નોર્મલ ડિલિવરીનું બિલ ચૂકવીને રિષભ અને રીમા ઊભાં થયાં. વિદાય થતાં પહેલાં મીઠાઇનું એક મોટું બોક્સ ટેબલ પર મૂકીને બોલ્યા, ‘સાહેબ, બહુ પ્રેમથી મીઠાઇ આપીએ છીએ. જરૂર ખાજો અને અમારી દીકરી ઉપર આશીર્વાદ વરસાવજો.’ રીમાની આ પ્રથમ પ્રસૂતિ હતી. પુત્રીજન્મથી પતિ-પત્ની બંનેને ખરેખર ખૂબ આનંદ થયો હતો. એ લોકોના ગયાં પછી મેં બોક્સ ખોલ્યું. અંદર કાજુકતરી હતી. મેં એક પીસ મોંઢામાં મૂકી દીધો અને એની મીઠાશ મોંઢામાં ઘોળાય એટલી વારમાં લીલાબહેનને કહ્યું, ‘નેક્સ્ટ પેશન્ટ.’
લીલાબહેને હવે પછીના પેશન્ટને અંદર આવવા દેતાં પહેલાં ધીમા અવાજમાં મને માહિતી આપી, ‘સાહેબ, હવે જે આવે છે એ સાવ ગરીબ છે. થોડેક દૂર ફ્લેટ્સ બંધાય છે ત્યાં મજૂરી કરે છે. સાત મહિનાથી કામ બંધ છે. કમાણી પણ બંધ છે. બિલ્ડર થોડોઘણો પગાર આપે છે, એમાં આ લોકો એક ટંક જમે છે. હું ત્યાંથી પસાર થાઉં છું એટલે એમને ઓળખું છું. એ બાઇનું નામ સવિતા છે. એ મને ત્રણ દિવસથી પૂછતી હતી કે તમારા સાહેબની ફી કેટલી હોય છે. મેં એને કીધું કે હું સાહેબને વાત કરીશ. તારી પાસેથી ઓછા રૂપિયા લેશે. એમને મોકલું અંદર?’ મારી જીભ ઉપર કાજુકતરીની મીઠાશ પ્રસરેલી હતી. મેં કહી દીધું, ‘હા. એને મોકલી આપો. આપણે એક રૂપિયો પણ નહીં લઇએ.’ કોરોનાના મારથી જે મરી ગયા એ તો છૂટી ગયા, પણ જે જીવી ગયા છે એમની હાલત વર્ણવી ન જાય એવી છે. દર અઠવાડિયે પાંચ-સાત પેશન્ટ ફી લીધા વગર જોઇ લેવા પડે છે. આવું કરવામાં મને જરા પણ કચવાટ થતો નથી. ડોક્ટરો બીજું તો શું કરી શકવાના?
સવિતા અને એનો પતિ કન્સલ્ટિંગ રૂમમાં દાખલ થયાં. સાથે ત્રણેક વર્ષની એમની દીકરી હતી. સરકારી દવાખાનાથી ટેવાયેલા આ ગરીબ પતિ-પત્ની પ્રાઇવેટ ક્લિનિકમાં પગ મૂકતાંમાં જ સંકોચાઇ ગયાં. સોફામાં બેસવા માટે પૂરતી જગ્યા હોવા છતાં ઓછામાં ઓછી જગ્યા રોકાય એવી રીતે બેસી ગયાં. હું સવિતાનાં કેસપેપર લખવામાં ડૂબી ગયો. સવિતાની તકલીફ મોટી હતી, પણ સારવારથી મટી જાય એવી હતી. હું એની તપાસ અને એને આપવા માટેની ફ્રી સેમ્પલ્સની ટેબ્લેટ શોધવામાં વ્યસ્ત હતો. એ દરમિયાન મારી આંખના ખૂણામાંથી મને એમની ત્રણ વર્ષની દીકરીની હરકત જોવા મળી.
