ગળો, અમૃતવેલ, ગીલોય, અમૃતા આપણા પ્રાચીન ધર્મ ગ્રંથોમાં ‘ગળો’ની ઉત્પતિ સંબંધી એક કથા. – કૌશિક પટેલ.

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

ગળો, અમૃતવેલ, ગીલોય, અમૃતા
આપણા પ્રાચીન ધર્મ ગ્રંથોમાં ‘ગળો’ની ઉત્પતિ સંબંધી એક કથા આ પ્રમાણે જોવા મળે છે. રામાયણના યુદ્ધમાં અસુરોના હાથે મૃત્યુ પામેલા વાનરોને ઈન્દ્રદેવે અમૃતવૃષ્ટિ કરી ફરીથી જીવિત કર્યા હતા. તે વખતે અમૃતના જે બિંદુઓ જમીન પર પડયા, તે સ્થાન પરથી આ ગળોની વેલ ઉત્પન્ન થઈ. આથી એને ‘અમૃતા’ નામથી પણ ઓળખવામાં આવે છે.
ગળોની વેલ થાય છે. વાવવાથી તે ગમે ત્યાં ઊગી શકે છે. આંગણામાં વાવવાથી તે ઘરની અને બગીચાની શોભા બને છે. નાનો અમથો ટૂકડો કાપીને ગમે ત્યાં રોપી દો તો એ ઊગેજ છે. એનું એક નામ ‘અમૃતા’ છે. અમૃત જેવા ગુણો ધરાવતી હોવાથી અને દિવસો ને મહિનાઓ સુધી સૂકાતી કે મરતી ન હોવાથી આવું નામ આપ્યું હશે. એની વેલને વચ્ચેથી કાપી નાખો તો પણ મૂળ વિનાનો ઉપરનો ભાગ મહિનાઓ સુધી લીલો રહી શકે છે. એ ઝડપથી વધે છે. અને આથી એ એક પ્રાણવાન ઔષધિ છે. કાપીને ગમે ત્યાં ફેંકી દો ને જો જમીન સારી હોય કે પાણી મળવા લાગે તો એ મહિનાઓ પછી પણ ઊગી નીકળે છે. આથી જ એનું એક બીજું નામ ‘છિન્ન રુહાક’ છે. કાપવા છતાં ફરીફરીને ઊગી શકે એટલે ”છિન્ન રુહા.”
લીમડાની ગળો ઉત્તમ ગણાય છે. આપણા દેશમાં લીમડાના અસંખ્ય ઝાડ છે. પ્રત્યેક ઝાડના થડ નજીક ગળો વાવી દેવામાં આવે અને એનો જો છૂટથી ઉપયોગ થાય તો મેલેરિયા નાબૂદીની ઝૂંબેશ ચલાવવી જ ના પડે !
ગામડે ગામડે, જાહેર બગીચામાં, લીમડાના ઝાડ નજીક અને પ્રત્યેક ઘરના આંગણામાં ગળો જેવી ઔષધિ વાવીને આપણે આરોગ્યક્ષેત્રે ઘણી મોટી ક્રાન્તિ લાવી શકીએ એમ છીએ.
આવતા ચોમાસામાં ઠેર ઠેર માત્ર ગળો વાવી દેવામાં આવે. લીમડાના પ્રત્યેક ઝાડ નીચે આ વેલો વાવી લીમડા પર ચડાવી દેવામાં આવે તો સરળતાથી એ ઉછરી જાય છે અને આખા પરિવાર માટે, સમાજ માટે અને નીરોગી રહેવા ઈચ્છતા દરેક લોકો માટે એ આશીર્વાદ સમાન સાબિત થઈ શકે તેમ છે.
જંગલોમાં,ખેતરોના શેઢા પર,ગામડાનાં પાદરમાં ખરાબામાં અને શહેરોના બાગ-બગીચાના વૃક્ષો ઉપર ઘાંસના થુમડા સ્વરૂપે જોવા મળે છે. ગળો ઉત્તમ જડીબુટ્ટી છે.સૃષ્ટિમાં સહેલાઇથી મળી આવતી ગળો અખૂટ સંપતિ છે. વર્ષોથી વનસ્પતિઓનાં મૂળ,થડ,પાન,ફૂલ અને બીજ એ પંચાગનો જુદા જુદા રોગો પર પ્રયોગ કરાયા બાદ ઋષિઓ દ્વારા તેના સૂક્ષ્મ ગુણો શોધી કઢાયા હતા.અતિ મહત્વની ગણાતી ઔષધિ ગળો સર્વ રોગોમાં ઘણી ઉપયોગી છે.સંસ્કૃતમાં તેનું નામ અમૃતા છે.
