લાગણીઓનું રમખાણ
લાગણીઓનું બધું રમખાણ છે,
ક્યાંક બેહદ, ક્યાંક એની તાણ છે.
લાગણીમાં જીવનું ખેંચાણ છે,
વેદનામાં એટલે તો પ્રાણ છે!
ઓસને પણ હોય એનાં પ્રાણ છે,
ભાનુને ક્યાં હોય એની જાણ છે?
જિંદમાં વરસો ઉમેર્યાં છેતરી,
જિંદનું પણ દર્પણે કમઠાણ છે.
આંખમાં છે બુંદ તારી યાદનાં,
આભ પર તો મેઘનું મંડાણ છે.
તુજ અહેસાસો લખું છું શબ્દમાં,
એજતો મારી ગઝલનાં પ્રાણ છે.
ત્રાજવા પર માછ હેઠે પાણ છે,
ભેદવા ક્યાં લક્ષ્યવેધી બાણ છે?
ભાસતું સઘળું અહીં નિષ્પ્રાણ છે,
આપણું આ આખરી પ્રસ્થાન છે.
દુશ્મનાવટ, ભાયબંધી સસ્તુ શું?
ગણતરીમાં લોક તો રમમાણ છે.
કેમનું જાવું હિમાળો ગાળવાં?
લાંઘવો છે દધિ, પરે તટ વ્હાણ છે.
કોણ, ક્યારે, કેમ, ક્યાં સળગાવશે?
ગેરવહીવટનાં બધે એંધાણ છે.
- © દેવેન ભટ્ટ (૦૯/૧૨/૨૦૨૦)