બહુ જૂના સમયથી રામેશ્વરનાં દર્શન કરવા એ હિન્દુઓની પ્રાચીન પરંપરા હતી, જે આજે પણ હિન્દુ કુટુંબોમાં પાળવામાં આવે છે.
કહેવાય છે કે રાવણનો વધ કર્યા બાદ રામ પાછા ફર્યા ત્યારે તેમને રાવણને માર્યાનું પાપ ધોવા પ્રાયશ્ચિત કરવાનું કહેવામાં આવ્યું.
શ્રી રામે ત્યારે રામેશ્વરમાં શિવલિંગની સ્થાપના કરી તેની પૂજા કરી. હનુમાનને શિવલિંગ લેવા માટે કૈલાસ મોકલવામાં આવ્યા હતા. પણ સમયસર તેઓ હાજર ન થયાં. એટલે સીતાજીએ ત્યાંની રેતીમાંથિ શિવલિંગ બનાવ્યું. શ્રી રામ તેની સ્થાપના કરી અને પૂજા કરી. આ શિવલિંગ રામનાથ અથવા રામલિંગ અથવા રામેશ્વરનાં નામે આજે પૂજાય છે.
હનુમાન જ્યારે કૈલાસ ધામથી શિવલિંગ લઈ પાછા ફર્યા ત્યારે અહીં પહેલેથી પૂજા થયેલી જોઈ નારાજ થઈ ગયાં. શ્રીરામે તેમની નારાજગી દૂર કરવા થોડે દૂર હનુમાનેં લાવેલા શિવલિંગની સ્થાપના કરી, જેનું નામ વિશ્વનાથ પાડવામાં આવ્યું.
આ સાથે તેમણે એવું પણ જણાવ્યું કે રામેશ્વરની યાત્રા કરનારે સૌપ્રથમ વિશ્વનાથની પૂજા કરવી પડશે, તો જ તેની રામેશ્વરની યાત્રા સફળ થશે.
આ રિવાજ હજીયે એ જ રીતે પાળવામાં આવે છે.
આજે યાત્રીએ રામેશ્વરની યાત્રા કરવી હોય તો તેણે ચેન્નાઈ (મદ્રાસ) થી ટ્રેન દ્વારા ત્યાં પહોંચવું પડે છે.
તિરૂચિરા પલ્લી પછી લાલ માટી ધરાવતા ‘કાંમોઈસ’ નામના સ્થળેથી પસાર થવાય છે. ટ્રેન દ્વારા સેતુપતિઓની રાજધાની રહી ચૂકેલું રામનાથપુરમ્ પસાર થાય એટલે તરત જ ખુલ્લો સમુદ્ર નજરે ચઢે છે.
આમ તો રામેશ્વરમ્ પહેલાં સ્થળ હતું પણ કોઈક પ્રાકૃતિક પ્રકોપને કારણે આજે દ્વીપ બની ગયું છે.
તેનાં પરનો રેલવે પુલ સવા માઈલ જેટલો લાંબો છે. આ પુલ પર કોઈ વધારે પડતું વજન લઈ જઈ શકાતું નથી કે આ પુલ પગે ચાલીને પણ પસાર કરી શકાતો નથી.
મંડપમ્ સ્ટેશન સુધી રોડ દ્વારા જવાની ઘણી સગવડ છે પણ મંડપથી થોડા આગળ જતાં રેલવેના પુલનો પ્રારંભ થઈ જાય છે. પુલ પર ગાડી ધીમે ધીમે ચાલતી સમુદ્રની સામે પાર પામ્બન સ્ટેશન પર ઊભી રહે છે.
જો કે, પુલ પરથી પસાર થઈ રહેલી ટ્રેનમાંથી બંને તરફ ફેલાયેલો સમુદ્ર જોવાની મજા જ ઓર છે.
પુલની મઘ્યમાં થોડું સંકોચન છે, જેને લીધે એની નીચેથી જહાજોની આવ-જા થઈ શકે. પુલની નજીક અને પાણીની થોડે અંદર વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા પથ્થરોની હારમાળા જોવા મળે છે.
કહેવાય છે કે સોળમી અને સત્તરમી સદીની મઘ્યમાં જે રસ્તો બંધાયો હતો, તેના આ અવશેષો છે.
પામ્બન સ્ટેશન પર થંગચીમંડમ્ સ્ટેશન છે, જ્યાં રોમ કેથલિક ખ્રિસ્તીઓનું દેવળ છે. એ પછી રામેશ્વર રોડ આવે છે.
ધનુષકોડીનો કિનારાને તો દરિયાના મોજાએ વહાવી દીધો છે, જે હવે દેખાતો નથી.
રામેશ્વર શહેરમાં જૂની ઘરેડનાં બાંધેલાં ઘરો અને અદ્યતન સુવિધાઓ ધરાવતી દુકાનો બંને જોવા મળે છે. એમ છતાં આ બધામાં નોખું તરી આવતું એક માત્ર બાંધકામ છે, જે રામેશ્વરનું મંદિર છે.
દક્ષિણ ભારતીય મંદિરોમાં રામેશ્વર મંદિર એક આગવી પ્રતિભા ધરાવે છે. મદુરાઈ, ચિદમ્બરમ્, શ્રીરંગમ્, જાંબુકેશ્વરમ્ અને તિરૂવન્નમલાઈની હારમાળામાં બંધ બેસે તેવું આ મંદિર છે. ‘પ્રકાર’ કક્ષાની દિવાલો ધરાવતું આ મંદિર ચોમેરથી ઘણું મોટું દેખાય છે.
