શું સાચે જ આપણી પાસે સમય નથી? શિલ્પા શાહ ડિરેકટર ઇન્ચાર્જ HKBBA કૉલેજ

સમાચાર

મારા આર્ટિકલ્સ અને પુસ્તકો વાંચતા મારા સગા-સંબંધીઓ, મિત્રો, સહકર્મીઓ, પાડોશી વગેરેના મનમાં હંમેશા એક પ્રશ્ન ઉદભવતો હોય છે અને ઘણા લોકો કુતૂહલવશ પૂછી પણ લેતા હોય છે કે શિલ્પાબેન ઘર, નોકરી અને અન્ય સાંસારિક કામો વચ્ચે તમને આટલો લખવા-વાંચવાનો સમય મળે છે કેવી રીતે? વ્યક્તિ અનુસાર પ્રશ્ન પાછળનો હેતુ જુદો-જુદો હોય છે. ઘણા લોકો સ્વભાવથી જ ઈર્ષાળુ હોય છે ખૂબ સારું લખાઈ રહ્યું હોય, પ્રસંશકો વધી રહ્યા હોય એ સ્વાભાવિક રીતે સમાન ફિલ્ડના લોકો માટે અસહ્ય બને. વળી નેગેટિવિટીના આ યુગમાં એવો નેગેટિવ વિચાર આવવો પણ સ્વાભાવિક જ છે કે આટલી વ્યસ્ત જિંદગીમાં શિલ્પાબેન પોતે લખતા હશે ખરા? કે કોઈ બીજું લખતું હશે અને પોતાના નામે ચડાવી દેતા હશે? ઘણા પોસિટીવ લોકોને એ જાણવામાં પણ રસ હોઈ શકે કે એવી કેવી lifestyle છે કે સમય મળી રહે છે? અથવા સમયનો શિલ્પાબેન કેવી રીતે ઉપયોગ કરે છે તેમાંથી કંઈક માર્ગદર્શન મળે તો આપણે પણ ટાઈમ મેનેજમેન્ટ તેઓના જેવું કરી શકીએ. વળી ઘણાને શું વાત કરવી, બુક કે આર્ટીકલો વિશે શું કહેવું તે અંગે પ્રસંગોપાત વાત કરવાની સૂઝ ન પડતી હોય ત્યારે કંઈ ન સમજાતા એક સ્વાભાવિક પ્રશ્ન પૂછાઈ જાય કે તમને સમય મળે છે કેવી રીતે? આટલો સમય છે જ ક્યાં?અમને તો સમય જ મળતો નથી. આટલા વર્ષના અનુભવ પછી હવે તો પૂછનારની સામે જોઇને જ હું કહી શકું કે એના મનમાં શું ચાલી રહ્યું છે. આ પ્રશ્ન પાછળ કયો હેતુ કાર્યરત છે અને પૂછનાર વ્યક્તિમાં કેટલી પવિત્રતા અને હકારાત્મકતા છે? પરંતુ આ આર્ટીકલ લખવા પાછળનો હેતુ પ્રશ્ન પૂછનાર વ્યક્તિના હેતુ અંગે નહીં પરંતુ અનેક પ્રકારના હેતુ પાછળ રહેલ એક મૂળભૂત પ્રશ્ન છે કે સમય છે ક્યાં? ખરેખર સમય છે ખરો? તમને સમય મળે છે કેવી રીતે? અમને કેમ નથી મળતો?
મને અહીં સવિશેષ લખવાની ઈચ્છા એટલે થાય છે કે દરેકના જીવનનો આ એક સળગતો પ્રશ્ન છે. જેના માટે થોડા મુદ્દા પર વિશેષ પ્રકાશ પાડવો જરૂરી લાગે છે.
૧) આપણી પોતાની willingness કોઈપણ કાર્ય કરવા માટે અતિ મહત્વની છે. “મન હોય તો માળવે જવાય”. અતિ વ્યસ્ત જીવનમાંથી પણ જરૂરી સમય કાઢવા અંગેની આંતરિક ઈચ્છા ખૂબ અગત્યની છે. એ willingness અને આંતરિક ઈચ્છાના અભાવમાં સમયનો અભાવ વર્તાતો હોય છે એવું મારું અંગત મંતવ્ય છે. વાસ્તવમાં જો ખરેખર કંઈ કરવું જ હોય તો સમય તો જીવનમાં પુષ્કળ છે.
૨) એક બીજું કારણ આપણી પોતાની પસંદગી અંગેનું પણ છે. આપણને કદાચ ખબર જ નથી કે આપણને જોઈએ છે શું અને વાસ્તવિક આનંદ કેવી રીતે મળે. જો ખબર પડી જાય તો તેના માટે જીવનમાં સમય જ સમય છે.
૩) વ્યર્થ કામોનું એક લિસ્ટ બનાવવાની તાતી જરૂરીયાત છે. કેમ કે આપણા દ્વારા વ્યર્થ કાર્ય વધુ પડતું અવિરત થતું રહે છે. જેના કારણે ઇફેક્ટિવ અને પરિણામલક્ષી સમયની અછત વર્તાય છે. ઉત્તમ દિશા તરફ જવા અંગે સમય ઓછો પડે છે.
