અજાણ્યા કપાસ ભરેલી ટ્રક ચાલકે હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ સાથે અકસ્માત કરી સર્જાયેલી દુર્ઘટના.
રાજપીપળા,તા. 14
નર્મદાના દેડીયાપાડા તાલુકાના મેડિયાસાગ ગામ પાસે દેવમોગરા ગામે દર્શને જતી વખતે મોટરસાયકલની અજાણ્યા ટ્રક ચાલકે અકસ્માત કરતા અકસ્માતમાં 4 વર્ષના માસૂમ બાળકનું કરુણ મોત નીપજ્યું હતું.જ્યારે ત્રણ સવારી જતા માતા-પિતાને ગંભીર ઇજા થવા પામી હતી. અજાણ્યા કપાસ ભરેલી ટ્રક ચાલકે હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ સાથે અકસ્માત કરતા આ દુર્ઘટના સર્જાઇ હતી.
આ અંગે દેડીયાપાડા પોલીસ મથકે ફરિયાદી મહેન્દ્રભાઈ મંગાભાઈ વસાવા (રહે, ઝરવાડી મેળા ફળિયા )એ અજાણ્યા કપાસ ભરેલી લાલ કલરની ટ્રકના ચાલક સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ આ કામના ફરિયાદી મહેન્દ્રભાઈ તથા તેમની પત્ની શર્મીલાબેન તથા દીકરો મયુરભાઈ પોતાની હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ જીજે 22 એફ 0167 લઈને દેવમોગરા ગામે દર્શન અર્થે જતા હતા તે વખતે સવારના રાત્રે સાડા અગિયારેક વાગ્યે મેડીયાસાગ ગામ થી થોડી આગળ રોડ ઉપર વળાંક પાસે આવતાં એક અજાણ્યા ટ્રક ગાડીના ચાલકે પોતાના કબજાની ટ્રક પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી મહેન્દ્રભાઇની મોટરસાયકલને પાછળના ભાગેથી ટક્કર મારી મહેન્દ્રભાઈને જમણા ખભાના ભાગે તથા ગેબી ઈજાઓ કરી તથા શર્મીલાબેને જમણા હાથે ફ્રેક્ચર કરી તથા દીકરા મયુરભાઈને માથામાં ગંભીર ઇજાઓ પહોંચાડતા તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું.ચાલક ટ્રક લઈને નાસી જઇ ગુનો કરતાં તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા
