કેટકેટલી રમતોથી સમૃદ્ધ હતું બાળપણ. આના સમૃદ્ધ બાળપણથી જ આ જીવન રળિયાત છે એમ કહેવું ખોટું નથી. – પૂજન મજમુદાર.

ગુજરાત ભારત સમાચાર

મિત્રો,
સાવ સીધું સાદું બચપણ કેટલું જલ્દી વીતી જાય છે અને કહેવાતી સમજણ આવ્યા પછી આપણે એ દિવસોને માત્ર યાદ કરી શકવા સિવાય બીજું કાંઈ કરી શકતાં નથી.
આપણા દરેકના જીવનના ભાથામાં બાળપણની અમૂલ્ય યાદો સચલાવેલી હોય છે. ખાસ કરીને નાના ગામ કે ગામડામાં પસાર થયેલું બાળપણ વધુ રોચક હોય છે કારણકે નિર્દોષતા અને માટીની મહેંક એની સાથે જોડાયેલ હોય છે.
નાનપણના એ મસ્તીભર્યા દિવસો, લંગોટિયા મિત્રો સાથે વિતાવેલા સવાર અને સાંજ, મહોલ્લામાં પકડદાવ અને રખડપટ્ટી ના સંભારણાં, નાના થડ પકડીને ઝાડ પર ચડી બતાવવાની શરતો, તળાવમાં કપડાં ફગાવીને બિન્ધાસ્ત મારેલા ધુબાકા, ખભે હાથ મૂકીને મિત્રના શર્ટના ખિસ્સામાંથી સરકાવી લીધેલાં સિંગચણા અને એકબીજાની થાળીમાંથી ખૂંચવી લીધેલાં કોળિયા, આવી અમૂલ્ય યાદોના સહારે જીવન આસાનીથી વીતી જતું હોય છે.
નાની નાની વાતોમાં ઝઘડીને ફરી ભેગા થવાની મઝા તો એ પાત્રોને જ ખબર હોય. લખોટી, ગિલ્લી દંડા, પત્તાં, નાગોળચું, બોલ બેટ, થપ્પો, સાંકળ સાત તાળી, માલ દડી, ભમરડા, નવો વેપાર…કેટકેટલી રમતોથી સમૃદ્ધ હતું બાળપણ.
આના સમૃદ્ધ બાળપણથી જ આ જીવન રળિયાત છે એમ કહેવું ખોટું નથી, અને આશા રાખું છું કે દરેકની અંદર એ બાળક સદા સજીવન રહે, જીવનપર્યંત.
આભાર,
પૂજન મજમુદાર.

TejGujarati