*ફરી કુદરતના ખોળે*? (Non-Fiction) *લેખક: જગત કીનખાબવાલા (સ્પેરો મેન)* *ભાગો ને ભગાડો: ખતરનાક કબૂતર*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન લાઇફ સ્ટાઇલ સમાચાર

04/12/2020

?આસપાસમાં પીંછાવાળા પંખીડાઓ ઉડતા હોય અને તેમને ઊડતાં જોઈ મનમાં આનંદની લહેરખીઓ ઉડે જે સર્વવિદિત છે. આનંદ માટે, બીજાને જોઈને અનુકરણ, જીવદયા અને પુણ્ય કમાવા માટે હવે ઠેર ઠેર અને ચોરે અને ચૌટે પક્ષીને ચણ નાખવામાં આવે છે. ગામડે ગામડે ચાર કે પાંચ માળ ઊંચા પંખી ઘર પણ બનવા માંડ્યા છે. ક્યારેક જ્યોતિષ પણ લોકોને ભરમાવે કે પક્ષીને ચણ નાખો અને પુણ્ય કમાઓ અને માણસ સમજ્યા વિના કહેલું કરવા આંધળી ડોટ મૂકી દે છે. *પ્રકૃતિની રચનામાં દરેક જીવ માટે જરૂરી દરેક પ્રકારની જરૂરિયાત દરેકે દરેક જગ્યાએ કુદરતે વ્યવસ્થા કરેલીજ છે.* માનવ જાત સહુથી વધારે બુદ્ધિશાળી જીવ છે અને જે છે તેનાથી પોતાને વધારે હોંશીયાર માને છે. દરેક માણસની હોંશીયારી બધા વિષયમાં નથી હોતી અને માટે સમજ્યા વિના સારું કરવા જતાં ઘણું નુકસાનકારક વર્તન કરી બેસે છે, જે પોતે, ઉપરાંત નજીકના અને દૂરનાં બધા ભોગવે છે. આવા અગણિત દાખલા આપી શકાય તેમ છે.

*કબૂતરને ચણ એ પણ આવો એક પ્રકાર છે અને દરેકે દરેક શહેર અને ગામડામાં લોકો હોંશે હોંશે દર ચાર રસ્તે અને ચોરેને ચૌટે બધે નાખે છે. રોડની ફૂટપાથ ઉપર આનંદથી કબૂતર ચણ અકરાંતિયાની જેમ ખાધાજ કરે છે અને પાસે હવે ફેરિયાઓ એક ધંધો કરવા માટે ખુમચા લઇ ઉભા રહી જાય છે.* તેની સાથે તેમને પીવાનાં પાણીનું કુંડુ પણ હોય તેટલે કબૂતરોના ઝુંડને તો મોજ જ મોજ. તેઓ વિના મહેનતે વધારે ખોરાક નજીકમાં મળી જવાથી તેમજ સુદૃઢ પાચનશક્તિ હોવાનાં કારણે વધારે તંદુરસ્ત રહી વધારે સઁખ્યામાં બચ્ચા મૂકી શકે છે. હાલના પક્ષીઓ નામશેષ થવાના અને તેમની સંખ્યા ઘટવાનો પ્રશ્ન તેમને નથી નદી રહ્યો કારણકે પ્રવર્તમાન વાતાવરણમાં તેઓ અનુકૂળતા કેળવી લે છે. સાથે સાથે તેમની બિલાડી વગેરેથી સલામતી માટે મ્યુનીસિપલ કોર્પોરેશન દ્વારા જાળી પણ ફિટ કરી દીધી હોય છે તે બીજો ધંધો. આવી દરેક જગ્યાએ તેઓ નિશ્ચિંતે ખાધા કરે છે. રે પંખીડા સુખેથી ચણજો…….. તેઓ એટલા જોરાવર હોય છે કે બીજા પક્ષીઓને ખાવા પણ નથી દેતાં. દરેક શહેરમાં તેમની સંખ્યા ખુબ ઝડપથી વધી રહી છે અને આ પ્રશ્ન લગભગ આખા વિશ્વમાં પ્રસરી રહ્યો છે.

