કચ્છી…કાઠીયાવાડી બીસ્કીટ એટલે બાજરાનો રોટલો ..સરસ મજાની વાત…??.સંકલન. નીતિન ભટ્ટ.

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન રમત જગત લાઇફ સ્ટાઇલ સમાચાર

કચ્છી…કાઠીયાવાડી બીસ્કીટ એટલે બાજરાનો રોટલો ..સરસ મજાની વાત…?? પરદેશ માથી બાજરો લાવનાર ગિરાસદાર યદુવંશી રાજપુત રાજા લાખા ફુલાણી.. સૌરાષ્ટ્ર-કચ્છમાં બાજરાના આગમન વિશેની લોકવાર્તા નીચે મુજબ સાંભળવા મળે છે. ઈતિહાસ પ્રસિદ્ધ કચ્છના રાજા લાખો ફુલાણી એક વખત શિકારે નિકળતા તે સાથીઓ સાથે ભુલા પડતા અંધારીયા ખંડમાં પહોંચી ગહા હતા . ઘણા દિવસોથી શિકાર પાછળ રઝળપાટ કરતા લાખા ફુલાણીના કાફલાની ખાદ્ય સામગ્રી ખુટતા તે મુંઝાયા હતા , ત્યારે સતત ભાગદોડથી થાકેલા ઘોડાઓ નદી કિનારે ઉગેલા અજાણ્યા ઉંચા છોડના ડૂંડાઓનો ચારો ચરી રહ્યા હતા. અજાણ્યા છોડનો ઉત્સાહથી ચારો ચરતા ઘોડાઓને જોઈ ભૂખની પીડાથી હેરાન લાખા ફુલાણીને નવાઈ લાગી હતી. લાખા ફુલાણીએ ઘોડાઓની નજીક જઈ છોડ ઉપર આવેલા ડુંડાને દબાવી તેના લીલાછમ દાણા પોતાના મોઢામાં મુકતા તેના અનેરા સ્વાદ સાથે શરીરમાં તાજગી અનુભવતા બોલી ઉઠ્યો હતો. બલિહારી તુજ બાજરા, જેના લાંબા પાન; ઘોડે પાંખુ આવિયું, બુઢ્ઢા થયા જુવાન. બાજરો ખાતા જ થાકેલા ઘોડા તરોતાજા દેખાવા લાગ્યા હતા, એ સાથે સાથીઓ સાથે લાખા ફુલાણીએ અજાણ્યું જંગલી ધાન ખાતા તેમનામાં પણ નવી તાજગી સાથે શક્તિનો સંચાર થયો હતો. લાખા ફુલાણીને આ જંગલી ધાન ગમી જતા આશરે એકહજાર વર્ષ પહેલા કચ્છમાં બાજરાનું આગમન થયું હતું. ઓછા વરસાદ, ઉંચા તાપમાન સાથે ઓછી ફળદ્રુપ, રેતાળ કે સામાન્ય ક્ષારવાળી જમીન ધરાવતો પ્રદેશ બાજરાના પાક માટે ઉત્તમ માનવામાં આવે છે. કચ્છ-સૌરાષ્ટ્રમાં બાજરાને માણસ અને ઘોડા બંને માટેનો આહાર માનવામાં આવે છે. જયારે અમેરીકા, ઓસ્ટ્રેલીયા, બ્રાઝીલ વગેરે દેશોમાં બાજરાનો પશુઓના ચારા તથા પક્ષીઓની ચણ તરીકે ઉપયોગ થાય છે. એ સાથે બાજરાની કડબનો પશુઓના ચારા ઉપરાંત બાંધકામની સામગ્રી, બળતણ તેમજ ખાતર તરીકે પણ ઉપયોગ થાય છે. બાજરીમાં એમીનો એસીડ તેમજ પ્રોટીન અધિક માત્રામાં હોઈ મરઘા ઉછેર કેન્દ્રમાં તેનો સારા એવા પ્રમાણમાં વપરાય થાય છે. આપણે ત્યાં શિયાળા અને ચોમાસાની ઋતુમાં ગરીબ, મધ્યમ કે શ્રીમંત પરિવારોમાં બાજરાના રોટલા ખાવાનો રિવાજ છે. રીંગણાનો ઓળો કે ભરેલા રીંગણા, દૂધ, માખણ, ગોળ, કઢી, ખીચડી, દહીં-છાશ, લાલ મરચાનું અથાણું, લસણની ચટણી અને ચૂરમા સાથે જો બાજરાનો રોટલો ન હોઈ તો કાઠીયાવાડી