સામાન્ય રીતે નાનાં બાળકો ગોળમટોળ, ભરેલા ગાલવાળા અને ઊંચકી લેવાનું મન થાય તેવાં હોય છે, પણ આ ઢીંગલી એવી લાગતી ન હતી. ગંદું થીંગડાંવાળું ફ્રોક, ધૂળથી ખરડાયેલા હાથ-પગ, ઉઘાડા પગ, કુપોષણથી કરમાઇ ગયેલો ચહેરો, ઊપસી આવેલાં હાડકાં અને લોહીની ઊણપના લીધે ફિક્કી લાગતી આંખો. જેમને છેવાડાનો પરિવાર કહી શકે એવું આ ત્રણ જણાંનું કુટુંબ હતું. એ ઢીંગલી ગરીબની દીકરી હતી, પણ આખરે તો નાની બાળકી જ હતી ને? એને બાપડીને શિષ્ટાચારની કેટલી સમજ હોય? એ થોડી થોડી વારે મારા ટેબલ પાસે દોડી આવતી હતી અને ત્યાં પડેલા મીઠાઇનાં બોક્સને હાથ લગાડીને ચાલી જતી હતી. હું આ બધું જોતો હતો, પણ કંઇ બોલતો ન હતો. એની હિંમત ખૂલતી ગઇ. હવે એણે બોક્સનું ઢાંકણું ખોલવાનો પ્રયત્ન શરૂ કર્યો. ઢાંકણું ઊઘડી ગયું. કાજુકતરીનો ઢગલો જોઇને એ બાપડી ડઘાઇ ગઇ. એની આંખોમાં ઇચ્છા તરી આવી. એનો બાપ એનો હાથ પકડીને ખેંચવા લાગ્યો. મેં એને અટકાવ્યો. બોક્સમાંથી કાજુકતરીનું એક ચકતું ઉઠાવીને એ દીકરીના હાથમાં મૂકી દીધું. એ મારી સામે જોઇ રહી. મેં કહ્યું, ‘બેટા, એ ખાઇ લે. એ તારા માટે જ છે.’ તો પણ એ ઊભી રહી. મેં એના બાપને પૂછ્યું, ‘આ કેમ ખાતી નથી? મારાથી ડરતી હોય એવું લાગે છે. તમે એને સમજાવો તો જ એ ખાશે.’
સવજીનો અવાજ રૂંધાઇ ગયો. એ માંડ માંડ આટલું બોલી શક્યો, ‘સાહેબ, અમારા છોકરા કોઇથીયે ડરે નહીં. મારી દીકરી એટલા માટે નથી ખાતી કે એને ખબર નથી કે આ શું છે? એની વાત જવા દો. અમે પણ આજે પહેલી વાર…’ સવજીના આંસુઓ એના અવાજને ગળી ગયા. સાચું કહું છું કે હું આખેઆખો ધ્રૂજી ગયો હતો. આવાં દૃશ્યો મેં જિંદગીમાં અનેક વાર જોયા છે, પણ આ દૃશ્ય કંઇક જુદું હતું. ત્રણ વર્ષનું બાળ-હાડપિંજર કંઇક દિવસોની ક્ષુધા સંઘરીને ઊભું હતું, એના હાથમાં બ્રાન્ડેડ મીઠાઇ હતી અને એને ખબર ન હતી કે આનું શું કરવું? મારી બુદ્ધિ કામ કરતી અટકી ગઇ. હૃદયમાં એક જોરદાર ઉછાળ આવ્યો અને મેં કાજુકતરીનું આખું બોક્સ સવજીના હાથમાં પકડાવી દીધું. મારે વધારે રડવું ન હતું માટે મેં તરત જ એમને રવાના કરી દીધાં. સ્ટાફને કહ્યું, ‘નેકસ્ટ પેશન્ટ.’ અને હું મોબાઇલ પર એક નંબર જોડવા લાગ્યો. મારા એક ડોક્ટરમિત્રની સાથે મેં વાત શરૂ કરી. હમણાં જ બની ગયેલી ઘટનાનું વર્ણન કરીને મેં એને કહ્યું, ‘આ વર્ષે વધુ કંઇ નથી કરવું. પાંચ હજાર રૂપિયા મારા અને પાંચ હજાર રૂપિયા તારા ગણી લઉં છું. વધારે નહીં તો પચાસેક છેવાડાના પરિવારોમાં મીઠાઇ વહેંચીશું.’ આ વાત ચાલતી હતી ત્યારે એક શીખ કપલ આવીને ગોઠવાઇ ગયું હતું. હું એમને કંઇ પૂછું તે પહેલાં સરદારજીની પત્નીએ એના પતિને કોણીનો ઠોસો મારીને પંજાબી ભાષામાં કશુંક કહ્યું. દાઢી, મૂંછ અને પાઘડીમાં સિંહની જેવા શોભતા એક કરડા પુરુષના ગળામાંથી કૂણો અવાજ નીકળ્યો, ‘સા’બ, હમને આપ કી બાત સુન લી હૈ. હર સાલ દિવાલી પર અમૃતસર જાતે હૈ. ઇસ સાલ નહીં જા પાયેંગે.’ આટલું કહીને તેણે ખિસ્સામાંથી કરન્સી નોટોથી ફૂલેલું પાકીટ બહાર કાઢ્યું. અંદરથી ડ્રાઇવિંગ લાઇસન્સ અને બીજા બે-ત્રણ કાર્ડ્સ રાખી લીધાં અને પાકીટ ટેબલ પર મૂકી દીધું. પછી એણે કહ્યું, ‘દાક્તરસા’બ, અબ મેરે પાસ ઇક રૂપયા ભી નહીં હૈ. આપ કી ફીસ અગલી બાર આયેંગે તબ ચુકાયેંગે.’ શીખ રેજિમેન્ટ શત્રુઓને મારે છે, એ તો હું જાણતો હતો, પણ આજે એક સોલ્જરની બનેલી આ શીખ રેજિમેન્ટે મને ઘાયલ કરી દીધો.