કુદરતની વ્યવસ્થામાં કોઈ પણ જીવ માટે કોઈએ પણ દાણાં પાણીની વ્યવસ્થા કરવાની જરૂરત નથી. પરંતુ વિકાસની સાથે બીજા જીવો માટે હવે વનરાજી, વૃક્ષ, પાણી, ખોરાક અને માળા બનાવવાની જગ્યાઓ રહી નથી અને ધીરેધીરે ભૌતિક વિકાસ કુદરતની વિરુદ્ધ જઈ માનવ માટે સ્વકેન્દ્રીત થઇ રહ્યો છે. તે સંજોગોમાં કબૂતર પોતાનાં ઈંડા મુકવા માટે લોકોના ઘર, વરંડા અને બાલકની સુધી પહોંચી ગયા છે. એસી મશીનની બખોલ, બાલકનીમાં મૂકેલાં છોડના કુંડા અને ફર્નિચરનાં ખુણા તેમના માટે આદર્શ જગ્યા બની ગયા છે. હવે ઈંડા મૂકી દીધા છે માટે તેને ફેંકી નહિ દો અને બચ્ચા ઉડી ન જાય ત્યાં સુધી છોડને પાણી નહિ આપો, ભલેને છોડ મરે. *આ કારણે તેનાં લીધે માણસે ત્રીજો એક નવો ધંધો વિકસાવી દીધો,* બાલ્કનીમાં કબૂતર ન આવે માટે પિજિયન નેટ/ કબુતરની જાળી નાખી દો અને જેમને પસંદ નથી તેમજ કબુતરની લાવેલી ડાળીઓ અને અઘારથી થતી ગંદકી પસંદ નથી તેમને માટે જાળી નાખી તેમને આવતાં રોકો. હવે પતરા તેમજ પાળી ઉપરના બેસે માટે માટે બર્ડસ્પાઇકનો/ પ્લાસ્ટિકના કબુતર ના બેસે તેવા કાંટા એ મોટો ચોથો ધંધો

*પરંતુ કબૂતર માટે આટલો ઉકળાટ કેમ!*

કબૂતર માટે કકળાટ નથી પણ બેસમજ માનવી વિષે ચોક્કસ કચવાટ સાથે રજૂઆત કરવી પડે છે. આંધળું અનુકરણ એ ભારે પડે તેવા પ્રશ્નો ઉભા કરી દીધા છે. કેટલા લોકો આવી પ્રવુતિ સમજીને કરે છે? પોતાની જાતને નુકશાનમાં મૂકીને પોતાના નાના બાળકોને અને સમાજને પણ અપાર મુશ્કેલીમાં મૂકી દે છે. છેલ્લા ઘણા વર્ષોથી રોજ નિતનવા રોગ નીકળી આવે છે. ઘણાં રોગ બહુ મોટું નુકસાન કરી દે અને જીવને ખતરામાં નાખી તે તેવા જોખમી રોગ છે. આવી વૈજ્ઞાનિક શોધખોળ જનસમુદાય સુધી પહોંચે તે લગભગ થતું નથી હોતું અને લોકો આંધળુકિયા કરતાજ રહે છે.

*થોડા વર્ષોમાં એક નવો ખતરનાક રોગ બહાર નીકળી આવ્યો છે જેનું નામ છે પિજિયન બગ/ Pegion Bug.* ફેફસાને અસર કરતા આ રોગની તીવ્રતા ભારે છે અને તેનાથી ખાસ કરીને નાના ભૂલકા અને વૃદ્ધ લોકો વહેલાં ઝપટમાં આવી જાય છે અને જેના ફેફસાં નબળાં હોય કે અસ્થમા જેવી શ્વાસની બીમારી હોય તેમને માટે જીવલેણ નીવડે છે. આ રોગનો કોઈ ઈલાજ નથી શોધાયો અને આર્થિક અને શારીરિક રીતે ન પોશાય તો પણ ફેફસાં બદલવા/ ટ્રાન્સપ્લાન્ટ કરવા પડે છે અને કમનસીબે બધું વેઠીને છેવટે ફેફસાં બદલીને પણ માણસ લાંબુ જીવી શકતો નથી. allergen / ક્રિયાત્મક માઠી/ વિશિષ્ટ વિકારવશના વાળી નકારાત્મક અસર પહોંચે છે અને શ્વાસના રોગ ધીરેધીરે ભરડો લઈલે છે જે જીવલેણ નીવડે છે. (youtube વૈજ્ઞાનિક કારણો અને દર્દીની વાતનો વિડિઓ છે અને સાથે છાપામાં છપાયેલ લેખ છે).

