પોતાનું છે શું આ દુનિયામાં? શિલ્પા શાહ ડીરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ.

ગુજરાત ભારત સમાચાર

તારીખ બાર-બાર એટલે 12મી ડિસેમ્બર મારો જન્મદિવસ, સવાર-સવારમાં મારા પતિદેવ અતિ ખુશી સાથે મને શુભેચ્છા પાઠવતા હોય એ રીતે ગાતાતા કે “આજ મેરા હેપીવાલા બર્થ ડે હે અરે કોઈ મુજે wish તો કરો- આજ મેરા હેપી બર્થડે હૈ” હું હસી અને મેં કહ્યું “અરે આવી ઉલટી ગંગા કેમ? આજ તો મારો બર્થ ડે છે તો wish તારે મને કરવાનું કે મારે તને? તો કહે “કયા તેરા ક્યા મેરા ભૂલા દે મેરે યાર કેમ કે આ જે તારું છે તે મારું છે અને જે મારું છે તારું છે. મેં કહ્યું હા વાત તો સાચી છે.
થોડીવાર પછી કહે ના-ના સાચું પૂછો તો “જે તારું છે એ તારું જ છે અને જે મારું છે તે મારું જ છે”. મેં કહ્યું હું એવું માનું છું કે “જે કાલે તારું હતું એ આજે મારું છે અને જે આજે મારું છે તે કદાચ કાલે કોઈ બીજાનું હશે”. તો કહે – ના-ના જે મારું છે તે મારું જ છે અને રહેશે, કોઈનું ક્યારેય આપણું બનતું નથી અને આપણું ક્યારેય કોઈનું હોઈ ન શકે. એટલે મને થયું કે લાવ પૂછવા દે કે આ દુનિયામાં તારું છે શું? એટલે મેં પૂછ્યું અને જવાબમાં તેણે કહ્યું “મારી ધન-સંપત્તિ, મારૂં શરીર, મારા સંબંધો, મારો નોકરી-ધંધો, મારું માન-પાન અને સમાજ દ્વારા મને મળતો પ્રેમ, આ બધું વ્યક્તિગત છે એટલે કે જેનું છે તેનું જ છે બીજાનું ન હોઈ શકે. જ્યાંથી મને આ આર્ટીકલ લખવાનીની સ્ફૂરણા થઈ. મેં એમને પૂછ્યું શું સાચે જ આ શરીર, સંબંધો, ધનસંપત્તિ વગેરે તમારું પોતાનું છે? તો કહે હા કેમ તને કોઈ શંકા છે? મેં કહ્યું ના શંકા તો નથી પરંતુ એક પ્રશ્ન છે કહો તો પૂછું. તેમણે કહ્યું પૂછ એટલે મેં કહ્યું “આ જે બધાને તમે તમારું કહો છો તે તમારો સાથ ક્યારેય નહીં છોડે અને અવિરત તમારી સાથે જ રહેશે? તો કહે – ના સમય આવે તો બધું છૂટવાનું જ છે ને ! એટલે મેં કહું તો પછી એ તમારું પોતાનું કેવી રીતે કહેવાય? કેમ કે જે ચીજ પોતાની છે તે તો કદી છોડીને જાય નહીં. મારા પ્રત્યુતરની સામે તેમણે આંખો પહોળી કરી કાન પકડ્યા અને કહ્યું હું-હું-હું-હું-હું બહુ સાચી વાત છે.
આ દસ મિનિટની ચર્ચા પરથી મને થોડા સ્વાભાવિક વિચારો આવ્યા જે મેં અહીં આર્ટીકલના સ્વરૂપમાં રજૂ કર્યા છે.
