શબ્દ એ શુકનથી પણ આગળ છે. શુકનશાસ્ત્ર એ ટાઈમ ટેસ્ટેડ અનુભવોનો નિચોડ છે. – લેખક : અતુલકુમાર વ્રજલાલ શાહ, સી.એ.

સમાચાર

શુકન – અપશુકનમાં માનવું કે ન માનવું એ એક વ્યક્તિગત પસંદગીનો વિષય છે. પરંતુ આપણા વડવાઓએ અસંખ્ય વર્ષના અનુભવ પછી આપેલા સનાતન સત્યના નિચોડ સ્વરૂપે હોય છે. આપણા વડવાઓ કહેતા કે ચપ્પલ ઊંધા ન રાખવા, સાવરણી ઊભી ન રાખવી, જતી વખતે ખાવાનું નામ લઈને ન નીકળવું વગેરે અનેક વાતો આપણે તેમની પાસેથી સાંભળી છે. અહીંયા આવા કેટલાક વિધાનો અનેક ગ્રંથોના આધારે અને વડવાઓ પાસેથી સાંભળેલી વાત મુજબ જણાવાયા છે. પશુ-પંખીના અવાજો પરથી પણ ભવિષ્ય કહેનારાઓ આપણે ત્યાં ઓછા ન હતા.

ચોરો જ્યારે ચોરી કરવા જાય ત્યારે પંખીઓની સાંકેતીક ભાષા તેમના નાના બાળકો પણ ઉકેલીને ચોરી કરવા જતા હોય છે. જેમ કે આજે માલ મળશે કે નહીં મળે કે ધોલધપાટ મળશે કે નહીં તેની આગોતરી જાણ વડના વૃક્ષમાંથી બનાવેલ વિશિષ્ટ ઔષધિ દ્વારા થઈ જતી હોય છે. ચોરોના સરદારે એક વખત એક સંતપુરુષ પાસે આ કબૂલાત કરી હતી કે વૈશાખ સુદ 3 ને દિવસે અમે ગાઢ જંગલમાં વડના વૃક્ષ ઉપર એક માટલું બાંધતા હોઈએ છીએ અને બરાબર એની નીચે જમીન ઉપર એક અડધું તૂટેલું માટલું મુકતા હોઈએ છીએ. ઉપરના માટલામાં એક નાનકડું છીદ્ર પાડવા દ્વારા ધીમે ધીમે નીચેના માટલામાં પાણી ટપક ટપક પડતું હોય છે. ગાઢ જંગલમાં અનેક પશુ પંખીઓ આ પાણીને બોટે છે. વડના વૃક્ષમાંથી પડતી ઝાંકળ કે વરસાદ આદિનું પાણી પણ આ નીચેના માટલામાં પડે છે અને સિંહ, વાઘ, વરુ સહિત સાપ, ચકલી કે કબૂતર પણ આ પાણી પીવા માટે આવે છે. બરાબર એક વર્ષ પછી અમારા નસીબ બળીયા હોય તો હિંસક પશુઓથી બચતા બચતા અમે ગાઢ જંગલમાં એ માટલા પાસે જઈને જો એમાં કોઈ પાણી બચ્યું હોય તે લેતા આવીએ છીએ અને અને અમારા ઘરમાં જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે ગળથુંથીમાં આ પાણી પીવડાવીએ છીએ જેથી તે બાળકને સહજ પશુ-પંખીની આ સાંકેતિક ભાષા આવડી જાય છે.

શુકન જ્યારે સામે આવે ત્યારે આપણી જમણી બાજુથી તેને પસાર થવા દેવું જોઈએ. તો તે શુકન સુદ્રઢ થાય છે. અપશુકન થાય ત્યારે તેને ડાબી બાજુથી જવા દેવાથી તે અપશુકન નિષ્ફળ જાય છે. શુકનોનું બહુ મોટું લિસ્ટ આપવામાં આવ્યું છે. બે સફેદ બળદ સામેથી આવે, કુંવારી ક્ધયા આવે, બેડું ભરેલી પનીહારી આવે, ૐ, જય કે શ્રી નામનો કોઈ ઉચ્ચાર કરે અથવા તો તેવા સૂચકનું ચિન્હ આવે તો તે શુકન ગણાય છે. પરંતુ સામેથી કોઈ દૂધ લઈ આવે અથવા બહારગામ જતી વખતે ઘી, પાપડ સાથે ન લઈ જાય અથવા તેલ અને સાબુ સાથે તો ન લઈ જાય પણ નામોચ્ચરણ પણ ન કરે તેવી કિંવદંતી છે.

કાગડાના ટોળા છત પર આવીને ઝઘડા-ઝઘડી કે બુમાબુમ કરે તો ઘરના માલિક પર સંકટનો સંકેત છે. સવારના પહોરમાં કાગડાઓ કાઉ-કાઉનો અવાજ કરતા હોય તો સમજવું કે મહેમાન પધારવાના છે. સવારના સમયે કાગડો ઉડીને પગનો સ્પર્શ કરે તો તે આર્થિક લાભ કરાવીને જીવનમાં પ્રગતિ કરાવે છે. કોઈ વ્યક્તિના શરીર પર કાગડાની હગાર પડે તો શારીરિક અને માનસિક પીડાનો સામનો કરવો પડે છે. અને માથા પર આવીને બેસે તો રોગ અને ધનની હાનિ થાય છે. કાગડાના મોઢામાં રોટલી અથવા માંસનો ટૂકડો દેખાય તો મનોકામના પૂર્ણ થવાના સંકેત છે. બહારગામ જતા હોય અને કાગડો કોઈ વાસણમાં પાણી પીતો દેખાય તો કાર્યની સફળતા અને ધનલાભનું સૂચક છે. ઘરની છત ઉપર આવીને કાગડો દક્ષિણ તરફ મુખ કરીને બોલે તો અશુભ સંકેત માનવામાં આવે છે. પણ બપોર પહેલા કાગડાનો અવાજ પૂર્વ અને ઉત્તર દિશાથી સંભળાય તો લાભપ્રદ સુખનો સંકેત માનવામાં આવે છે.