૪) સમજણ વગરની અનિયમિત દિનચર્યા પણ સમયની તંગી માટે એક અતિ મહત્વનું જવાબદાર પરિબળ છે. સવારે મોડું ઉઠવું, રાત્રે બિનજરૂરી ઉજાગરા કરવા, યોગ્ય સમયે યોગ્ય કાર્યો કરવા અંગેની અતિ બેજવાબદારી વગેરે.
૫) વળી સતત અવિરત સમય નથી-સમય નથી કહી આપણે આપણા આંતરમનને જાણતા-અજાણતા અર્ધજાગૃત અવસ્થામાં વ્યસ્ત રહેવાનો જ આદેશ આપીએ છીએ જેથી જીવનપર્યંત નિરાંતનો સમય મેળવી શકાતો નથી.
હું મારી પોતાની જ વાત કરું તો હું જે સોસાયટીમાં રહું છું, ત્યાં હું વર્ષ 2003-૦૪થી કાયમી વસું છું. જ્યાં ગિરિરાજધામ મંદિર શરૂઆતથી જ આવેલું છે પરંતુ ૨૦૧૧ સુધી તે તરફ મારું ધ્યાન ક્યારેય ગયું જ નથી. પરંતુ કદાચ પુણ્યકર્મોના ઉદય કે પરમાત્માની કૃપાથી જ્યારે 2011માં ગિરિરાજધામ મંદિરમાં દર્શન કરવાનો નિર્ણય લીધો ત્યારથી અવિરત વ્યસ્ત શિડ્યૂઅલ વચ્ચે પણ બન્ને ટાઇમ નિયમિત પ્રભુના દર્શન કોઈ વિઘ્ન વગર થઈ રહ્યા છે અને તેના માટે કોઈ દોડધામ પણ થતી નથી. જેટલી સરળતાથી દર્શન અને એના જેવા બીજા સત્કર્મો જેવા કે પક્ષીઓને ચણ નાખવું, ગાયને રોટલી ખવડાવવી, કૂતરાને બિસ્કીટ ખવડાવવા, કીડીયારું પૂરવું, દરરોજ એક કલાક વાંચવું, અઠવાડિયે એક આર્ટીકલ લખવો, દર વર્ષે કમ-સે-કમ એક પુસ્તક પ્રકાશિત કરવું વગેરે સતત થઈ રહ્યા છે. જે મેં પોતે ક્યારેય 2011 પહેલા કર્યા નહોતા છતાં 20૧૧ પહેલા હું સતત વ્યસ્ત જ રહેતી હતી. વિશેષ કંઈ ન કરવા છતાં હંમેશા સમયની તંગી વર્તાતી. જ્યારે આજે અનેક ઉમદા કાર્યો કરવાની સાથે પણ સમયની અનુકૂળતા મળી રહે છે. એ અનુભવે મને દરેકને જણાવવાની ઇચ્છા થાય છે તે વાસ્તવમાં સમય આપણી પાસે જરૂરથી વધારે છે પરંતુ કદાચ સમજણના અભાવે અને પસંદગીની પ્રાથમિકતાના અભાવે આપણે અમૂલ્ય સમય બિનજરૂરી બાબતો જેવી કે ટીવી જોવું, whatsapp પર સમય પસાર કરવો વગેરેમાં બગાડી રહ્યા છીએ. મેં એવા અનેક લોકો જોયા છે જે સતત અવિરત સમય ન હોવાનાં રોદડા રડતા હોય અને 24 કલાક ઓનલાઈન દેખાતા હોય. મને થાય જે વ્યક્તિને પોતાની તંદુરસ્તી, સંબંધો, આત્મકલ્યાણ માટે સમય નથી તેની પાસે સતત ગોસિપની દુનિયા અને સોશિયલ મીડિયા પર રહેવા સમય ક્યાંથી મળે છે?