૧) જ્યારે આપણે કોઈને પોતાના સમજીએ છીએ અને બે વચ્ચેનો ભેદ ભૂલી જઈએ છીએ ત્યારે એક અદભૂત સ્વયંસિદ્ધ પરમઆનંદ ઉદભવે છે, જે અવર્ણનીય હોય છે. આપણા આજના ઉદાહરણમાં સવારે મારા બર્થ ડે નિમિત્તે પોતાનો બર્થ ડે સમજી મારા પતિએ જે રીતે આનંદ વ્યક્ત કર્યો કે “આજ મેરા હેપીવાલા બર્થ ડે હે” તે આજ વાતનું જ દર્શન કરાવે છે. થોડી ક્ષણો માટે પણ વ્યક્તિ જ્યારે તારું અને મારું ભૂલી જાય છે ત્યારે અદભૂત આનંદને પામે છે. જે વ્યક્તિને પોતાને તો આનંદિત કરે જ છે પરંતુ તેના આજુબાજુના વાતાવરણને, વ્યક્તિઓને અને સમગ્ર પર્યાવરણને પોઝિટીવ અને આનંદિત કરી મૂકે છે. સાચું પૂછો તો સંભોગની એ પવિત્ર પળોમાં બે વ્યક્તિ પોતાની identity ભૂલી એક થાય છે ત્યારે તે થોડી ક્ષણો માટે સમય અને અહમને ભૂલી જાય છે એટલે ત્યાં વાસ્તવિક આનંદ ઉદભવે છે. પરંતુ અહમ, સમય અને identity ફરી જીવંત થતા માત્ર શક્તિનો ક્ષય અને થાક અનુભવાય છે. આમ સાચા આનંદ માટે અહમશૂન્યતા અને સમયવિહીનતા જવાબદાર છે. જે આપણે કાં તો સમજ્યા નથી અથવા કદાચ સમજ્યા હોવા છતાં નજીવા સ્વાર્થ અને અજ્ઞાનમાં ભૂલી ગયા છીએ.
૨) જ્યારે બે પળની સાચી ખુશીમાં ઓચિંતો અંદર રહેલો અહમ (કે જે થોડો સમય માટે અદ્વૈતની ભાવનામાં વિલીન થઈ ગયેલો) ફરી જીવંત અને સક્રિય બને છે ત્યારે વ્યક્તિને વાસ્તવિકતાની નિરાશામાં ગરકાવ કરી દે છે અને વ્યક્તિ મારા પતિની જેમ કહેવા માંડે છે “ના-ના આ જે તારું છે તે તારું છે અને જે મારું છે તે મારું છે”. વાસ્તવમાં જીવનનો બધો સંઘર્ષ જ તારા અને મારામાંથી શરૂ થયો છે. મારો ધર્મ અને તારો ધર્મ, મારા સગા અને તારા સગા, મારા પૈસા અને તારા પૈસા, મારો દેશ અને તારો દેશ વગેરે વગેરે. જે વ્યક્તિઓ વચ્ચે ન ભરાય તેવી ખાઈ ઊભી કરે છે. પ્રેમાળસંબંધો અને હૂંફની જીવનમાંથી બાદબાકી કરી નાખે છે. વળી જેમ-જેમ પ્રેમ, સહાનુભૂતિ અને સ્નેહ જીવનમાંથી ઓછા થતા જાય તેમ- તેમ અહમનું તત્વ આપોઆપ સક્રિય અને જ્વલંત બનતું જાય છે. જે છેલ્લે વ્યક્તિને એકલો કરી નાખે છે અને તે એવું માનવા માંડે કે જીવનમાં કોઈ-કોઈનું નથી. બધા નકામા અને સ્વાર્થી છે. આવી નકારાત્મકતા જીવનને ઓર દુઃખમય કરી દે છે. મારા-તારાનાં દ્વંદે (દ્વેતની ભાવના) જ આત્માને પરમાત્માથી વિખુટો કરી દીધો છે તેવું શાસ્ત્રોનું વિધાન છે. આત્મા કે જે અસીમ શક્તિની ખાણ છે જેને આપણે ભૂલી ગયા હોવાને કારણે કદાચ મળેલી અનંતશક્તિ ખોઈ બેઠા છીએ અને પળે-પળે અતિશય અશક્તિનો અનુભવ કરીએ છીએ. જો તું અને હું એ “હમ” બની જાય તો બધો સંઘર્ષ એક સેકન્ડમાં ખતમ થઈ જાય. એટલા માટે અરિજિત સિંહે ગાયેલું પેલું ગીત “ કિતને હસી આલમ હો જાતે મેં ઔર તુમ ગર હમ હો જાતે – દર્દ દિલો કે કમ હો જાતે મેં ઔર તુમ ગર હમ હો જાતે”. મને ખૂબ અર્થપૂર્ણ અને હૃદયસ્પર્શી લાગે છે. એ જ વાત શાસ્ત્રો અદ્વેતની ભાવનાથી સમજાવે છે.