શુભ પ્રસંગે 108 જુદા જુદા શુકનો કરતા હોય છે. જે નીચે પ્રમાણે છે. લીલા પાન સાથે જોડાયેલી શેરડી, અબીલ, મંત્રાક્ષરોથી મંગળ કળશ, ગુલાલ, ॐ, र्एं, अर्हं, र्श्रीं, र्ह्रीं, र्क्लीं વગેરે મંત્રાક્ષરો, નંદ્યાવર્ત, કંકુ, ચક્ર, સ્વસ્તીક, સવા રૂપિયો, ધર્મ ધજા, સંપૂટ, ચામર, ઘંટ, મીનયુગલ, શુભનામ, 24 તીર્થંકર પરમાત્માના નામ, ગચ્છાધિપતિના નામ, પુષ્પની માળા, દર્પણ, શુભ નામનો જયનાદ, પદ્મસરોવર, સીંહાસન, દીશાઓના શુભનામ (પૂર્વ અને ઉત્તર), લક્ષણથી યુક્ત એવી ચીજ, શ્રીવત્સ, શુભ આકાર (ચતુષ્કોણ), નંદીસૂત્ર, હાથી, અષ્ટકોણ વગેરે, પોઠિયો (નંદી), બળદ, ઘોડા, પુષ્પવૃષ્ટી, પુષ્પનું ઘર, પંચવર્ણફૂલ, ખીર, કાળા અડદ, કમળ, લાપસી, મગ, કસ્તુરી, આંબાના પાન (અથવા ચૈત્યવૃક્ષ), છત્ર, નાગરવેલના પાન, આસોપાલવનું તોરણ, સોપારી, સુવર્ણ, સારંગી, દુર્વા, કુવારી ક્ધયા, પંચવર્ણ ચોખા, તંબોલ, સુહાગણ સ્ત્રી, મોતી, તજ, સંપૂર્ણ ભરેલો ઘડો, કેસર, લવીંગ, લાલ કપડું, બદામ, એલચી, હળદળનો ગાંઠીયો, ગુલાબજળ, તુલસી, નીમક, વરખ, આસોપાલવ, ગોળધાણા, પંચામૃત, કેલીઘર (કેળાના ગુચ્છા), ધાણા, મીંઢોળ, શ્રીફળ, નાડાછડી, 14 સ્વપ્ન, ગોળ, ધૂપ, અષ્ટમંગળ, સાકર, દીપ, ચામર, ચોખા, મોરપીછ (વિષઉતારનાર), સુગંધી ફુલો, મગ, ખારેક, માંગલિક આકાર-મીઠાઈ, શહેનાઈ, સૂર્ય, બીજોરૂ, ઢોલ (દીવ્યધ્વની), ચંદ્ર, લીલુ શ્રીફળ, શંખ, બાજોઠ, સમવસરણના ત્રણ ગઢ, શંખનાદ, કમળ કાકડી (પબડી), અશોકવૃક્ષનું તોરણ, કોડી, સુખડી (ગોળપાપડી), શુભ – લાભ નું તોરણ, નવકાર મંત્ર, સંખ્યાથી 9,99,81=8+1=9 જેટલા મંગળ કરો તે આંકડો , શ્રી 1ા નું ચિન્હ, રૂપાનાણું, એકી સંખ્યા, ડ્રાય ફ્રુટ.

મિસ્ડકોલ મારીશ એને બદલે કરીશ શબ્દપ્રયોગ મંગળકારી છે. મંગળ ગ્રહની આડઅસર ઓછી કરવા વડવાઓએ એનું નામ જ મંગળ રાખી દીધું. એટલે અડધી આડઅસર તો શબ્દ બોલવાથી જ ઓછી થાય છે. સારા શબ્દો તે શુકનથી પણ આગળ હોય છે. અને બાળકના અને મેઘના વચનની જેમ અમોઘ હોય છે. વારે વારે ઓકે શબ્દ બોલવાને બદલે ભલે શબ્દ બોલવાથી મંગળ થતું હોય છે. સવારમાં ગુડ મોર્નિંગ કહેવાને બદલે વિમલશ્રી સુપ્રભાતમ્ નો શબ્દ એકવાર વાપરીને બોલનાર અને સાંભળનારના જીવનમાં મંગળનો અખતરો કરી જોજો. કોઈના લગ્ન પ્રસંગે કે શુભ પ્રસંગે કોન્ગ્રેચ્યુલેશન્સ કે બેસતા વર્ષે હેપ્પી ન્યુયર કહેવાને બદલે મંગલ કામના શબ્દ બોલવાથી પણ અનેક મંગળો પ્રગટે છે અનેક પ્રકારના અનુમોદનાના પાપમાંથી બચી જવાય છે.

લેખક : અતુલકુમાર વ્રજલાલ શાહ, સીએ

TejGujarati