હવાનું પ્રદુષણ ભારે નુકસાન કરે છે અને તેવી રીતે કબુતરની અઘારના લીધે તેમાં આથો ચઢી હવામાં જે ગેસ ફેલાય છે તે પણ ભાઈ નુકશાન કરે છે. તે *ગેસ શ્વાશમાં જતાં તકલીફ ઉભી થાય છે તેમ ફેફસાનાં રોગોના સર્વે નિષણાંત ડૉક્ટરનું કહેવું છે જે પાંચમો ધંધો વિકાસ પામી રહ્યો છે.* આ રોગ ૨૦૦૯થી ઉભરી આવ્યો છે અને તે પછી પણ લોકો સુધી સમજ નથી પહોંચતી માટે લોકો બિંદાસ્ત વર્તી રહયા છે. ફેફસાં બદલ્યા પછી પણ તે ઓપેરશન લાંબા સમય સુધી સફળ નથી રહયા અને લોકે જીવ ગુમાવી બેઠા છે. આટલા વર્ષોમાં હજુ સુધી લાંબો સમય કોઈ દર્દી જીવી શક્યા હોય તેવો કોઈ કેસ બહાર નથી આવ્યો તે અનુકંપા ઉપજાવનાર સત્ય છે. તેનાથી ફેફસાંની નળીઓ થકી શરીરના અંગોને લોહી પહોંચવામાં તકલીફ ઉભી થાય છે જેનાથી શરીરની લોહીના ભ્રમણની પ્રક્રિયા ખોરવાઈ જાય છે, લોહીની નળીકાઓ/ પેશીઓ સંકોચાઈને સ્થિતિસ્થાપકતા ગુમાવી કાર્ડબોર્ડ જેવી કડક થઇ જાય છે. શરૂઆત સતત સૂકા કફથી થાય છે અને ફેફસાની કાર્યક્ષમતા ધીરેધીરે ઘટતી જાય છે. જે લોકો બચી જાય છે તે જીવન ભરની માંદગી લઈને પીડાદાયક અને પાંગળું જીવન જીવે છે. આજકાલ વધારે ને વધારે લોકો હવે આ પીડા અનુભવી રહયા છે તેમજ રોગીઓ વધી રહ્યા છે.

જો કોઈ એમ માને કે બહારની બાજુ કબૂતરે માળો બનાવ્યો છે અને અમને અંદર સુધી તેનાં નુકશાન કારક ગેસ નથી પહોંચતા અથવા અમે એરકન્ડિશનની હવા લઈએ છીએ માટે સલામત છીએ તો તે મહામોટી ભૂલ છે. ઊડતાં કબૂતરની પાંખોમાં ચોંટેલા antigens / દોષિત તત્વો હવામાં ફેલાય છે અને સર્વત્ર ફેલાવે છે. આમ દૂરદૂર સુધી આવા વિષાણું ફેલાય છે જે જે કોઈના શ્વાશમાં જાય છે તેને નુકશાન પહોંચાડે છે જેમાં તેમને ખવડાવનાર અને નિર્દોષ લોકો પણ ઝપટમાં આવી જાય છે, કરે કોઈ અને ભોગવે કોઈ. અબુધ, અજ્ઞાન અને અર્ધજ્ઞાનેશ્વર લોકો શું કરી રહયા છે તેની સમજ આ બુદ્ધિશાળી માનવ જીવમાં નથી……….આમાં ભોળા પારેવડાંનો કોઈ વાંક નથી! આંગળી આપીને વેઢો કાપવાની વાત છે, પુણ્ય કમાવા નીકળીને પોતાનાં અને બીજાના જીવન સાથે બેસમજ રમત રમવાની વાત છે. આ એક મોટી પીડા છે. સાચેજ માનવી માનવ થાય તો ઘણું.

*જીવન ભુલ્યો*

*પ્રભુને મળવાને*

*ધૂપ કે ધુમાડો*

*હાઈકુ: જગત.કીનખાબવાલા*

*આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ.*

*સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો*

*Love – Learn – Conserve*

————————-

TejGujarati