૩) વાસ્તવમાં આ દુનિયામાં આપણું છે શું? કેમ કે પોતાનું હોવાનો મૂળભૂત અર્થ જ એ છે કે તે તમારો સાથ કદી નહીં છોડે અને અવિરત દરેક કાળે તમારી સાથે જ રહેશે. ન મનદુઃખ, ન કિસ્મત કે ના મૃત્યુ તેને તમારી પાસેથી છીનવી શકશે. આપણે સૌ જાણીએ છીએ કે આપણી પાસે જે કાંઈ છે તે સર્વે જેમ કે શરીર, ધનસંપત્તિ, સંબંધો વગેરે કાં તો મનદુખ કાં કિસ્મત કાં તો મૃત્યુ છીનવી લે છે. દા.ત. સંબંધો તૂટવાના કારણો કયા? આપણે સૌ જાણીએ છીએ મનદુઃખ અને મૃત્યુ સંબંધ તૂટવાના મુખ્ય બે કારણ છે. આ જીવનનો સૂક્ષ્મ અભ્યાસ કરવામાં આવે તો સમજાશે કે મોટાભાગના સંબંધો મનદુઃખથી તૂટી જતા હોય છે અને છેલ્લે સુધી બચેલા સંબંધો મૃત્યુ છીનવી લે છે એનો અર્થ એ થયો કે સંબંધો આપણા નથી એટલે જ તે મનદુઃખ કે મૃત્યુ દ્વારા સાથ છોડી દે છે. તે જ રીતે ધનસંપત્તિ કે શરીર પણ કિસ્મત કે મૃત્યુનો માર સહન ન કરી શકતા સાથ છોડી દેતા હોય છે. તો પછી કહો કે આ બધું આપણું કહેવાય ખરું? તમને થશે કે તો પછી આપણું પોતાનું કહેવાય એવું આ દુનિયામાં છે શું? વિચારો એવું કોઈ અવિનાશી તત્ત્વ તમારી પાસે ખરું? કે જે માત્ર તમારું હોય તેનો નાશ કદી શક્ય ન બને કે જે તમને છોડીને કદી ન જાય? ન તો મનદુઃખ કે ના મૃત્યુ એ છીનવી શકે?
હા – તેવું એક શક્તિશાળી અને અવિનાશી તત્ત્વ છે. જે માત્ર તમને પ્રેમ કરે છે. ભલે તમે એની કાળજી લો કે ના લો, એને પ્રેમ કરો કે ન કરો, ભલે જીવનભર તેને ધિક્કારો, એને ન સ્વીકારો, એને ઇગ્નોર કરો, એ વારંવાર તમને પુકારે છે ભલે તમે તેને ન સાંભળો, છતાં તેને ન તો મનદુખ થાય ન તમારા પરનો પ્રેમ ઓછો થાય કે ના એ તમને મૃત્યુ દ્વારા છોડી દે, એવું એક માત્ર પરમતત્વ – દિવ્યતત્વ એટલે તમારો પોતાનો આત્મા, “સ્વ”. જે પરમાત્માનો અંશ છે એટલો પવિત્ર, એટલો નિસ્વાર્થ, એટલો પ્રેમાળ કે આખી જિંદગી તમે એના તરફ દુર્લક્ષ સેવ્યુ હોય, એનું સાંભળ્યું ન હોય, તેને પ્રેમ ન કર્યો હોય (સંસારિક ભોગવૃત્તિમાં વ્યસ્ત હોવાને કારણે) તો પણ તે તમને છોડીને કદી જશે નહીં, કદી તમારો વિશ્વાસ તોડશે નહીં, હંમેશાં તમારી મદદ માટે ખડેપગે ઉભો રહેશે અને એકવારની સાચી પુકારથી દોડતો આવશે અને જન્મોજન્મની તમારી પીડા, દુઃખો, અફસોસને એક સેકન્ડમાં ખતમ કરી દેશે. વળી એક બીજી એની વિશિષ્ટતા એ કે એને મેળવવામાં ક્યારેય મોડું તો થતું જ નથી કેમ કે અંધકાર બે વર્ષ જૂનો હોય કે બે યુગ જૂનો, ગમે તેટલો ગાઢ હોય માત્ર એક દીવો તેને દૂર કરી શકે છે. જરૂર છે માત્ર એ દીવો પ્રગટાવવાની જરૂરિયાતનો અહેસાસ થવાની અને દીવો પ્રગટાવવાની યથાર્થ રીતની જાણકારીની. તો આવો તારા અને મારાના દ્વંદને જીવનમાંથી દૂર કરી અહમના પડદાને હટાવી પરમઆનંદની અવિરત પ્રાપ્તિ માટે આત્મારૂપી દીવો પ્રગટાવીએ.

TejGujarati