તેને ગીલોય પણ કહેવામાં આવે છે. તે એક પ્રકારની લતા/વેલ છે, તેના પાંદડા નાગરવેલના પાન જેવા હોય છે. ગળોનો વેલો થાય છે.તેના વેલા બીજાં મોટાં ઝાડ અને ખેતરોની વાડ ઉપર ચઢે છે.કેટલાક ઠેકાણે એ ખડકના આધારે ચઢે છે.ગળો વર્ષાયુ છોડ છે.તેના વેલાનો ટુકડો કાપીને વરસાદના સમયે રોપવાથી ઉગી જાય છે.તેના કુમળા વેલાની છાલ કોમળ હોય છે. ગળોના વેલા એક સરખા હોતા નથી.તેને એક બાજુએ કાતરીઓ જેવી ગાંઠ હોય છે.તેના વેલાને આંતરે એક-એક પાન આવેલા હોય છે.પાનનો આકાર પીપળાના પાન જેવો તેના મૂળ જાડાં અને કંદ જેવા હોય છે.ગળોના વેલાને નવા કુમળા અંકુરો ફૂટવા લાગે ત્યારે ખેડૂતો વર્ષાના આગમનની આગાહી કરે છે.ગામડાંઓમાં આજે પણ ગળોના ટૂકડા કરી દૂઝણાં ઢોરોને ખાણ તરીકે ઉપયોગ કરે છે.
ગળોના પાંદડામાં કેલ્શિયમ, પ્રોટીન અને ફોસ્ફરસ મળી આવે છે. તે વાત, કફ અને પિત્ત નાશક હોય છે. ગળો આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારવામાં પણ મદદ કરે છે. તેમાં જુદા જુદા પ્રકારના મહત્વપૂર્ણ એન્ટીબાયોટીક અને એન્ટીવાયરલ તત્વ મળી આવે છે જેનાથી શરીરને સ્વાસ્થ્ય સંબંધિત લાભ થાય છે. ગળોને ગરીબના ઘરની ડોક્ટર કહેવામાં આવે છે. કેમ કે તે ગામડાઓમાં સરળતાથી મળી આવે છે. ગળોમાં કુદરતી રીતે જ શરીરના દોષને સંતુલિત કરવાની શક્તિ હોય છે.
ગળો ખુબ ઝડપથી મોટી થતી વેલ છે. ગળોની વેલ જીવનશક્તિથી ભરપુર હોય છે, કેમ કે આ વેલનો જો એક ટુકડો પણ જમીનમાં નાખી દેવામાં આવે, તો તે જગ્યાએ એક નવો છોડ બની જાય છે.
ગળોની રાસાયણિક સંરચનાનુ વિશ્લેષણ કરવાથી એ જાણવા મળ્યું છે કે તેમાં ગીલોઈન નામનું કડવું ગ્લુકોસાઈડ, વસા આલ્કોહોલ ગ્લીસ્ટેરાલ, બર્બરીન આલ્કોલાઈડ, ઘણા પ્રકારની વસા(ચરબી) અલ્મ અને ઉડનશીલ તેલ મળી આવે છે.
ઔષધીય ઉપયોગ
ગળો એક ખુબ જ મહત્વપૂર્ણ આયુર્વેદીક ઔષધી છે. ગળોના પાનની સાથે એની ડાળીઓનો પણ વિવિધ ઔષધિઓમાં ઉપયોગમાં લેવામાં આવે છે.
घृतेन वातं सगुडा विबंधं पित्तं सीताढ्यां मधुना कफे च |
वातास्रमुग्रं रूबुतेलमिश्रा शूंठयामवातं शमयेत् गुडूचि ||
એટલે કે ગળો-ગુડુચી ગોળ સાથે લેવાથી કબજીયાત, ઘી સાથે લેવાથી વાયુ, સાકર સાથે લેવાથી પીત્ત, મધ સાથે લેવાથી કફ, સુંઠ સાથે લેવાથી આમવાત, દીવેલ સાથે લેવાથી વાતરક્ત અને ગૌમુત્ર સાથે લેવાથી શ્લીપદ-હાથીપગું મટાડે છે. ગળોના સેવનથી રીબાઈ રીબાઈને મરવાનું બનતું નથી.
