નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકામાં નર્મદા નદી પરના રૂા.૪૪.૫૨ કરોડના ખર્ચે નવનિર્મિત પુલનું કરાયું ઇ-લોકાર્પણ

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત રાજનીતિ સમાચાર

રાજપીપલા,તા 15
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે ગાંધીનગર ખાતેથી આજે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર- ૫૬ પર ગરૂડેશ્વર પાસે નર્મદા નદી પર અંદાજે રૂા.૪૪.૫૨ કરોડના ખર્ચે નિર્માણ પામેલ નર્મદા નદી પર વધારાના ૩ માર્ગીય પુલના યોજાયેલા ઈ-લોકાર્પણના વર્ચુઅલ કાર્યક્રમ અંતર્ગત ગરૂડેશ્વર તાલુકા સેવા સદન ખાતે સંસદસભ્ય મનસુખભાઈ વસાવા, પૂર્વ રાજ્યમંત્રી શબ્દશરણભાઇ તડવી, જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી શારદાબેન તડવી, મહિલા અગ્રણી શ્રીમતી ભારતીબેન તડવી સહિતના પદાધિકારીઓ/ અધિકારીઓ વગેરેની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂકાયો હતો.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, આ પુલ બનવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવનાર પ્રવાસીઓ તથા ગરૂડેશ્વર, રાજપીપલા, તિલકવાડા તેમજ આજુબાજુના સામાન્ય લોકોને નર્મદા નદી પરથી પસાર થવામાં સારી સગવડ ઉભી થયેલ છે. આની સાથોસાથ મહારાષ્ટ્રથી વડોદરા તથા બોડેલી તરફ જતાં વાહનો કે જે સાગબારા દેડીયાપાડા તેમજ બારડોલી તરફથી આવતા વાહનવ્યવહારને નર્મદા નદી પસાર કરવામાં વધારાની સારી સગવડ ઉભી થયેલ છે.

ભરૂચના સંસદસભ્ય મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતામાં માર્ગ, પુલ અને મકાનોની સુવિધાની સતત સરકારે ચિંતા કરી છે. આજના નર્મદા નદી પરના પુલના ઈ-લોકાર્પણ અને તેમના કરજણ, શિનોર વિસ્તારના જુદા જુદા કામોનો આજે ઈ-લોકાર્પણ ખાતમુહુર્તોનો સમાવેશ કરવા બદલ મંત્રી નીતીનભાઇ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. વધુમાં વસાવાએ ઉમેર્યુ હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો ગરૂડેશ્વર નર્મદા નદી પરના આ પુલ પરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓ પણ પસાર થવાના છે અને તેનો સારો લાભ પ્રજાજનોને મળશે. મા નર્મદા મૈયાના આશીર્વાદથી મર્યાદિત સમયમાં પૂર્ણ થવાથી આ પુલની ઉપલબ્ધ સેવાઓનો સંદેશ સમગ્ર દેશ અને ગુજરાતમાં જવાનો છે. શ્રી મનસુખભાઈ વસાવાએ નર્મદા જિલ્લાના અન્ય જરૂરી કામો અંગેની પણ વર્ચ્યુઅલ રજૂઆત કરી હતી.

પૂર્વ રાજ્યમંત્રી શબ્દશરણભાઇ તડવીએ તેમના પ્રસંગોચિત ઉદ્દબોધનમા જણાવ્યું હતું કે, અગવડતાને સગવડતામા બદલવાનું કાર્ય સરકાર કરી રહી છે. જે વિકાસ કામોના ખાતમુહુર્ત થયાં હોય તેના કામોનો ખૂબ જ ટૂંકા સમયમાં ઉદ્દઘાટન પણ થયા છે જેમા સરકારે ઐતિહાસિક સિધ્ધિ હાંસલ કરી છે. નર્મદા જિલ્લા સહિત ગુજરાતમાં અનેક માર્ગો અને પૂલોના વિકાસ કામો થકી પ્રજાને મળેલી સગવડતાઓ તેમણે વર્ણવી હતી.

આ પ્રસંગે સંસદસભ્ય મનસુખભાઇ વસાવાના હસ્તે ગરૂડેશ્વર પાસે નર્મદા નદી પરના વધારાના ત્રણ માર્ગીય પુલની તક્તીનુ અનાવરણ કરી પુલ ખુલ્લો મુક્યો હતો.

આ પ્રસંગે જિલ્લા કલેકટર ડી. એ. શાહ, વડોદરાના અધિક્ષક ઈજનેર પી. સી . પટેલ, કાર્યપાલક ઈજનેર હિતેશભાઈ દોડીયા, કાર્યપાલક ઇજનેર (સ્ટેટ) આઈ.બી. પટેલ સહિતના અધિકારીઓ તેમજ શ્રવણભાઈ તડવી, નીલભાઈ રાવ, જયંતિભાઈ તડવી, વલ્લભભાઈ જોશી વગેરે સહિતના પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં

તસવીર: જયોતિ જગતાપરાજપીપળા

TejGujarati