ભોજનની મજા મારી જાય છે. સૌરાષ્ટ્ર-કચ્છના લોકોને સવારના નાસ્તામાં ઘી કે માખણ ચોપડેલ બાજરાનો રોટલો, ગોળ, વલોણાનું ગોરસ અને લસણની ચટણી મળી જાય તો જાણે બત્રીસ ભાતના ભોજન મળી ગયા જેવો આનંદ અનુભવે છે. કાળો છું પણ કામણગારો કરશો ન મુઝ વાદ; વાદ કરવામાં વળશે શું ? માણી લ્યો મુજ સ્વાદ. ભેંસના દુધ સાથે બાજરાના રોટલાને ખૂબજ પૌષ્ટીક અને પથ્ય આહાર તરીકે ગણવામાં આવે છે. બાજરો શરીરમાંથી કેલ્શિયમનું શોષણ કરી સ્નાયુઓના કોશો બાંધવામાં ખુબજ મદદરૂપ થાય છે. બાજરામાં ઘઉં કરતા ચરબીનું પ્રમાણ વઘારે અને મકાઈ કરતા પ્રોટીન અને ઓઈલનું પ્રમાણ બમણું હોઈ વૃદ્ધાવસ્થામાં શક્તિ ટકાવી રાખવામાં બાજરાને ખુબજ ઉપયોગી માનવામાં આવે છે, તેથી બાજરા વિશે કહેવામાં આવે છે. ખાય જે બાજરાના રોટલા ને મૂળાના પાન; શાકાહારી ઘરડાને પણ થતા જોયા જુવાન. આયુર્વેદમાં બાજરાને ગરમ, હૃદયને હિતકર, રૂક્ષ, જઠરાગ્નિ પ્રદિપ્ત કરનાર, પિત્તને વધારનાર, શરીરના સ્નાયુઓ બાંધનાર, ભૂખ લગાડનાર, કફનાશક, કાંતિજનક, બલવર્ધક અને સ્ત્રીઓમાં કામને વધારનારો માનવામાં આવે છે. એ સાથે બાજરામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ફેટનું પ્રમાણ ઉંચું હોઈ તેને વાત, પિત્ત, અને કફજન્ય ગણાવેલ છે. બાજરો વિટામીન એ, બી અને સી, આયર્ન અને કેલેરીનું ઉંચુ પ્રમાણ ધરાવે છે, અરે બાજરામાં રહેલ આયર્નના ઉંચા પ્રમાણના કારણે તેને આયર્ન કેપ્સ્યુલનું પણ બીરૂદ આપવામાં આવેલ છે. આયુર્વેદમાં બાજરાની મર્યાદાઓનું પણ વર્ણન કરવામાં આવેલ છે. બાજરો પચવામાં ભારે હોય તેને કેટલાક અંશે મળને બાંધનાર કહી હરસના દર્દીઓને સાવધાનીથી તેનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. વધુ પડતો બાજરો ખાવાથી મસાની બીમારીની શક્યતા વધી જાય છે. બાજરામાં ફાઇબર્સનું પ્રમાણ બહુ ઓછું હોઈ કબજીયાતની બીમારીથી બચવા બાજરાના રોટલા સાથે પાંદડા કે રેસાવાળી ભાજીનું શાક ખાવાની આયુર્વેદમાં સલાહ આપવામાં આવેલ છે. તથા બાજરાના રોટલાને મેદસ્વી લોકો માટે પણ હિતકર ગણાવેલ નથી. બાજરાને આપણા લોકસાહિત્ય અને કહેવતોમાં પણ વણી લેવામાં આવ્યો છે. ઘોકે જાર બાજરો, ઘોકે ગમાર પાધરો; ઘોકે ડોબું દોવા દે, ઘોકે છોકરૂં છાનું રે’. આયુષ્ય સાથે જોડાયેલી ‘બાજરી ખુટવી’, ‘હજુ બાજરી બાકી છે’ તેમજ ‘બાજરો સેલી(રાખ)થી અને બાવો ભભૂતથી શોભે’ વગેરે કહેવતો આપણે રોજબરોજની વાતચીતમાં સાંભળીએ છીએ. જે આપણા જીવનમાં રહેલું બાજરાનું મહત્વ દર્શાવે છે.

TejGujarati