રાસાયણિક દ્રષ્ટિએ ગળોમાં બર્બેરિન સહિત અન્ય ક્ષારો, ગિલોઈન નામનું કડવું ગ્લુકોસાઈડ, એક ઉડનશીલ તેલ તથા વસામ્લ જેવાં તત્ત્વો રહેલાં છે. આ તત્ત્વોને તેના ઔષધિય ગુણો માટે જવાબદાર ગણી શકાય.
લીમડા,બાવળ કે આંબા પર ચઢેલી ગળો વધારે ગુણકારી માનવામાં આવે છે.તેમાંય લીમડા પરની ગળો સર્વશ્રેષ્ઠ ઔષધિ ગણાય છે. ગળોમાંથી છ રસો ઉત્પન્ન થાય છે.કડવો,તૂરો,તીખો અને મધુર રસનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. તીખો,કડવો અને તૂરો રસ કફદોષને મટાડે છે તેમજ મધુર રસ વાયુનું શમન કરે છે.ગળોનો મુખ્ય ગુણ વાત,પિત્ત અને કફના દોષોને શાંત પાડવાનો છે.બીજો ખાસ ગુણ જવરઘ્ર છે.ઘી,ગોળ સાથે સેવન કરવાથી વાયુનું અને બંધકોષનું શમન થાય છે.એરંડીયાના તેલ સાથે સેવન કરવાથી વાતરક્તનું અને સૂંઠ સાથે સેવન કરવાથી આમવાયુનું શમન થાય છે.
ગળાનાં પાનને તેલમાં વાટીને માથા પર ચોપડવાથી શરદીથી દુખતું માથુ મટે છે.તેના પાનને મધમાં વાટીને ગૂમડા પર ચોપડવાથી ગૂમડા મટે છે.આપણું શરીર પંચમહાભૂતોનું બનેલું છે તેથી એ પાંચ તત્વો પૂરા પાડનાર વનસ્પતિ ગણવામાં આવે છે.
આસપાસના ઝાડ પર ચઢનારી ગળોની વેલ ભારતમાં સર્વત્ર થાય છે. કેટલીક જગ્યાએ તે ખડકોના આશ્રયે પણ થાય છે. જેને ‘ખડકી ગળો’ કહે છે. કડવા લીમડા પર ચઢેલી ગળો સર્વોત્કૃષ્ઠ ગણાય છે. વિષાક્ત વૃક્ષો પર ચઢેલી ગળોનો ઔષધ તરીકે ઉપયોગ ન કરવો. આયુર્વેદિય મતે ગળો સ્વાદમાં તૂરી, કડવી અને તીખી, ગરમ છતાં પિત્તશામક, રસાયન, બળકર, ભૂખવર્ધક, પાચનકર્તા, હૃદય માટે હિતકારી, રક્તવર્ધક અને શોધક, પિત્તસારક, પીડાશામક, ત્રિદોષ નાશક અને આયુષ્યપ્રદ છે. ગળો તાવ, તૃષા, દાહ-બળતરા, રક્તદોષ, પાંડુ રોગ, કમળો, લિવરના રોગો, હૃદય રોગ, ખાંસી, કૃમી, એસિડિટી, ઊલટી, મંદાગ્નિ, મરડો, સંગ્રહણી જેવાં અનેક રોગો મટાડે છે.
કોઈપણ પ્રકારના તાવમાં પિત્તની વૃદ્ધિ અને જઠરાગ્નિનની મંદતા જરૂરથી હોય છે. ગળો કડવી હોવાથી પરમ પિત્તશામક છે. તે અગ્નિ પ્રદીપક પણ છે. એટલે ગમે તે કારણથી આવેલા તાવનું તે ઉત્તમ ઘરગથ્થુ ષધ છે. લીલી ગળોનો ચારેક ચમચી જેટલો રસ કાઢી તેમાં એક ચમચી તુલસીનો રસ મિશ્ર કરી સવાર-સાંજ લેવો. બે-ત્રણ દિવસમાં જ તાવમાં રાહત જણાશે. ધીમેધીમે ભૂખ પણ ઉઘડશે.
