વટ પડે.- © દેવેન ભટ્ટ.

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

વટ પડે

પીઠ પાછળ કોણ શું બોલે, ફરક ના ઝટ પડે,
સન્મુખે માણસ કશું ના વેણ બોલે, વટ પડે!

પાંખ ફેલાવી અમારે પણ ગગનમાં ઊડવું,
એક, ઊડી વાયરે ફુર ફુર થઈને, લટ પડે.

યાદ મારી જો હશે દિલમાં અને સૂરજ તપે,
પ્રીતનાં સમ રણ વચાળે ઝાંઝવે પનઘટ પડે.

એમ વાંધો હોય કોને હાસ્યની છોળો તણો?
ક્યાંક પણ લગરીક અમસ્તી વાતમાં ખટખટ પડે.

ખેલ નોખો છે સમયનો, આવશે એ પણ જશે,
આપતો એ જે જશે, સંદેશ પણ અટપટ પડે!

કાયમી તો છે જ ક્યાં જોને અહીંયા પણ કશું?
એમ તો પણ બસ હયાતી રાખવી ના સટ પડે!

છે દળાતી છાતડી પર યાદ વરસોની ઘણી,
આંસુઓ એમાં ઉમેરે ખૂટતું, ના ઘટ પડે!

વિષ બની તો છે હવા જગમાં અને લોકો મરે,
જેમ પાકાં હોય ડાળેથી ફળો પટપટ પડે!

જિંદગીનાં અંત ટાણે આંખ સામે ચાલતાં,
‘દેવ’ દ્રશ્યો સામટાં તાદૃશ બહુ ફટફટ પડે.

  • © દેવેન ભટ્ટ (૧૭/૧૨/૨૦૨૦)
TejGujarati