સમયને ચોરતા આવડવો એ પણ એક વિશિષ્ટ કળા છે. જે કદાચ બધાને આવડતી નથી જેના લીધે કદાચ સમાજમાં સમયના નામે મોટી ફરિયાદો જોવા મળે છે. પહેલા તો જીવનમાં મેળવવા જેવું શું છે અને છોડવા જેવું શું છે તે સમજવું જ રહ્યું. જેનાથી વ્યર્થ દિશાનો કે વ્યર્થ કાર્યોનો સમય આપોઆપ બચી જાય અને જરૂરી બાબતો માટે સમય મળવા માંડે. એ માટે આંતરિક ઈચ્છા (willingness) અને દ્રઢ સંકલ્પની આવશ્યકતા તો ખરી જ કેમ કે એ વગર કોઈપણ બાબતની શરૂઆત શક્ય કેવી રીતે બને? એક વાર નક્કી કરો કે મારે જીવનમાં થોડા સત્કર્મો માટે સમય કાઢવો છે. આત્મકલ્યાણ, પ્રભુભક્તિ, સમાજસેવા માટે સમય કાઢવો છે. માત્ર એક નેક ઈરાદો જીવનમાં એટલી બધી અનુકૂળતા ઊભી કરે છે કે તમેં અચંબિત થઇ જશો. તમને થશે કે આ તમામ કાર્ય વહેલું શરૂ કેમ ન કર્યું? કરી જુઓ હું મારા પોતાના અનુભવને આધારે કહું છું. મારા જેવી સહજતા, સરળતા, સફળતા, અનુકૂળતા તમને દરેકને અવશ્ય મળશે એ મારો દ્રઢ વિશ્વાસ છે. કેમ કે ઈશ્વરે દરેકને જબરજસ્ત માનસિક શક્તિ આપી છે અને માનવયોનીની એ જ વિશિષ્ટતા છે. બાકી મનુષ્યશરીર તો પશુ-પક્ષીયોની કરતાં ખૂબ નબળું છે. શરીર કે ઇન્દ્રિયોની દ્રષ્ટિએ મનુષ્યયોની કે તેની પાંચેય ઈન્દ્રિયો વાસ્તવમાં પશુ-પક્ષીની ઇન્દ્રિય જેટલી બળવાન નથી જેમ કે બાઝ જેવા અનેક પક્ષી મનુષ્ય કરતા શાર્પ નઝર ધરાવે છે તેમ જ સાપ વગેરે જીવો આપણા કરતા તીવ્ર સંભાળવાની શક્તિ ધરાવે છે એ જ રીતે અનેક બીજા પશુ પક્ષીઓની સુંઘવાની શક્તિ અકલ્પનીય છે પરંતુ આપણી ઇન્દ્રિયોને ચલાવનાર માનવમન મનુષ્યનું એટલું સામર્થ્યવાન છે કે જો તેનો યથાર્થ ઉપયોગ કરવામાં આવે તો ઈન્દ્રિયોને અતિ બળવાન બનાવી શકાય. જરૂર છે માત્ર દ્રઢ સંકલ્પની. એકવાર વ્યક્તિ ઊભો થઈ જાય અને દોડવાનું મન બનાવી લે પછી તેને કોઈ અટકાવી ન શકે અને જીત તેના કદમ અવશ્ય ચૂમે. ટૂંકમાં સમય આપણી પાસે ખૂબ જ છે, જરૂર છે માત્ર તેના યોગ્ય મેનેજમેન્ટની અને મેનેજમેન્ટ ત્યારે જ કાર્યક્ષમ બને જ્યારે મહત્વની બાબતની જીવનમાં અગત્યતા સમજાય કેમ કે તે દ્વારા જ જરૂરી બાબતને પ્રાથમિકતા આપી શકાય.
પ્રથમ પગથિયે સૌપ્રથમ વ્યર્થ કામોનું લિસ્ટ બનાવો. જે કરવાની ખરેખર કોઈ જરૂર જ નથી. પરંતુ આપણે તેને આનંદ સમજી બેઠા છીએ જેથી તેને છોડી શકતા નથી. જેમ કે ટીવી જોવું, સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ કરવો, સતત આળસયુક્ત જીવન જીવવું, દરેક કામોમાં “હોતી હૈ ચલતી હૈ”ની વૃત્તિ રાખવી વગેરે બાબતો અમૂલ્ય સમય ખાઈ જાય છે. ગમે તે સમયે ઊડવું, ગમે ત્યારે સૂઈ જવું, અયોગ્ય આહારની આદત (જંકફૂડનો શોખ) દ્વારા તબિયત બગાડવી, શરીરમાં આળસ ભરવી વગેરે. વાસ્તવમાં અનિયમિતતા વ્યક્તિને વધુ પ્રમાદી બનાવે છે અને યોગ્ય દિશા તેને કદી સમજાતી જ નથી. સમય તો દરેક મનુષ્ય પાસે એક સરખો જ છે (24 કલાક) પરંતુ એવી વ્યક્તિ કે જે ઉપર જણાવેલ પાંચ મુદ્દાને સમજે છે તે જ તેનું મેનેજમેન્ટ કાર્યક્ષમ રીતે કરી શકે છે. સફળતા પણ તેના જ કદમ ચૂમે છે જે ટાઈમ મેનેજમેન્ટમાં કુશળ છે. સમય ક્યાં છે? ઘણું કરવું છે પણ સમય ઓછો પડે છે વગેરે ફરિયાદો અને અફસોસ કરવાનું બંધ કરી, જે છે તેની તરફ નજર કરવાની જરૂર છે. શું થઈ શકે એ વિચારવાથી શું ન થઈ શકે તે આપોઆપ વિલીન થઇ જતું હોય છે. તો ઉઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી લાગ્યા રહો. સમયની કમી નથી સોચની કમી છે. સોચ બદલાશે તો સમય વધવા માંડશે, સમય મળવા માંડશે.

TejGujarati