શક પડે.? – © દેવેન ભટ્ટ.

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

ખંજરોની ધાર પર મુજને સદાયે શક પડે
હું ઘવાયો છું સદાયે સોયનાં નખક્ષત વડે.

આભ આપ્યું છે અફાટી નવગ્રહોને ઘૂમરે,
તે છતાં પણ કેમ બેસી કુંડળીમાં ગ્રહ નડે?

સાંજ જો મારા વિનાની કંદરે તુજને જડે,
એ પછી સંધ્યા તણા રંગો તને નહિ પરવડે

શાંતચિત્તે મંદ લહરી રૂપ ધારી ફડફડે,
એકથી બીજી ગલીમાં જો પવન પણ આથડે.

વન મહીં તું ઝાડ છો, પથ્થર ન બન ડાળે થડે,
નામનો નહિ કોઇ ટહુકો પણ નસીબે સાંપડે.

રણ મહીં શું ઝાકળો, મૃગનીર પણ વરસી પડે,
અાભ-ધરતીની વચાળે ઝાંઝવે ઢૂવા રડે.

પથ્થરોને માણસો છો ટાંકણે ટોકી ઘડે,
માણસોને ઠોકરોથી પથ્થરો પણ છે ઘડે!

સુંડલો છે કર્મનો દોષે ભરેલો આ થડે,
જીવ મારો એજ ઠેકાણે જઈ પામર સડે!

ભીતરે મારીજ વસવાનું છતાં મુજને લડે,
ભર બપોરે પણ અહીં છાયા મુને મારી નડે.

ગ્રીષ્મના મધ્યાહ્ન જેવી માંય જ્વાળા ભડભડે,
માવઠું થઇ આંખથી ચોધાર આંસું દડદડે.

ખુશ્ક રણમાં લાગણીનાં ઝાંઝવાંઓ બહુ જડે,
દૂર આભાસી તળાવે સ્નેહભાવો તરફડે.

રોજ રાતે ઝાકળે ઘૂંટાય મધુરસ ફૂલડે,
ભૃંગ આસવ એ ગ્રહી મદમાં સુમન પર લડથડે

રોજ આવે ફૂલને તો સ્વપ્ન ભીનાં ઓસનાં,
પુષ્પની આંખે મળસ્કે ‘દેવ’ બુંદો દડદડે

– © દેવેન ભટ્ટ (૨૩/૧૨/૨૦૨૦)

TejGujarati