ઓ મહાન આત્મા..જાગો…. વર્ષ બદલાઈ રહ્યું છે….નવા રિઝોલ્યુશન લીધા? બોલો, આવું ચાલે? – દેવલ શાસ્ત્રી.

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક ભારત મનોરંજન સમાચાર

ઓ મહાન આત્મા..જાગો…. વર્ષ બદલાઈ રહ્યું છે….નવા રિઝોલ્યુશન લીધા? બોલો, આવું ચાલે? કોરોના – કોરોના રમતાં અને તેની મેડીસીન બનતા વર્ષ 2020 ખતમ અને નવું વર્ષ પ્રારંભ….. કેવા ખતરનાક જીવ્યા? શરદી સુધ્ધાં થવા ના દીધી….ટેમ્પરેચર ના આવે એ માટે વગર રિઝોલ્યુશને ભરગરમીમાં ઉકાળા પીધે રાખ્યા…યાર, ભારે કરી…. હા, પણ આજકાલ ફેશન છે… બધા નવા રિઝોલ્યુશન લેતા હોય… આપણે ય બે ચાર કીલો રિઝોલ્યુશનો લઇ લેવા… વચનમાં દરિદ્રતા રાખવી નહીં…ઝંપલાવો… સ્કૂલમાં ભણતા ત્યારે નવા વર્ગમાં આવીએ એટલે રોજ નિયમિત લેશન કરવાથી માંડી જાતજાતના રિઝોલ્યુશન લેવાના, પણ થતું શું? પરીક્ષાના દિવસ સુધી નોટ ઠેકાણે ન હોય…. આપણો પ્રોબ્લેમ યાદ છે? રિઝોલ્યુશન પૂરા ન કરી શકવા માટેના પૂરતા બહાના હતાં પણ બહાના દૂર કરે એવા માર્ગની આજે ય ખબર નથી….તારી ભલી થાય, ચમના… વિચિત્ર એવી રિઝોલ્યુશન પ્રથા બેબિલોનથી શરૂ થઈ, ભગવાનને વચન આપતા કે વર્ષ દરમિયાન થયેલું દેવું ચૂકવી દેશે. ધીમે ધીમે આ પ્રથામાં ફેશન આવી કે આ વર્ષે શું રિઝોલ્યુશન રાખ્યું છે? આપણે જે મનમાં આવે એ કહી દેવાનું… કહેતા ભી દીવાના ને પૂછતા ભી દીવાના… રિઝોલ્યુશન પર એક અભ્યાસ થયો, એમાં જાણવા મળ્યું કે આઠ ટકા લોકો જ રિઝોલ્યુશનના ટારગેટને સફળતાપૂર્વક પાર પાડ્યો, બાકી 92% વર્ગ આસપાસ મળી જશે. હા, 52% રિઝોલ્યુશનિયાઓ એવું માનતા કે તે સફળ જશે, પણ નિષ્ફળ ગયા. 33% એ શક્ય ન હોય એવા રિઝોલ્યુશન લીધા હતાં… સૌથી મહાન એવા 23% રિઝોલ્યુશનિયાઓ તો થોડા વખતમાં એ પણ ભૂલી ગયા કે એમણે શું રિઝોલ્યુશન લીધું હતું…બોલો… દુનિયામાં સૌથી વધુ રિઝોલ્યુશનને શેના લેવાય છે? વ્યસનમુક્તિ… એમાં ય ખાસ દારૂ… એકત્રીસમીના દિવસે પ્રતિજ્ઞા લેવાની ને રાત્રે તો અચ્યુતમ કેશવમ…. બીજા નંબરે સ્ટુડન્ટ રિઝોલ્યુશન લેતાં હોય છે…એ પછી વજન ઘટાડવાવાળા….સમોસા વગર ચાલે નહીં ને ડાયેટિંગનું રિઝોલ્યુશન… આજકાલ ઇન્ટરનેટ ઉપયોગ ઘટાડવાના રિઝોલ્યુશનની તેજી ચાલે છે….કોઇનું વોટ્સએપ ફેસબુક બે મિનિટમાં બંધ થયું છે? બિઝનેસવાળા અને જોબવાળાઓ રોજ સાંજે બધો બેકલોગ ક્લિયર કરવાની પ્રતિજ્ઞા લે, પણ જીએસટી ભરવાના દિવસે ય કાગળીયા શોધતા હોય….હા, લેખક વર્ગ પ્રતિજ્ઞા લેતો હોય છે કે કોપી પેસ્ટ બંધ, તો પછી લખાય કેમનું? ઘણાને ઉભરા આવે કે હવે એકદમ શિસ્તબદ્ધ જિંદગી જીવવી છે, નિયમિત યોગ કરવા છે…બધી બાબતો માટે નિશ્ચિત સમય…અલ્યા શક્ય છે? અને હા, પૈસાની બચત કરવાવાળાના રિઝોલ્યુશન…. જિંદગીની કરામત એ છે કે રિઝોલ્યુશન ક્યારેય કમ્પલીટ થતા નથી, થાય પણ કેવી રીતે? સાવ અશક્ય રિઝોલ્યુશન લેવાના… રિઝોલ્યુશનના ટાર્ગેટ એકદમ હાઇ…ઓકાત મેં રહના શીખો…આળસ છૂટે નહીં ને એકસાથે આઠ દશ રિઝોલ્યુશન લેવાના…હોલસેલમાં જ ઠરાવો લઇ લેવાના…છૂટક ફાવે તો ને? યાદ રાખો કે રિઝોલ્યુશન આપણે કોને આપવાનું છે? આપણને, સ્વયં ને …. જાતને છેતરવાની કળા જન્મજાત હોય જ… પરિણામ શું આવે? રિઝોલ્યુશનના પહેલા અઠવાડિયામાં 23% લોકો હાર કબૂલ કરી દે છે, એક મહિનામાં 40%, ત્રણ મહિનામાં 50% અને ચોવીસ મહીનામાં બધું મળીને 81% ધ્યેય ભૂલી જાય છે. અંતે એક વાત, જિંદગીની સફળતાનો ટ્રેક એકવાર બેસીને ચેક તો કરો, ભલા માણસ… રિઝોલ્યુશન ભૂલી જવાતા હોય તો દશ જણાને ફોન કરીને જણાવી દો. જિંદગી ડીસ્ટર્બ થાય એવા હાસ્યાસ્પદ ધ્યેય પસંદ ન કરો… અને ફરી ફરી રિઝોલ્યુશનની નિષ્ફળતા પર ધ્યાન આપવાને બદલે તેને અવરોધતા પરિબળો શોધવાથી કદાચ ફાયદો થાય… બાકી કશું ન થાય તો હતાશ થવાની જરૂર નથી…..જેવા છો એવા રહેજો…ખાલી એમાં માઇનસ ન થતાં… Deval Shastri?

TejGujarati