થઇ ગયું ! – © દેવેન ભટ્ટ

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન સમાચાર

થઇ ગયું!

ઊંબરા આડું જ નડતર થઇ ગયું,
ભીંતનું વચ્ચે જ ચણતર થઇ ગયું.

વારસાગત પ્રાપ્ત થાતું જે મફત,
જ્ઞાન એ સઘળું જ પડતર થઇ ગયું.

પેન-પાટીમાં અહીં જે શીખતાં,
આજ દુર્લભ એજ ભણતર થઇ ગયું.

કેટલાં નિર્દોષ છે માર્યાં ગયાં,
ઈન્દ્રને દરબાર ગણતર થઇ ગયું.

જીંદગીભર છે ઝુરાપે જાગરણ,
શુષ્ક રાતોમાંજ જણતર થઇ ગયું.

મિત્રતાતો જિંદગીનો પ્રાણ છે,
મિત્રનું મળવુંજ અવસર થઇ ગયું.

કોણ માંગે છે હવે વળતર અહીં,
લાગણીનું સાવ ગળતર થઇ ગયું.

એમનાં વિશ્વાસ પર શું ચાલશે?
જીવવાને લોક પગભર થઇ ગયું.

જોડ જામી આપણી છે સાથમાં,
આપણું રમવું જ ઘરઘર થઇ ગયું.

ઝાંઝવાં પણ આવતાં સંબંધમાં,
‘ઊજવીશું કેમ અવસર?’ થઇ ગયું!

– © દેવેન ભટ્ટ (૦૭/૦૧/૨૦૨૧)

TejGujarati