પૂર્વથી પશ્ચિમ ૮૬૫ ફીટ લાંબુ અને ઉત્તરથી દક્ષિણ ૬૫૭ ફીટ લાંબી આ દિવાલો છે. આ મંદિરમાં દામ પરસાળ છે.
આ માર્ગોમાં બંને તરફ પથ્થરનાં થાંભલાઓની હારમાળા છે. ૨,૧૦૦ ફીટ લાંબી આ હારમાળામાં ૧,૨૧૨૨ થાંભલાઓ છે,
જે એકબીજાથી વીસ ફીટનાં અંતરે ગોઠવાયેલા છે. દરેક સ્તંભ લગભગ ત્રીસ ફીટ જેટલો ઊંચો છે.
પરસાળ એક છેડે મઘ્યમાં ઊભા રહી નજર નંખાય ત્યાં સુધી પથરાયેલી આ સ્તંભોની હારમાળા જોવી એ પણ એક અવર્ણનીય અનુભવ છે.
કોઈપણ માણસને મનમાં પ્રશ્ન આવ્યા વગર ન રહે કે કઈ રીતે આ મોટા પથ્થરો દ્વિપ પર લાવવામાં આવ્યા હશે, કઈ રીતે એને સમુદ્રમાંથી અહીં સુધી લવાયા હશે.
રામેશ્વરનો ત્રીજો ગર્ભગૃહ ૧૭૪૦માં બનાવવાની શરૂઆત થઈ હતી અને ત્રીસ વર્ષ બાદ મથુરાલંિગ નામનાં સેથુપતિએ તેનું નિર્માણ કાર્ય પૂરું કર્યું હતું.
મંદિરની શોભા તેનાં પરસાળથી જ વર્ણવી શકાય તેવી નયનરમ્ય છે. પાંચ ફૂટ ઊંચા પ્લેટફોર્મ પર ઊભેલા બાર ફૂટ ઊંચા આ સ્તંભો સ્થાપત્ય કળાનો ઉત્તમ નમૂનો છે.
આ ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય પણ એટલું જ જૂનું છે. ૧૧૭૩માં શ્રીલંકાના રાજા પરાક્રમબાહુએ એનું નિર્માણ કરાવ્યુ હોવાનું કહેવાય છે. એટલે પરાપૂર્વથી આ મંદિર પાડોશી દ્વિપ શ્રીલંકા સાથે જોડાયેલું છે. પંદરમી સદી પછી સેથુપતિઓ આ મંદિરનાં નિર્માણ કાર્યમાં જોડાયા હોવાનાં પુરાવા મળે છે. ૧૪૩૪માં ઉડ્ડયન સેથુપતિએ પશ્ચિમાત્ય ગોપુર અને બહારની ‘પ્રકાર’ દિવાલનું નિર્માણ કર્યું હતું. આ ગોપુર ૭૮ ફૂટ ઊંચા પથ્થરમાંથી બનાવાયો છે.
એની એક સદી પછી લગભગ ૧૫૪૦માં થિરૂમાલા સેથુપતિએ બીજા પરસાળ નિર્માણ શરૂ કર્યું. આજે પણ તેની અને તેના પુત્ર રધુનાથની પ્રતિમાઓ આ મંદિરમાં છે, જેમને દર શુક્રવારે પુષ્પ અર્પણવિધિ કરવામાં આવે છે.
સુદાઈ નામના પથ્થરમાંથી બનાવાયેલી ૧૭ ફૂટ ઊંચી, ૨૨ ફૂટ લાંબી અને ૧૨ ફૂટ પહોળી નંદીની મૂર્તિ આ મંદિરની આગવી શોભા છે. આ મૂર્તિનું નિર્માણ ૧૫૬૮માં ચિન્ના ઉદ્યન સેથુપતિનાં શાસન કાળ દરમિયાન થયું હતું.
આ વિશાળ સ્થાપત્યની બાજુમાં મદુરાઈનાં વિશ્વનાથ નાયક અને એનાં પુત્ર ક્રિષ્નાપ્પાની પ્રતિમાઓ બિરાજમાન છે.
રામનાથપુરમ્ની નજીકનાં દેવકોટા શહેરનાં ચેદ્દીયાર લોકોપણ આ મંદિર સાથે બહુ નજીકથી સંકળાયેલા હતા.
તેમણે છેલ્લા સો વર્ષો દરમ્યાન મંદિરમાં ઘણાં સુધારાવધારા કર્યા છે, જે આજે પણ ચાલુ છે.
આજે બદલાયેલી પરિસ્થિતિઓમાં રાજ્ય સરકાર દ્વારા આ કાર્ય કરવામાં આવે છે.
સંપૂર્ણ જોઈએ તો આ મંદિર દ્રાવિડ સંસ્કૃતિનો ઉત્તમ નમૂનો છે.
રામેશ્વરમ્માં દેશનાં દરેક ભાગમાંથી યાત્રીઓ આવે છે. ગુજરાતી, રાજસ્થાની વગેરે ધર્મશાળાઓ આનો બોલતો પુરાવો છે.
રામેશ્વર મંદિરમાં અલગ અલગ જગ્યાએ કુંડ અને વાવડીઓ છે, જે ૨૨ તીર્થો હોવાની માન્યતા છે. આ દરેક કુંડમાં સ્નાન કરવું પવિત્ર માનવામાં આવે છે.