શીખ કપલ ગયું અને સિંધી કપલ આવ્યું. એકાદ વર્ષ પહેલાં જ કરાચી છોડીને પિશુમલ પંજવાણી પોતાની પત્ની અને બાળકોને લઇને કાયમ માટે ભારતમાં આવી ગયા હતા. મારી પાસે નિયમિતપણે સારવાર માટે આવતા હતા. એક મહિના પહેલાં જ મેં વિમલા પંજવાણીનું ઓપરેશન કર્યું હતું. બિલ ચૂકવતી વખતે પિશુમલે ભારે ચીકાશ કરી હતી. બિલની રકમમાંથી વીસ હજાર બાકી રાખીને ગયા હતા. આજે મેં કડક અવાજમાં ઉઘરાણી કરવાનું શરૂ કર્યું, ‘ઐસા નહીં ચલેગા. થોડા મૈં માફ કરતા હૂં. થોડા આપ દે દો.’
પિશુમલે 500-500ની સીલબંધ થોકડી ટેબલ પર મૂકી દીધી. મને આશ્ચર્ય થયું કારણ કે થોકડી તો પચાસ હજાર રૂપિયાની હતી. હું કંઇ પૂછું એ પહેલાં પિશુમલ બોલી ઊઠ્યા, ‘રખ લો, સા’બ. ના મત બોલના. મૈં તો ઘર સે નિકલા તબ પક્કા ઠાનકર નિકલા થા કિ આપ કો પાંચ હઝાર સે જ્યાદા ઇક પૈસા નહીં દૂંગા. યહ રૂપૈયે તો બિઝનેસ કે લિયે પાસ મેં રખ્ખે થે, લેકિન અભી અભી વો સરદારજી કો બાહર નીકલતે હુએ દેખા. ઉનકી આંખોં મેં આંસુ થે. જિંદગી મેં પહલી બાર મૈને શેર કો રોતે હુએ દેખા. વજહ પૂછી તબ ઉસને બતાયા. આપ તો કબ હમેં ઐસી બાતેં બતાતે હો?’ એ પછી હું મારા લેણા રૂપિયાની નરમ ઉઘરાણી પણ કરી ન શક્યો. પિશુમલ પચાસ હજાર આપી ગયો અને મારી આંખમાંથી પાંચ લાખના આંસુ ખેરવી ગયો.
એ સાંજનો દોઢેક કલાકનો સમય કાજુકતરી કરતાં પણ વધારે મીઠો બની ગયો. લોગ આતે ગએ, કારવાં બનતા ગયા. ફંડ વધતું ગયું એટલે મારી યોજના પણ વિસ્તરતી ગઇ. પચાસ પરિવારોને બદલે દૂર દૂરના અભાવગગ્રસ્ત વિસ્તારોમાં (વનવાસી, અગરિયાઓ, ખારા પાટ વિસ્તારમાં રહેતા ગરીબ લોકો અને મજૂર વર્ગ) આ બધા માટે માત્ર મીઠાઇ વિતરણનું કામ જ નહીં, કોરોના સામે એમની ઇમ્યુનિટી વધે તેવાં ધાન્યો, કઠોળ, મિલ્ક પાઉડર અને શરીરશુદ્ધિ માટે સાબુ, નેપ્કિન્સ અને ટોવેલ્સની વહેંચણી કરવાનું વિચારી રહ્યા છીએ. જેમની પાસે આંખો છે, એ આંખોમાં ભીનાશ છે, જેમની પાસે પરાયા લોકો માટે લાગણીથી ધબકતું હૃદય છે, જેમનું ખિસ્સું ભરેલું છે અને એમાં થોડાક રૂપિયા ગરીબો માટે પણ છે એમને મારે આટલું જ કહેવાનું છે કે : ‘પુણ્ય કમાવા માટેની બુકિંગ વિન્ડો હજી ખુલ્લી છે.’