પડ્યો શાળાનો ઘંટ પછી તો આવી પગને પાંખો પેન્સિલ રબર સંચો પટ્ટી સઘળું થેલે નાંખો દોડાદોડી કરતાં જાણે આવી પગને પાંખો જુઓને આવી પગને પાંખો. – પૂજન મજમુદાર.

સમાચાર

પડ્યો શાળાનો ઘંટ પછી તો આવી પગને પાંખો

પેન્સિલ રબર સંચો પટ્ટી સઘળું થેલે નાંખો

દોડાદોડી કરતાં જાણે આવી પગને પાંખો

જુઓને આવી પગને પાંખો

ગણવેશ ને દફતર ફગાવી જઇ પહોંચ્યો હું રમવા

સૂરીયો બકલો કનિયો પક્લો આવી ગયા છે ભમવા

ઉત્સવ જેવા મોઢાં સૌના દીવડા જેવી આંખો

જુઓને આવી પગને પાંખો

હારે હારે રમતાં રમતાં સુરજ માંડ્યો નમવા

થોડીવારે મા પોકારે આવી જા હવે જમવા

સૌને કહીને ચાલ્યો હવે કાલ પર બાકી રાખો

જુઓને આવી પગને પાંખો

બચપણનો બહુમૂલ્ય ખજાનો લાગ્યો’ તો બહુ ગમવા

મોટા થવાની ઈચ્છાઓ પણ લાગી ગઈ’ તી શમવા

આજ હવે જૂની યાદોને હળવે હળવે ચાખો

જુઓને આવી પગને પાંખો

પૂજન મજમુદાર ૨૯/૧૧/૨૦૨૦

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •