલોકમાં વ્યક્તિને અસામાન્ય બનાવી શકે. વળી હવેના આધુનિક યુગમાં સામાન્યની જરૂર કોઈને નથી. વેલ્યુ તો અસામાન્યની જ છે. એટલા માટે તો અસામાન્ય લોકો જ સફળ નેતા, કુશળ વૈજ્ઞાનિકો, ઉત્તમ સંશોધકો, વિશેષ ડૉક્ટરો, આદર્શ પ્રોફેસરો અને શ્રેષ્ઠ લેખકો બને છે. જે સમગ્ર સંસારની વિચારવાની અને ક્રિયા કરવાની દિશા જ બદલી નાખે છે. તો ચાલો સામાન્યમાંથી અસામાન્ય બનવાની પ્રેરણા લઇએ અને એ દિશાનો પ્રામાણિક પ્રયત્ન કરીએ. ક્યાં સુધી પોતાના અનુભવ અને ઠોકરોમાંથી શીખીશું અને પીડા ભોગવતા રહીશું?
ઘણા લોકોને મેં કહેતા સાંભળ્યા છે કે કોરોનાકાળે ઘણું શીખવાડયું. મને થાય ક્યાં સુધી કંઈક શીખવા માટે કોરોનાની પીડા સહન કરીશું? કે કોરોનાના ભરોસે રહીશું? ક્યાં સુધી આવા અનેક કોરોનાની અપેક્ષા રાખીશું? ક્યાં સુધી શીખવા માટે કોરોનાકાળ જેવા વિપરીત કાળને સહન કરીશું? અને ફરી પાછું બધું ભૂલી હતા એવા ને એવા થઈ જઈશું? માત્ર સ્મશાન વૈરાગ્ય દ્વારા કદી કશું ન શીખી શકાય તે સમજવાનો સમય હવે પાકી ગયો છે. ક્યાં સુધી પોતાના અનુભવોની ઠોકરોથી લોહિલુહાણ થતાં રહીશું? વગર ઠોકરે, વગર પીડાએ માત્ર અન્યના અનુભવને અનુભવી જીવનના પદાર્થપાઠ ન શીખી શકાય?

TejGujarati