મર્હિષ ચરકે ધાવણની શુદ્ધિ કરનારા દસ શ્રેષ્ઠ ઔષધોમાં ગળોનો સમાવેશ કર્યો છે. માતાનું ધાવણ જો કફથી દૂષિત થયું હોય તો બાળકને તે પચવામાં ભારે પડે છે, બાળકને ઊલટીઓ થાય છે, મુખમાંથી લાળ પડયા કરે છે, તેમજ બાળક સુસ્ત અને નિદ્રાળુ થઈ જાય છે. ધાવણની શુદ્ધિ માટે માતાએ પચવામાં હલકો ખોરાક લેવો. તેમજ ગળો, સૂંઠ, હરડે, બહેડા અને આમળા સરખા વજને લઈ તેનો અધકચરો ભૂક્કો કરી, બે ચમચી જેટલા આ ભૂક્કાનો ઉકાળો કરી સવાર-સાંજ પીવો. ચાર-પાંચ દિવસમાં જ ધાવણ શુદ્ધ થતા બાળક સ્વસ્થ થઈ જશે.
ગળો આયુર્વેદ પ્રમાણે યોગવાહી ઔષધ છે. (એટલે કે બીજા ઔષધ સાથે મિશ્ર કરતા એના અને પોતાના એમ બંનેના ગુણોનું વહન કરે છે.) જેમ કે ઘી સાથે ગળો લેવાથી વાયુના રોગ, ગોળ સાથે લેવાથી મળાવરોધ-કબજિયાત, સાકર સાથે લેવાથી પિત્તના રોગો, મધ સાથે કફના રોગો, એરંડિયા-દિવેલ સાથે વાતરક્ત (ગાઉટ) રોગ તથા સૂંઠ સાથે લેવાતી તે આમવાત-રૂમેટોઈડ અર્થાઈટીસ મટાડે છે.
ગળોના ટૂકડા કરી, છૂદીને પલાળી રાખવાથી એમાંથી ઘાટો, ઠંડો અને અમૃત જેવા ગુણવાળો રસ નીકળશે. સવાર સાંજ આ રસ પીવાથી તાવ, મેલેરિયા, તરસ, દાહ, કમળો, કોઢ, ચામડીના રોગો, લેપ્રસી-વાતરક્ત, પ્રમેહ અને કૃમિ જેવા અનેક રોગો મટી શકે છે.
ગળોને આયુર્વેદના ઋષિઓએ ત્રિદોષ શામક કહી છે. વાયુ, પિત્ત અને કફ એ ત્રણેય દોષનું જે શમન કરે તે ત્રિદોષ શામક. એના આ ગુણના કારણે જ કદાચ કોઈ પણ પ્રકૃતિના માણસને એ અનુકૂળ આવે છે. પચવામાં તે હળવી અને પાચન શક્તિને સુધારનારી છે.
રસાયન હોવાથી તે ધાતુ પરિપોષણ ક્રમને વ્યવસ્થિત કરી શરીરને તંદુરસ્ત અને યુવાન રાખવામાં મદદ કરે છે. એના નિયમિત સેવનથી વૃદ્ધાવસ્થા જલદીથી આવતી નથી. ગળો, ગોખરુ અને આમળાના સમભાગ સંયોજનથી ‘રસાયન ચૂર્ણ’ નામની એક દવા બને છે, જેના નિયમિત સેવનથી લાંબા સમય સુધી નીરોગી જીવન જીવી શકાય છે.
ગળોના ધનમાં અતિવિષ, ઇન્દ્રજવ, લીંડીપીપર, મંડૂરભસ્મ અને સિંધાલૂણ મેળવીને સંશમની વટીનામની દવા બને છે જે બાળકો અને વૃદ્ધોના અનેક રોગોમાં ઉપયોગી છે.
