લોકશાહી ખરેખર જરૂરી છે? મારા વિચારો….દર્શા કિકાણી.

ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

ભારતની લોકશાહી, દેશનાં ગરીબ અને અભણ મતદારો અને (જેવાં છે તેવાં) આપણા નેતાઓને અણઘડ કહી ઊતારી પાડતાં, ઘરનાં અને બહારનાં, દેશી અને વિદેશી, કહેવાતા તજજ્ઞો અને રાજકારણીઓને સાંપ્રત સંજોગોએ સારો પાઠ ભણાવ્યો લાગે છે! તેઓ થોડા સમય માટે તો ભારતની લોકશાહીને વખોડી નાખવાનું કામ અભરાઈએ ચઢાવી દેશે એમ દેખાય છે!

માણસ માનવા તૈયાર નથી કે લોકશાહી ઉત્તમ વ્યવસ્થા છે, પણ બહુ મોંઘી છે! એનું મૂલ્ય ચૂકવવાની આપણી તૈયારી છે? લોકશાહીના સંદર્ભમાં બે પ્રશ્નો અસ્થાને નથી :

૧. શું દરેક સ્તરે લોકશાહી જરૂરી અને શક્ય છે? અને હા, તો

૨. આપણે, એટલે માણસ માત્ર, તેને લાયક છે?

શું દરેક સ્તરે લોકશાહી શક્ય છે? ઘરના કે કુટુંબના બધા નિર્ણય લોકશાહી રીતે લઈ શકાય? કોઈ કંપની કે સંસ્થાના બધા નિર્ણય લોકશાહી રીતે લઈ શકાય? જ્યાં આગવી આવડતની (Professional Expertise) આવશ્યકતા છે તેવા નિર્ણયો બહુમત પર છોડી શકાય? જેનામાં આવડત હોય તે નિર્ણય લે તો એ આપખુદી કહેવાય? નિર્ણય અને પરિણામની જવાબદારી સ્વીકારવી ન હોય તો નિર્ણય બહુમત પર છોડી દેવો તે લોકશાહી કહેવાય? કામ ન કરવાની છટકબારી એ લોકશાહી છે? અરાજકતા અને અંધાધુંધી ફેલાવવાની કરામત એ લોકશાહી છે? દરેક વ્યવસ્થાને તેના આગવા પ્રશ્નો તો રહેવાના જ. જે સિસ્ટમ પોતાના પ્રશ્નો સરળતાથી સુલટાવી શકે અને જનસમુદાયને લાંબા સમય સુધી સંતોષી શકે તે સિસ્ટમ આગળ વધી શકે.

કહેવાતી લોકશાહી અને જંગલરાજમાં સમાનતા કેટલી? પોતાનો જ કક્કો ખરો કરાવવા કોઈ પણ લેવલ સુધી નીચે ઊતરતા રાજકારણીઓ શું લોકશાહીના રખેવાળો છે? સામી વ્યક્તિનું મંતવ્ય ન સાંભળનારને વાણી સ્વાતંત્ર્ય કેવી રીતે અપાય? અન્યની લાગણી માટે સહિષ્ણુતા ન દર્શાવી શકે તેને Freedom of Expressionનો હક્ક ખરો? બીજાના ધર્મની સચ્ચાઈ ન જાણનારના Right to Religionનું શું મહત્ત્વ? સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચેની પાતળી ભેદરેખા સમજવી ખૂબ અગત્યની છે.

લોકશાહી જીરવવા તો ખુલ્લા મનના અને ખુલ્લા દિલના થવું પડે. વિરોધી લાગણીને સહિષ્ણુતાથી સ્વીકારવી પડે. પોતાની વિચારધારાથી અલગ વિચારધારા પણ હોઈ શકે તે માનવું પડે, અન્ય વિચારધારા સમજવી પડે અને સહર્ષ અપનાવવી પડે. પોતાના જ લાભાલાભમાં અટવાતો આજનો સ્વકેન્દ્રી માણસ તૈયાર છે આને માટે?

આપણા ભલા અને લોકહિત માટે મરી ફીટતા રાજા-રજવાડાઓની રાજાશાહી જેમણે અનુભવી છે અને પરોપકારી સરમુખાત્યારોની તાનાશાહી પણ અનુભવી છે તેઓ આજની લોકશાહીનું સાચું મૂલ્યાંકન કરી શકે. ગુજરાતમાં વડોદરા, ગોંડલ જેવાં કેટલાંય રજવાડાં આજે લોકશાહીના ૭૦-૭૫ વર્ષ પછી પણ પોતાની યાદ કાયમ રાખીને બેઠાં છે. ઘણી સંસ્થાઓમાં સંસ્થાના વડાઓનું એકહથ્થુ રાજ વિકાસનું એકમાત્ર કારણ રહ્યું છે. સાથે-સાથે લોકશાહીના નામે નિર્ણય લેવામાં થતો વિલંબ અને અરાજકતા આપણે અનુભવ્યાં છે. લોકશાહીનું મૂલ્ય ચૂકવવાની તૈયારી છે આપણી કે માત્ર કોમેન્ટ કરી ખસી જવું છે?

આકાશમાં ઊડતા પંખીઓ કેટલી સરળતાથી અને મોજથી સફર કરે છે! તેમનો લીડર, કદાચ તેમની ટીમનો નાનામાં નાનો સભ્ય હશે. તે તેમને કેટલી કુશળતાથી દોરીને દેશ-વિદેશની જાત્રા કરાવે છે! દિશા બદલવી હોય તો પણ કેટલી સાહજિકતાથી બીજો સભ્ય લીડરશીપ લઈ લે છે! પંખીઓને આકાશમાં લડતાં ઝઘડતાં જોયાં? બગીચામાં ગુલાબ અને મોગરા વચ્ચે સ્પર્ધા જોઈ? લાલ, ગુલાબી અને પીળાં પુષ્પો ક્યારેય લીલાં પાન સાથે આખડતાં સાંભળ્યાં?

એકબીજાને સમજવાની સરળતા અને સહિષ્ણુતા તથા બીજાના વિચારોને અપનાવવાની ઉદારતા વગર લોકશાહી કેવી રીતે ટકે? આટલી સરળતા, સહિષ્ણુતા, ઉદારતા હોય તો ગમે તે શાહી હોય, લોકશાહી, રાજાશાહી કે તાનાશાહી, માનવજાત સુખી જ રહેવાની! અને જો સરળતા, સહિષ્ણુતા, ઉદારતા ન હોય તો, ગમે તે શાહી હોય, માનવજાત લડતી ઝઘડતી જ રહેવાની! આપણે જ આપણી લાયકાત નક્કી કરવાની! આપણે કુદરતનાં નિયમો આચરી તેની સાથે એકાકાર થઈશું કે આડા ફાટી માનવ જાતનું નિકંદન કાઢીશું?

TejGujarati