એ તું જ છે!
જીંદગીનાં આ કિનારે જે મળી, એ તું જ છે,
પ્રીતની ધસમસ થતી આવી નદી, એ તું જ છે.
જંગલી ઘેઘૂર નકરાં અંધકારે હું હતો,
જીંદગીને ઝળહળાવી જે રહી, એ તું જ છે.
અવ્યવસ્થિત ઢંગ-બેઢંગું જિવન મારૂં હતું,
ગોઠવી એને ઘડે ઘાટે જરી, એ તું જ છે!
કોણ શું બોલે કદી પરવા કરી છે તેં ખરી?
આ જગત સામે પડી મારી સખી, એ તું જ છે!
આ જીવનમાં દરબદર ભટક્યા કરું છું હું સનમ,
રાહ પણ સાચી મને દર્શાવતી, એ તું જ છે.
હું રઝળતો વાયરે, વાળ્યો મને તેં ફૂંકમાં,
રોમરોમે વાગતી જે વાંસળી, એ તું જ છે.
સાવ તૂટીને વિખેરાઈ ગયેલો હું સનમ,
હામ આપી ને રહી મારી બની એ તું જ છે!
એક હું અક્ષર અલગ, મારે કશો ક્યાં અર્થ છે?
પ્રીતનો કક્કો ભરી બારાક્ષરી, એ તું જ છે.
ભાગ્ય મારાં આંખને દરિયે મળે તારી ઝલક,
હાથ હાથોમાં ગ્રહી દોરે સખી, એ તું જ છે!
– © દેવેન ભટ્ટ (૨૭/૧૨/૨૦૨૦)