ગળોને બળ તથા વીર્યની વૃદ્ધિ કરનાર પણ કહી છે. હૃદય માટે પણ તે હિતકર છે. સંગ્રાહી હોવાથી ઝાડા, પ્રદર, પ્રમેહ, શરદી, રક્તપિત્ત અને ઊલટી જેવા રોગોમાં પણ ઉપયોગી છે. ગળોના રસમાં કે ઉકાળામાં દિવેલ મેળવીને પીવાથી વાતરક્ત એટલે કે લેપ્રસી રોગ કાબૂમાં આવી મટી શકે છે.
ગળોના હીમને મધ સાથે આપવાથી ગમે તેવી ઊલટી હોય તો પણ તે કાબૂમાં આવી જાય છે.
ગળોમાંથી ગળોસત્ત્વ, અમૃતારિષ્ટ, અમૃતા ગૂગળ, સંશમની વટી, રસાયન ચૂર્ણ અને ગુડુચ્યાદિ કવાથ જેવા અનેક ઔષધો બને છે.
ગળો, ગોખરું અને આમળાના સમભાગે બનાવેલા ચૂર્ણને રસાયન ચૂર્ણ કહે છે. વૈદ્યોનું તે ખૂબ જ પ્રિય ઔષધ છે. રસાયન ચૂર્ણ પિત્તના રોગોમાં અકસીર છે. આંખ, છાતી, હાથ-પગના તળીયા કે મૂત્ર ત્યાગ વખતે દાહ-બળતરા થતી હોય તેમાં તથા અમ્લપિત્ત-એસિડિટીમાં એક ચમચી જેટલું આ ચૂર્ણ સવાર-સાંજ લઈ, ઉપર ગાયનું દૂધ પીવું. આ સરળ ઉપચારનું લાંબા સમય સુધી પાલન કરવાથી ઉત્તમ લાભ થાય છે.
રસાયન ચૂર્ણની જેમ સંશમની વટી, અમૃતા ક્વાથ, અમૃતા ગુગળ, ગુડુચ્યાદિ વટી, ગુડુચી ઘૃત વગેરેમાં ગળો મુખ્ય ઔષધ રૂપમાં વપરાય છે. આ ઔષધો જુદા જુદા અનેક રોગોમાં ઉપયોગી છે. (સંશમની એટલે જે વધેલા દોષોને ઓછા કરે અને ઓછા હોય તો સમાન કરે.)
એનાં પાન મધુર હોય છે. આથી એનાં પાનનું શાક ખુબ સ્વાદીષ્ટ લાગે છે, જે તાવમાં ઉત્તમ છે. ગળો તીખી, કડવી, પચી ગયા પછી મધુર, રસાયન, મળને રોકનાર, તુરી, ઉષ્ણ, પચવામાં હલકી, બળ આપનાર, જઠરાગ્નીને પ્રદીપ્ત કરનાર, ત્રીદોષઘ્ન (કડવા રસથી પીત્ત અને કફને મટાડે છે. ઉષ્ણ હોવાથી વાયુને હણે છે. પચી ગયા પછી મધુર રસથી વાજીકર-રસાયન છે.) તથા આમ, તરસ, બળતરા, પ્રમેહ, કોઢ, ઉધરસ, રક્તાલ્પતા-પાંડુ, કમળો, કુષ્ઠ, વાતરક્ત, કૃમી, જ્વર, ઉલટી, ઉબકા, દમ, હરસ, મુત્રકષ્ટ અને હૃદયરોગને મટાડનાર છે.
ગળોનો રસ ત્રણ ચમચી અને ગળોનું ચુર્ણ અડધીથી એક ચમચી સવારે, બપોરે અને રાત્રે લેવું. કોઈ પણ વૃક્ષ પર ચડેલી ગળો ઔષધમાં વાપરી શકાય, પરંતુ લીમડા પર ચડેલી ગળો ઉત્તમ ગણાય છે. લીમડા, બાવળ કે આંબા પર ચડેલી ગળોની વેલ વધારે ગુણકારી ગણાય છે, તેમાં પણ લીમડા પરની શ્રેષ્ઠ. તાજી લીલી ગળો મળે તો તેનો ઉપયોગ કરવો, નહીંતર સુકી ગળોનું ચુર્ણ વાપરી શકાય. ગળોના વેલા પર કાગળ જેવી પાતળી છાલ હોય છે, જે દુર કરવાથી અંદર લીલીછમ માંસલ ગળો જોવા મળે છે. એના નાના નાના ટુકડા કરી છાંયડે સુકવવાથી સુંદર લીલાશ પડતું બારીક ચુર્ણ તૈયાર થઈ શકે. ઔષધોમાં આવું તાજું ચુર્ણ જ વાપરવું જોઈએ.
ગળોનું ચુર્ણ એક ચમચી અને રસ બેથી ત્રણ ચમચી સવાર-સાંજ લઈ શકાય.
(૧) ગળો, ધાણા, લીમડાની અંતરછાલ અને રતાંજળી(રક્તચંદન)નો ઉકાળો સવાર-સાંજ પીવાથી જઠરાગ્ની પ્રદીપ્ત થઈ સર્વ પ્રકારના તાવ મટે છે.
(૨) ગળોનો રસ સાકર નાખી પીવાથી અમ્લપીત્ત તરત જ મટે છે અને પીત્તથી થતી ઉલટી તત્કાળ શાંત થાય છે.
(૩) ગળોના બે ચમચી રસમાં બે ચમચી મધ નાખી પીવાથી ત્રણે દોષોથી થતી ઉલટી મટે છે.
(૪) ગળોનો રસ અથવા ગળોનો ઉકાળો અડધો કપ સવાર-સાંજ પીવાથી અને માત્ર મગના સુપ અને ભાત પર રહેવાથી કોઢમાં એકદમ ફાયદો થાય છે.
(૫) ગળોના રસમાં મધ અથવા સાકર નાખી પીવાથી કમળો જલદી મટે છે.
(૬) ગળો અને ત્રીફળાના ઉકાળામાં મધ અને પીપરનું ચુર્ણ નાખી સવાર-સાંજ પીવાથી સર્વ પ્રકારના નેત્રરોગ મટે છે. (ઉકાળો ઠંડો થયા પછી એમાં મધ નાખવું.)
(૭) ગળોનું વસ્ત્રગાળ બારીક ચુર્ણ ૧ કીલો અને ગોળ, મધ અને ઘી દરેક ૧૬૦ ગ્રામ મેળવી ચાટણ બનાવવું. એકથી બે ચમચી આ ચાટણ સવાર-સાંજ લેવાથી કોઈ રોગ થતો નથી, ઘડપણ આવતું નથી કે વાળ ધોળા થતા નથી.
(૮) ઠંડા પાણીમાં ગળોનો કંદ ઘસી અરીઠા સાથે પીવડાવવાથી સાપનું ઝેર ઉતરે છે.
(૯) ગળો અને સૂંઠનો કાઢો-ઉકાળો પીવાથી આમવાત મટે છે.
(૧૦) ગળોના કલ્કમાં મધ નાખી ખાવાથી કફ મટે છે.
(૧૧) ગળોના રસમાં મધ નાખી ચાટવાથી મુત્રકૃચ્છ (ટીપે ટીપે પેશાબ થવો) મટે છે.
(૧૨) ગળો અને ગુગળને એરંડાનાં પાંદડાના રસમાં ઘસી પેટ ઉપર લેપ કરવાથી કૃમી મટે છે.
જીર્ણ જ્વર ઉપર: (૧૩) ગળોના ઉકાળામાં લીંડીપીપરનું ચુર્ણ નાંખી પીવાથી જીર્ણ જ્વર મટે છે.
(૧૪) ગળો, આમળાં અને નાગરમોથનો ઉકાળો પીવાથી કોઇપણ તાવ મટે છે.
(૧૫) ગળોનો રસ જીરુ અને સાકર સાથે લેવાથી હૃદયરોગમાં લાભ થાય છે.
(૧૬) ગળોનો રસ ઘી સાથે લેવાથી વાયુ મટે છે.
(૧૭) શક્તિ માટે ગળોનો રસ ડાંગરની ધાણી-મમરા સાથે લેવો.
(૧૮) અરૂચી દુર કરવા દાડમ સાથે ગળોનો રસ લેવો.
ખાસ નોંધ:
ઉપરોક્ત માહિતી માત્ર જાણકારી હેતુ આપેલી છે. જે તે ઉપચાર માટે જાણકાર વૈદ, આયુર્વેદાચાર્ય, નિષ્ણાત ચિકિત્સક ની સલાહ લેવી ખૂબ આવશ્યક છે.
M.D.dhapa,?☘️????????????️

TejGujarati